Laughing Zone

ટ્રમ્પ ની અમદાવાદ મુલાકાતની તૈયારી

ડોનાલ્ડ ટ્રમ્પ – મેલેનિયા પેકિંગ થઈ ગયું? ત્રણ દિવસથી બેઠી છે પેકીંગ કરવા, હજુ પાર નથી આયો..ઈન્ડિયા જવાનું નામ સાંભળ્યુ ત્યારથી ખબર હતી આના બિસ્તરા પોટલા ઝાઝા હશે એમાંય પાછુ અમદાવાદ જવાનું છે!

મેલેનિયા ટ્રમ્પ – હા હવે બસ પતવા આવ્યુ આ થોડા તમારા માટે ઝભ્ભા લેંઘા સીવડાવવા આપ્યા હતા એ છેક આજે આવ્યા બસ એ મૂકી ને બંઘ જ કરુ છું બિસ્તરા.

ડોનાલ્ડ ટ્રમ્પ- ઝભ્ભા લેંઘા ?

મેલેનિયા ટ્રમ્પ -હાસ્તો! તમને તો એય મારે સમજાવાનું કે ત્યાં અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ રાખ્યો છે મોદી સાહેબે તો એમની સામે તમારોયે વટ પડવો જોઈએ કે નહિ..અને હા જો સાહેબ તમને કેડિયું પહેરવાનું કે તો નખરા ના કરતા છાનાંમાનાં પેરી લેજો, તમારો વટ પડશે કેડિયામાં મારા ડોનાલ્ડ ડક.

ડોનાલ્ડ ટ્રમ્પ- તારું કશું લીઘું કે ખાલી મારો જ સામાન લીઘો છે?

મેલેનિયા ટ્રમ્પ -મારી તો વાત જ ના કરો મેં બધુ કામ આપણા જોન ને સોંપ્યુ છે. તમે એને મોકલ્યો છે ને અમદાવાદ અઠવાડિયા પહેલા એને બધી મારી ખરીદીનું કામ સોંપી દીઘુ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ – હેં! શું કીધું? જોન ને? એ મારી માં, એ સિક્રેટ સર્વિસનો માણસ છે એને ત્યાં આપણી સુરક્ષા જોવા મોકલ્યો છે તારી ખરીદી કરવા નહિં.

મેલેનિયા ટ્રમ્પ- હા હવે ખબર છે એ તો લાવે કાંઈ નવાઈ કરે છે? વિશ્વની મહાસત્તાની ફસ્ટ લેડી છું હું. જોન ને ફોન તો કરો હું પૂછી લઉં મારી ખરીદી કેટલે પહોંચી?

ડોનાલ્ડ ટ્રમ્પ – બસ હવે આજ કામ બાકી રહ્યું છે, લે ફોન રીંગ જાય છે..

મેલેનિયા ટ્રમ્પ -હેલ્લો જોન

સામે ફોનમાં જોન – જય શ્રી કૃષ્ણ બેન

મેલેનિયા ટ્રમ્પ – અલ્યા જોન તુ તો પાક્કો ગુજરાતી થઈ ગયો અઠવાડિયામાં.

જોન – બેન વાત જ જવા દો અહિંયાનુ માણસ ખૂબ માયાળુ, મોજ પડી ગઈ છે મોજ..આ જુઓ અત્યારે અહિયા ઈસ્કોનનાં ગાંઠીયા ઝાપટીએ છીએ..

મેલેનિયા ટ્રમ્પ -હા એ બઘું બરાબર મેં તને સોંપેલુ કામ કેટલે પહોંચ્યુ ?

જોન – કાલે જ ગયો તો બેન ઈન્દુબેન ખાખરા વાળા ને ત્યાં ત્યાંથી તમારા મનપસંદ મેથી ના ખાખરા અને ફરસીપૂરી પેક કરાવી લીધી છે..બેરન સાહેબ માટે સીંગ ચણા અને સાહેબ માટે હાજમાહજમની ગોળીઓ પણ લઈ લીધી છે..બેન તમે માનશો નહિ અહિંયા એવા એવા વેરાયટીના ખાખરા મળે છે કે ન પૂછો વાત તમે પીઝા ખાખરા સાંભળ્યા છે?

મેલેનિયા ટ્રમ્પ- પીઝા ખાખરા ?

જોન- હા તમે અહિં આવો તો ખરા ત્યાં સુધી તો અહિંયા ટ્રમ્પ ખાખરા અને મેલેનિયા બાંઘણી પણ મળતી થઈ જશે

મેલેનિયા ટ્રમ્પ- હા હા હા, માર્કેટીંગમાં ગુજરાતીને કોઈ ના પહોંચે, બાંઘણીથી યાદ આવ્યું , મેં તને લો ગાર્ડનથી ચણીયા ચોરી લાવવાનુ કહ્યુ લઈ આવ્યો?

જોન- હા બેન તમારી અને તમારી બેનપણીયું માટે ટોટલ ૧૦ ચણીયાચોળી પેક કરાવી દીઘી છે.

મેલેનિયા ટ્રમ્પ- અને હા પેલી ચિબાવલી ઈવાન્કા માટે પણ એકાદ લઈ રાખજે નહિતર તારા સાહેબ કકળાટ કરશે. અને મારા લાડકા બેરન માટે સરસ મજાનું કેડિયું લેવાનું ભૂલતો નહિ.

જોન – એ હા બેન

મેલેનિયા ટ્રમ્પ- અને હા તલોદનાં મીક્ષ ભજીયાનું અને ખમણનું ખીરાનું પેકેટ લેવાનું ભૂલતો નહિ, ગયા વખતે મોદી સાહેબે તારા સાહેબને જયારથી ખમણ ખવડાવ્યા છે ત્યારથી મારી પાછળ પડ્યા છે કે હું ખમણ બનાવતી નથી ઘરે..એક તો વળી એમને ચણાનો લોટ પચતો નથી ને ખમણ ખાવા છે બોલ…તુ તાર એક બે પેકેટ લઈ રાખજેને એટલે આમનો કકળાટ ઓછો થાય..

જોન – એ હા બેન અને વ્હાઈટ હાઉસ માટે સોફાના અને તકિયા ના કવર અને પડદાનાં કાપડ માટે એક દુકાન જોઈ રાખી છે તમે આવો એટલે એક આંટો મારી લઈશું

મેલેનિયા ટ્રમ્પ- એ હા અને હા જોન તારા સાહેબ માટે લુંગી મળી?

જોન – ના બેન એ તમે જ આવીને નક્કી કરજો એમને નાટક બહુ, તમે જાતે સિલેક્ટ કરજો

મેલેનિયા ટ્રમ્પ- સારુ ચાલ મૂકું અને જોન ક્યાંય મહા-શિવરાત્રી ની ભાંગ પડી હોય તો મારા માટે કવાર્ટર રાખજે,તારા સાહેબ ને દેતો નહીં,વધારે ગાંડા કાઢશે,
જય શ્રી કૃષ્ણ

જોન – એ હા બેન જય શ્રી કૃષ્ણ

મેલેનિયા ટ્રમ્પ- ક્યાં જતા રહ્યા પાછા આ …એ બેરન બોલાવતો તારા પપ્પા ને

ડોનાલ્ડ ટ્રમ્પ – આ રહ્યો બોલ મંગાવી લીધુ બધુ તારું ?

મેલેનિયા ટ્રમ્પ- હા હવે સાંભળો મારી વાત ધ્યાન થી ત્યાં સ્ટેડિયમ પર સાહેબ તમને ગરબા રમાડે તો મને ય ઈશારો કરીને સ્ટેજ પર બોલાવજો નહિંતર તમારી ખેર નથી..મેં જોન જોડે ચણિયાચોળી મંગાવી લીધી છે અને અઠવાડિયાથી હિંચ શીખું છું..એ લીલી લેમડી રે ….લીલો નાગર વેલ નો છોડ…

ડોનાલ્ડ ટ્રમ્પ- આતો અહિંયા મચી પડી, ઓ મારી માં શાંતિ રાખ હજુ અમદાવાદ જવા દે પછી લેજે હિંચ

મેલેનિયા ટ્રમ્પ- અને હા પેલુ યાદ છે ને? જો ત્યાં ના લઈ ગયા તો તમારું આવી બન્યું સમજજો

ડોનાલ્ડ ટ્રમ્પ- હા મારી માં યાદ છે, મારે તને માણેકચોક લઈ જવાની છે, કાલે મારા સિક્રેટ સર્વિસના માણસો ત્યાં ગયા તા પણ કે છે સાહેબ જગ્યા બહુ નાની છે આપણી બીસ્ટ જશે નહિં ત્યાં..

મેલેનિયા ટ્રમ્પ- હા તો મૂકો પડતી બીસ્ટ ને , રીક્ષામાં જઈશું પણ માણેકચોક તો જઈશ જ હું સાંભળ્યુ તમે?

ડોનાલ્ડ ટ્રમ્પ- હા મારી મા, (મનમાં) મોદી સાહેબને કહી દઉ કે હું એકલો આવું તો નહિ ચાલે?

મેલેનિયા ટ્રમ્પ- શું બોલ્યા મનમાં? મને બઘુ સંભળાય છે હોં બહુ હોંશિયારી તો કરતા જ નહિ.

ડોનાલ્ડ ટ્રમ્પ- હા હવે… ગોડ સેવ માય ટ્રીપ 

*******

Source: WhatsApp Forward

Categories: Laughing Zone

Tagged as:

Leave a Reply