( ગાલગા ગાલગા ગાલગા ગાલગા)
પ્રેમમાં સાથ તારો મને આપજે
જિંદગીભર સહારો મને આપજે
આકરા સૌ પ્રહારો મને આપજે,
ઝીલવા એકતારો મને આપજે,
ના અપેક્ષિત હશે ચીજ વસ્તુ કોઈ,
લાગણીમાં વધારો મને આપજે,
જે નસીબે નથી ખેવના ના કરું,
કલ્પનામાં નજારો મને આપજે,
છું હું પથ્થર છતાં પ્રાણની ઝંખના,
તું ચરણ સ્પર્શ તારો મને આપજે,
ભૂલ થાશે ઘણી માનવી તુચ્છ છું,
એ નિવારું સુધારો મને આપજે,
આંગણે ઉર રહું આશ મારી ઘણી,
પ્રેમથી આવકારો મને આપજે,
હાથમાં જેમના શ્વાસ છેલ્લા ભરું,
જીવવા સાથ પ્યારો મને આપજે.
–પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat