Dr. Vishnu M. Prajapati

વેલેન્ટાઇનની વેદના

વેલેન્ટાઇન ડેની સવારે જ વાસંતીને વારેવારે અરીસામાં નીરખવાનું મન થતું હતુ.

વાસંતી એટલે વસંતઋતુનું જ જાણે પ્રતિબિંબ…! તેના ચહેરાની જ નહી પણ આખાય શરીરના અંગોપાંગની સુંદરતા દરેકની આંખોમાં વસી જાય તેવી હતી. તેનો જન્મ વસંતપંચમીના દિવસે જ થયેલો એટલે તેનું નામ વાસંતી રાખેલું…!

વસંતપંચમી એટલે શિક્ષણની દેવી માં સરસ્વતીનો જન્મોત્સવ અને તેમની પૂજા આરાધનાનો દિવસ…! જો કે કોલેજીયનોને વસંતપંચમી ભાગ્યે જ કોઇને યાદ હોય છે પણ વેલેન્ટાઇન ડે તો ભાગ્યે જ કોઇ ભૂલ્યુ હોય…!

વેલેન્ટાઇન ડે આવે એટલે વાસંતીને કેટકેટલાય પ્રપોઝ કરવા લાઇન લગાવે. કોલેજમાં તો કેટલાય દેવદાસ થઇ ગયા પણ વાસંતીએ ક્યારેય કોઇને મચક નહોતી આપી.

વાસંતીને આમ અરીસામાં ઉભી રહેલી જોઇ તેની મમ્મીએ કહ્યું. ‘તારી અને મયુરની જોડી કાન-ગોપી જેવી લાગશે…!’

મમ્મીના શબ્દો કાને પડતા જ વાસંતીના ચહેરા પર અણગમો ઉપસી આવ્યો. ‘કાનુડો કાળો કાળો… રાધા છે ગોરી ગોરી…!’ નું ગીત તેના હોઠ સુધી પહોંચી તો ગયુ પણ તેના શબ્દો રોકાઇ ગયા.

રાધા અને શ્યામ જેવી વાસંતી-મયુરની જોડી જોડવા પરિવારના સૌ આતુર હતા. વાસંતીએ મયુરને જોયેલો…! સ્વર્ગની સુંદરી સમી લાગતી વાસંતીને મયુર નહોતો જ ગમ્યો..!

‘મારી પડખે તો પેલો નખરાળો વાયરો જ શોભે…!’ વાસંતીના ચહેરા પર કોલેજના રમતિયાળ વાયરાનું સ્પંદન આવતા જ ફરી ગુલાબી બની ગયો. વાસંતીને ગમતો વાયરો એટલે તેનો કોલેજમિત્ર ઋતુ.

વાસંતીના છેલ્લા જન્મદિવસની પાર્ટીમાં ઋતુએ તેના ચહેરાને કેકથી બગાડી નાખ્યો હતો. ઋતુના થયેલા તે સ્પર્શથી વાસંતીની ઉછળતી ઉર્મિઓ પ્રેમમાં પલટાઇ ચુકી હતી..! વાસંતીનું મન પણ હવે ધીરે ધીરે પ્રેમનું ગુંજન કરવા અને તેની સાથે એકલતાની ક્ષણો માણવા તીવ્રતાથી ખેંચાઇ રહ્યું હતું.

ગમતું કોઇ મળે એટલે મન તેની પાછળ પાગલ થઇ જાય…! મનના મોરલાની આસપાસ ફરકવાની કે તેને ખબર ન પડે તેમ જોઇ લેવાની તીવ્ર ઇચ્છા હવે વાસંતી રોકી નહોતી શકતી. તેને તેના મનનો માણિગર મળી ગયો હતો. કોલેજના વસંતકાળમાં પ્રણયફાગ ખીલે અને તેની સુગંધ માણવાની મજા પણ કંઇક ઓર જ હોય છે…!. વસંત-ઋતુનો મળતો પ્રાશ પણ તેને અનેકવાર ગલીપચી કરીને જતો રહેતો..!

ઋતુ પણ તેની પ્રત્યે ખેંચાઇ રહ્યો હતો. વાસંતી ખૂબ ઋજુ અને સરળ, જ્યારે ઋતુ તેનાથી તદ્દન વિપરીત કઠોર, અલ્લડ અને ન સમજાય તેવો…! પણ જેમ લોહચુંબકના અસમાન ધ્રુવ વધુ આકર્ષાય તેમ આ અલગ અલગ વ્યક્તિત્વના બન્ને અસમાન ધ્રુવનું આકર્ષણ વધુ ને વધુ ગાઢ બની રહ્યું હતુ.

ઋતુ અને વાસંતી અનેકવાર મળી ચુક્યા હતા. બન્ને એકમેકની આંખોના ઝરતા પ્રેમમાં ભીંજાઈ પણ ગયા હતા…! જો કે હવે પ્રેમનો પ્રસ્તાવ કોણ પહેલા કરશે તેનો જ ઇંતજાર હતો.

આખરે એ દિવસ આવી ગયો જેની સૌ યુવાહૈયાઓ રાહ જોઈ રહ્યા હોય છે. વેલેન્ટાઈન ડેની સવાર સવારમાં જ વાસંતી તેના મનપસંદ પીળા રંગના ડ્રેસમાં સૂરજમુખીના ફૂલની જેમ નીખરી ઉઠી હતી. અરીસામાં કોઇ સંગેમરમરની પ્રતિમા હોય તેવી પોતાની કમનીય કાયા જોઇને વાસંતી થોડીવાર રોકાઇ ગઇ હતી.

કોલેજ પહોંચવાની ઉતાવળ હતી એટલે ઉછળતી ઉછળતી ઘરનો ઉંબરો ઓળંગે ત્યાં જ મમ્મીનો ફરીથી અવાજ સંભળાયો, ‘મયુર અને તેના મમ્મી પપ્પા આજે સાંજે ઘરે આવવાના છે… અમે તો લગભગ પાકું જ કરી લીધુ છે..! હવે તમે બંને નિરાંતે મળી લો એટલે અમારે પણ કોઇ ચિંતા નહી…!’

મમ્મીના શબ્દોથી જાણે વાસંતીની ઉડતી પાંખો અચાનક જ એક જ ઝાટકે કપાઈ ગઈ હોય તેમ તે જડવત ઉભી રહી ગઈ. વસંત ઋતુના ખુશનુમા સ્વપ્નો એકાએક જ વિખરાઈ ગયા અને હોઠ પર હજુ માંડ શરૂ થયેલું પ્રેમનું ગીત અદ્રશ્ય થઇ ગયું. નિ:શબ્દ બની વાસંતી કોલેજ પહોંચી. તેના મનમાં ઘમાસાણ યુધ્ધ ચાલી રહ્યું હતુ.

દર વેલેન્ટાઇન ડેની જેમ આ વખતે પણ વાસંતીને સવાર સવારમાં જ તેની કોલેજની બેંચ પર રાખેલા કેટલાક ગુલાબ, ગિફ્ટ અને તેની સાથે ચોંટાડેલી ચિઠ્ઠીઓ મળી.

વાસંતી એક પછી એક તે ચિઠ્ઠીઓમાં લખેલી શાયરીઓ અને તેની નીચે લખેલા નામો વાંચીને વાંચીને દૂર મુકી રહી હતી. તે સમયે તેની પાછળથી ‘એ તારી વિકેટ ગઇ…!’ ‘એ તુ પણ આઉટ…!’ જેવા અવાજો સંભળાઇ રહ્યા હતા.

ઋતુ ક્લાસમાં નહોતો અને તેને કોઇ ગિફ્ટ કે ગુલાબથી પ્રેમનો પ્રસ્તાવ મુક્યો નહોતો એટલે વાસંતી કોલેજ કેન્ટીન તરફ ચાલી.

ઋતુ ત્યાં જ હતો. વાસંતીને આવતા જોઇ તેને બાજુમાં બેસવા ઇશારો કર્યો.

થોડીવારમાં વાસંતીની ફેવરીટ કોફી ભરેલો મગ તેની સામે આવ્યો અને તેની ઉપર ચોકલેટ પાવડરથી લખ્યું હતુ, ‘હેપ્પી વેલેન્ટાઇન વાસંતી, આઇ લવ યુ….!’ ઋતુના આ અનોખા અંદાજથી વાસંતી પીગળી ગઇ.

ઋતુને જવાબ આપવા વાસંતી ઉત્સુક હતી પણ સવારે જ મમ્મીએ કહેલા શબ્દો યાદ આવતા તેના સૂર બદલાઇ ગયા. ‘ઋતુ, હવે કદાચ મારી જિંદગીમાંથી પ્રેમની વસંતઋતુ ચાલી ગઇ છે. ફેમીલી- ફર્સ્ટ જ મારો નિયમ છે. સોરી તે હું ભૂલી ગઇ હતી અને તને પ્રેમ કરી બેઠી…!’

આ સાંભળતા જ ઋતુ તેના અસ્સલ મુડમાં આવી ગયો, ‘પ્રેમ કર્યો છે તો પ્રેમ કર…! હું બીજું કાંઇ ન જાણું…! મારે તું જોઇએ એટલે જોઇએ જ…!’ ઋતુ ખરેખર તોફાની વાયરા જેવો જ હતો.

‘પ્રેમ એ અધિકાર તો નથી જ…!’ વાસંતી તેને સમજાવવા લાગી.

‘પણ મારો તો તારા પર અધિકાર છે જ…! કારણ કે મેં તને પ્રેમ કર્યો છે અને તું પણ મને પ્રેમ કરે છે…!’ ઋતુના શબ્દોમાં તીખાશ અને ગરમાહટ આવી ગઇ હતી.

‘હવે આપણે તેને ભૂલી જઇએ…!’ વેલેન્ટાઇન ડેના દિવસે પ્રગટેલા પ્રેમની આવરદા સાવ ટુંકી હોય તેમ વાસંતીએ પૂર્ણવિરામ મુકવા પ્રયત્ન કરી જોયો.

‘એ નહી બને… હું સાંજ સુધી તારી રાહ જોઇશ…! ઘરે પહોંચતા પહેલા તારે નિર્ણય કરવો પડશે.’ ઋતુ અત્યારે જાણે ધોમધખતા તાપનો દઝાડતો વંટોળ હોય તેમ તેને દઝાડી રહ્યો હતો. વાસંતી આગળ કાંઇ બોલે તે પહેલા તે ત્યાંથી ચાલ્યો ગયો.

દ્વિધા અને અસમંજમાં વાસંતી આખો દિવસ ઝુરતી રહી. ઋતુ તે પછી કોલેજમાં દેખાયો નહોતો એટલે તેને થોડી ઠાઢક વળી. તેને આવતીકાલે સમજાવી લઇશ એમ વિચારી વાસંતી ઘર તરફ ચાલી.

ઘરનું અંતર થોડુ જ દુર રહ્યું. સાંજે ઘરે મયુરને જવાબ આપવાનો હતો. મયુર અને ઋતુ બન્ને વચ્ચે વાસંતી પોતાને ગોઠવવા મથામણ કરી રહી હતી, ત્યાં અચાનક જ ઋતુ બાઇક પર આવ્યો અને વાસંતીને રસ્તા વચ્ચેજ ઉભી રાખીને પૂછ્યુ, ‘તારો છેલ્લા નિર્ણય જાણવા આવ્યો છું…!’ ઋતુના અવાજમાં ફરી અધિકાર અને તીખાશ હતી.

‘ઋતુ પ્લીઝ, હું નક્કી નથી કરી શકતી પણ મેં કહ્યું હતુ કે ફેમીલી ફર્સ્ટ…એટલે તું ભૂલી જા…!’ વાસંતીએ જવાબ આપી દીધો અને તેને ક્રોસ કરી આગળ ચાલવા લાગી.

ઋતુ ફરી આગળ આવ્યો અને ગુસ્સાથી બોલ્યો, ‘એમ હું તને નહી ભૂલી શકું… તારી આ સુંદરતા પર ફક્ત મારો જ અધિકાર છે…! અને જો તું મારી ન થઇ શકે તો તું કોઇની પણ નહી થઇ શકે…!’ અને અચાનક જ તેને બાઇકની આગળ રાખેલ એક બોટલમાંથી કોઇ તેજ પાણીની છાલક વાસંતીના ચહેરા પર છાંટી દીધી.

વાસંતીના કોમળ ચહેરા પર તીવ્ર લ્હાય અને મોંમાથી એક ચિત્કાર નીકળી ગયો…! ઋતુ બીજી ક્ષણે ત્યાંથી ભાગી ગયો…!

એકાએક થયેલા હુમલા પછી ટોળું ત્યાં ભેગુ થયુ અને વાસંતીને હોસ્પિટલ લઇ ગયા. વેલેન્ટાઇન ડેના દિવસે એસિડ એટેકની કહાની આખાય શહેરમાં ‘ટોક ઓફ ટાઉન’ બની ગઇ.

વાસંતીના ચહેરા પર ડ્રેસીંગ કરી પટ્ટીઓ લગાવી દેવાઇ હતી અને મોડી રાત્રે મયુર તેના મમ્મી ડેડી સાથે હોસ્પિટલ આવ્યો. દર્દશામક ગોળીથી વાસંતીને રાહત તો હતી પણ ચહેરા પરની પટ્ટીઓ ખૂલે પછી શું તેના ચહેરાની સુંદરતા બરકરાર રહેશે તેની ચિંતા તેને કોરી ખાતી હતી…!

મયુર સામે આવીને બેઠો. મયુર શ્યામવર્ણ અને પહેલી નજરે ગમે તેવો તો નહોતો જ…!

‘હેપ્પી વેલેન્ટાઇન ડે, વાસંતી…!’ મયુરે સહજ રીતે વાત શરૂ કરી. વાસંતી તેને જોઇ શકતી હતી, સાંભળી શકતી હતી પણ પ્રત્યુત્તર આપવા સક્ષમ નહોતી.

‘તારા પર એસિડ એટેક કરનાર પકડાઇ ગયો છે… તે જેલમાં છે. આજકાલના છોકરાઓ પ્રેમને સમજે છે શું ? પોતાનો જ અધિકાર એટલે પ્રેમ…!’ મયુર ગંભીરતાથી વાત કરી રહ્યો હતો અને વાસંતી વેલેન્ટાઇનની વેદના અનુભવી રહી હતી.

‘વાસંતી, મને કોલેજની બધી જાણકારી મળી છે, પણ મારે તેની સાથે કોઇ લેવાદેવા નથી. તારા ચહેરા પરની પટ્ટીઓ ખુલે પછી તું કેવી દેખાઇશ તે જોઇને આવતા વેલેન્ટાઇન પર તને પ્રેમના પ્રપોઝલ મળશે. તારી સુંદરતા જ તારી દુશ્મન બનીને આજે તને દઝાડી ગઇ છે….! જ્યારે તારા ચહેરાના આવરણો હટશે તે પછી તારી જિંદગીમાં ફરીથી વસંત ખીલશે અથવા ઘોર અંધકાર પણ આવી શકે છે…!’ મયુર અત્યારે વાસંતીને તેની જિંદગીની હકીકત પણ સમજાવી રહ્યો હતો.

થોડીવાર રોકાઇને તે ફરી બોલ્યો, ‘તારી વેલેન્ટાઇનની વેદના હું સમજી શકુ છું. મને ખબર નથી કે વેલેન્ટાઇન ડે પર કેવી રીતે પ્રપોઝલ મુકાય….! પણ, હું અત્યારે જ તને આ ઢંકાયેલા ચહેરાની બંધ પટ્ટીમાં જ તું જેવી હોઇશ તેવી સ્વીકારવા તૈયાર છું…! શું તું મારા આ જન્મની વેલેન્ટાઇન બનીશ ?’ મયુરના શબ્દોની સુંદરતા એટલી બધી હતી કે વાસંતીને કાન-ગોપીની નયનરમ્ય તસ્વીર દેખાવા લાગી.

વાસંતીએ મોં પર લાગેલી પટ્ટીની વચ્ચે રહેલા હોઠને સહેજ ખોલીને કહ્યું, ‘ કેમ આવતા જન્મમાં બીજી કોઇનું બુકિંગ છે ?’ અને વાસંતીએ તેનો હાથ મયુર તરફ લંબાવ્યો. મયુરે તેને તરત જ પોતાના હાથમાં સમાવી લીધો.

*******

લેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

 

Leave a Reply