Raghuvir Patel

આલિંગન

‘રહી જીવનમાં એક અતૃપ્ત તૃષ્ણા,
રહ્યા અભરખા આલિંગને પુત્રેષ્ણા’

સિત્તેર વર્ષની ઉંમર વટાવી ગયેલી વૃદ્ધ શારદાડોશી પોતાની યુવાનીનું રૂપ અને ગુરૂર ગુમાવી બેઠાં છે. આંખોએ સાથ છોડી દીધો છે. શરીર પર લૂ ખસ થઈ છે. આખો દિવસ શરીર પર ખંજવાળને ખાળવા શરીર ઘસ્યા કરે છે. અશક્તિ અંગે અંગમાં આરૂઢ થઈ બેસી ગઈ છે. જે શરીરને ઊભુ થવા દેતી નથી. આજે દીકરાના ઘરે દીકરો આવ્યો છે.પોતાના કુળનો રખેવાળ આવ્યો છે. હર્ષાશ્રુથી આંખો ભરાઈ ગઈ છે.

પૌત્રને આલિંગનમાં લેવાના તડપી રહ્યા.હમણાં પૌત્ર ખોળામાં આવશે એ આશાએ આજથી સિત્તેર વર્ષ પહેલાં પુત્ર જન્મ વેળા આંખોમાં તાદ્રશ્ય થઈ. યુવાન શારદા અને છગનભાઈનું જોડું આદર્શ મનાતું. રૂપ તો ભગવાને શારદાને દિલ દઈને આપેલું.પણ લગ્ન જીવનના વીસ વીસ વહી જવા છતાં મોટી ઉંમર સુધી ભગવાને શારદાની કૂખ સામે જોયું નહોતું. કેટલીય બાધા આખડીઓ લીધી. વૈધ-હકીમોને બતાવ્યું, મંદિરોના પગથિયા ઘસી નાખ્યા, તોય પરિણામ ન આવ્યું.

આમ તો બંને ભક્તિ ભાવવાળા, ઘરમાં ભક્તિનું જ વાતાવરણ હોય. કોઈ આ ભક્તિ કરે છે તે બાબત સારી ગણાવે તો કોઈ વળી, હવે બન્નેમાં કોઈ ક્વુત (કાંઈ કરવાની ક્ષમતા) નથી પછી શું કરે, મંજીરા જ વગાડે ને? એટલે પતિ છગન સામે રોજ પુત્ર વાંછનાના બળાપા કાઢે.

છગન ભગવાનનો માણસ. પુત્ર મોહને ટાળવા સમજાવે : ‘જો આપણે કેટલા પ્રયત્નો કર્યા છતાં આપણને ભગવાને સંતન ન આપ્યું એમાં એનો ઈરાદો…’

‘દુનિયામાં શું આપણે એકલા જ અભાગી છીએ? એક તાંતણામાં શું એને ખાદ પડી જાય છે?’

‘એને તો ભંડાર ભરેલા હોય પણ આપણને ન આપવા પાછળ એનો આશય કાંઈ સારો હશે.’

‘સારો શું ? આપણી ભક્તિમાં જ કોઈ ખોટ લાગે છે ?’

‘તું જે માને તે. પણ ભગવાને આપણને ગુમડાં ન આપીને સુખી રાખ્યા છે. પેલા કૃપાળુ બાવજી (શ્રીમદ્ રાજચંદ્ર ) કહે છે કે –‘સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે, લેશ લખશે લહો.’ એટલે કે સુખ મેળવવા જતાં સુખ ચાલ્યું જાય છે, દુઃખ આવીને ઊભુ રહે છે. ગીતામાં પણ ભગવાને સંસાર સાથે સબંધ વિચ્છેદ કરી મારો યોગ કર એમ કહ્યું છે. સંસાર તો અસાર છે. અત્યારે સુખી છીએ સંતાનની પળોજણમાં દુઃખ આવી ઊભુ રહેશે. ભગવાને આપણને તેની ભક્તિ કરવા સીધો રાજમાર્ગ આપ્યો છે. સંતાનોની જિજીવિષામાં ક્યાંક આડા માર્ગે ફંટાઈ જવાશે.’

‘તમે પુરુષો શું જાણો એક સ્ત્રીની વેદના? રસ્તે જતાં આપણા કોઈ શુકન નથી લેતું. મને બધા કૂખકાણી કહે છે. વાંઝણી કહે છે.’

‘દુનિયા છે ! એતો બધી બાજુ બોલે. નથી તો વાંઝણી કહે, ને વધારે હોય તો ભૂંડણીની માફક જણનારી કહે.’

એ ગમે તે હોય મારે ખોળાનો ખુંદનાર જોઈએ છે, પગલીનો પાડનાર જોઈએ છે. ઘોડાનો ચઢનાર જોઈએ છે.મેંણા મરનારના મોઢા બંધ કરવા સંતાન જોઈએ છે.’ શારદાએ પતિ આગળ ખોળો પાથર્યો.

ભગત મનથી મક્કમ ભગવાનની ઈચ્છા હશે એમ થશે. ભગત ભણ્યા નહોતા પણ ભગવાન પ્રત્યેની શ્રધ્ધા અને આધ્યાત્મિક જ્ઞાન ગજબનું હતું.

શરદાની કાકલુદી કે એમની ભક્તિ કદાચ ભગવાને સાંભળી હશે કે કેમ? ચાલીસી વટાવ્યા પછી.ભગવાને પિસ્તાલીસમા વર્ષે સારો દિવસ બતાવ્યો. તેની જાણ થતાં એ ગાંડીગાંડી થઈ ગઈ.સંતાન માટે હવે શુંનું શું કરું એ વિચારે હવામાં ઉડવા લાગી. પુરા મહીને દીકરો અવતર્યો પછી દુનિયામાં શારદા જેવું બીજું ભાગ્યશાળી કોણ હોય? દીકરાને તસતસતું આલિંગન આપ્યું. આપે જ ને ! તેના માટેતો કેટ કેટલું કર્યું હતું.

દીકરાને લાડ કોડથી મોટો કરવામાં મોટાભાગનો સમય પસાર થવા લાગ્યો. ભગવાન અધ્યાહાર થવા લાગ્યા. હવે ભક્તિ એકલા છગનભગતની રહી. દીકરો પણ દિવસે ના વધે એટલો રાત્રે વધે ને રાત્રે ન વધે એટલો દિવસે વધે. જોત જોતામાં વર્ષો વીતી ગયાં.દીકરાને ભણાવી-પરણાવી ધંધે લગાડયો. છગન ભગત તો ભગવાનનું નામ ને એ. બીજી કોઈ લલુંથા નહિ.

જોકે શારદાને હવે ડોશી થઈ ત્યારે સંસારનો રસ ચાખવા મળ્યો. દીકરાને તો બાળપણથી સારા સંસ્કાર મળ્યા હતા એટલે માબાપની સેવા એને માટે શિરોમાન્ય હતી. પણ.. પણ નવી પરણીને આવેલી વહુ સંસ્કરોના સિંચનથી કોળીધાકોર રહી હતી.

ભગત દંપતીએ ચીભડુ તો મીઠું શોધવાનો પ્રયત્ન કરેલો પણ કડવા વેલાનું ચીભડું હાથ લાગી ગયું તેની ખબર ન રહી. સાસુ વહુને સામે સમો તારો હતો. રોજ ચણભણ ચાલુ હોય.અશક્તિ પોતાનો પ્રભાવ બતાવા લાગી એટલે કામ થાય નહી, ને વહુ આળસુની પીળ. શારદા ક્યારેક આકાશ સામે જોઈ મનોમન ભગવાનને ફરિયાદ કરે ત્યારે છગન ભગત તેની વાત કળી જાય. કહે પણ ખરા : ‘હું શું કહેતો હતો, હવે સમજાયું કે આ મોહ રસ્તામાં બાધા નાખશે.!’

‘તમારી વાત સાચી હતી. દીકરો તો આપણો છેને?’

‘એ ખોટા ભ્રમમાં ના રહેતી. એ પણ કાલે બદલાઈ જશે.’

છગન ભગતતો હરિનું નામ લેતા લેતા ભગવાનના ઘરે પહોંચી ગયા. તેમના વાક્યો શારદા માટે સાચા પડતાં ગયા. દીકરાને ધીમે ધીમે પત્નીએ મા પાસેથી ઝુંટવી લીધો. તે પત્ની તરફ ઢળતો ગયો.શારદાડોશીનું અશક્ત શરીર, આંખનો અંધાપો, શરીરે લૂ ખસ થઈ તેથી બધા છેટા ભાગવા લાગ્યાં.સેવામાં કાપ આવવા લાગ્યો.ઘરમાં વહુની હકુમત ચાલવા લાગી. પુત્ર પત્નીને પૂછી પાણી પીવા લાગ્યો. એમાં વઢકણી વહુએ દીકરો જણ્યો.પછી પૂછવું જ શું?

‘તમે ક્યાં બાબાને લઈ જાવ છો ?’ પત્ની નીતાએ પ્રશ્ન કર્યો.

‘બા રમાડવા માંગે છે.’

‘ના , એમને ખસ છે, બાબાને ચેપ લાગી જાય, પાછા વળો ?’

વહુના શબ્દે શારદા ડોશી ભાનમાં આવ્યાં. કહ્યાગરો પતિ પાછો વળી ગયો. શારદા ડોશી મનોમન સમસમી રહ્યાં.પુત્રને આલિંગન આપવાના અભરખા રહી ગયા. ભગતને ને પોતાને છેટું પડી ગયું, તેનો વસવસો કરવા લાગ્યાં.

*******

લેખક: રઘુવીર પટેલ
“જિગર” (ભજપુરા,સાબરકાંઠા)
મોબાઈલ: 9428769433

Leave a Reply