Ujas Vasavda

એક બાળકની શીખ

આજે કુદરત એક ગુલાબી મિજાજમાંથી કહેર વર્તાવવાના મૂડમાં હતો, સામાન્યતઃ વાતાવરણમાં ઠંડકનો પારો 12 થી 15 ડીગ્રી રહેતો હતો પણ આજે મોબાઈલમાં જોવા મળતો ઓનલાઈન વેધર કંડીશન મુજબ 4 થી 5 ડીગ્રી થઈ ગયો હતો.

આખો દિવસ બંધ ઓફિસમાં બહારનું વાતાવરણ કેવું હશે તેનો ખ્યાલ વિમર્શને ન હતો. એ એમનું કામ આટોપીને સાંજે 7:30 વાગ્યાના સુમારે ઓફિસની બહાર નીકળતાં જ વાતાવરણમાં સ્થિર થયેલ ઠારના લીધે વિમર્શને ધ્રુજારી અનુભવાઈ, વિમર્શએ ઓફિસ બહાર પાર્ક કરેલ પોતાની કારનો દરવાજો ખોલી સૌપ્રથમ કાર માંથી પોતાનું જેકેટ પહેર્યું.

જેકેટ પહેરતાંની સાથે વિમર્શને થોડી રાહત અનુભવાઈ છે. તેને રસ્તામાંથી ગરમાં ગરમ ભજિયા ઘરે લઈ જવાનું મન થાય છે. વિમર્શ મનોમન વિચારવા લાગ્યો, ” આવી મસ્ત ઠંડીમાં ગરમાં ગરમ ભજીયા અને ત્યારબાદ સિમીના હાથની મસ્ત કડક મીઠી આદું નાખેલી ચા પીવાની મજા કઈ ઓર જ છે”

વિમર્શ એમની ગ્રાન્ડ આઈ ટેન શહેરના રસ્તા પર દોડાવતો ભજીયાની નામાંકિત દુકાન તરફ આગળ વધ્યો. આગળ સિગ્નલ બંધ હોય એ ટ્રાફિકમાં ગાડી ઉભી રાખી ધીમાં અવાજે એફએમ રેડિયો પર ગીતો સાંભળી રહ્યો હતો.

અચાનક ડ્રાઈવર સાઈડની કારની બારીમાં ટક.. ટક અવાજ આવ્યો. વિમર્શ એ તરફ જુવે છે ત્યાં એક નાનકડો લગભગ સાતેક વર્ષનો છોકરો ઉભો હતો. એ છોકરાંએ ખુલ્લો શર્ટ પહેરેલો હતો અને નીચે ફાટેલી ચડ્ડી પહેરી હતી. શર્ટના બટન તૂટી ગયાં હોવાથી ખુલ્લા હતાં. વિખરાયેલા ઘુચ પડી ગયેલા વાળ, એના શરીરની સમગ્ર ત્વચા પર કેટ કેટલાય દિવસોથી નાહ્યા ન હોવાથી મેલ જામેલો હતો. એમના શરીરમાંથી જામેલ મેલના લીધે દુર્ગંધ આવી રહી હતી. દુર્ગંધ સહન ન થતાં વિમર્શ દસ રૂપિયાની નોટ આપી તેને ચાલતી પકડાવે છે.

વિમર્શ એ છોકરાં તરફ એકી ટશે જોતો હોય છે. એ છોકરો કૂદતો ઉછળતો બીજી બે કારની બારીઓ ખખડાવી રસ્તો પાર કરે છે. ફૂટપાથ પર સુતેલા કૂતરાંને પંપાળે છે અને કૂતરું પણ ઠંડીનું કણસતું દેખાય છે. એ છોકરો રસ્તા પર ઉડતો છાપાનો કટકો લઈ એ કૂતરાને ઓઢાડે છે.

પાછળથી બીજા વાહનોના હૉર્ન વાગે છે અને વિમર્શનું ધ્યાન ભંગ થાય છે એ સિગ્નલ ખુલ્યું હોય કારને આગળ ચલાવે છે. એ જ સમયે રેડિયો પર રાત્રીના સમયે કોલ્ડવેવ ફૂંકાવાની આગાહી આવે છે. વિમર્શના મનમાં પ્રશ્ન ઉઠે છે આ બાળક આવી ઠંડીમાં શુ કરશે? એ બાળકના વિચારમાં ભજીયાની દુકાન આવે છે અને વિમર્શનું મન ફરી ગરમાગરમ ભજીયા અને ચાની તલપ તરફ વળે છે.

વિમર્શ કારમાંથી ઉતરી ભજીયાની દુકાનેથી પાર્સલ પેક કરાવે છે અને ઘરે પહોંચે છે. સિમીને ગરમ ભજીયા સાથે કડક મીઠી ચા આપવાનું કહી રૂમમાં ફ્રેશ થવા જાય છે. વિમર્શ રૂમની બહાર આવતાં જ સિમી વિમર્શને જણાવે છે, ” ડિયર.. આફ્ટર કમ્પ્લીટ ડિનર વી હેવ ટુ ગો..” વિમર્શ સિમીને આશ્ચર્ય સાથે, “વ્હેર!!…. એઝ પર રેડિયો ઘેર ઇસ અ કોલ્ડવેવ ટુ નાઈટ..બહાર ન નીકળાય” સિમી વિમર્શને , “યસ… આઈ નો.. પણ આપણી સોસાયટીના બધા સાથે મળી ગરીબોને ધાબળા ઓઢાડવા જવાનું નક્કી કર્યુ છે એન્ડ યુ હેવ ટુ કમ”.

વિમર્શને તુરત જ પેલો છોકરો યાદ આવે છે અને મનોમન તેને ધાબળો ઓઢાડવાનું તેમજ ઘરમાં રહેલ તેના દસ વર્ષનાં રાહુલના જુના કપડાં પેલાં છોકરાંને આપવાનું વિચારે છે. નિયત કરેલ સમયે સોસાયટીમાં બધાં ભેગા મળી શહેરના રસ્તાઓ પર નીકળે છે. વિમર્શ પેલાં ચાર રસ્તે પહોંચતા જ પેલાં છોકરાંની શોધખોળ કરે છે. ફૂટપાથ પર રહેલ ગટરના એક મોટાં પાઈપમાં તૂટ્યું વાળી એ બાળક સુતેલો મળે છે. તેને અડીને જ પેલું કૂતરું છાપાઓથી ઢંકાયેલું સુતું હોય છે. અને બિસ્કિટનાં પેકેટનું રેપર તેના હાથમાં પકડેલું મળે છે.

વિમર્શ અને સિમી બાળકની હાલત જોઈ દુઃખી થાય છે. વિમર્શે આપેલ દસ રૂપિયાના બિસ્કિટ લઈ પેલા બાળક અને કૂતરા બન્ને એ જઠરાગ્નિ ઠારી હોવાનું જણાય છે. સિમી સૂતેલા બાળકને ગરમ ધાબળો ઓઢાડે છે અને વિમર્શ રાહુલના લીધેલા કપડાં ત્યાં મૂકી પરત ફરે છે.

વિમર્શ, સિમી અને સોસાયટીના બીજા સભ્યો શહેરના કેટલાય ગરીબોને ધાબળા ઓઢાડી પરત ફરે છે. વિમર્શ અને સિમી પેલા બાળકની હાલત જોઈ આખી રાત સુઈ શકતા નથી. બીજા દિવસે સવારે વિમર્શ તેની દિનચર્યા મુજબ ઓફિસ જવા નીકળે છે. ફરી પેલું સિગ્નલ આવે છે અને વિમર્શની કાર રોકાઈ છે. સિગ્નલ પર પેલો બાળક વિમર્શે મુકેલ રાહુલના કપડાં પહેરી ભીખ માંગતો દેખાય છે.

વિમર્શને મનોમન સંતોષ થાય છે. એ સિગ્નલ પસાર કરી સાઈડમાં કાર પાર્ક કરી દુકાનેથી બિસ્કિટના પેકેટ લઈ છોકરાં પાસે જાય છે. એ બાળકને, “બેટા.. લે આ બિસ્કિટ..” બાળક બિસ્કિટ મેળવી ખુશ થઈ જવા લાગે છે. વિમર્શ તેને રોકે છે અને પૂછે છે, “આ નવા કપડાં ક્યાંથી આવ્યા?” એ બાળક નિખાલસ પણે જવાબ આપે છે, “કાલે મેં છાપા ટોમીને ઓઢડ્યા હતાં એટલે ભગવાન આવી મને ધાબળો ઓઢાળી ગયાં અને નવા કપડાં પણ આપી ગયા. વધુમાં કાલે તમે જે દસ રૂપિયા આપ્યા હતાં તેમાંથી બિસ્કિટ લઈ મેં ટોમીને ખવડાવેલા હતાં અને આજે ભગવાને તમને બિસ્કિટ લઈને મને ખવડાવવા મોકલ્યા. સાહેબ બધું અહીંનું અહીં જ છે.”

બાળક હસતાં રમતાં એક અદભુત શીખ આપતો ગયો. વિમર્શ મનોમન વિચારવા લાગ્યો, “આપણે સૌ મારું-તારું કરતાં વિવિધ પ્રલોભનો પાછળ દોડધામ કરતાં રહીએ છીએ, વિવિધ ભૌતિક વસ્તુઓ મેળવવાની હોડમાં જીવન વ્યતીત કરતાં હોઈએ છીએ ત્યારે આ બાળક કોઈપણ છત્રછાયા વગર બિન્દાસ્ત ભગવાન પર વિશ્વાસ રાખી ગીવ એન્ડ ટેકના કુદરતી નિયમને અનુસરી જીવન ધપાવે છે. જેવું વાવશો તેવું લણશો એ કર્મના સિદ્ધાંતને જો આપણે આ બાળકની માફક સહજ પચાવીએ તો દરેક પરિસ્થિતિમાં પણ નિજાનંદ સુખ માણી શકીએ.”

*******

લેખક: ઉજાસ વસાવડા

મોબાઈલ: +919913701138

Categories: Ujas Vasavda

Tagged as: ,

Leave a Reply