Ujas Vasavda

મહત્વકાંક્ષા

ખૂંધ નીકળી ગયેલ કદરૂપો માણસ સંધ્યા સમયે સુમસાન શેરીની દીવાલ પરના પોસ્ટર પાસે આવી ઉભો રહ્યો અને મનોમન હરખાતો આકાશ તરફ જોઈ.” જો મા તે કહેલ શબ્દો સાચા ઠર્યા! હું ફેમસ થઈ ગયો. મા તું હમેશાં કહેતી અને મારા ખોટા વખાણ કરતી અને કહેતી, “હું ખુબજ સુંદર છું, ઈશ્વરે મને ઘણી શક્તિઓ બક્ષિસ સ્વરૂપે આપી છે, હું બધાથી અલગ છું અને મોટો થઈ ખૂબ ફેમસ થઈશ. આજે ફેમસ થઈ ગયો..” આંખો પર એક ફ્લેશ લાઈટ પડે છે.

*******

“અરે જગ્ગુ… બેટા જગ્ગુ ચાલ ઉઠ જોઈએ જો સૂરજ માથે આવી ગયો.” નાનકડાં જગ્ગુને લાડ લડાવતી મા રંજન ઉઠાડી રહી હતી. જગ્ગુએ રંજનની પરાણે નિભાવેલી પ્રીતનું પરિણામ હતું. જીવન નિર્વાહ માટે અસંખ્ય પુરુષોના પડખાં સેવવા અને પરાણે પ્રીત કરવી એ રોજનું હતું. પણ રંજન તેના ગ્રાહકના મોહમાં પડી, પડખાં સેવવાના ધંધામાં પ્રેમ શબ્દને કોઈ જ સ્થાન ન હોવા છતાં શહેરનો નામી ગુંડો અને રંજનના દેહનો ચાહક અબુ ડોનને રંજન મનોમન ચાહવા લાગી. રોજ રાત્રે અબુ ડોન કોઠે આવે અને રંજન તેની તમામ સરભરા કરે અને બદલામાં અબુ ડોન પોતે દિવસ દરમિયાન કરેલા વિવિધ કારનામાની વાતો કરે.

રંજન રોજબરોજના કારનામા સાંભળી વિચારવા લાગી, ” આ ડોન જો મારો સૈયા બને તો આ નર્કની જિંદગી માંથી હું છૂટું અને મારી ગ્રહસ્થી બનાવું.” રંજન રોજ અબુ ડોનની અવનવી સરભરા કરે અને પ્રેમ રૂપી લાગણીઓના તાંતણાઓમાં ડોનને ફસાવવા પ્રયાસ કરે પણ આ અબુ ડોન જે વર્ષોથી કેટલાય લોકોને ઠગતો હોય તે આ રૂપલલનાના મોહમાં થોડો અટવાઈ!

રંજને એક વખત બધી જ હિંમત એકઠી કરી અબુડોન પાસે પોતાના પ્રેમનો એકરાર કર્યો. વાત સાંભળી અબુ ડોન મોટેથી હસવા લાગ્યો. રંજન કંઈ જ સમજી શકી નહીં. પણ અબુડોનનું હાસ્ય પૂરું થતા જ પલંગ પર પગ પાસે બેઠેલી રંજનને જોરથી લાત પડે છે. “તું એક કોઠે વાલી મેરી બીવી બનેગી!! તું ક્યાં ભૂલ ગઈ મેરા નામ અબુ ડોન હે! મારા અસંખ્ય દુશ્મન મને મારી નાખવા માંગે છે. કેટલાય દેશમાં પોલીસ લીસ્ટમાં હું મોસ્ટ વોન્ટેડ છુ. ક્યારે કઈ ગોળી પર! કઈ ગલીમાં! ક્યાં સમયે મારુ મોત લખ્યું છે એ મને ખબર નથી પણ હું કમોતે જ મરવાનો એ નક્કી છે. તું શું એક મોસ્ટ વોન્ટેડની વિધવા બનીશ? જા જતી રહે અહીંથી અને સપનાઓ પર લગામ રાખતાં શીખી જા. તારે દેશ દુનિયા ફરી મોજ મજા કરવી હોય તો કે એ વ્યવસ્થા થઈ જશે પણ આવી પ્રેમ-પ્યાર જેવી બેતુકી વાતો ન કર.”

રંજને સેવેલાં સ્વપ્નો એક ઝાટકે પત્તાના મહેલ માફક પડી ભાંગ્યા. રંજન પોતાના ભાંગેલાં સ્વપ્નો પર હાસ્યનું મુખોટું પહેરી, “અરે..ડાર્લિંગ તમે તો મારા મનની વાત જાણી લીધી તો પછી ક્યારે લઈ જશો તમારી સાથે? ભલે તમે મને પત્ની ન બનાવો પણ અહીંથી છુટકારો અપાવી હમેશાં તમારી સાથે રાખો તો પણ હું મારી જાતને નસીબદાર સમજીશ.”

અબુડોન પણ મનોમન રંજનને પસંદ કરતો પણ અંધારી આલમના ધંધામાં મળતા અંજામથી તે વાકેફ હોય એક માસુમની જીંદગી બગાડવા નહોતો ઇચ્છતો. રંજનની વાતો સાંભળી ક્ષણીક વિચારમાં અટવાયો અને પોતાના ખિસ્સા માંથી મોબાઈલ ફોન કાઢી, “કલ સુબહ મેરી આઈટમ કો હમારે પુરાને બંગલે પર પહોંચાના હે. ઠીક દસ બજે સુહાના કોઠે પે પંહુચ જાના.”

ફોન પર આપવામાં આવેલી સૂચના સાંભળી રંજન ખુશીથી ઉછળી પડે છે. અબુડોન રંજનને ગંભીર સૂચના આપતા, “તું સિર્ફ મેરી આઈટેમ બનકર હી રહેગી, મેરે ધંધેમેં ટાંગ અડાને કા નહીં. ઔર હા મુઝે બચ્ચે-વચ્ચે કા લફડા નહીં ચાહીએ, મેને અપની જીંદગી બીગાડ ડાલી મેરે પીછે કિસીકો ઇસ દલદલમે ફસાના નહીં ચાહતા.તું જબભી ચાહે વાપીસ જા શકતી હે.”

આંધળા પ્રેમમાં પાગલ બનેલી રંજન કાદવ માંથી નીકળી મોટા દલદલમાં જઈ રહી હતી. તેને મન તેનું ભવિષ્ય ઉજળું દેખાતું હતું ડોનના બંગલામાં નોકર-ચાકર વચ્ચે રાણીની જેમ રહેવા લાગી હતી. જાહોજલાલીમાં બે વર્ષ જેવો સમય પસાર થઈ ગયો.

લાંબો સમય પસાર થઈ જતાં રંજન મનોમન ડોનની પત્નિ માફક જ વર્તવા લાગી. રંજનના ઉદરમાં અબુડોનનું બાળક ઉછરવા લાગ્યું. અબુડોનને યોગ્ય સમય આવે અને તેનો સારા મૂડ હોય તેવા સમયે મોકો જોઈ ખુશ ખબર આપવાનું વિચાર્યું. પણ, આપણે વિચાર્યું હોય તેવું ક્યારેય બને જ નહીં.

એક સવારે રંજન તેની મસ્તીમાં બંગલાની અગાસી પર ટહેલતી હતી ત્યારે દૂરથી અબુડોનના ખાસ એવા અલ્તાફની બોલેરો પુરપાટ દોડતી બંગલા તરફ આવતી જોઈ. રંજન કંઈક અઘટિત થયાના અંદેશો કળી તે નીચે પહોંચી.ત્યારે બ્રેકના ચી…ઇ..ઇ..અવાજ સાથે ઘરના દરવાજા પાસે બોલેરો ઉભી રહી.

અલ્તાફ બોલેરો માંથી ઉતરી રંજનને, ” ચલ ગાડી મેં બેઠ જા ભાઈ કા એન્કાઉન્ટર હો ગયા હે, તુજે સુરક્ષિત જગહ છોડ દેતાં હું, ફિર તું અપને રાસ્તે..”. રંજનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના મનમાં નજીકના અબુડોન સાથે ગાળેલી ભવ્ય ક્ષણો યાદ આવવા લાગી અને અંતે ઉદરમાં ઉછરતું બાળક યાદ આવ્યું અને મનોમન, “ગર્ભમાં રહેલ બાળકને અવતરવા દેવું? બાળકને જન્મ આપીશતો તેનો ઉછેર કઈ રીતે કરીશ? હવે તે ક્યાં જશે.. ફરી પેલા નર્કમાં?” રંજન સામે ઊભા થયેલા પ્રશ્નોથી તેનું શરીર ઠંડુ પડી ગયું. આંખો વાટે અશ્રુધારા વહેવા લાગી. ત્યાં અચાનક ગાડીને બ્રેક વાગી અને અલતાફનો અવાજ કાને પડ્યો, ” ચલ ઇધર ઉતર જાઓ. તુમ્હારી પુરાની જગહ ઇસસે સુરક્ષિત જગહ તુમ્હારે લિયે ઓર કોઈ નહિ હે.”

શૂન્યમનસ્ક બનેલી રંજન બોલેરો માંથી ઉતરે છે અને અલ્તાફ ગાડીમાં રિવર્સ ગીયર પાડી તાબડતોબ નીકળી જાય છે. ફરી એ ગલીમાં તેને જૂનો શોર બકોર સંભળાવવા લાગ્યો. પોતાના શરીરની નુમાઈશ કરી એકબીજાથી ચડિયાતા દેખાઇ ગ્રાહકોને આકર્ષતી રૂપલલનાઓ આખી રાત ગ્રાહકને ખુશ કરી સવારે વેરવિખેર હાલતમાં વરંડાઓમાં લટકાયેલી ઉભી હતી.

રંજનને ક્ષણિક મળેલી શાંત જીંદગી બાદ ફરી આ નર્કમાં રહેવું પરવડે તેમ ન હતું. તે એ ગલીઓ છોડી શહેરના રસ્તાઓ પર ભટકવા લાગે છે. ઉદરમાં રહેલા બાળક સાથે તે બહુ શ્રમ કરી શકે તેમ ન હતી તેમ છતાં રઝડતી, ભટકતી આશરો શોધવા મથતી રહે છે અને અંતે ચક્કર આવતાં પડે છે.

જ્યારે તેની આંખો ખુલે છે ત્યારે તે રસ્તાની બાજુએ એક વટવૃક્ષ નીચે ચાર પાંચ મહિલાઓથી ઘેરાયેલી સુતેલી પોતાને પામે છે. “બેન તું કોણ છે? ક્યાંથી આવી છે? તારા કોઈ સગા-વાહલા વિશે જણાવ તો તને ત્યાં પહોંચાડી દઈએ!” વિવિધ પ્રશ્નો સાંભળી રંજન પોક મૂકી રડી પડે છે અને માત્ર એટલું જ બોલે છે. “હું અસહાય છું મારે આશરો જોઈએ છે.” રડતી રંજનને બીજી મહિલાઓ શાંત પાડવા લાગે છે અને છેલ્લે તેને શહેરમાં અસહાય મહિલા કેન્દ્ર પર પહોંચાડે છે.

રંજન ગર્ભવતી છે તેવું જાણ થતાં બધી જ મહિલાઓ રંજનની સાર સાંભળ રાખવા લાગે છે.રંજનને જીવનમાં ક્યારેય ન મળેલ પ્રેમ, વાત્સલ્ય, કરુણા આ અસહાય અન્ય મહિલાઓ પાસેથી મળે છે અને એક બાળકનો જન્મ આપે છે. પણ એ બાળક ખૂંધ ધરાવતું અને કદરૂપુ જન્મે છે. પરંતુ મા માટે તેનું બાળક દુનિયાનું સૌથી રૂપાળું બાળક જ હોય છે. એ બાળકનું નામ જગદીશ રાખ્યું અને પ્રેમથી લોકો જગ્ગુ કહી બોલાવવા લાગ્યા. તે મહિલા કેન્દ્રમાં સૌનો લાડકવાયો બની ગયો હતો. સૌએ પ્રેમથી ઉછેરવા લાગ્યો.

રોજ સવારે લાડ લડાવતા રંજન તેને ઉઠાડતી એ પાંચ વર્ષનો થતાં બહાર રમવા જતો પણ આ અણસમજુ બાળકને આજુબાજુના બાળકો ચીડવવા લાગ્યા. નાનકડા બાળકને ત્યારે કંઈજ સમજ ન પડતી અને તે રમતો રહેતો. તે જેમ મોટો થવા લાગ્યો તેમ તેની ખૂંધ વધુ દેખાવા લાગી અને ચહેરો વધુ ભયાનક બનવા લાગ્યો. અરીસામાં પોતાને જોઈ તે નિર્દોષ સવાલ પૂછતો, “મા હું કેમ બધા જેવો નથી!” ત્યારે રંજન કહેતી, ” બેટા તું સૌથી અનોખો છો! ભગવાને તને સ્પેશિયલ બનાવ્યો છે. તું કોઈ વાતો ન સાંભળ.”

જગદીશ હજુ સમજણની પા પા પગલી માંડી રહ્યો હતો અને રંજન તેને સારા વિચારોનું સિંચન કરી રહી હતી ત્યારે જ એક દિવસ મહિલા કેન્દ્ર નજીક બહાર છોકરાઓ સાથે રમતા ઝગડી પડ્યો અને જગદીશએ પથ્થરના ટુકડાનો છુટ્ટો ઘા કરતાં એક છોકરાના કપાળમાં વાગતાં લોહી નીકળવા લાગ્યું. રંજને એ દિવસ જગદીશને ખૂબ જ શાંતિથી સમજાવ્યો, “બેટા.. આપણે નિ:સહાય છીએ જો તું આવા તોફાન કરીશ તો ટ્રસ્ટી અંકલ આપણને અહીંથી જતાં રહેવાનું કહેશે.પછી તુ અને હું શું કરીશું? બેટા ખૂબ ભણી હોશિયાર થજે અને બહુજ ફેમસ થજે.” નાનકડો બાળક, “પણ મા બધા મને બહુજ ચીડવે છે “કદરૂપો જગ્ગુ”.

રંજનનું દિલ દુભાય છે પણ લાચાર.. કુદરતે જગદીશને આવું શરીર આપ્યું હોય તેમાં કોઈ શુ કરી શકે, “કોણ કહે છે? એ બધા જુઠ્ઠા છે. તને કહ્યું હતુંને કે તું એકદમ અલગ, અનોખો ઈશ્વરે જ મોકલ્યો છે. એ બધાની વાતો કાને ન ધરીશ, તું મોટો થઈ નામ કમાઈશ અને પ્રખ્યાત થઈશ.” રંજન જગદીશને વારંવાર આવી વાતો કરી સમજાવે પણ આ દુનિયાનો ક્રમ છે જે ચીડાય તેને લોકો વધુને વધુ ચીડવે.

થોડા સમય બાદ જગદીશ લગભગ સાત વર્ષનો થતાં રંજન નાની બિમારી બાદ જીવન ટૂંકાવી જતી રહે છે. જગદીશ તેના કદરૂપા શરીર સાથે એકલો પડી જાય છે. ‘મા’ ના ગયા બાદ જગદીશ આશ્રમ છોડી ભાગી જાય છે બાળ માનસ બળવે ચડ્યું હોય છે. અત્યાર સુધી મહિલા કેન્દ્ર અને તેની આસપાસની દુનિયા-વાતાવરણમાં તે સુરક્ષીત હતો પણ બહાર તેના કદરૂપા શરીર અને ગુસ્સાના લીધે લોકો તેને વધુને વધુ ચીડવવા લાગ્યા કેટલીક જગ્યાએ તો બીજા તોફાની બાળકો ગાંડો કહી પથ્થર પણ મારતા. ક્યારેક તેની પાછળ ફટાકડા બાંધી દોડાવતાં. મા ની વધુ સુખી જીવનની અપેક્ષાનું પરિણામ બાળક ભોગવી રહ્યો હતો.

ભાગતો, છુપાતો તે શહેરમાં લાગેલા એક સર્ક્સમાં જઈ પહોંચ્યો. સર્કસના માલિકે તેના ખૂંધ નીકળેલા શરીરને લીધે તેને સર્કસમાં જોકર તરીકે રાખવા નક્કી કર્યું અને જોકર બનાવી અવનવા ખેલ કરવા પ્રેરિત કર્યો. ત્યાં તે આંખો બંધ કરી છરી વડે નિશાન બાજી , દોરડા પર ચાલવાનું ઉંચાઈથી કુદકા મારવાનું વિગેરે અવનવા કરતબો શીખ્યો. તેના અચંભિત કરી મુકતા કરતબોથી જગદીશ હવે જગ્ગુ જોકર તરીકે ફેમસ થવા લાગ્યો. કાચી ઉંમર અને શરીરના અજુગતા મરોડના લીધે લોકોની સહાનુભૂતિ પણ મળતી.

તરુણાવસ્થાએ મગજ તેજ ગતિએ દોડવા લાગ્યું હતું. માન-અપમાનની ખબર પડવા લાગી હતી. સર્કસમાં તે કરતબોના લીધે ઓછો અને દેખાવના લીધે વધુ ફેમસ હતો તેની સમજણ પડવા લાગી હતી. વારંવાર થતા અપમાનની આગથી અંદરથી બળવા લાગ્યો હતો. એક દિવસ નાની એવી વાતમાં સર્કસના માલિક સાથે ચડભળ થઈ અને જગ્ગુએ છરી વડે તેની હત્યા કરી નાખી. આવેશમાં આવી કરેલા કૃત્યથી દુઃખી થયો પણ હવે તે એક ગુનેગાર બની ગયો હતો. તે રાતોરાત સર્કસ છોડી ભાગી જાય છે પોલીસ તેને ભાગેડુ જાહેર કરી તલાશ શરૂ કરી દે છે.

જગ્ગુ ગલીઓ, શેરીઓ, મહોલ્લાઓમાં ભાગતો છુપાતો ફરે છે અને એક દિવસ તેની સામે એક મર્સીડિસ વાન આવી ઉભી રહે છે. તેમાં રહેલા વ્યક્તિ તેને અંદર બેસવા કહે છે. પોલીસથી બચવા જગ્ગુ વાનમાં બેસી જાય છે. પણ તેને કયા ખબર હતી, તે વાનમાં નહિ પણ ગુનાઓની દુનિયામા પ્રવેશ કરી રહ્યો છે!

વાનમા તેની સામે બેઠેલો વ્યક્તિ બીજો કોઈ નહિં પણ છળકપટથી પોલીસ સામે અબુડોનને ધરી દેનાર તેનો જ સાગરીત અને હાલનો ડોન અલ્તાફ હતો. તણે સર્કસમાં છરીઓના કરતબ જોઈ પોતાની ગેંગમાં સમાવવા માટે નિર્ણય બહુ સમય પહેલા જ લઈ લીધો હતો પણ યોગ્ય મોકાની રાહમાં હતો. જગ્ગુએ સર્કસના માલિકની હત્યા કરતા અલ્તાફ ડોનને જોઈતો મોકો મળી ગયો.

તરુણાવસ્થામાં રસ્તો ભટકેલા છોકરાઓ અંધારી આલમમાં પ્રવેશતા હોય છે અને આ આલમના શહેનશાહો આવા છોકરાઓને પાવર અને પૈસાની ચમક વાળી દુનિયા બતાવી ગુનાહિત પ્રવૃત્તિ કરવા પ્રેરતા હોય છે. જગ્ગુને પણ તેની છરીઓ ફેકવાની કળા વડે અંધારી આલમનો બાદશાહ બનાવવાના સપનાઓ દેખાડી એક પછી એક હત્યાઓ કરવા પ્રેરવામાં આવે છે. જેના લીધેઆગળ જતાં તે જગ્ગુ કિલરથી પ્રખ્યાત થાય છે.

જગ્ગુ તેના કદરૂપા ચહેરા અને અસંખ્ય હત્યાઓ કરવાના લીધે હિટ લિસ્ટમાં ચડી જાય છે. અંધારી આલમના બાદશાહ બનવાનું સપનું બતાવનાર અલ્તાફ ડોન જગ્ગુની મહત્વકાંક્ષાને વહેલી તકે સમજી જાય છે અને એક દિવસ અબુડોનની માફક છળકપટથી પોલીસ સમક્ષ ધરી દે છે. જગ્ગુ કિલર પોલીસના સકંજા માંથી છટકી જાય છે અને અલ્તાફ ડોનની પણ હત્યા કરી નાખે છે.

અલ્તાફ ડોન પાછળ બીજા અનેક પીઠબળો હોય છે જે તેના નામ ખુલ્લા ન પડી જાય તે માટે જગ્ગુ કિલરને જીવતો કે મરેલો પકડી લાવવા પાછળ ઇનામો જાહેર કરાવે છે. અને શેરીઓ, મહોલ્લાઓ, ગામ, શહેર, દેશમાં ચારે બાજુ તેના પોસ્ટર ચોંટાડવામાં આવે છે.

*******

સુમસાન શેરીમાં દીવાલ પરના પોસ્ટર પાસે આવી,”મા…તું તો મને જીંદગીના મજદરિયે મૂકી નાસી ગઈ. એ આ પોસ્ટર સામે જોઈને આક્રંદ સાથે અરે… …શું લેવા મને પેદા કર્યો હતો!! વારંવાર પોસ્ટર પર હાથ મારી મોટે મોટે થી રડવા લાગ્યો, “જો આજે શહેરની દીવાલો પર મારા ફોટાઓ છે અને દરેકની જીભ પર એક જ નામ છે કદરૂપો જગ્ગુ કીલર.”

આંખો સામે ફ્લેશ લાઈટ પડે છે. જગ્ગુની આંખો તેજ લાઈટ સામે ખુલી શકતી નથી અને સામેથી બંદૂકમાંથી એક પછી એક ગોળીઓ છુંટવા લાગે છે. જગ્ગુ કિલરનું શરીર બંદૂકની ગોળીઓથી ચારણી બની જાય છે.

*******

લેખક: ઉજાસ વસાવડા
મો.9913701138
ujasvasavada@gmail.com

Categories: Ujas Vasavda

Tagged as: ,

Leave a Reply