Vicky Trivedi

છૂટ…..

ટેબલ ઉપર પ્લેટ મૂકી. બુમો પાડી. આ ચોથી બૂમ હતી. નાના હતા ત્યારે રાજુ અને હેતલ તરત દોડી આવતા. કે પછી એ ઘર નાનું હતું તેથી જલ્દી સાંભળતા હશે ? મોટા થયેલા આ રાજુ અને હેતલના વર્તન જોઉં છું અને મને એવો વિચાર આવે છે કે શું આ મોટા ઘરમાં મારો અવાજ નહિ સંભળાતો હોય ? કે પછી મારા અવાજની કોઈ કિંમત નથી ? માણસે બે વાર શું કામ બોલવું પડે ? તેવું મેં એક વાર્તામાં વાંચ્યું હતું. એક નાનકડું બાળક રડતા રડતા બોલે તો તેના શબ્દો સમજાય નહિ. બાકીના બધા પૂછે , “શું કહ્યું?” બાળક મોઢું ચડાવે બીજી વાર બોલે નહિ. પણ તેની મા સમજી ગઈ હોય. સાંભળનારને તેની મા એના શબ્દો સમજાવે. તે મારા શબ્દોનું પણ હવે એવું જ હશે ? કોઈ ધ્યાન આપતું નથી કે….

અરે તું આ શું વિચારે છે ? ક્યાં મા અને છોકરાની વાત ક્યાં શબ્દો ક્યાં કિંમત…. તું ગાંડી થઈ ગઈ છે. કે પછી હવે હવે….. ક્યાંક એવું તો નથી સરોજિની કે તું આ રોજિંદા જીવનથી થાકી છે….. આ બધી ફરિયાદો એ થાકના પડઘા તો નથી ને ક્યાંક…..?

હા એવું જ હોતું હશે માણસનું ? માણસને એમ જ લાગે કે મેં જ બધુ કર્યું છે… હું જ એકલા હાથે સઘળું કરું છું… ને ત્યારે એના મનમાં વિચારો આવે… કામનો થાક ક્યાં લાગે છે ? તો તો મજૂરો ક્યારના મરી ગયા હોત. થાક તો વિચારોનો લાગે છે… હા હા એવું જ હોય છે માણસ જ્યારે એમ વિચારે બધું મારે કરવાનું ??? એકલાને ? ત્યારે જ એ થાકે છે….

હું મારી અંદરની જાત સાથે સંઘર્ષ કરતી હતી. કોણ જાણે શું સાચું ને શું ખોટું પણ આ હવે સાચુકલી હું થાકી છુ. ના ના કંટાળી છુ. પણ થાક અને કંટાળો અલગ હોય ? એક જ નહીં ? ફરી અંદરથી પ્રશ્ન થયો. ઉત્તર તૈયાર હતો : થાક શારીરિક હોય કંટાળો માનસિક હોય.

તો આ થાક કે કંટાળો જે હોય તે ત્યારે કેમ નહોતો આવતો જ્યારે એ જીવતા હતા અને બાળકો પણ નાના હતા ને ઉપરથી એમની કચકચનો તોટો ક્યાં હતો ?

પહેલા તો નાનકડું મકાન હતું. એ જીવતા હતા ત્યાં સુધી એ મકાનમાં જ રહેતા. કંજૂસ માણસનું ઘર તો ઠીક મન પણ નાનું હોય. આવું હું મનમાં બોલતી. એમની સામે તો બોલાય નહિ. આમેય એમની કચકચ ચાલુ જ હોય….. ને એમાં વધારે માથાકૂટ કોણ કરે ? મરતું શો બધું….. હિયાકાશ વધારીને શું કરવાનું….

ના એવી સાડી ન લેવાય. હજુ આપણે છોકરા મોટા કરવાના છે. તને કઈ ભાન છે કે નહીં સરોજિની ? ત્યારે તો છોકરાય નહોતા. છેવટે સસ્તી લઈને પાર કરવાનો.

ખાવામાં પણ એવા જ. બજાર ભેગા આવે. ચોખાની સાત જાત દેખે પછી પૂછે આમાં ઠીક ક્યાં છે ? સારા ક્યાં એ ન પૂછે…. હું કહું આપણે રોજ લઈએ એ જ લો વાત પતે…. દુકાનવાળા પણ એમની આદતને ઓળખે….. શરમ આવતી. નાનપ લાગતી. આવો કંજૂસ માણસ ?

થિયેટરમાં પડોશીઓ જતા. આપણે થિયેટર એટલે દારૂનો અડ્ડો જાણે. નામ લેવાય નહિ. એમાં શું જોવાનું હોય સરોજિની ? ખોટા ખોટા દ્રશ્ય હોય. કા’તો હીરો કરોપડતી હોય કે પછી સાવ ગરીબ… મિડલ ક્લાસનો હોય એવું કોઈ ફિલ્મ આવે અને એમાં કઈ શીખવા જેવું હોય તો જઈએ બોલ. હવે આમાં ડાકુઓના ફિલ્મમાં શું જોવાનું ? બે માણસ ડાકુઓને મારી નાખે એમ ? ને પોલીસ શું જખ મારતી હશે ? ન જોયું હોય તો શોલે…… વાત ભમીને શોલે ઉપર આવી જતી. ગમે તે ફિલ્મની વાત હોય છેવટે અંત શોલે ઉપર આવે. મેં એક વાર કિધેલું કે મને એ ગમે છે તેથી. એ હતા નિયમવાળા. પેલી વિધવાવાળું એમણે સાંભળ્યું હશે કે જોયું હશે એટલે ફિલ્મની વાતમાં શોલે ઉપર દાઝ કાઢે જ.

ટીવી પણ માંડ લાવેલું એ ય આ રાજુની જીદે. પણ અવાજ તો એટલો રાખવાનો કે ટીવીને કાન ભીંડાવીને બેસો તો સંભળાય. થોડો અવાજ ઊંચો કરીએ તો……. ભૈ સાબ મારે લખવાનું કે નહીં ? હિસાબ બિસાબ કરવાના કે તમારી જેમ બસ દેવાળું ફૂંકવાનું…..? ખીજ ચડે એટલે ટીવી જ બંધ કરવાની…..

ને ટીવી બંધ થઈ. આ પાંચમી બૂમ પછી ઉપર હેતલની રૂમમાં ટીવી બંધ થઈ. રાજુ મોબાઈલમાં જોતો જોતો નીચે આવ્યો. કશુંક લખતો હતો. વોટ્સએપમાં.

“મોર્નિંગ મોમ……” બંને બોલ્યા બેઠા. ખાવા લાગ્યા. હું જોઈ રહી..

“મમ્મી શું બનાવ્યું છે ?” રાજુ નાનો હતો ત્યારે પૂછતો. હેતલ તો પહેલેથી જ રસોડામાં આવીને જોઈ જતી. એ બધું કઈ નહિ. જે હોય તે ખાઈ લેવાનું. ભાવે એટલું. ન ભાવે તો ઉભા થઈને રૂમમાં. બહાર ઘણું ય મળે છે. કેન્ટીનો ભરેલી પડી છે. રેસ્ટોરા અને હોટેલો હકડેઠઠ ભીડ, ક્યારેક મને થાય છે ઘરનું ખાવાનું આટલું નબળું થઈ ગયું હશે? આટ આટલા લોકો આ કેન્ટીનો લારીઓ દુકાનો રેસ્ટોરાંઓ અને હોટેલોમાં ભરેલા હોય છે. મોબાઈલમાં માથું નાખીને ચમચી મોઢામાં ઓરતા હોય છે. આ બધાને ઘર નહિ હોય ? કે પછી ઘરનું રાંધેલું હવે નબળું થઈ ગયું છે ?

“પણ થોડુંક તો લે બેટા……” રાજુ ઉઠ્યો બે મોઢા ભરીને. મારાથી બોલાઈ ગયું.

“નો મોમ હું આમેય સ્નેહલ જોડે જવાનો છું જમવા…..” તેણે કહ્યું.

“પણ બેટા મોબાઈલ મૂકે તો ભાવે ને ?” આમ તો હવે મેં બોલવાનું બંધ કરી દીધું હતું પણ કોણ જાણે રાજુના સુકલડકી શરીર સામે જોઇને મારાથી બોલાઈ ગયું.

“મોબાઈલ મૂકી દઉં ? મોમ સ્નેહલ ઓનલાઇન છે…..”

સ્નેહલ….. લ કાઢીએ તો સ્નેહ….. પણ સ્નેહ એટલે શું ? તેના નામમાં ફક્ત નામ પૂરતો સ્નેહ….. જીવનમાં….. કશું જ નહીં…. શું કહેવાય ? હા પ્રેક્ટિકલ લાઈફ.

તે ઉભો થઈને ચાલ્યો ગયો. સ્નેહલ… છોકરી દેખાવડી. બોલકણી. ચપડ ચપડ બોલે. અંગ્રેજી છાંટે. આંગળીઓ હાથ માથું આંખો હલાવીને બોલે. જોતા તો મને ય ગમી ગયેલી. આવી હતી એક વાર ઘરે. રાજુને એની જોડે વાત કરતો જોઈને મને શંકા ગઈ હતી. પૂછ્યું મેં , “બેટા કઈ પ્રેમ બ્રેમના ચક્કર છે…..”

“નો મોમ શી ઇઝ માય gf…..”

એટલે gf થી પ્રેમ ન હોય ? નવાઈ લાગેલી. પણ આવું ન પૂછ્યું. શબ્દો ફેરવીને પૂછ્યું , “એટલે લગનનો વિચાર ખરો ?”

“સ્ટુપીડ જેવી વાત કરે છે મોમ…. એ બીજા જોડે પરણવાની છે. આ તો બસ જસ્ટ અત્યારે મારી જોડે રિલેશનશિપમાં….. પછી એ એના રસ્તે હું મારા રસ્તે……”

પતી ગયું. ખલાસ. એ દિવસે જ ખબર પડી હતી કે મારો દિકરો ગયો. રમકડું છે મારો દીકરો નથી. એ રમે છે ઢીંગલી સાથે અને ઢીંગલી એની સાથે. બંને જાણે છે કે રમત છે. છતાંય રમે છે. આમનો સંસાર કેમ નભશે ? પણ આ તો આખીયે પેઢી એવી છે. હેતલ પણ એવી જ ને. તેને ય bf છે. શેનો bf ઢીંગલો.

પણ મેં જ બગાડી હતી. નહિ…. હેતલ ઉભી થઈ અને તેનો ફોન રણક્યો. મારા વિચાર તૂટ્યા. રાજુ તો ક્યારનો સીડીઓ ચડી ગયો હતો. હેતલ પણ દોડતી સીડીઓ ચડી ગઈ. હું એકલી પ્લેટો…. શૂન્યતા. શબ્દો ના ના વિચારો ને હું…. હું કોણ ? સરોજિની ? ના ના ઢીંગલી…..!

બેઠી રહી. પ્લેટો…. પ્લેટો ઉપર ચમકતો પ્રકાશ…. ને મારુ ઝાંખું મોઢું….. ને પેલા વિચાર….

મેં જ બગડ્યા નહિ ? હેતલને હું કહેતી તું એરેન્જ મેરેજ ના કરતી. મમ્મા યુ આર એ ગુડ મધર….. ધૂળ ગુડ મધર ? મારા ઉપર થોપેલી કચકચને હું ત્રાસ સમજતી. વિચારતી મારી જેમ હેતલ ને રાજુ શું કામ જીવે ? રાજુ વધારે ભણેલી છોકરી લાવે હેતલ વધારે ભણેલા છોકરા સાથે જાતે ગોઠવાઈ જાય. નો સિનેમા. નો મોંઘા ચોખા. નો મોંઘી સાડી…. એ વિચારોમાંથી જન્મી સ્વતંત્રતા… કે સ્વચ્છંદતા ?

પણ સસ્તા ચોખાય ખાતા તો હતા ને ? પેટ ભરીને. કદી બગડે નહિ. બગડ્યા ? બગડે તો સવારે વધારી દેવાના. પણ બગાડ નહિ. કેવા નિયમો ? એ કહેતા તમે રાતે ખાધા નથી એ ચોખા વધારીને ડબ્બામાં ભરી દે. તમે તો દેવાળું ફૂંકશો પણ મારે જીવતો હોઉં ત્યાં સુધી તો ઘર સાચવવું ને ! મારા મર્યા પછી જે કરવું હોય એ કરજો…

ને જાણે એમને ખબર હતી કે એમના મર્યા પછી આ ઘરના નિયમો બદલાઈ જશે. અમે દેવાળું ફૂંકીશું એટલે જ એ વીમો લઈને બેઠા હતા. મને તો ખબર પણ ક્યાં હતી ? પગારમાંથી પ્રીમિયમ ભરાતા. 20 લાખનો વીમો. ને એ ગયા…… પૈસા મળ્યા. મોટું ઘર લીધું. છોકરાઓને ભણાવ્યાં. સાચું કહું તો કેટલાય દિવસ તો હું જાણે આઝાદ થઈ હોય એમ લાગતું. કોઈ કચકચ નહિ. સાડી જોકે હવે લેવાની રહેતી નહોતી પણ ચોખા થોડા સારા લાવતી. ઘરમાં વસ્તુઓ પણ વસાવી હતી.

એ તો રાડો પાડતા. બિનજરૂરી વસ્તુઓ શું કરવાની ઘરમાં ? વસ્તુઓથી કઈ જીવાય છે ? ત્રેવડ કરકસર નિયમોથી માણસ સુખી થાય. વસ્તુઓથી નહિ.

પણ મેં લાવી વસ્તુઓ.. કરકસર બંધ કરી.. વિચારો નિયમો બદલ્યા…. અને બધું બદલાઈ ગયું….

સામે લટકતી એમની છબીમાંથી ચશ્મા પાછળની આંખો જાણે મને કહેતી હોય એમ લાગ્યું , “કરી લીધું મરજી મુજબ ? રહ્યું આ ઘર ? થઈ ગયું ને બધું ઢીંગલા ઢીંગલી જેવું ?”

અરે તમે ચૂપ થશો ભૈ સાબ…. હું બોલી પડી….

“કોને કહે છે મોમ ?” લાલચોળ હોઠથી હેતલ બોલી. ક્યારે એ સીડીઓ ઉતરીને તેની બેગ લઈને આવી એ ય ધ્યાનમાં ન રહ્યું.

“ના કોઈને નહિ આ માખીઓ……”

“મોમ યુ આર ક્રેજી…..” તે ચાલતી થઈ…. બારણું બંધ થઈ ગયું…. ફરી બારણું ખોલ્યું….. કોઈ બહાર ગયું…. કોણ ગયું ? ઢીંગલો….. રાજુ….. મારો દીકરો…. ના ના સ્નેહલનો ઢીંગલો…..

હાસ્તો ક્રેજી જ ને બેટા….. મનમાં હું બોલી…. ના ના ક્રેજી નહિ….. રાજુ કહે છે તેમ સ્ટુપીડ….. એ પણ એમ જ કહેતા…. ગાંડી….. પણ એ ગાંડી શબ્દમાં પ્રેમ હતો નહિ ? કઈક પોતાપણું હતું નહીં ? એ પાછી અંદરની સરોજિની બોલી….. આ સ્ટુપીડ અને ક્રેજીમાં પોતાપણું છે કે ધિકકાર ??? ના ના છોકરાઓ કઈ માને ધિક્કારે ખરા ? આ તું શું વિચારે છે ? મારી જાતને મેં દબાવી…

સાચું કેમ સ્વીકારતી નથી તું ? પાછો અવાજ અવાજ આવ્યો…. એ બિચારા કરકસર કરીને નિયમોમાં જીવીને આ ઘરને ઘર રાખતા. સાવ નાના મનનો માણસ એવું હું એમને કહેતી. પણ કેટલું મોટું મન ? બીમારી હતી એ ખબર હતી પણ કોઈ દિવસ મને કહ્યું નહિ. મર્યા પછી આ ઘર ઘર રહે એ માટે વીમો પણ લીધો. મર્યા પછીએ પૈસા આપીને ગયા…..

હું ઉભી થઈ. વાસણ કરવા હતા…. પણ ઉભા થતા જ ચક્કર આવવા લાગ્યા…. હું સોફામાં બેસી ગઈ. હવે તો આ ઢીંગલીના હાથ પગ ભાગી ગયા છે. કોઈ ખિજાયેલા બાળકે એની ઢીંગલી તોડી નાખી હોય એમ. બસ હવે ઢીંગલીની ડોક મરડાઈ જાય એટલે પાર….. પછી બધી છૂટ…..

*******

લેખક : વિકી ત્રિવેદી

Leave a Reply