Ujas Vasavda

રામ રાખે તેને કોણ ચાખે!

“બાપુજી અમે જઈએ છીએ, હિતુ રૂમમાં હજુ સૂતો છે”

“ભલે બેટા તમે તમારે જઈ આવો અમે અહીં ઘર પર જ છીએ.”

“બાપુજી ટી.વી.સેટ કરી દીધું છે તમારે માત્ર રિમોટમાં ‘ઓન’ બટન દબાવી શરૂ જ કરવાનું છે”

“ભલે બેટા.. આવજો..સીતારામ..”

“સીતારામ”

સુભાંગી અને કૃપેશ બન્ને સવારે 7 વાગે શાળાએ જવા નીકળી પડ્યા હતાં. આજે પ્રજાસત્તાક દિવસ હતો શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થવાના હતાં. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ હોય જુદી જુદી સરકારી ઓફિસો, શાળાઓ, વિવિધ જગ્યાએ દેશ ભક્તિ ગીતો સવારથી જ વાગી રહ્યા હતાં.

કૃપેશના બાપુજી વિઠ્ઠલભાઈ ઘર પર જ ટી.વી.માં સાત વર્ષના પૌત્ર હિતાર્થ સાથે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શ્રી કે.આર.નારાયણ દવારા થનાર ધ્વજવંદન અને પરેડ જોવાનો કાર્યક્રમ નક્કી કરેલ હતો. વિઠ્ઠલભાઈને ટી.વી.ની વિવિધ ચેનલો બદલવાની આટીઘૂંટીની સમજ ન પડતી હોય કૃપેશ ચેનલ સેટ કરી શાળાએ જાય છે.

શિયાળાની ખુશનુમા સવાર હતી, રસ્તાઓ પર ધુમ્મસ પણ જોવા મળતું હતું. ધુમ્મસને ચીરતા કૃપેશ અને સુભાંગી શાળાએ પહોંચ્યા. બંન્ને એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં હતા તે બન્નેને કાર્યક્રમને લગતી જવાબદારી સોંપાઈ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં લાગી ગયાં.

ઘરે હિતાર્થ આઠ વાગ્યાના સુમારે ઉઠે છે અને વિઠ્ઠલભાઈ પૌત્રને લાડ લડાવતાં બ્રશ કરાવી, ગરમ દૂધ આપે છે અને ત્યારબાદ નવડાવે પણ છે. બાથરૂમની બહાર આવતાંની સાથે વિઠ્ઠલભાઈ દિવાન ખંડમાં ટી.વી.ચાલુ કરી હિતાર્થને તૈયાર કરતાં હોય છે.

લગભગ 9:45ના સુમારે અચાનક જ ટી.વી. બંધ થઈ જાય છે.વીજળી કપાઈ છે, અને બધું ડોલવા લાગે છે. હિતાર્થ ગભરાઈ વિઠ્ઠલભાઈને વળગી જાય છે. અચાનક ચિસા-ચીસ થવા લાગે છે. એપાર્ટમેન્ટના બીજા રહેવાસીઓ દોડીને પગથિયાં ઊતરવા લાગે છે. “ભુકંપ….ભુકંપ” બુમો કાને અથડાય છે. વિઠ્ઠલભાઈનું મગજ સુન્ન થઈ જાય છે, એ હિતાર્થને લઈ પગથિયાં ઉતરી શકે તેમ ન હતાં. એ એમના અનુભવોના આધારે ડાઇનિંગ ટેબલની નીચે છુપાઈ બેસી જાય છે. હિતાર્થ રડવા લાગે છે વિઠ્ઠલભાઈ પોતે ડરતાં હોય છે પણ હિતાર્થને આંખો બંધ કરી હનુમાન ચાલીસા બોલવાનું કહે છે.

કૃપેશ અને સુભાંગી શાળામાં મચેલી ભાગ દોડમાં પોતાના ઘરની પરિસ્થિતિ ભૂલીને શાળાના બાળકોને સલામત જગ્યાએ મેદાનમાં ઉભા રાખી ઈશ્વરની ધૂન બોલાવવાનું શરૂ કરે છે. માનવનો સહજ સ્વભાવ હોય છે સુખદ પરિસ્થિતિમાં ઈશ્વર કદાચ યાદ ન આવે પણ દુઃખદ પરિસ્થિતિમાં ઈશ્વરનું રટણ રોમે-રોમમાં દોડવા લાગે છે.

ભૂકંપની અસર 2 થી 3 મિનિટની રહે છે પણ આ ક્ષણિક સમયમાં કેટ- કેટલાય ઘરો,ઓફિસો,દુકાનો,એપાર્ટમેન્ટો પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ જાય છે. આખા શહેરમાં ધૂળની ડમરીઓના લીધે આકાશ ડહોળુ થઈ જાય છે. શાળામાં નાના બાળકોની જવાબદારીના લીધે કૃપેશ અને સુભાંગી શાળા છોડી એમના ઘરે જઈ શકતાં નથી. વિજ પ્રવાહ અને ટેલિફોન લાઈનો બંધ થઈ જાય છે. બધા લોકો એમના આપ્તજનો વિશેની માહિતી મેળવવા માટે અધીરા થયાં હોય છે. ગણતરીના સમયમાં શાળાના બાળકોના વાલીઓ રડતાં ચહેરે શાળાએ આવી પહોંચે છે. રસ્તાઓ પર ધરાશાયી થયેલા વિવિધ મકાનોના બાંધકામ વિશેની માહિતીઓ વહેતી મુકાય છે. એ પૈકી ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ પણ ધરાશાયી થયાની વાત કૃપેશ અને સુભાંગીના કાને પડે છે.

ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બન્ને શાળાના આચાર્યને જાણ કરી ઘર તરફ દોડે છે.રસ્તા પર અફડાતફડી જોવા મળે છે. લોકો પોતાના ઘરો છોડી બહાર રસ્તાઓ પર આવી ગયાં હોય છે. ધરાશાયી બાંધકામોની આજુબાજુ લોકો કાટમાળ ખસેડી દટાયેલા લોકોને બહાર કાઢવા મથતાં જોવા મળે છે. બચાવો… બચાવો… ની પીડાદાયક ચીસો સંભળાતી હોય છે.

કૃપેશ સ્કૂટર ને વધુ વેગ આપે છે અને રસ્તાઓ પરના અડચણોને પાર કરતાં તેના સરનામે પહોંચે છે. ત્યાનું દ્રશ્ય જોઈ સ્કુટરની ઘોડી પણ ચડાવી ન શકતાં માથે બે હાથ દઈ જમીન પર જ ફસડાઈ પડે છે. સુભાંગી બેબાકળી બની કૃપેશ ને, “આ શું થઈ ગયું…કુદરત આવી ક્રૂર કેમ બની…” બુમો નાખતી રડવા માંડે છે, ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ કાટમાળનો ઢગ બની ગયો હોય છે. એપાર્ટમેન્ટના દરેક લોકો દટાઈ ગયાં હોય છે.

સુન્ન થઈ ગયેલ કૃપેશને કાટમાળ નીચેથી બચાઓ.. બચાઓ ચીસો સંભળાય છે. બન્ને એક આશાના બીજ સાથે અવાજની દિશામાં કાટમાળ ઉપર ચડી પથ્થરો હટાવવા લાગે છે. સમયના પ્રવાહની કોઈને ખબર નથી રહેતી, ભૂખ, તરસ બધું જ સુકાઈ જાય છે.

બચી ગયેલા લોકો આપ્તજનો પ્રત્યેની આશાઓને બાજુએ રાખી કાટમાળ હેઠળ દટાયેલા માત્ર આપ્તજનોને જ બચાવવાની જગ્યાએ ‘જીવ માત્ર’ને બચાવવામાં લાગી જાય છે. રાત્રીનો સમય થતાં સુધીમાં સૈનિકોની ટુકડીઓ, તેમજ જુદા જુદા નજીકના શહેર,ગામો માંથી અલગ અલગ સંસ્થાઓ માંથી કાર્યકરો ખાવા-પીવાના સમાન સાથે શ્રમયજ્ઞ માટે આવી પહોંચે છે.સહિયારા સાથે બચાવકાર્ય યુદ્ધના ધોરણે શરૂ થઈ જાય છે.

કૃપેશ અને સુભાંગીના આંસુઓ બચાવકાર્ય માં જોડાતાં તેમજ બીજા લોકોની દુઃખદ ચિચિયારીઓ સાંભળી સુકાઈ જાય છે. ભયાનક ભુકંપમાં ઘણા લોકો પોતાના આત્મજનો, માં,બાપ,ભાઈ,બહેન,નાના ભૂલકાંઓ ને ગુમાવે છે. કુદરતના રોદ્ર સ્વરૂપના લીધે કેટલાંય લોકો દબાયેલા, પીસાયેલા,કપાયેલાં મૃતદેહો કાટમાળ નીચેથી મળે છે.

કેટલાક લોકો જીવિત પણ મળી આવે છે. આ જીવિત મળેલા લોકો સાચા અર્થમાં નસીબદાર કહેવાય છે. સાત દિવસ વીતી જાય છે. સુભાંગી અને કૃપેશ વિઠ્ઠલભાઈ અને હિતાર્થના મૃતદેહ મળવાની રાહે કાટમાળ ઉલેચવામાં સતત મથ્યા રહે છે. ભૂકંપના આઠમા દિવસે સુભાંગી ભુકંપ પીડિતોને સરકાર દ્વારા બનાવેલ તંબુમાં કાર્યકરો સાથે મળી જમાડવાના કાર્યમાં વ્યસ્ત હોય છે.

કૃપેશ એમનાં જ એપાર્ટમેન્ટનો કાટમાળ ઉલેચવામાં વ્યસ્ત હોય છે ત્યારે અચાનક એમના કાને હનુમાન ચાલીસાના પાઠ સંભળાય છે અને અવાજ કોઈ જાણીતો હોય તેવું લાગે છે.કૃપેશ મનોમન, “અરે..આ હિતુનો અવાજ છે…” કૃપેશ વ્યાકુળતાવશ અવાજની દિશામાં કાટમાળ ઉલેચવા લાગે છે. ત્યાં વજનદાર પથ્થરોનો ઢગ હોઈ કૃપેશ બીજા લોકોને મદદે બોલાવે છે. એક સાથે ચાર વ્યક્તિ હથોડા વડે પથ્થર તોડવા લાગે છે. ગણતરીના સમયમાં પથ્થર તુટતાં નીચે લાકડાનું ટેબલ દેખાય છે. કૃપેશ ઉત્સાહમાં બોલી ઉઠે છે, “આ મારા ઘરનું ડાઈનીંગ ટેબલ છે..”

સાથે રહેલા બીજા સહાયકો વધુ ઉતાવળ સાથે ટેબલને પણ દૂર કરે છે અને વિઠ્ઠલભાઈ સાથે હિતાર્થને આંખો બંધ કરી તંદ્રા અવસ્થામાં દેખાય છે.હિતાર્થના મુખેથી હજુ પણ હનુમાન ચાલીસાના પાઠ લોકોને સાંભળવા મળે છે. બંને જીવંત, સંપૂર્ણ સ્વસ્થ સાત-સાત દિવસ કાટમાળ હેઠળ રહ્યા બાદ મળી આવતાં સૌ હેરત પામે છે. તુરંત જ બંન્નેને રાહતકાર્ય અંતર્ગત ઉભા કરેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવે છે. યોગ્ય સારવાર મળી જતાં બંને સ્વસ્થતા મેળવે છે. દેશ-વિદેશમાં સમાચાર પત્રો અને ન્યૂઝ ચેનલોમાં આ ચમત્કારની વાત ફરી વળે છે. ત્યારે સૌ કોઈ બોલી ઉઠે છે, “રામ રાખે તેને કોણ ચાખે”.બાળ સહજ હઠ પાસે સાક્ષાત ઈશ્વર પણ મદદે આવું પડે છે.

*******

લેખક: ઉજાસ વસાવડા
મો.9913701138
ઇમેઇલ:ujasvasavada@gmail.com

Categories: Ujas Vasavda

Tagged as: ,

Leave a Reply