Raghuvir Patel

લજ્જા 

રાજ્યની સબ જેલમાં મહિલા કેદી નંબર 303 નામ એનું કામિની પતિની હત્યાના ગુનામાં સજા ભોગવી રહી છે. તે બીજા કેદીઓ સાથે ક્યારેય ઝઘડો કરતી નથી તેમજ કોઈની સાથે વધુ બોલતી પણ નથી. એકાકી રહે છે. તે હંમેશાં પોતાની દીકરીને યાદ કર્યા કરે છે. આજે પણ દીકરીની યાદોની વણજારમાં વિહરી રહી છે. દીકરી પણ કેવી… નામ એનું લજ્જા, દેખાવે સોહામણી, નામ એવા ગુણ, બોલે ત્યારે લજ્જાના શેરડા છૂટતા દેખાય.

આમ તો નાનપણમાં ગામની એક અલ્લડ છોકરી. દેખાવે રૂપાળી પણ ગરીબ ઘરનું રતન. મેલાંઘેલાં કપડાંમાં ઢંકાયેલું. શાળામાં ભણવા જાય તોય છેલ્લે બેસવું પડે, કારણ ગરીબી. પોતાની બા સાથે બાપે બીજા લગ્ન કરેલા, ઓરનામ બાપ એટલે ખાસ કાંઈ ધ્યાન આપે નહિ. બાપ ટેમ્પામાં કંડકટરી કરવા જાય, જે આવે તે નશામાં ઉડાવી દેતો હોય, એટલે ગરીબી ઘરમાં ઘર કરી ગયેલી. છૂટક મજૂરી કરી જીવન વિતાવવાનું એટલે ખાસ કોઈ કામધંધો મળે નહી. બાનો પગ ભાંગેલો એટલે ઘરના કામનો બોજો તેના પર. ક્યારેક તેને મજૂરીએ પણ જવું પડે, તેથી ભણવામાં હંમેશાં પાછળ પડે. ભણવાની પ્રબળ ઈચ્છા છતાં તૈયારી કરી શકે નહી. સાહેબો પાસેથી કે બીજા પાસેથી માંગી લાવી પુસ્તકો લઈ વાંચે.

પ્રાથમિક શિક્ષણ માંડ પૂરું કરી હાઈસ્કૂલમાં આવી તે સમયે તેના શારીરિક તથા માનસિક ફેરફારો થવા લાગ્યા. આ ઉંમરે ફેરફારો થાય તે સ્વાભાવિક છે. તેના કપડાં રીતભાતમાં બદલાવ આવ્યો.કપડાં નાનાં પડવા લાગ્યા. તેનામાં વસંત ડોકાવા લાગી. સુગંધને એનું માર્કેટિંગ કરવું પડતું નથી.ભ્રમર એના ગંતવ્ય સ્થાને આવી જતા હોય છે. લજ્જાની પાછળ ભ્રમર ગુંજન કરવા લાગ્યા. લજ્જામાં હવે સમજણનું સગપણ થઈ ગયું હતું. નાનપણની અલ્લડતા ચાલી ગઈ હતી. હવે વાત વાતમાં શરમના શેરડા છૂટતા હતા.

તેને બાહ્ય વાતોને બાજુ પર મૂકી ભણવામાં ધ્યાન આપ્યું. તેને સમજણ આવી ગઈ હતી કે આ જગતમાં ભણ્યા વિના આપણું કોઈ ભવિષ્ય નથી. સામાન્ય લગતી છોકરી દસમા ધોરણમાં શાળામાં પ્રથમ નંબર લાવી ત્યારે આખું ગામ દાતમાં આંગળાં નાખી ગયું. ને કહેવા લાગ્યા કે આતો ધૂળમાં દટાયેલું રતન છે. તે પદવીઓ પર પદવીઓ પ્રાપ્ત કરતી ગઈ, પણ મર્યાદા ન ભૂલી. તેની ડીગ્રીઓ સોહામણી બનતી ગઈ તેમ શરીર સૌષ્ઠવ પણ ખીલતું ગયું. ભ્રમરોનો ગુજારવ વધતો ગયો. કોઈ ભ્રમરને આ ફૂલ પર બેસવાની હિંમત ન કરી શકતો, કારણ તેને એન.સી.સી જોઈન્ટ કરી હતી. કરાટે ચેમ્પિયન હતી.

લજ્જાએ પોતાની લાજ સાચવવા ભલે ગરીબીએ માજા મૂકી હતી, છતાં મર્યાદા તોડી નહોતી. જુદી જુદી પરીક્ષાઓ પાસ કરી તેના પરિણામે પોલીસમાં ઈન્ટરવ્યું આપવાનો ઓડર તેના હાથમાં આવ્યો. પ્રેક્ટીકલમાં એ પાસ થઈ ગઈ હતી.હવે ઓરલ બાકી હતું. કાલે એ પૂરું થાય એટલે વર્ષોની ગરીબીની વેદનાથી મુક્તિ.નોકરીના સ્વપ્નો જોતી સૂતી પણ કહેવાય છેકે કાલ સવારે શું થવાનું કોને ખબર.!

કહેવાય છેકે વાડ ચીભડાં ગળે તો કોને કહેવાય? તે રાત્રે તેનો બાપ મોડો ઘરે આવેલો નશામાં ચકચૂર હતો. તેને દીકરીની લાજ પર હાથ નાખવાનો પ્રયત્ન કર્યો.. બાપ ઉઠીને દીકરી પર નજર… તો બાપના નામે કલંક આનાથી બીજું કોને કહેવાય.? અચાનક ઉઘમાંથી જાગેલી દીકરી બાપને જોઈ હેબતાઈ ગઈ. આ વાત બહાર કોઈને જણાવી પણ ન શકે, ને સહન પણ ન કરી શકે તેવી પરિસ્થિતિ બની.. તેની ભાંગેલા પગ વાળી બા મહામુસીબતે છોડાવવા ગઈ તો તેને ભીંત સાથે ભટકાવી. લજ્જા હડસેલો મારી ભાગવા ગઈ તો ફરી પગમાં પકડી ખેંચી.

લજ્જા હવે સમજી ગઈ કે આબરૂ બચાવવા બાપને કરાટેનો સ્વાદ ચખાડવો પડશે.તે કરાટેથી બાપને પાછો વાળી શકી હોત પણ કુદરત શું કરાવે કોને ખબર,તેના હાથમાં લાકડાં કાપવાનો કૂહાડો આવી ગયો. જગદંબાનું નામ લઈ ફટકારી દીધો. બાપના રામ રમી ગયા.તેની બાએ દૃશ્ય નજરો નજર જોયું. લજ્જા ગભરાઈ ગઈ.તેની બાએ વિચારી લીધું દીકરીનું જીવન રોળાઈ … ગુનો પોતે…

‘ કેદી નંબર 303 !’ જેલરે બુમ પાડી ત્યારે ભાનમાં આવી. ‘તમને કોઈ મળવા આવ્યું છે.’

કોટડીના દરવાજા ઝડપથી ખુલી ગયા. કામિનીએ કૃશ નજરે જોયું તો કોઈ પોલીસ અધિકારી ઉભાંહતાં. સ્મરણ શક્તિ તેજ થઈ,આવનાર કામિનીના પગમાં પડી ગઈ. ‘બા, હું…’ શબ્દો અધ્યાહાર રહ્યા.

મા-દીકરી ભેટી પડ્યાં જેલના કર્મચારી અવાચક થઈ ગયા.જેલર તો અધિકારી ની બા ને કેદી નંબર બોલીને પોતે કેટલી મોટી ભૂલ કરી એ વિચારે જ ગભરાઈ ગયો.

‘બા, તારું સ્વપ્નું પૂરું થયું. તને મળવા આવી ત્યારે તે કહેલું કે તને મોટી અધિકારી જોવાનું મારું સ્વપ્નું છે એ પૂરું કર્યા વિના ન આવતી.’

કામિનીની તો વાણી જ હણાઈ ગઈ હતી.

‘ આજે જ ટ્રેનીગ પૂરી કરી સીધી તારી પાસે આવી છું. મારું પોસ્ટીંગ આ જ જેલમાં થયું છે’.

‘દીકરી… લજ્જા,.. તે…’

‘બા , લાજ તો તે મારી રાખી…’

‘દી..ક..રી..કામિની હર્ષના અતિરેકમાં સમતોલન ગુમાવી બેઠી. ભારે એટક આવી ગયો. દીકરીના હાથમાં જ …
લજ્જા આજે સાચા અર્થમાં નોંધારી બની ગઈ.

*******

લેખક : રઘુવીર પટેલ “જિગર” (ભજપુરા,સાબરકાંઠા)
મોબાઈલ : +919428769433

Leave a Reply