Ujas Vasavda

નેત્રમ

શિયાળાની સવાર ,ગુલાબી ઠંડીનો અહેસાસ અને ઉપરથી રજાનો દિવસ શહેરની મધ્યમાં આવેલ 10 માળના ટાવરના છઠ્ઠા માળેની બાલ્કનીમાં બેઠા ચા પીતા છાપું વાંચવાની મજા જ કઈ અલગ હોય છે.

પ્રદ્યુમન આ આહલાદક આનંદ ની મજા માણતો હતો. એ પ્રકૃતિ પ્રેમી હતો, બાલ્કનીમાં નાનાં-મોટાં જુદા જુદા ફૂલોના કુંડાઓ રાખ્યાં હતાં તે ઉપરાંત પક્ષીઓને પીવા પાણી અને અનાજ ચણવાનું પાત્ર પણ રાખેલ હતું. બાલ્કનીની બેઠક તેમને ઉદ્યાનમાં બેઠા હોવાનો આભાસ કરાવતો હતો. તે ઉપરાંત લોક પરિચય મેળવી રજાના દિવસોમાં કામ ઊપરાંત પરિચય થયેલ નવા મિત્રને મળવું,બેસવું લગભગ દરેક રજાઓમાં આ એનો નિત્યક્રમ રહેતો.

અચાનક ધડામ.. દઈ ને ઘરનો દરવાજો ખુલે છે. કૃપ તેનો 13 વર્ષનો દીકરો ક્રિકેટ કોચિંગ માંથી આવે છે. કૃપ સાથે કેમ્પમાં આવતો બીજો છોકરો પણ ઘરે આવેલો હતો. કુતૂહલ વશ પ્રદ્યુમન એ છોકરાંને બોલાવે છે.” બેટાં.. તારું નામ શું છે? એકદમ ફૂટડો, શારીરિક સ્વસ્થ, વિવેકી વર્તન વાળો છોકરો એના મૃદુ અવાજમાં કહે છે, “”નેત્રમ”.

નામ સાંભળી પ્રદ્યુમનના હૈયે એક અજબની ટાઢક વળે છે. મનોમન વિચારે છે “કેવું સરસ કુદરતનું સર્જન છે. આ છોકરો આટલો સરસ છે તો તેના માતા-પિતા કેવા હશે?” પ્રદ્યુમનને નેત્રમ સાથે વધુ વાતો કરવાનું મન થાય છે. ” બેટા.. તું ક્યાં રહે છે? તારા મમ્મી-પપ્પા શું કરે છે?” નેત્રમ આંગળી વડે ઈશારો કરતાં જવાબ આપે છે, ” ત્યાં સામે જ અમારો ફ્લેટ છે. મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા શિક્ષક છે.હજુ વાત આગળ કરવા જાય ત્યાં કૃપના બોલાવવાથી નેત્રમ કૃપના રૂમમાં જાય છે. અને ક્રિકેટ કીટ વિશેની માહિતી લઈ જતો રહે છે.

પ્રદ્યુમન રવિવારનો દિવસ હોય અને કઈ ખાસ અન્ય કામ પણ ન હોય કૃપને બોલાવી કોચિંગ વિશે અને નેત્રમ વિશે પૂછે છે. કૃપ જવાબમાં કહે છે,”પપ્પા નેત્રમ આજથી જ કોચિંગમાં આવ્યો અને મારી કીટ જોવા તેમજ એની પૂછપરછ કરવા આવેલો, એ ત્યાં સામેના ફ્લેટમાં જ રહે છે.” પ્રદ્યુમન સહજ રીતે સરસ તને કોચિંગમાં જવા-આવવા કંપની મળી ગઈ. તે એમનો કોન્ટેક્ટ નંબર તો લીધો ને” કૃપ જવાબ આપે છે. “હા પપ્પા નેત્રમએ એમના પપ્પાનો નંબર આપ્યો છે”

પ્રદ્યુમન નવરાશ ની પળ હોય મનોમન નેત્રમના પપ્પા સાથે ઓળખાણ કરવા વોટ્સએપ પર મેસેજ શરૂ કરે છે. મસેજની આપ-લે થાય છે અને થોડીવારમાં સારા ચેટ ફ્રેન્ડ બની જાય છે. એમનું નામ કંદર્પભાઈ, એમનું એડ્રેશ, કઈ સ્કૂલમાં જોબ કરે છે, વિગેરે ઘણી જ વાતો કરે છે. મેસેજમાં કંદર્પભાઈ ઘરે પધારવાનું આમંત્રણ પણ આપે છે.

પ્રદ્યુમન એમની દૈનિક ક્રિયાઓ પુરી કરી બની ઠની નીકળી પડે છે કંદર્પભાઈના ઘરે. ત્યાં પહોંચી ડોરબેલ વગાડે છે. નેત્રમ ઘરનો દરવાજો ખોલે છે. “આવો અંકલ..” પ્રદ્યુમન ઘરમાં પ્રવેશે છે ત્યાં સોફા પર કંદર્પભાઈ નેત્રમને પૂછે છે. “બેટા કોણ આવ્યું?” નેત્રમ જવાબ આપતાં, ” પ્રદ્યુમન અંકલ… કૃપના પપ્પા..”

કંદર્પ ભાઈ એમને મીઠો આવકાર આપતાં અંદર બોલાવે છે અને સોફા પર બેસાડે છે. પણ પ્રદ્યુમન અવાચક હોય છે. એ કંદર્પભાઈને મળી થોડો સ્તબ્ધ થઈ જાય છે. તેના મનમાં પ્રશ્નોની વણઝાર ઉમટી પડી હોય છે.કારણ કંદર્પભાઈને આંખો જ નથી હોતી!!! કંદર્પભાઈ તેમના પત્ની ક્રિષ્નાબેન પ્રદ્યુમન ભાઈ માટે પીવાનું પાણી લઈ આવવા કહે છે. ક્રિષ્નાબેન પાણી લઈ આવે છે અને જ્યારે પ્રદ્યુમન તેની સામે જુવે છે ત્યારે એના શરીર માંથી વીજળી પસાર થઈ જાય છે. કારણ ફરી એ જ ક્રિષ્નાબેનને પણ આંખો નથી હોતી. બંને પ્રજ્ઞાચક્ષુ હોય છે. નેત્રમ પ્રજ્ઞા ચક્ષુ દંપતીનો લાડકવાયો એકનો એક દેવનો દીધેલ પુત્ર હોય છે.

પ્રદ્યુમન અવાચક હોય, કંદર્પભાઈ પ્રદ્યુમન ને,” શું થયું અમને જોઈ હેબતાઈ ગયાં!! હા.. હા..હા.. અરે ભાઈ આતો ઈશ્વર નિર્મિત છે. એમણે અમારી આંખો લઈ લીધી પણ અમારી છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત કરી દીધી. હાલ અમે બંને કલ્પના દ્રષ્ટિ વડે જે રંગો જોઈ શકીએ એ તમે કોઈ જ ન જોઈ શકો. અત્યારે સમય એટલો ઝડપી થઈ ગયો છે. અને વિજ્ઞાન પણ એટલું આગળ વધ્યું છે કે હાલ અમો તમારી જેમજ સ્માર્ટફોન પણ વાપરતાં થઈ ગયા છીએ. ભલે ઈશ્વરએ અમને આંખો નથી આપી પણ અમને નેત્રમ આપ્યો છે. એ મારી આંખ જ છે. અમે જન્મગત અંધ છીએ એટલા જ જાગરી છીએ. અમે એકબીજાના સહારે બધું જ કરી શકીએ છીએ. અને જિંદગીના 40 વર્ષો પસાર કર્યા બાદ હવે કોઈ ડર નથી બસ હવે નેત્રમ એની જીવનની પગથિયાંઓ ચડવા માંડે બસ એટલે ઈશ્વર પાસે પ્રાર્થના છે.”

પ્રદ્યુમન કંદર્પભાઈની વાતોથી મંત્ર મુગ્ધ થઈ જાય છે.,”કંદર્પભાઈ તમે મુંજાતા નહીં કંઈ પણ કામ હોયતો મને કહેશો નેત્રમને પગથિયાં ચડવા ટેકો હું આપીશ.” કંદર્પભાઈ એ ફરી હસતાં કહે છે,” હું મુંજાતો નથી કારણ એ જ કે ઈશ્વર તમારી જેમ જુદા જુદા સ્વરૂપે જ ડગલે-પગલે સહાય આપી જ દે છે. અમે અમારી તપશ્ચર્યા કરે જઈએ છીએ. અમે અમારી તપશ્ચર્યા પુરી થશે ત્યારે એ જ હાથ પકડી આગળના માર્ગે લઈ જશે”

કંદર્પભાઈની વાતોથી પ્રભાવિત પ્રદ્યુમનની આંખોમાં પાણી આવી જાય છે પહેલાં નેત્રમ અને પછી પ્રજ્ઞાચક્ષુ દંપતી તરફ જોઈ સોફા પરથી ઉઠે છે. નેત્રમ ના માથા પર પ્રેમાળ હાથ ફેરવી કંદર્પભાઈને હાથ મેળવી ત્યાંથી રવાના થઈ જાય છે. મનોમન સંકલ્પ કરે છે કંદર્પભાઈ અને ક્રિષ્નાબેન ને એમની સગી આંખે દેખતાં કરવા.

તેર વર્ષનો બાળક પણ નાના મનમાં ઘણું સમજતો હતો પણ વ્યક્ત નહોતો કરી શકતો. ધીમે ધીમે મક્કમ મગજે નેત્રમ ભણતરમાં પણ આગળ વધતો ગયો. પ્રદ્યુમન એમના નિત્યક્રમ મુજબ દરેક રવિવારે જુદા જુદા લોકોને મળવા લાગ્યો પણ હવે પછીનો એમનો એક જ લક્ષ રહ્યો લોકોને નેત્રદાનના યજ્ઞ માટે લોકોને જોડવાનો.

પ્રદ્યુમન એમના પુત્ર કૃપની જેમજ નેત્રમને પણ માર્ગદર્શન આપવા લાગ્યાં. અને એક આંખના ડોકટર બનવા માટે પ્રોત્સાહિત કરે છે.આ તરફ કંદર્પભાઈ એક સફળ શિક્ષક તેમજ જે રીતે સમયસાથે તાલ મિલાવી જે રીતે આગળ વધ્યા હતાં એ બીજા અનેક અંધબાળકો ને ઉદાહરણ રૂપ બને છે એ અંધબાળકોને સ્વાવલંબનના પાઠ શીખવે છે.

વર્ષો વીતી જાય છે નેત્રમ જોત-જોતામાં એક સફળ આંખનો ડોકટર બને છે. પ્રદ્યુમનભાઈ એક નેત્રદાન માટેની એક સંસ્થા ઉભી કરે છે. બંનેના વર્ષોના પ્રયત્નો બાદ એક દાતા મળે છે અને સૌ પ્રથમ નેત્રમ આ દાતાની આંખો એમની જન્મદાત્રી ક્રિષ્નાને લગાવી યજ્ઞની શરૂઆત કરે છે.

વર્ષો બાદ ક્રિષ્નાબેન એમની નવી આંખો વડે એમના પુત્રને જુવે છે. ક્રિષ્નાબેન ને મળેલી આંખોની અદમ્ય ખુશી કંદર્પભાઈને હોય છે. અંતે કંદર્પભાઈ પુત્ર નેત્રમને પૂછે છે, “બેટા તારી ‘માં’ ને નેત્રદાન કરનાર દાતા કોણ છે?” નેત્રમની આંખોમાં આંશુ આવી જાય છે અને એ કહે છે. “પપ્પા.. માં ને નેત્ર આપનાર બીજું કોઈ નહીં પણ પ્રદ્યુમનકાકા જ છે” કંદર્પભાઈ સ્તબ્ધ થઈ પૂછે છે, “બેટા.. કંઈક સમજાય તેવું કહે.” નેત્રમ કંદર્પભાઈને સત્ય હકીકત જણાવતા, “પપ્પા.. પ્રદ્યુમન અંકલ તમારી આંખો માટે દાતા શોધવા અમદાવાદ ગયેલા હતાં, ત્યાં એમને એક દાતા મળ્યાં હતાં. અંકલ તમારાં માટે એ ખૂશ ખબર લઈ આવત હતા ત્યારે એમનો લીમડી હાઇવે પર અકસ્માત થાય છે અને સ્પોટ ડેથ થાય છે. એમની ઈચ્છા મુજબ એમના નેત્ર દાન કરવાના હતાં જે મા ને આપવામાં આવી. અને જે દાતાની માહિતી લઈ અમદાવાદથી આવતાં હતાં એ આંખો આવતીકાલે તમને લગાવવામાં આવશે. કાકા એ ઉપાડેલ સંકલ્પ એમણે એમની અંતિમક્ષણો સુધી નિભાવી.”

*******

લેખક : ઉજાસ વસાવડા

મો.૯૯૧૩૭૦૧૧૩૮

ઇમેઇલ:-ujasvasavada@gmail.com

 

Categories: Ujas Vasavda

Tagged as: ,

Leave a Reply