Ujas Vasavda

એક ગેરસમજણ

“બાય પપ્પા…”

“બાય બેટા.. તોફાન ન કરતાં… અને મમ્માને હેરાન પણ ન કરતાં…”

“હા…પપ્પા.બાય….”

“સ્મૃતિ..બાય…તારું ધ્યાન રાખજે…મમ્મી-પપ્પાને મારી યાદી આપજે…”

“હા..ભલે…તમે પણ તમારું ધ્યાન રાખજો… આજે વાતાવરણમાં બફારો બહુજ છે.. કદાચ માવઠું થશે..દૂધ ફ્રીઝમાં રાખ્યું છે.. બાઈને મેં બધું સમજાવી દીધું છે. તમારા ઓફિસે જવા પહેલાં રોજ આવી જશે.”

“ઓકે.. થેંક્યું.. સ્વીટહાર્ટ.. હું તમને લોકોને લેવા આવીશ..ચાલો …બસ ઉપડે છે.. બાય..”

આશ્લેષે તેની પત્ની સ્મૃતિ અને દીકરી દિવ્યાને બસમાં બેસાડી સ્મૃતિના ઘરે વેકેશન સબબ મોકલી રહ્યો હતો, જોકે જૂન મહિનાનો સમય હતો અને સ્કૂલનું વેકેશન ખુલવા પહેલાનું છેલ્લું અઠવાડિયુ હતું તેમ છતાં તેઓ સિમલા-મનાલીની ટુરમાં ગયાં હતાં અને તેથી સ્મૃતિ તેના પિયર જઈ ન શકતા, છેલ્લું એક અઠવાડિયું પીયર રહેવા જઈ રહી હતી. આશ્લેષ પણ બીજા દિવસથી નોકરી જોઈન કરવાનો હતો.

આજની રાત આશ્લેષ માટે એ એકાંતભરી રાત વિતવાની હતી. વાતાવરણ તેનો મિજાજ બદલવાના મુડમાં હતું, સાંજના સમયે પવન ફૂંકવાનો શરૂ થઈ ગયો હતો. આશ્લેષ ઘરમાં એકલો હોઈ જાતે સાંજની ચા બનાવી મગમાં ભરી ટીવીમાં ન્યુઝ ચાલુ કરે છે. ન્યુઝ ચેનલમાં વાવાઝોડાની આગાહીના સમાચાર આવી રહ્યાં હતાં. મગમાંથી ચાની હળવી ઘૂંટ ભરતાં ટીવીની ચેનલો ફેરવી રહ્યો હતો. આશ્લેષને એક અજબની અકળામણ અનુભવાતી હતી. ટીવી પર થોડી વારે જુના ગીતો, તો થોડી વારે ન્યુઝ મૂકી રહ્યો હતો. તેમનાં મગજમાં ભૂતકાળના વિચારોનો વંટોળ હતો કંઈક મૂંઝાયેલો હતો. બહાર સૂર્યદેવતાં કાળા ડિબાંગ વાદળો પાછળ છુપાઈ ગયાં હતાં. અને આમ પણ સંધ્યાકાળ થઈ ગઈ હોય સૂર્યદેવતાં ઘર તરફ પ્રસ્થાન કરી રહ્યાં હતાં.

આશ્લેષ ટીવી બંધ કરી ઘરના ઉપરના રૂમની બાલ્કનીમાં આરામ ખુરશી ઢાળી, એક લવસ્ટોરીની નવલકથા લઈ આરામખુરશીમાં બેસી નવલકથા વાંચવા લાગ્યો. નવલકથા વાંચતા તેના અતિતના સંભારણા વાગળવા લાગ્યો. વાતાવરણમાં પલટો આવ્યો હોય, ઠંડૉ પવન આવી રહ્યો હતો અને સાથે દૂરથી ભીની માટીની ખુશ્બૂ આવી રહી હતી. અતીતના સંભારણાથી મન વ્યાકુળ હોવા છતાં એ વાતાવરણનો એક આહલાદક અનુભવ કરી રહ્યો હતો. નવલકથા વાંચતા તેને ઉંઘ આવી જાય છે. અને ઉંઘમાં સમયનું ભાન રહેતું નથી.

અચાનક એકધારી ડોરબેલ વાગવાથી આશ્લેષ સફાળો જાગી બેસે છે. કાંડા પર ઘડિયાળ જોતાં રાત્રીના 10 વાગ્યા હોય છે, અને મુશળધાર વરસાદ વરસતો જોવા મળે છે. મનોમન બબડતા, ” બેઠાં બેઠાં ઊંઘ ચડી ગઈ… જમવાનું પણ રહી ગયું… હવે આ ચાલુ વરસાદે લોજ પણ બંધ થઈ ગઈ હશે!! પણ.. અત્યારે આ વરસાદમાં આટલીબધી ડોરબેલ કોણ વગાડી રહ્યું છે?” ડોરબેલ એકધારી વાગી રહી હતી. કંઈક અઘટીત ઘટયાની આશંકા થઇ રહી હતી.”.

આશ્લેષ ઝડપથી પગથિયાં ઉતરી ઘરના દરવાજા ખોલે છે. એક યુવાન સ્ત્રી સફેદ ભીનાં વસ્ત્રોમાં ઘરમાં ધસી આવે છે અને સોફા પર જઈ આશ્લેષ તરફ પીઠ રાખી બેસી જાય છે. આશ્લેષ એકિટશે આ સ્ત્રી તરફ જોયા કરે છે. આમ અચાનક યુવાન સ્ત્રી ઘરમાં ધસી જતાં આશ્લેષ પણ થોડો ગભરાઈ જાય છે. પણ સામે ઉભેલી સ્ત્રી પણ ખૂબ ગભરાયેલી હોય આશ્લેષ થોડી હિંમત એકઠી કરી, ” બહેન આમ ઘરમાં ક્યાં આવી ગયા?…..તમે ભીના છો!!..સોફા પણ ભીનો થઈ જશે! … કોણ છો તમે અને કોનું કામ છે?

પેલી સ્ત્રી સોફા પરથી ઉભી થઇ જાય છે. તે ભીના કપડાં અને ઠંડીના લીધે ધ્રુજી રહી હતી. તે ગભરાતા આશ્લેષ તરફ નીચું મો રાખી ફરે છે અને રસ્તા તરફ અંગુલી નિર્દેશ કરી, ” ત્યાં પવનના લીધે એક વૃક્ષ ધરાશાયી થયું!! આશ્લેષ તેને પૂછતાં, ” હા … તો.. !!” પેલી સ્ત્રી , ” એ મારી ઉપર આવી જાત જો હું ખસી ન હોત તો! હું બચી ગઈ.. પણ મને હજુ એ દ્રશ્ય નજર સમક્ષ હોય ડર લાગી રહ્યો છે.”

આશ્લેષ ઘરના દરવાજા બંધ કરી સ્ત્રીની નજીક જાય છે. એ સ્ત્રી પણ ગભરાતા આશ્લેષ તરફ મો ઉંચુ કરી જોવે છે. આશ્લેષ અને સ્ત્રી એકબીજા તરફ જોઈ અવાચક બની જાય છે. આશ્લેષના મનમાં ઉદગાર નીકળી પડે છે, ” જાગુ!!…..તું….” આશ્લેષના મનમાં રહેલ શબ્દો તેની જિહ્વા પર નથી આવતા પણ પેલી સ્ત્રી બોલી ઉઠે છે, ” આષુ……..તું અહીંયા? આ તારું ઘર છે…..!!”

બંનેના ચહેરા પર આશ્ચર્ય ભાવ સાથે એક આનંદની અનુભૂતિ વર્તાય છે. વર્ષો બાદ બે મિત્રો અને મિત્રથી પણ વિશેષ એવા જાગુ-આષુ અનાયાસે ભેગા થઈ ગયા હતા. બંનેની આંખોમાં ચમક હતી. આશ્લેષ જાગુને, ” ઓહો… વ્હોટ એ સરપ્રાઇઝ…મિસ જાગૃતિ વખારીયા તમે આટલી મોડી રાતે અને આવા વાતાવરણમાં!! સોરી… જાગૃતિ વખારીયા જ ને કે પછી…..” જાગુ તેની સામે સ્ત્રી સહજ ગુસ્સા સાથે, ” ના… હજુ વખારીયા જ છું…હું કંઈ તારા જેવી નથી…” ક્ષણિક બંન્નેની આંખો માંથી અગન જ્વાળાઓ ઝરવા લાગે છે.

આશ્લેષની નજર જાગૃતિના ભીના ચોંટેલા કપડાં સાથે થોડી થોડી વારે ઠંડીના લીધે ધ્રુજતાં દેહ પર પડે છે. આશ્લેષ તેને પોતાના બેડરૂમ તરફ ઈશારો કરી, ” એ બધી વાતો પછી કરીએ, પહેલાં તું આ ભીના કપડાં બદલી થોડી ફ્રેશ થઈ જા, ત્યાં અમારા બેડરૂમમાં મારી પત્ની સ્મૃતિના કોઈ કપડાં પહેરી લે.” જાગૃતિ આશ્લેષના ઈશારા તરફ આવેલ રૂમમાં જતી રહે છે. થોડીવાર બાદ એ સ્મૃતિનું નાઈટગાઉન પહેરી બહાર આવે છે.નાઈટગાઉન પહેરેલી જાગૃતિમાં આશ્લેષને સ્મૃતિ દેખાવા લાગે છે.

એકિટશે જોતા આશ્લેષને જાગૃતિ પૂછે છે, ” શું જોવે છે? હું હજું કુંવારી જ છું?” આશ્લેષ જાગૃતિના આ વાક્યથી કઈ સમજી શકતો નથી થોડો ડઘાઈને જાગૃતિ સામું જોઈ રહે છે. જાગૃતિ અચાનક એક અટ્ટહાસ્ય કરે છે, ” અરે! હું મજાક કરી રહી છું. સાત વર્ષ પહેલાં જો નિર્ણય લીધો હોત તો આજે હું આ ઘરની એક સભ્ય તારી પોતાની જાગુ હોત. એની વે… મને ભુખ લાગી છે. રસોડું કંઈ તરફ છે? તું કંઈ લઈશ?” જાગૃતિ પોતાના ઘરની જેમ વર્તવા લાગી હતી, આશ્લેષ આ બધું જોઈને પણ કંઈ વિરોધ વ્યક્ત નહોતો કરી શકતો, કદાચ તેને આ બધું ગમતું હતું. તે જાગૃતિને હકારમાં પોતાનો ચહેરો ધુણાવે છે અને રસોડા તરફ અંગુલી નિર્દેશ કરે છે.

જાગૃતિ રસોડામાં જતાં જ આશ્લેષ સોફામાં બેસી ભૂતકાળમાં જતો રહે છે. જાગૃતિ અને આશ્લેષ બન્ને એકબીજાને પ્રેમ કરતા હતાં. બન્નેની જાતિ-સમાજ એક જ હતો પણ જાગૃતિના પિતા એક પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ હતાં જ્યારે આશ્લેષ એક સામાન્ય કુટુંબ માંથી આવતો હતો. તેના પિતા વર્ષો પહેલા જ હાર્ટએટેકથી ગુજરી ગયા હતાં. બંનેનો મેળાપ ન થવા પાછળ માત્ર આર્થિક પરિસ્થિતિ અને જાગૃતિના પિતાની જીદ હતી. જાગૃતિ અને આશ્લેષ એકબીજાના પ્રેમમાં એટલા ગળાડૂબ હતાં કે છૂટા પડતાં બન્નેને ઘણો જ આઘાત પહોંચ્યો હતો. આશ્લેષને કોલેજના છેલ્લા દિવસે એક ચિઠ્ઠી મળી હતી જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું. “જાગૃતિના લગ્ન કોઈપણ ભોગે તારી સાથે નહિ થવા દઉં. તારા પોતાના ખાવાના સાસાં છે તું મારી પરી જેવી દીકરીને કેમ રાખીશ? અને છતાં પણ જો ઉપરવટ જઇ તે કોઈ પગલું ભર્યું છે તો હું આપઘાત કરીશ અને તેના માટે જવાબદાર તને ગણાવીશ. પછી જેલના સળીયા ગણતો રહેજે.”

જાગૃતિના પપ્પાના આ પત્રના લીધે આશ્લેષ ભીરુ પ્રકૃતિનો હોય ડરી જાય છે. તે જાગૃતિને મળ્યા વગર જ શહેર છોડી જતો રહે છે પણ તેને લાગેલા આઘાતના પરિણામે એ ડિપ્રેશનનો ભોગ બને છે.આશ્લેષને ડિપ્રેશનના રોગ માંથી સ્મૃતિ બહાર લઈ આવે છે અને છેલ્લે બન્ને પરણી જાય છે.

” હજું પણ તું લવસ્ટોરી વાંચે છે?” જાગૃતિનો પ્રશ્ન આશ્લેષની અતીતની વિચારધારા પર રોક લગાવે છે. આશ્લેષનું ધ્યાન ડાઇનિંગ ટેબલ પર બેઠેલી જાગૃતિ પર પડે છે. ડોરબેલ વાગતાં જ્યારે આશ્લેષ દોડી ઉપરથી નીચે આવતો હોય છે ત્યારે હાથમાં રહેલ નોવેલ ડાઈનીંગ ટેબલ પર મૂકી હોય છે. એ નોવેલ જાગૃતિના હાથમાં આવતાં પ્રશ્ન પૂછે છે.

જવાબમાં આશ્લેષ , “ભુતકાળની બધી વસ્તુઓ મેં નથી છોડી જે છોડવા મજબુર થયો હતો તે જ છોડી હતી.” જાગૃતિ ડાઈનીંગટેબલ પર મેગી ખાતાં, ” અચ્છા! સરસ..તારી ચા બનાવી છે તારે પીવી હોય તો આવજે, નહિતર પછી હું પી જઈશ.” બેફિકરાઈથી હકપુર્વક જાગૃતિ મેગી ખાતા આશ્લેષને કહે છે.

આશ્લેષ ડાઇનિંગ ટેબલ પર બેસી ચા ની ચૂસકીઓ લેવાનું શરૂ કરે છે. જાગૃતિ સીધો જ પ્રશ્ન કરે છે, ” તે કેમ મને તરછોડી? હું તને મારુ સર્વસ્વ દેવા તૈયાર હતી. મારા ગર્ભશ્રીમંત પપ્પાને છોડીને તારી સાથે રહેવા હું તૈયાર થઈ હતી અને માત્ર કોલેજમાં મારી સાથે હરવા-ફરવા અને તારું સ્ટેટસ બધાને ઉંચુ બતાવવા મારી સાથે પ્રેમનું નાટક કર્યું!! પ્રવાસમાં જ્યારે હું તને સંપૂર્ણ સમર્પિત થવા તારી પાસે આવી ત્યારે પણ તે મને તારાથી દૂર હડસેલી હતી.આમ તો ત્યારેજ મારે સમજી જવું હતું પણ હું પ્રેમમાં પાગલ હતી અને મને સર્વત્ર તું જ દેખાતો હતો. તને ખબર છે તું મને તારી ચિઠ્ઠી મોકલી જતો રહ્યો પછી મેં આત્મહત્યા કરી હતી. પણ મારા પપ્પાએ ડોક્ટરની ટીમને બોલાવી બચાવી લીધી?”

આશ્લેષ વચ્ચેથી જાગૃતિને રોકતાં, ” એક મિનિટ મારી ચિઠ્ઠી? મેં તો તને કોઈ ચિઠ્ઠી ન’હોતી લખી? બલકે મને તારા પિતાજીની ચિઠ્ઠી કોલેજના છેલ્લા દિવસે મળી હતી, જેના લીધે હું શહેર છોડી જતો રહેલો અને ડિપ્રેશનનો ભોગ બનેલ હતો ” જાગૃતિ મેગી ખાતા અટકે છે અને આશ્લેષને, ” તે ચિઠ્ઠી ન’હોતી લખી? તો એ ચિઠ્ઠી કોણે લખી હતી?” આશ્લેષ જાગૃતિને, “કદાચ તારા પપ્પાએ તો…..!!” બન્ને એકબીજાની સામે જોઈ રહે છે.

બન્ને સામ-સામે આવી એકબીજાની અંતરની વાત કરી હળવા થાય છે. જાગૃતિને તેના પિતાજીએ કરેલા કૃત્યના લીધે ખુબજ અફસોસ થાય છે. જાગૃતિ અને આશ્લેષ લગભગ રાત્રીના 3 વાગ્યા સુધી ભૂતકાળની વાતો વાગોળે છે. જાગૃતિ અને આશ્લેષ વચ્ચે તેનો સૂસુપ્ત પ્રેમ ફરી જાગ્રત થાય છે. એક-બીજાની વધુને વધુ નજીક આવે છે. બન્નેના હ્રદયના ધબકાર દોડવા લાગે છે ગરમ શ્વાસોચ્છવાસનો એકબીજાને અનુભવ થવા લાગે છે. અને બનેના હોઠ એકબીજાના હોંઠને સ્પર્શવા આતુર થતાં હોય છે ત્યાં જ આશ્લેષને જાગૃતિ પાછળની દીવાલ પર સ્મૃતિ અને દિવ્યાનો ફોટો દેખાય છે. આશ્લેષ પોતાની ઊર્મિઓ પર કાબુ મેળવી જાગૃતિથી દુર જતો રહે છે.

આશ્લેષ જાગૃતિથી દૂર જતા જ જાગૃતિ પાછા પણ ઝડપી પગલે આશ્લેષના બેડરૂમ તરફ જાય છે. થોડીવારમાં ફરી એના સફેદ વસ્ત્રો પહેરી બહાર નીકળે છે અને ઘરના દરવાજા તરફ આગળ વધે છે, દરવાજે ઉભા રહી આશ્લેષને, ” આષુ…એક ગેરસમજણના લીધે મેં તારો કે તે મારો સંપર્ક ન સાધ્યો અને આપણને મળેલા પત્રોને જ સાચા માની બેઠા જેના પરિણામે આ ભવમાંતો આપણે ઐકય ન સાધી શક્યા પણ આવતે ભવ જરૂર મળીશું.” જાગૃતિ ઝડપી ચાલે આગળ વધવા લાગે આશ્લેષ તેની પાછળ જાય છે. અચાનક એક વીજળી ચમકે છે આશ્લેષની આંખો અંજાઈ જાય છે. આંખો ચોળીને સામે જુએ છે તો એક તોતિંગ ઝાડ નીચે કચડાયેલ સ્ત્રીને સૌ ઊંચકી સાઈડ પર લેતાં હોય છે. આશ્લેષ નજીક જઈ જુએ છે તો એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ જાગૃતિ જ હતી.

*******

લેખક : ઉજાસ વસાવડા
મો. +919913701138 
ujasvasavada@gmail.com

Categories: Ujas Vasavda

Tagged as: ,

Leave a Reply