Swati Medh

કુશલી ખુશ છે

‘દોડ કુશલી લાલ લાઇટ થઈ.’ ચાર રસ્તા પર વાહનોની વણઝાર અટકતી જોઈને રાજિયાએ બૂમ પાડી. કુશલી ઝબકી ઉઠી અને મોટરોને સ્કૂટરો વચ્ચે થઈને દોડી. દેશના તિરંગા વેચવા. કુશલી અને એનો ભાઈ રાજિયો ને એવા થોડા બાળકો આખો દિવસ ધમધમતા રહેતા ચાર રસ્તે નાનીનાની વસ્તુઓ વાહન ચલાવનારાઓને વેચવાનું કામ કરતાં હતાં. ત્યાં જ રોડ પર એક બાજુએ બેસીને એમની મા રંગીન રમકડાં વેચતી હતી. કોઈ વાર ફળનો ટોપલો લઈને બેસતી તો કોઈ વાર દિવાળીના દીવા ને એવું બધું. ચાલતા જતાં લોકો એના ઘરાકો હતાં અને વાહન ચલાવનારાઓ આ છોકરાંવના ઘરાકો. મોટરો તો ઘણી આવતી જતી અને મોટરસાયકલો અને સ્કૂટરો ય ઘણાં આવતાં. એ બધા લાલ લાઇટ થાય અને ઊભા રહે એટલી વાર આ છોકરાંવનો ઘરાકીનો ટાઈમ. સવારે નવેક વાગે એ બધાં દેખાવા માંડે તે છેક મોડી રાત સુધી. લીલી લાઇટ હોય ત્યારે બધાં રસ્તા પરના ટેલીવિઝનના શોરૂમ સામે ગોઠવાઈ જાય. લાલ લાઇટ થઈ કે બૂમ પડે ને બધાં વાહનોની આસપાસ વીંટળાઇ જાય. આજકાલ તિરંગા વેચવાના હતાં. બીજી વાર બીજું કશું હોય. બારે મહિના ટાઢતડકોવરસાદ જે હોય તે આ કામ ચાલુ જ હોય. એમ તો બીજી સ્ત્રીઓ પણ આ જ કામ કરતી. એમનાં છોકરાં ય મોટરગાડીઓની આસપાસ ફરતાં આ જ કામ સાથે. માના પહેલા ખોળાના બે જોડિયાં. છોકરો ને છોકરી. ટીવી પર રામાયણ જોઈને છોકરીનું નામ પાડ્યું કૌશલ્યા અને છોકરો રાજેન્દ્ર. પણ ફૂટપાથ પર વસનારનાં છોકરાંને કોણ એવા નામે બોલાવે? એટલે છોકરીનું નામ પડી ગયું કુશલી ને એનો ભાઈ રાજિયો. એમ તો માને એના પછી ય બીજા બે હતાં. ટીનુ ને ચિનુ. સવારે બધાં જોડે આવે ને સાંજે જોડે પાછા.

લાલ લાઇટ થયાની બૂમ પડીને કુશલી સફાળી દોડી. રાત સુધીમાં ચાલીસ તિરંગા વેચવાના હતા. એને એના બાપાએ કહેલું કે જો હોશિયાર રહીશ તો હમણાં આઝાદી દિન આવે છે એટલે તિરંગા વેચાઈ જશે. જો ના વેચે તો… બાપાએ બોલવાનું અધૂરું મૂકેલું પણ કુશલીને ખબર હતી કે બાપાએ કહ્યા પ્રમાણે ન થાય તો બાપાનો માર ખાવાનો. બીજું કશું ખાવા ના મળે. આમ તો વેચાઈ જાય પણ બીજા છોકરાં ય હોય ને? એટલે જ બૂમ પડે કે તરત દોડવાનું. કુશલી દોડી. એક મજાની મોટર પાસે ઊભી રહી. મોટરમાં એના જેવડી જ એક છોકરી હતી. છોકરીએ એની માને કંઈક કહ્યું. માએ મોટરનો કાચ ખોલીને કુશલી પાસેથી પાંચ તિરંગા લીધા. કુશલી રાજી થઈ ગઈ. એણે જોયું કે મોટરમાં બેઠેલી પેલી છોકરીએ તિરંગો છાપેલું ટીશર્ટ પહેરેલું ને ટૂંકું પેન્ટ ને પગમાં બૂટ. એવામાં લીલી લાઇટ થઈ. વાહનો ફરી દોડવા માંડયાં ને કુશલી પાછી ફૂટપાથ પર આવી ગઈ. એણે જોયું કે દુકાનના ટેલિવિઝનમાં ય દોડવાની રેસમાં પહેલી આવેલી એક છોકરી તિરંગો પકડીને ઊંચા પગથિયાં પર ઊભી હતી. કુશલીને સપનું આવ્યું.કૌશલ્યા દોડી રહી છે. કોઈ મોટેથી બોલતું હતું. ‘ બક અપ કૌશલ્યા બક અપ.’ ખુલ્લા ભૂરા આકાશ તળે સૂરજના અજવાળામાં લોકોની ભીડ એને જોઈ રહી છે. બૂમો સંભળાય છે, ‘બક અપ કૌશલ્યા,બક અપ.’ એ જોર લગાવીને દોડી રહી છે અને જોતજોતામાં છેક દોરી સુધી પહોંચી જાય છે. કોઈ એને ઊંચકી લે છે અને સૌથી ઊંચા ટેબલ પર ચડાવી દે છે. પરસેવે નીતરતો લાલઘૂમ હસતો ચહેરો, હાથમાં તિરંગો લહેરાય છે. ‘કેટલા વેચ્યા છોડી?’ માએ પૂછ્યું. ‘પાંચ જ ગયા? જ દોડ જલ્દી કર વાલામૂઈ. ત્યાં પેલો દૈત રાત પડે પૈસા માગશે. જો લાલ લાઇટ થઈ.’ કુશળી સફાળી દોડી. હજી કેટલા બધા તિરંગા વેચવાના બાકી છે? ટ્રાફિક વચ્ચે એક સ્કૂટર ઊભેલું હતું. બે રંગીન કપડાં પહેરેલી છોકરીઓને એણે તિરંગા બતાવ્યા અને હસી. ‘ઓહ સો ક્યૂટ કીડ નો?’ એક જણી બોલી. ‘બાય ટેન તિરંગા. ગ્રુપમાં આપીશું. સો ક્યૂઊઊટ કીડ. ડ્રેસઅપ થાય તો ચાઇલ્ડસ્ટાર લાગે. ટેન એટલે દસ તિરંગા આપ. લે આ ફીફ્ટી રૂપીઝ’. છોકરીઓએ અંગ્રેજી-ગુજરાતી ભેગી ભાષામાં કહ્યું. કુશલી રાજી થઈ. ટેન તિરંગાના ફીફ્ટી રુપીઝ મળ્યા એટલામાં લીલી લાઇટ થઈ ગઈ. સ્કૂટર ઉપડી ગયું. કુશલી પાછી ટેલિવિઝનની દુકાન પાસે આવી ગઈ. ‘મા, લે ટેન તિરંગાના પૈસા.’ ‘કેટલા ગયા?’ ‘કીધું તો ખરું ટેન, દસ.’ કુશલી આજે બે નવા શબ્દો શીખી ટેન એટલે દસ ફીફ્ટી એટલે પચાસ. એને આ બધા મોટરવાળાઓ બોલે એવું બોલવું બહુ ગમતું’તું. વળી એકસામટા તિરંગા લેનારા બે વાર મળ્યા એટલે કુશલી રાજી થઈ ગઈ. એ ફરી પાછી ટીવી જોવા બેસી ગઈ. ટીવીમાં અનારકલી ડ્રેસ પહેરેલી એક છોકરી નાચતી હતી. એના પગે બાંધેલા ઘૂઘરા છમ્મ છમ્મ વાગતા હતા.

કૌશલ્યા ચક્કર ચક્કર ચક્કર ફરતી હતી. એના ડ્રેસનો ઘેર હવામાં ઊડતો હતો. મોટા થિયેટરમાં એને જોતાં લોકો તાળીઓના ગડગડાટથી એને વધાવતા હતા. ચક્કરોની ગતિ વધતી ગઈ, વધતી ગઈ…આખરે ઢોલકની છેલ્લી થાપ અને કૌશલ્યાનું નૃત્ય પૂરું થયું. સામે ઊંચી ખુરશી પર બેઠેલી એક રૂપાળી સ્ત્રીએ પાસે આવીને હસતી હાંફતી કુશલીને ઊંચકી લીધી. ‘માર્વેલસ!’ એ બોલી. ‘યુ આર માર્વેલસ.’ ત્યાં તો પ્રેક્ષકોએ બૂમો પાડવા માંડી, ‘વન્સ મોર, વન્સ મોર’ અને તાળીઓ સાથે આનંદની ચિચિયારીઓ. તબલાની થાપ ફરી એક વાર ઘૂઘરાનો ઘમકાર અને ફરી ચક્કર, ચક્કર, ચક્કર…
‘એ ય કુશલી કેમ આમ ગોળ ગોળ ફરે છે? અથડાઇ જઈશ થાંભલા જોડે ને પડીશ તો તારો બાપો ઊભી કરવા આવશે, ડફોળ?’ માએ કર્કશ અવાજે બૂમ પાડી ને કુશલી રોકાઈ ગઈ. માએ એક ધક્કો માર્યો. ‘ જા દોડ, લાલ લાઇટ થઈ.’ કુશલી તિરંગા લઈને રોકાયેલાં વાહનોની ભીડ વચ્ચે દોડી. હજી પચીસ તિરંગા વેચવાના બાકી હતા. બપોરનો સમય હતો વાહનો ઓછાં હતાં. વળી તડકો ય હતો. લોકોને અત્યારે એની સામે જોવાની નવરાશ પણ નહોતી. કુશલીને ભૂખ લાગી હતી. માથે તડકો એને ય નહોતો ગમતો પણ હજી કેટલા બધા તિરંગા વેચવાના હતા? એને નવરાશ નહોતી. એને જોકે સ્કૂટરવાળાઓને વેચવાનું વધારે ગમતું. ભલે એક એક જ લે. એ એક સ્કૂટર પાસે ગઈ. ત્યાં ખભે થેલો લટકાવેલા બે જણાને જોયા. બેય જણાએ એક સરખા લેંઘોને ઝભ્ભો પહેરેલા. છોકરો કોણ ને છોકરી કોણ ખબર ના પડે. કુશલી હસી. હીહીહી… પેલા બે જણાએ જોયું ને એને બોલાવી. ‘કેટલાના આપે છે?’ ‘વન ફાઇવ રૂપી.’ કુશલીએ સવારે શીખેલા જ્ઞાનનો ઉપયોગ કર્યો. ‘લે આ તો ઈંગ્લિશ બોલે છે!’ એકે કહ્યું. ‘ધેટ્સ રાઇટ. ઇટ્સ અ મેટર ઑફ એકસ્પોઝર’ બીજાએ કહ્યું. ‘આપણે આપણો નેક્સ્ટ પ્રોજેકટ આ બાળકોને ભણાવવાનો કરીએ?’ ‘ગુડ આઇડિયા.’ પહેલાએ કહ્યું. ત્યાં તો લીલી લાઇટ થઈ ગઈ. એ બે જણાં સ્કૂટર એક તરફ લઈ જઈને રોકાઈ ગયા ને કુશલીને પૂછ્યું, ‘ભણવા જાય છે?’ ‘ના, અહીં વસ્તુઓ વેચું છું..’ ‘ભણવું ગમે?’ ‘હા’ કુશલી શરમાઇ ગઈ ને ખુશ થઈ. એ હસી. ‘સો સ્વીટ સ્માઇલ!’ સ્કૂટરવાળાઓમાં આગળ બેઠેલી છોકરી હતી એ કુશલીને ખબર પડી ગઈ હતી. હસતી હોય એમ એ બોલી, ‘ટુ તિરંગા આપ.’ કુશલીએ બે તિરંગા આપ્યા અને બોલી, ‘ટેન રૂપી.’ પેલા બે જણાં હસી પડ્યા અને સ્કૂટર મારી મૂક્યું. કુશલીના હાથમાં દસ રૂપિયા હતા. એટલામાં ફરી ટ્રાફિક અટક્યો. કુશલી ફરી એક વાર વાહનો વચ્ચે ફરવા માંડી. એકાદ તિરંગો વેચ્યો પણ એ તો ક્યાં હતી?

સામે સરસ કપડાં પહેરીને લોકો બેઠા છે. એ સ્ટેજ પર ઊભી છે. ત્યાં ય લોકો બેઠા છે અને કૌશલ્યા એમના સવાલોના અંગ્રેજીમાં જવાબ આપે છે. સાંભળનારા ચકિત છે. આવડી નાની છોકરી આવી રીતે આત્મવિશ્વાસ સાથે બોલે અને શું તો નોલેજ? એના એકેએક જવાબ પર તાળીઓના ગડગડાટ, કેમેરાના ઝબકારા અને હોલમાં સંપૂર્ણ શાંતિ. કૌશલ્યા બોલવાનું પૂરું કરે છે. સ્ટેજ પર બેઠેલા લોકોમાંથી એક ચશ્મા પહેરેલો માણસ માઇક પાસે આવીને જાહેરાત કરે છે. ‘ ધ વિનર ઇન ફાઇનલ રાઉન્ડ ઈઝ યંગ બ્રિલિયન્ટ કૌશલ્યા.’ ફરી કેમેરાના ઝબકારા. કૌશલ્યા હાથમાં ટ્રોફી ઊંચી પકડીને ઊભી છે. ચમકતી, આનંદિત આંખો અને નિખાલસ સ્મિતને ઝડપી લેવા કેટલાય કેમેરાનું એકસાથે ઝબકવું.

‘અબે એય છોડી. આમ ટ્રાફિક વચ્ચે કેમ ઊભી છે? મરવાની થઈ છે? ભાગ અહીંથી’. હાથમાં દંડો પકડેલો એક માણસ કુશલીને દબડાવે છે. ‘હાવ રોંચા જેવા આ લોકો!’ એ દંડો ફટકારે એ પહેલાં કુશલી ઝબકીને જાગી ગઈ અને સામે બેઠેલી માની પાસે પહોંચી ગઈ. ‘માડી ભૂખ લાગી, ખાવાનું દે.’ કુશલી બોલી રહે એ પહેલાં માએ પૂછ્યું, ‘હજી કેટલા બાકી છે? બપોર તો થઈ ગઈ. ઝટ કર. એટલામાં રાજિયો ય દોડતો આવ્યો. ‘માડી ખાવા દે.’ માએ ટોપલી નીચે રાખેલી થેલીમાંથી મમરા કાઢીને આપ્યા પોતે ય લીધાને બોલી, ‘ધ્યાન રાખજો. સાંજ સુધીમાં બધા વેચવાના છે. ને કુશલી તારું ધ્યાન શેમાં હોય છે? ઉપરાઉપરી લાલ લાઇટો થાય છે ને ડાફોળિયા મારતી રહે છે? સાંજ પડે પૈસા નહીં આલે તો તારો બાપ જોવા જેવી કરશે જાણે છે ને?’ બાપે ય બિચારો શું કરે? પેલા લાલિયા પાસેથી ઉધાર લઈને માલ વેચવાનો ને સાંજ પડે એને ચૂકવણું કરવાનું. જે વધે તેમાંથી છ જણનું પેટ ભરવાનું. એ પોતે ય મજૂરી કરતો જ હોય. ‘હશે ચલ, ઘડીક વાર સૂઈ જા.’ માએ હેતથી કહ્યું. કુશલી ટીવી જોતી જોતી સૂઈ ગઈ. ઊંઘમાં ય એ તો ઘડીકમાં નાચતી ને ઘડીકમાં દોડતી જ હતી.

શી ખબર કુશલી કેટલું ઊંઘી પણ માએ જ્યારે એને જગાડી ત્યારે રસ્તા પર સાંજનો ટ્રાફિક દોડવા માંડ્યો હતો. કુશલી ફરી પાછી તિરંગા વેચવામાં લાગી ગઈ. કાલે તો આઝાદી દિવસ હતો એ એને ખબર હતી. એટલે જ તિરંગા વેચી જ નાખવાના હતા. આજના આજે ને બીજા કાલે. તિરંગા વેચાયા. એક બે, એક બે કરતાં જવા માંડ્યા. કુશલીને નિરાંત થઈ. બધા જો વેચાઈ જાય તો જ રાતે ખાવા મળશે ને બધા વેચાઈ જવાની તૈયારી ય હતી. બસ હવે બે જ તિરંગા બાકી હતા. કુશલીને થયું, આ તિરંગા પોતે જ રાખી લે તો? બે ય નહીં તો બસ એક જ, એક જ. એવા સરસ સુંવાળા પ્લાસ્ટિકના હતા કે એને વારે વારે ગાલ પર ફેરવવાનું મન થઈ જાય. પણ વેચવાના તિરંગાનું એવું કરતી કોઈ જુએ તો આવી જ બને. અહીંયા ય એના પર નજર તો રાખનારા હતા જ. ધોલધપાટ રાતને બદલે હમણાં જ શરૂ થઈ જાય.

રાત પડી ગઈ. ટ્રાફિક ધીમો પડી ગયો. લાલલીલી લાઇટો તો હજી ય થતી હતી પણ વાહનોવાળા હવે ઘેર પહોંચવા ઉતાવળા થતા હોય ત્યાં તિરંગા લેવાનું કોણ કરે? ઘેર જવાનો વખત થયો તો ય બે તિરંગા તો રહી જ ગયા. રાજિયાને ય ચાર રહી ગયેલા. છોકરાં સમેત મા ઘેર પહોંચી. બાપ હાજર જ હતો ઉઘરાણી કરવા.

‘કેટલા રહ્યા?’ પૈસા લેવા હાથ લાંબો કરતાં એ બોલ્યો. ‘રાજિયાના ચાર, કુશલીના બે.’ મા આટલું બોલી રહી ત્યાં તો બાપ તૂટી પડ્યો. બેચાર ધોલ તો ઠોકી જ દીધી બે ય છોકરાંને ને થોડી ગાળો ય. માએ વાર્યો, કાલ વધારે વેચવાની ખાત્રી આપી ત્યારે માંડ રોકાયો ને પૈસા લઈને લાલિયાને આપવા જતો રહ્યો. ‘ખબરદાર છે. ખાવાનું આપ્યું છે આ બે યને તો…’ જતાં જતાં ધમકી આપતો ગયો. જો કે માએ એના આવતાં પહેલાં બે યને થોડું ખવડાવી દીધું. ઊંઘાડી ય દીધા. આખા દિવસની ખુલ્લામાં રખડપટ્ટીથી થાકેલાં બે ય છોકરાં પથારીમાં પડ્યાં એવાં ઊંઘવા માંડયાં. રાજિયો ઘસઘસાટ ઊંઘી ગયો. ફાટેલી ગોદડીની પથારી પર ઊંઘતી કુશલી સપનાં જોતી રહી. દિવસે દીઠેલાં સપનાં ને હવે રાતનાં નવાં સપનાં. એણે તો સપનાં જ જોવાનાં હતાને? ક્યાં કદી ય પૂરાં થવાના હતાં આ દસ વર્ષની છોકરીનાં એકે ય સપનાં? તો ય કુશલી ખુશ છે. કુશલી સપનાં જુએ છે.

*******

લેખિકા : સ્વાતિ મેઢ

મોબાઈલ: ૯૭૨૪૪૪૨૫૮૬.

email: swatejam@yahoo.co.in

 

Categories: Swati Medh

Tagged as: ,

Leave a Reply