SHORT STORIES / लघु-कथाए

ડોક્ટર

રાતના 1 વાગ્યા હતા. મોબાઈલમાં રિંગ વાગી રહી હતી. દીપેનની આંખ ખુલી મોબાઇલની સ્ક્રીનમાં જોયું જેમાં લખેલ હતું ‘હોસ્પિટલ.’ બેડરૂમમાં પતિ પત્ની બે જ સુતા હતા. ફોનની રિંગ વાગતા વૈશાલી જાગી ગઈ હતી. બેડની બાજુમાં જ પડેલ ચપ્પલ પહેરીને તરત જ તૈયાર થઈને દીપેને બાઈકની ચાવી ટેબલ પરથી લીધી. દરવાજો ખોલતા ખોલતા દીપેને વૈશાલી ને કહ્યું, : “વૈશાલી emergency છે, હું હોસ્પિટલે જાઉં છું.”

“હમ્મ” અડધી જાગેલ અને અડધી સુતેલ અવસ્થામાં વૈશાલી એ કહ્યું.

દીપેન હોસ્પિટલમાં કામ કરતા. પોતાના વ્યવસાયને જ ભગવાન માનવા વાળા માણસોમાં ના એક હતા આપણા દીપેનભાઈ. સોરી ડૉ. દીપેનભાઈ પનારા (મીન્સ આપણી સ્ટોરીના હીરો). રાત્રે મોડે ફોન આવવું, દીપેનનું ચાલ્યું જવું આ એક વાર નહોતું બન્યું. શરૂઆતમાં વૈશાલી એ વિરોધ પણ કર્યો હતો પણ હવે તો એ પણ જાણી ગઈ હતી કે દીપેન પોતાના દર્દીઓને ફેમીલી મેમ્બર્સ જ ગણે છે. એકવાર તો બંનેની મેરેજ એનિવર્સરીના દિવસે જ દીપેન કેક કાપીને હોસ્પિટલે ચાલ્યો ગયો હતો.

આવા ઉપરાઉપરી બે ત્રણ બનાવો બને ત્યારે વૈશાલી કહી દેતી, “દીપેન, ક્યારેક ક્યારેક કુટુંબમાં પણ ધ્યાન દેવું જોઈએ અમે પણ ફેમીલી છીએ.”

“શુ કરું વૈશાલી, ડોક્ટરનું કામ જ એવું હોય છે” દીપેન પોતાના બચાવમાં આવું કહેતો .

વૈશાલીને બધું મળતું. સુખ સગવડતા ભર્યું જીવન, ગાડી , સુવિધાજનક ઘર, બધું પણ દીપેનનો સાથ એને ખલતો. એકલું રહેવાની જાણે કે તેને આદત પડી ગઈ હોય એવુંજ સમજી લો.

સમય એક પંખીની જેમ આમજ ઉડતો ચાલ્યો જતો હતો. વૈશાલી પ્રેગ્નેન્ટ થઈ. દીપેન ખુબજ કાળજી રાખતા. તે દિવસે બધા પરિવારના સભ્યો ઓપરેશનના દિવસે લેબર હોસ્પિટલમાં હતા. દીકરાના જન્મ વખતની પીડા વૈશાલીથી સહન નહોતી થતી. દીપેન તેની બાજુમાં જ હતો. પણ દીકરાનો જન્મ થતા જ તેના ફોનની રિંગ વાગી અને તેને જવું પડ્યું. “વૈશાલી, એક બહેન અત્યંત દાજી ગયા છે, મારે જવું પડશે” આમ કહીને દીપેન ચાલ્યો ગયો.

દીકરાના જન્મની કિલકારીઓથી પૂરેપૂરું હોસ્પિટલ ગુંજી ઉઠ્યું હતું. બધા બહુ ખુશ હતા. પણ વૈશાલી ની આંખો ગોતી રહી હતી દીપેનને. કેટલો ખુશીનો પ્રસંગ અને એને એના હોસ્પિટલની અને દર્દીઓની પડી છે.

દીકરાના નામકરણ વખતે થોડો સમય હાજર રહીને દીપેન ત્યારે પણ હોસ્પિટલ ચાલ્યો ગયેલો. તેનું નામ તનુષ રાખેલ. વૈશાલી પૂરો સમય દીકરાની સાળ સંભાળમાં જ વિતાવવા લાગી. એક દિવસ અચાનક દીપેન કામથી વહેલો આવીને કહે છે વૈશાલી આજે હું મારા હોસ્પિટલનો સામાન્ય ડોક્ટરમાંથી મેડિકલ ઓફિસર બની ચુક્યો છું. તનુષને મમ્મીને ત્યાં મૂકીને આપણે આજે બહાર ડિનર કરશું…ચાલ તૈયાર થઈ જા…જલ્દી…

વૈશાલી તૈયાર થઈ બંને એક હોટલના એક ખૂણામાં બેઠા હતા. આ લગભગ 8 કે 7 મહિને તે બહાર જમવા આવ્યા હશે. દીપેન ઓર્ડર આપીને વૈશાલી સમક્ષ જોઈ રહ્યો હતો પણ વૈશાલી નું ઉતરેલું મો જોઈને તેણે પૂછ્યું, “શુ થયું વૈશાલી, બધું બરાબર છે ને?”

“કશું બરાબર નથી. હું હવે તારી સાથે રહી શકું એમ નથી.” વૈશાલી એ કહ્યું.

“પણ”

દીપેનની વાત અધવચ્ચે જ કાપીને વૈશાલી એ કહ્યું, “આજે આ કેટલા સમયે આપણે સાથે જમી રહ્યા છીએ. આપણે એક ઘરમાં રહીએ છુએ પણ એક સાથે નથી. મને એવું લાગે છે કે હવે તમને તમારા કામ સાથે જ મારે એકલા મૂકી દેવા જોઈએ જેથી કોઈ તમને ડિસ્ટર્બ ના કરે”

ડઘાયેલી આંખોથી દીપેન વૈશાલી ને જોઈ જ રહ્યો. બંને અલગ થયા. દીપેનનું મન કામને બદલે વિષાદથી જ ઘેરાવા લાગ્યું. જોતા તો તે નોર્મલ જીંદગી જીવતો હોય એવું લાગતું પણ તેની અંદર તેને વૈશાલી ની ખામી સાલતી હોય એવું લાગતું.

એક સાંજે તે મોડી રાત સુધી સૂતો જ નહીં. એક પુસ્તક વાંચતા વાંચતા તેને નીંદર આવી ગયેલ. અચાનક રાતમાં 2 વાગ્યે રિંગ વાગી. વૈશાલી નો ફોન હતો. દીપેને તરત જ ઉઠાવ્યો. પોતે કઈંક બોલે તે પહેલાં જ વૈશાલી ના રડતા આવજે તેની નીંદર ઉડાડી નાખી હતી.

“દીપેન….તમે જલ્દી અહીં વિસાવદર સરકારી દવાખાને આવી જાવ…તનુષને પેટમાં જોરદાર દુખાવો ઉપડી ગયો છે અને આ કમ્પાઉન્ડર કહે છે કે ડૉક્ટર સવાર સિવાય નહીં આવે. હું શું કરું કશું સમજાતું જ નથી.”

“વૈશાલી તું ફિકર ના કર મારા એક મિત્ર છે ત્યાં દવાખાના માં હું ફોન કરું જ છું એને અને ચિંતા ના કર હું નીકળું જ છું.” દીપેને કહ્યું.

દીપેન 2 કલાક પછી દવાખાને પહોંચ્યા તે પહેલાં દીપેનના મિત્રએ ઓપરેશન શરૂ કરી દીધું હતું. તનુષને નાનું એપેન્ડિક્સ નીકળ્યું હતું. બધું કંટ્રોલમાં જ હતું.

દીપેન ને જોઈને વૈશાલી દોડી અને તેને ગળે મળીને બસ ચોધાર આંસુએ રડવા જ માંડી. “કદાચ આજે બીજું કોઇક હોત અને મેં પણ એની જેમ વિરોધ કર્યો હોત તો આપણાં છોકરાનું શુ થાત દીપેન. આજે આ ડૉક્ટર જે આવ્યા એની પત્ની મારા જેવી હોત અને જો ના આવવા દીધા હોત તો મારા દીકરાનું શુ થાત. હું તમારું કામ ક્યારેય ના સમજી શકી…મારી આ ભૂલ માફીને પણ લાયક નથી. દર્દીઓ પણ કોઈકના સંબંધી હોય છે, કોઈકના સ્નેહીઓ હોય છે એ વાત મારા મગજમાં કેમ ના આવી. સોરી…મને માફ કરી દેજો plz plz plz.”

દીપેન બસ વૈશાલીના આંસુઓને લૂછતાં જ રહ્યા અને એક પણ શબ્દ બોલ્યા વગર ક્યારે એના આંખને વૈશાળીના નિખાલસ શબ્દો ભીંજવી ચુક્યા હતા.

આ વાર્તા આવા દરેક ડોક્ટરોને સમર્પિત જે આપણી રેગ્યુલર લાઈફને રેગ્યુલર રાખે છે.આ વાર્તા દરેક ડોક્ટરના જીવનની વાસ્તવિકતા છે. ડૉક્ટરની મોંઘી ગાડી, બંગલા, જીવનશૈલી, મળતું માં મરતબો આ બધું આપણને દેખાય છે પણ જે શૂળીઓ પાર એ ચાલતા હોય છે એ આપણા સહુ કોઈથી અજાણ હોય છે.

એટલે જ કહે છે ને કે,
“જો સાઝ સે નીકળી હૈ વો તો સબ ને સુની હૈ,
પર જો સાઝ પાર બીતી હૈ વો કિસ દિલ કો પતા હૈ.”

-Dedicated to All Doctors

*******

Source: Unknown  

Leave a Reply