Ujas Vasavda

જવાબદારી

“ઔર યે લગા સિકસર….” આ શબ્દો જ્યારે કાને પડે છે ત્યારે ચુનીલાલ ભૂતકાળ ની યાદોમાં ખોવાઇ ગયા…

રિંગ રોડ ની સાઈડ માં એક મેદાન માં ક્રિકેટ રમાઈ રહી હતી અને માઇક માં એક ઉત્સાહી,અનુભવી, રમતના જાણકાર વ્યક્તિ એમની આગવી શૈલીમાં પુરે પુરા રસથી તરબોર થઈ ક્રિકેટ ની કોમેન્ટ્રી આપી રહ્યા હતાં, જાણે તેનામાં હર્ષ ભોગલે આવી ગયા હોઇ ,સિકસરનો અવાજ કાને પડતા જ રિંગ રોડ પરથી પસાર થતા ચુનીલાલને થોડીવાર ઉભા રહી રમત જોવાનું મન થયું. બેટિંગ ક્રિસ પર એક અંદાજીત ચૌદ-પંદર વર્ષનો છોકરો રમતો હતો. મધ્યમ ઉંચાઈ ધરાવતો,બોલરને દરેક બોલ પર બાઉન્દ્રી ફટકારતો હતો. તેની રમતમાં ખૂબ જ જોશ હતો. બધા જ પ્રેક્ષકો એ છોકરાનો ખૂબ જ ઉત્સાહ વધારી રહ્યા હતા. ચુનીલાલ આ બધું જોઈને ઉદાસ ચહેરે ઘર તરફ જવા લાગ્યા.

ચુનીલાલ ઘરે ઉદાસ ચહેરે ફરતા જોઈ ચુનીલાલની પત્ની રૂપાએ પૂછ્યું ” શું થયું કેમ ઉદાસ છો?” ” આ ટીનીયો પાછો આજે ખોટું બોલી રમવા ગયો,કેટલી વાર કીધું કે કામ માં ધ્યાન દે પણ માનતો જ નહીં” ચુનીલાલએ નિરાશ થઇ કહ્યું.

ચુનીલાલ એક ખેતમજૂર હતો એના કુટુંબમાં એની પત્ની રૂપા એક દીકરો ટીનીયો અને બે ટીનીયા થી નાની દીકરી ઓ હતી.બધા સાથે એક ખેતરમાં ખેતમજૂરીએ જાય અને ચુની,રૂપા અને ટીનિયો ખેતર માં કામ કરે અને નાનકડી દીકરીઓને ઝાડવા નીચે રમવા બેસાડી દેતાં,મોટા ભાગનો સમય ખેતરમાં કામમાં જ જાય. ટીનીયો ચાર ધોરણ ભણીને ચુનીલાલને ખેતી કામમાં મદદ કરવા લાગ્યો. પણ એ નાનો હતો ત્યારથી ગલીઓમાં ક્રિકેટ રમવાનો શોખીન અને રમતનું તેનામાં આગવું કૌશલ્ય હતું,તેને કુદરતી બક્ષીસ હતી. કોઈ બેટિંગ ટેકનિકનું જ્ઞાન નહીં કે કોઈ કોચિંગ નહીં તો પણ એ બેટિંગ ક્રિઝ પર ઉભો હોય ત્યારે એમને રમતો જોવાની મજા આવે . એક થી એક ચડિયાતા બોલરને ધોબી જેમ કપડાંની ધુલાઇ કરે તેમ ધુલાઈ કરતો.જ્યારે જયારે કોઈ ક્રિકેટની નાની-મોટી ટુર્નામેન્ટ થાયને ગામના બીજા મિત્રો ટીનીયાને એની ટીમમાં રમાડવા પડાપડી કરતાં.

આ ટીનીયાનું રમવાનું તેના બાપુજી ચુનીલાલને ન ગમતું,એમના માટે તો આ નવરાઓનું કામ હતું. જ્યાં બે ટંક ખાવાનું ભેંગુ માંડ થતું હોય ત્યાં રમત રમવામાં સમય બગાડવો કેમ ગમે! ટીનીયો નાનો હતો ત્યારે રૂપા ગમે તેમ ચુનીલાલને માનવી લેતી પણ હવે એ ટીનીયાને સમજાવવા લાગી હતી.

રાત્રે ટીનીયો ઘરે આવ્યો અને તરત જ ચુનીલાલ તાડુક્યા “ટીનીયા તને કેટલી વાર ના પાડી છે કે ખેતી કામમાં ધ્યાન દે. આ રમત પરિવારનું પેટ નહીં ભરે કામ કરીશ તો પૈસા આવશે ને તો જ પેટ ભરાશે. જવાબદારી ઉપાડતા શીખવા માંડ”. ટીનીયો જવાબમાં કહે ” બાપુજી હું ન’તો જ રમવાનો પણ સરપંચના દીકરા જગુ નો હાથ ભાંગી ગયો અને ટીમમાં ખેલાડી ખૂટતાં હતા એટલે મને સોગંદ આપી રમાડયો, આજે ફાઈનલ મેચ હતો ને હું મેન ઓફ ધ મેચ પણ થયો.” “સમજ્યા હવે મેન ઓફ ધ મેચ થવા વાળો અહીંયા ઘરમાં મેન થા’ને”ચુનીલાલ એ નિસાસો નાખતા કહ્યું.

ચુનીલાલ અને ટીનીયા વચ્ચેની વાત ચાલુ હતી ત્યાં કોઈનો બહારથી અવાજ સંભળાય છે,”હું અંદર આવું?”

“હમમ..આ..વો..ને ! ” અચરજ ભરી નજર સાથે ચુનીલાલ એ કહ્યું.” ક્ષમા કરશો પણ હું તમને ઓળખ્યો નહી.”

” હા.. હા.. તમે મને ન જ ઓળખોને મારું નામ એસ.કે.સંઘવી હું સ્ટેટ ક્રિકેટ નો ચીફ સિલેક્ટર છું અહીં ચાલુ ટુર્નામેન્ટ માંથી સારા સારા ખેલાડીઓને પસંદ કરી સ્ટેટ ટીમ માં રમવા લઈ જાવ છું. હું અહીં તમારા દીકરા ટીનીયા વિશે વાત કરવા આવ્યો છું.”

ટીનીયાનું નામ સાંભળીને ચુનીલાલ મુંજાણો, “કેમ ટીનીયા એ વળી શુ કર્યું?એનાથી કાઈ ભુલ થઈ ગઈ?”

“હા” ક્ષણીક બધા સ્તબ્ધ થઈ ગયા!

પછી સંઘવી સાહેબ ખડખડાટ હસતાં “સોરી હું મજાક કરતો હતો આજના ફાઈનલ મેચમાં ટીનીયો ખુબજ સરસ રમ્યો. હું છેલ્લા એક દાયકાથી ટીમ સિલેક્ટ કરું છું અને ગામે ગામ ફરું છું પણ ટીનીયા જેવું બેટિંગ મેં હજુ સુધી નથી જોયું! એમના માં ઇશ્વરીય બક્ષિસ છે તેનું રમત કૌશલ્ય પણ અદભુત છે એ રમત રમવા કરતા વધુ માં એ રમત માણતો હોય છે. ટીનીયાને બહાર બેસી રમતા જોવાની પણ મજા પડે છે. રીયલી હી કેન બીકેમ એ ગુડ બેટ્સમેન”

“હમમ….” ચુનીલાલ રતીભાર સમજ્યો નહીં માત્ર એટલી ખબર પડી કે ટીનીયા ના વખાણ કરતા હતા અને પછી બોલ્યો, “સાહેબ ઇ બધું તો ઠીક ફદીયા કેટલા મળે?”

“શું? ફદીયા? કાંઈક સમજાય એવું કયો”

“પૈસા કેટલા મળશે રમવાના?”

“ઓહ ..હજુ તો પેલા ખર્ચવા પડશે.પણ તેની ચિંતા તમે ન કરશો એ બધું કંઈક ગોઠવી દઇશું, શરૂઆતમાં તો થોડો સંઘર્ષ કરવો પડે પછી સ્ટેટ માંથી રમવા જાય એટલે થોડા રૂપિયા મળે અને પછી જો નેશનલ/ઈન્ટરનૅશનલ ક્રિકેટ રમવા જશે ત્યારે તો પછી દુઃખ ના દા’ડા જતાં રહેશે લાખો કરોડો મળશે.”

ચુનીલાલ એ સંઘવી સાહેબ ને રોકતા “સાહેબ ખોટા સપના ન બતાવો.મેં દુનિયા જોઈ લીધી છે દુનિયા મતલબી છે. ટીનીયો હજુ 15 વરસનો છે એને ન ખબર પડે.અને આ તમારી વાતો મારે પલે ન પડે ,પણ એટલી ખબર પડે કે જયારે બે ટંક ખાવાના ન થતાં હોય ત્યારે લાખો કરોડો ના સપના ન જોવાય.મે મારા કુટુંબ ના પેટ ભરવાની જવાબદારી ઉપાડી છે એ જ ટીનીયા એ પણ કરવાનું છે. “સંઘવી સાહેબ ચુનીલાલ ની વાત સાંભળીને થોડી વાર ટીનીયા સામું જોતા રહ્યા ચુપચાપ ઊભા થઈ ઘરની બહાર નીકળી ગયા.

ખુણા માં ઉભેલ રૂપા ચૂલો ફૂંકવા જતી રહી, ચુનીલાલ પણ ખેતરમાં આંટો મારવા જતા રહ્યા ને 15 વર્ષના ટીનીયાના મનમાં ઘૂઘવતા ઉછળતા સાગરના મોજાં સમાન વિચારો ઉછળવા લાગ્યા ને આંખો વાટે વહેવા લાગ્યાં.

થોડો સમયમાં દૈનિક કાર્ય ચાલવા લાગે છે ટીનીયો એના ભાગ્ય ને કોસતો ખેતી કામમાં લાગી જાય છે. ચુનીલાલ અને રૂપાને તો બીજી બે છોકરીઓને પરણાવવાની પણ હતી એટલે બનેલી ઘટના ભૂલી બંને તો પૈસો જોડવામાં લાગી જાય છે.

અચાનક એક દિવસ વાળું કરવાના સમયે શ્રી સંઘવી સાહેબ આવી પહોંચે છે. તેને જોઈ ચુનીલાલ બોલે છે,” સાહેબ કંઈ ભૂલી ગયા કે પાછા કોઈ ફાઈનલ મેચ માં સિલેક્ટર તરીકે આવ્યા છો?

“ના,ના ચુનીલાલ હું ફરી ટીનીયાને જ લેવા આવ્યો છું.”

“વળી તમને શું થયું?ભુલી જાવ ભાઈ ટીનીયો નહીં આવે. મેં તમને કહ્યું તેમ ટીનીયાએ જવાબદારી લેવાની છે એની બે બહેનોની.”

સંઘવી સાહેબ પુરા જોશ સાથે ” હા તો લેશે જ હું ક્યાં ના પાડું છું.ચુનીલાલ આજે હું પુરી તૈયારી સાથે આવ્યો છું.અને હું ટીનીયાને સાથે લઇને જ જઈશ.”

ચુનીલાલ વળતા જવાબમાં “કાંઈક સમજાય એવું કો’ને ભાઈ?”

સંઘવી સાહેબ પુરા ઉત્સાહ સાથે કહે છે.”ચુનીલાલ તમારો દીકરો હોસ્ટેલ માં રહેશે ત્યાં એ ભણશે,રમશે અને કામ પણ કરશે.અને જે કામ કરશે તેના પૈસા પણ મળશે.”

ટીનિયો ઘરની બહાર ઉભી બધી વાતો સાંભળતો હોય છે.જેવી સંઘવી સાહેબ આ વાત મૂકે છે કે એક અલગ ઉત્સુકતા સાથે ઘરમાં દોડી ને કહે છે, “એ કેવી રીતે સાહેબ?”

ટીનીયાને જોઈ સંઘવી સાહેબને પણ વાત કરવાની ઉત્સુકતા વધે છે,

“સાંભળ , હું જ્યારે અહીંથી ગયો ત્યારે તારા માં-બાપુજી બંનેની આંખો માં મેં એક એવો ભાવ વાંચ્યો કે મને સમજાય ગયું કે એ લોકોને તું રમે એની સામે વાંધો ન હતો માત્ર કમાનાર વ્યક્તિ ઓછી થઈ જાય તેનું દુઃખ હતું. બસ પછી તો પરત જઈ મેં મિટિંગ બોલાવી અને તારા વીડિયો બધાને બતાવ્યા અને આપણી વચ્ચે થયેલ વાર્તાલાપ વિશે વાત કરી. બધા જ કમીટીના સભ્યો હલ શોધવા માંડ્યા,ત્યાં જ મારું ધ્યાન ક્રિકેટ ગ્રાઉન્ડની સાર સંભાળ રાખવા માટે માણસની જરૂરિયાત હોય એવી પ્રપોઝલ પર પડી. અને તરત જ મેં નીર્ણય લીધો કે આ નોકરી ટીનીયાની. બેટા તારે ગ્રાઉન્ડ પાસેના ક્વાટર માં રહેવાનું , ક્રિકેટ ગ્રાઉન્ડ અને પીચની સાર-સાંભળ રાખવાની જેના માટે તને પગાર મળશે બાકીના સમય માત્ર રમવાનું અને નજીકની નિશાળ માં ભણવાનું.”

આ બધું સાંભળી ચુનીલાલ, રૂપા ની આંખમાં ટીનીયાનો પગાર ,જ્યારે ટીનીયા ની આંખમાં ક્રિકેટ રમવાની અભિલાષા પુર્ણ થવાની ચમક દેખાણી. “તો બોલો ચુનીલાલ હવે તો ટીનીયા ને લઈ જાવ ને? સંઘવી સાહેબ બોલ્યા.જવાબ માં ચુનીલાલ પાસે ના કહેવાનું કોઈ કારણ જ ન હતું.

જેવી રીતે દરિયા માંથી મરજીવા મોતીઓ શોધી લાવે તેમ સંઘવી સાહેબ આ જગત રુપી મહાસાગર માંથી ટીનીયા રૂપી મોતી શોધ્યો હતો.

જોત જોતામાં ટીનીયો મોટો ક્રિકેટર બની ગયો અને દુનિયાની સૌથી મોટી ટુર્નામેન્ટમાં એ રમવા ઉતરે છે. એમના માં-બાપુજી જ્યારે એ રમતો હતો ત્યારે એ જ માહોલ, દરેક બોલ પર શોટ મારતા અને પબ્લિકની ચિચિયારીઓ સાંભળતા સ્ટેડિયમમાં બેસીને ટીનીયાના માં-બાપુજી અને બને બહેનો જોતા હતા.ત્યારે ચુનીલાલ સંઘવી સાહેબ તરફ જોઈ. મનોમન સંઘવી સાહેબ અને ખૂબ ખુબ આભાર વ્યક્ત કરે છે. ટીનિયો તો એની બહેનો જ નહીં પણ આખા દેશની જવાબદારી લઈ બેઠો.

“Forget what is missing in your life, Go with the flow persistently with whatever resources are available, if you are destined to win, you will win !”

*******

લેખક: ઉજાસ વસાવડા
મો.: +919913701138

Categories: Ujas Vasavda

Tagged as: ,

Leave a Reply