SHORT STORIES / लघु-कथाए

કોઇ કંચન કોઇ કથીર

આનંદે જ્યારે આરતી સાથે લવમેરેજ કર્યા અને તેને ઘરે લાવ્‍યો એ સગુણાબહેનને જરાય ગમ્‍યુ નહોતું. અને આરતીએ સાસુનુ મન વાંચી લીધું હતું તરત જ, પણ ચહેરા પર કળાવા દીધું નહોતું. નહિંતર તો દીકરો જેને પરણીને આવે એ નવવધુને પોંખવાની, આવકારવાની તો સાસુને કેટલી હોંશ હોય? પણ સગુણાબહેનતો એમાંથી જ ગયા હતા. તેણે પહેલો પશ્ન આનંદને એ કર્યો હતો કે ‘‘ ક્યાંથી લઇ આવ્‍યો છો એને? કઇ જ્ઞાતિની છે? એના મા-બાપ છે કે પછી કોઇની ભૂલનું કુપરિણામ અનાથઆશ્રમમાં મોટું થયું હોય ત્‍યાંથી ઢસડી લાવ્‍યો છે?‘‘ ‘‘મને જરાય ગમ્‍યું નથી. તારે માટે તો મેં જસુભાઇની જ્યોત્‍સના શોધી રાખી હતી. કેવી ડાહી? કેવી સંસ્‍કારી? કેવી સમજુ? પણ તેં આ કોઇનું પાપ-‘‘

‘‘મમ્‍મી…‘‘ આનંદનો અવાજ ઉંચો થઇ ગયો હતો.: ‘‘એ કોઇનું પાપ નથી મમ્‍મી! આપણી જ જ્ઞાતિના એક વખતના લેન્‍ડલોર્ડઝ કહી શકાય તેવા હરગોવિંદ વાછાણીની આ ત્રીજી પેઢી છે. હરગોવિંદ દાદાના દીકરા ગુણુભાઇની આ દીકરી છે, અને જ્ઞાતિના ઇનામ વિતરણના કાર્યક્રમમાં મને જ્યારે એન્જિનીયરીંગમાં સારા ટકાએ પાસ થવા બદલ ઇનામ મળેલું ત્‍યારે હોમ સાયન્‍સમાં પણ ઉચ્‍ચ ટકાવારી મેળવવા બદલ આરતીનું પણ સન્‍માન થયેલું. અમે બન્‍ને ત્‍યારે એકબીજાના પરિચયમાં આવ્‍યા હતા. અને તેના માતાપિતાની મંજૂરીથી જ અમે લવમેરેજ કર્યા છે. એટલે એ કોઇનું પાપ નથી પણ કોઇના સંસારબાગનું ફૂલ છે, અને એ ફૂલના મા-બાપ હજુ જીવે છે..‘‘

‘‘ઓહોહો, લાંબુચૌડુ ભાષણ આજ તેં તારી માને આપી દીધું! અત્‍યાર સુધી ‘માં‘, ‘માં‘ કરતો દીકરો ‘વહુ‘ ‘વહુ‘ કરવા લાગ્‍યો! આવી એ ભેગો જ તને કંટ્રોલમાં કરી દીધો. કહેવતમાં સાચું કહ્યું છે કે ‘પુત્રના પારણામાંથી, વહુના બારણામાંથી..‘‘ એમ કરતા પગ પછાડીને પોતાના રૂમમાં ચાલ્‍યા ગયા. આનંદ પિતા શરદભાઇ સામે તાકી રહ્યો. પિતાએ આંખોથી જ આશ્વાસન આપીને પછી ટી.વી. જોવા બેસી ગયા. શરદભાઇ આમ શાંત માણસ હતા. આનંદ અને દર્શન બે દીકરા. એક દીકરી જીજ્ઞા સાસરે વળાવી દીધી હતી. ઘરનો હાર્ડવેરનો નાનકડો ધંધો હતો. બન્‍ને દીકરા પૈકી આનંદને મિકેનીકલ એન્જિનિયર બનાવ્‍યો હતો. અને નાનો દર્શન એમ.બી.એ. થયો હતો. આનંદ માટે છેલ્‍લાછ બાર મહિનાથી માગા આવતા પરંતુ આનંદ ટાળતો. અંતે એક દિવસ તેણે આરતી સાથે રજીસ્‍ટર્ડ મેરેજ કરી લીધા. પણ જ્યારે તે તેને ઘરે લઇ આવ્‍યો ત્‍યારનું પોતાની મમ્‍મીનું ઉપેક્ષિ‍ત વલણ તેના દિલને ચૂભી ગયું. એક ફાંસ તેના હૃદયમાં ખટકી રહી.

રાત વીતતી હતી સહજીવનની પહેલી રાત. ઉપરના પોતાના રૂમમાં આનંદ-આરતી સુતા હતા. પણ આનંદના ચહેરા ઉપર મમ્‍મીએ કરેલા શાબ્દિક પ્રહાર ના ઘા સ્‍પષ્‍ટપણે દેખાતા હતા…

આરતીએ એના ચહેરા ઉપર હાથ ફેરવ્‍યો.ઝુલ્‍ફામાં સંવાર્યો અને પૂરા વિશ્વાસથી કહ્યું: ‘આનંદ, તમે ચિંતા કરોમા, બધું જ સારા વાના થઇ જશે. સ્‍વાભાવિક છે આવી કડવી પ્રતિક્રિયા આવે. મને સંદેહ હતો જ. પરંતુ ફરિયાદ નથી. કડવાં આખરે મીઠાં બની જતા હોય છે.‘‘ અને આરતીએ ઘર સંભાળી લેવાનો સંકલ્‍પ કરી લીધો.

લગ્‍નની બીજી જ સવારે વહેલા ઊઠી નાહીધોઇ ભગવાનને દીવા-અગરબતી કરી. ત્‍યાં જ શરદભાઇ ઉઠ્યાં. આમ તો રાત્રે જ આનંદ પાસે ઘરની રૂઢી અને રીતરીવાજો પ્રત્‍યે જાણકારી મેળવી લીધી હતી એટલે શરદભાઇ બ્રશ કરીને ફળિયામાં બાંધેલા હિંચકા ઉપર છાપું લઇને બેઠા કે ગુલાબી બાંધણીમાં શોભતી પુત્રવધુ આરતીએ ગરમાગરમ ચા નો કપ અંબાવ્‍યો.: ‘‘લો પપ્‍પા ચા..‘‘

આજે આ રીતે ચા પીવા મળશે એ કલ્‍પના બહારનું હતું. નહિંતરતો સવા છ એ ઉઠેલા શરદભાઇને સવા સાતે માંડ ચા મળતી પણ આજે? આદુ, ફૂદિના મસાલાની સુગંધથી મહેકતી ચા પીસને શરદભાઇ ખુશ થઇ ગયા. તેમણે તો ચા પીને સાદ પણ પાડ્યો: ‘‘બેટા, આરતી, અડધો‘ક કપ ફરી મળશે?‘‘ ‘‘અરે હા પપ્‍પા… સ્‍યોર.‘‘આ તરફ દિયર દર્શન ઉઠ્યો એ ભેગાં જ તેના માટે નહાવાનું ગરમ પાણી પછી ઇસ્‍ત્રી ટાઇટ કપડા, ત્‍યારબાદ કડક કોફી, થેપલાનો નાસ્‍તો, ત્‍યાર પછી ટીફીન…

‘‘અરે! વાહ…‘‘ દર્શન મનમાં ને મનમાં બોલી ઉઠ્યો. અને સાસુ જ્યારે ઉઠ્યા ત્‍યારે પણ તેમને માટે કોલગેટ લગાવેલું બ્રશ, ગરમ પાણી, ખાખરા-ચા ના નાસ્‍તાની ડીસ ડાઇનીંગ ટેબલ પર પડી હતી. જમીને લેવાની બ્‍લડપ્રેશરની ગોળી પણ ત્‍યાં જ પડી હતી.

-અને આજ બપોરે શરદભાઇ દુકાનેથી જમવા આવ્‍યા ત્‍યારે ઘરના દરવાજામાંથી જ તેમને સુગંધીદાર રસોઇ બની હોવાનો પુરાવો મળી ગયો. હાથ મ્‍હોં ધોઇ તેઓ બહાર આવ્‍યા ત્‍યાં જ પુત્રવધુઅે સુરીલા કંઠે સાદ પાડ્યો: ‘‘ચાલો પપ્‍પા, જમવાનું તૈયાર છે.‘‘ અને તેઓ ડાઇનીંગ ટેબલ પર આવ્‍યા ત્‍યારે પોતાની જીવનસંગિની સગુણા પણ સજોડે જ જમવા બેઠી હતી. આજ આટલા વર્ષે પોતે બન્‍ને સાથે જમવા બેસી શક્યા છે..‘ શરદભાઇએ વિચાર્યું. ગરમાગરમ ફૂલકા રોટલી, આખા રીંગણાનું મસાલેદાર શાક અને લસણથી વઘારેલી કઢી, સંભારો અને સીંગદાળિયાની ચટાકેદાર ચટણીનું ભરપેટ ભોજન જમીને શરદભાઇ તો તૃપ્‍ત થઇ ગયા આજે તેમને અચાનક બા સાંભરી આવી. કેમકે બા આવું સ્‍વાદિષ્‍ટ ભોજન બનાવતી હતી.

આરતીએ ઘરની તમામ વ્‍યવસ્‍થા સંભાળી લીધી. રસોઇ, કપડા, વાસણ માંજવા. ઉપરનીચે બબ્‍બે રૂમના સંજવારી કચરા પોતા. અને હવે તો પોતાને ટુવ્હિલર આવડતું હોવાથી ઘરનું લાઇટ, ટેલીફોન બીલ પણ ભરી આવતી. હવે માત્ર કરિયાણુ અને શાકભાજી લેવાના કામ જ શરદભાઇ માથે રહ્યા.

શરદભાઇ ક્યારેક વિચારે ચડી જતા: ‘ખરેખર પુત્રવધુ ઘરની લક્ષ્‍મી બનીને આવી છે.. કોણ કહે છે કે લવમેરેજ સફળ નથી થતા!! આજે આરતીએ ઘર સાથે પોતાનું બોન્ડિંગ એટલું મજબુત બનાવી આપ્‍યું છે કે એના વગરની કલ્‍પના કરવી ખરેખર મુશ્‍કેલ છે. છતાં પણ સગુણા મન મૂકીને એ છોકરી સાથે બોલતી નથી. મનમાંઠું જ બોલે છે. ક્યારેક ક્યારેક તો મોડી રાત્રી સુધી આરતી, સગુણાના પગ પણ દાબી દેતી હોય છે. અરે, ગયા ગુરૂવારની જ વાત કરોને, સગુણાને તાવ આવ્‍યો ત્‍યારે સતત ચાર કલાક સુધી આરતી એ જ સ્‍તો પોતા મૂકી દીધાં હતા. દરેકની તબિયતનો ખ્‍યાલ રાખતી આરતી આખો દિવસ દોડાદોડી કરતી રહે છે છતા પણ હસતી ને હસતી જ! આ છ મહિનામાં એ છોકરીના ચહેરા ઉપર ક્યારેય કડવાશની એક રેખા પણ જોઇ નથી. છતા પણ સગુણા એને અપનાવી શકી નથી!

અને એક દિવસ આરતી-આનંદના દામ્‍પત્‍યજીવનની ડાળી ઉપર એક ફૂલ બેઠું. શરદભાઇ તો આનંદવિભોર બની ગયા. એણે તે દિવસે સગુણાને એ ખુશી શેઅર કરતા કહ્યુ: ‘સગુણા, આપણાં આનંદને ત્‍યાં.. આપણા ઘરે… આપણા; આંગણે એક નાનકડા પગલાં રૂમઝુમ છૂનછૂન કરતા ફરશે અને એવ્‍યાજને હું અદકા હેતથી રમાડીશ… એક ફૂલ જેમ..‘‘

‘‘હવે વેવલાઇ છોડો અને એને એના ઘરે ગુડાવા દો.‘‘ સગુણાબહેન બોલ્‍યા: ‘હવે એને તેડી જ નથી લાવવી. ભલે એના બાપના ઘરે રહેતી… અહીં આવીને તમને સૌને એવા તો વશ કરી દીધા છે કે તમને આરતી સિવાય કશું જ દેખાવાનું નથી.. હવે જુઓ મારો ખેલ. ઇ જાય ઇ ભેગી જ દર્શનની સગાઇ કરી નાખવી છે. એમ.જી. કાર્પેન્‍ટરવાળા મનોજભાઇની દીકરી ઉર્વશી અત્‍યંત સુંદર, દેખાવડી અને આંગણે ઊભી હોય તો લોકો મોઢામાં આંગળી નાખી જાય તેવી છે. આ બોતડી જેવી નહીં..‘‘ અને એમણે ચપટી વગાડી: ‘‘ચટ મંગની પટૃ બ્‍યાહ.‘‘
શરદભાઇ તો સમસમી ગયા. મનમાં ને મનમાં સગુણા પ્રત્‍યે ફીટકાર વરસ્‍યો. પણ આરતીના સીમંતનો પ્રસંગ છે, ઘરનું વાતાવરણ ન ડહોળાય એટલે ચૂપ રહ્યા! આ તરફ સાવ સાદગીથી સીમંતનો પ્રસંગ સગુણાએ કરી નાખ્‍યો અને આરતી પિયર ચાલી ગઇ. એના ગયાના બીજા જ દિવસે સગુણા દર્શનને લઇને મનોજભાઇના ઘરે પહોંચી ગઇ. માંગુ નાંખી જ દીધું. હવે આવા સુંદર, ભણેલગણેલ છોકરા માટે પોતાની દીકરી આપવાની ના પણ ક્યો બાપ પાડે? વળી ન્‍યાતમાં સારું ઘર ગણાય. ઉર્વશીને સગુણાથોડી જૂનવાણી લાગી પણ તેને થયું કે મારે ક્યાં વધુ રહેવાનું છે? એ તો ભવિષ્‍યે સમજાવી પટાવી દર્શનને જૂદો કરાવી નાંખીશ.

અને સગુણાએ લગ્‍નની તારીખ પણ પાક્કી કરી નાંખી. આનંદ કડવો ઘૂંટડો ગળી ગયો. પણ શરદભાઇ ન રહી શક્યા. :‘‘નહીં સગુણા, જ્યાં સુધી આરતી ન આવે ત્‍યાં સુધી આ પ્રસંગ ન થાય.‘‘ દર્શને પણ કહ્યું: ‘‘હા, મમ્‍મી ભાભી વગર મારા લગ્‍ન નહીં કરું.‘‘

આખરે સગુણાના હથિયાર હેઠા પડ્યા. સવા મહિને આરતીને તેડી લાવ્‍યા. ગુલાબના ગોટા જેવો દીકરો આરતીએ સગુણાના ખોળામાં મૂક્યો ત્‍યારે સગુણા મોઢું ફેરવી લેતા બોલી: ‘‘આને લઇ લો. કેમકે મેં જે સાડી પહેરી છે એ પાંચ હજારની છે, અને આજે મારી ઉર્વશી માટે છાબ ખરીદવા જવાનું છે. નહીને ક્યાંક આ છોકરો મૂતરીને ભરી મૂકશે તો અપશૂકન થશે.‘‘

અને આજ પહેલીવાર આરતીની આંખમાં આંસુ આવ્‍યા પણ મનની પીડા મનમાં જ ગળી ગઇ. આખરે ‘લાલા‘ને શરદભાઇએ અદકા હેતથી ઉંચકી લીધો અને રમાડવા લાગ્‍યા…

આખરે એ દિવસ આવીસ પહોંચ્‍યો જ્યારે ઉર્વશી દર્શન સાથે પરણીને આ ઘરે આવી પહોંચી.

આ તરફ પોતાને નાનું બાળક હતુ છતા પણ આરતીની નિયમિતતા માં કોઇ ફેર ન પડ્યો. એ તો એ જ લાગણીથી ઘરને સંભાળતી હતી. આ તરફ મહારાણી ઉર્વશીદેવી સવા નવે જાગતા. સાસુ સાથે મીઠી મીઠી વાતો કરતા, બપોર ચડ્યે માત્ર પોતાના કામકાજમાંથી પરવારતા. અને જેઠાણીએ ડાઇનીંગ ટેબલ પર મૂકેલી ભોજનની થાળીને ભરપેટ માણી વળી પાછા પોતાના રૂમમાં ઉપર ચડી જતા. અને આ રોજનો ક્રમ થઇ ગયો હવે. તેણે જાણી લીધું કે ઘરમાં જેઠાણીના નામે એક કામવાળી ઓલરેડી હાજર જ છે પછી પોતાને કશું જ કરવાનું રહેતું નથી. હા, આ ઘરમાં એક ‘સાસુજી‘ ને સાચવી લો એટલે ભયો ભયો.! અને સાસુજી પણ ‘ઉરૂબેટા‘ ‘ઉરૂબેટા‘ કર્યા કરતા. બહાર તેને લઇને જ સ્‍તો ખરીદી કરવા નીકળી જતા. સોસાયટીમાં, જ્ઞાતિના ફંકશનોમાં, સગા વહાલાં ને ત્‍યાં તેને લઇને જ સ્‍તો ફરવા નીકળી જતા. આરતી આ બહુ જાણતી હતી. પણ બોલતી ન હતી. દિવસ પસીાર થઇ રહ્યા.
અને એક દિવસ ઘરમાં ચોરી થઇ. દોઢ લાખનો નાની વહુનો સોનાનો સેટ અને સાઇઠ હજાર રૂપિ‍યા રોકડા ગયા. ઘરમાં અફડા તફડી મચી ગઇ. સગુણાએ તો પોલીસને જ કહી દીધું : ‘‘આ મારી મોટી વહુ જ ચોરટી છે.. તેણે જ ચોરી કરી છે, જલે છે એ મારાથી.‘‘ ‘‘અરે સાહેબ‘‘ આખરે શરદભાઇએ ઇન્‍સ્‍પેક્ટરને કહ્યું: ‘એ તદ્દન ખોટ વાત છે. મારી મોટી વહુ તો ગૃહલક્ષ્‍મી છે.‘‘ આખરે તપાસ થઇ અને ચોર પકડાઇ ગયો. પણ તે દિવસે આનંદે શરદભાઇને કહ્યું:‘‘પપ્‍પા, હવે મને એવું લાગે છે કે બધું ભેગું નહીં ચાલે. આપણે ઉપરનીચે અથવાતો ઉપરનો એક રૂમ ફ્કત મને આપો…‘‘ જવાબમાં સગુણા બહેને આરતીની બેગનો ફળિયામાં ઘા કરતા કહ્યું:‘‘ તમારું સ્‍થાન અમથું ય આ ઘરમાં છે જ નહીં. હવે તમે જૂદા થઇ જ જાવ. હું આ શુભ પ્રસંગની રાહ જ જોતી હતી.‘‘

બધાની આંખો ફાટી રહી. આનંદે આરતી નો હાથ પકડી ઘર છોડી દીધું. પણ મુસીબત બીજા દિવસથી શરૂ થઇ. ઉર્વશીદેવી સાડાનવ સુધી જાગ્‍યા જ નહોતા. સગુણાને પણ કડક મીઠી ચા દસ વાગ્‍યા સુધી ન મળી. તો પછી જમવાનું ક્યારે મળશે કોને ખબર?

શરદભાઇ ચા પીધા વગર જ દુકાને ચાલ્‍યા ગયા. અને ત્‍યાં ઉર્વશીદેવીએ ફરિયાદ કરી દીધી: ‘‘મમ્‍મી, મારું તો માથું ચડ્યું છે. હું કિચનમાં ઊભી નહીં રહી શકું.‘‘ કહેતી ઉપર એના રૂમમાં ચાલી ગઇ. સાંજે શરદભાઇ આવ્‍યા ત્‍યારે સગુણા રસોડામાં આવી ગઇ હતી અને રસોઇ બનાવતી હતી. સાંજે દર્શન આવ્‍યો ત્‍યારે શાકનો બગડેલો સ્‍વાદ ચાખીને તેના તો મગજનો પિતો જ ગયો. તે સગુણાબહેન ઉપર રાડો નાખવા લાગ્‍યો. સગુણા કહે: ‘‘મારી ઉપર રાડો નાખવાને બદલે તારી પત્‍ની ને કહે.‘‘ તો ઉર્વશીએ બનાવટી દુ:ખ ચહેરા ઉપર આણી ને પતિની પનાહોમાં લપાઇ જઇને કહ્યું: ‘‘જાનુ, મને તાવ આવી ગયો છે પ્‍લીઝ… મારી થાળી લેતો આવને.‘‘

પછી તો એક દિવસ તાવ, એક દિ‘ માથું, એક દિ‘ પેટ… શરદભાઇ બધો તાલ જોતા હતા. એવામાં એક દિવસ સગુણાબહેનથી ન રહી શકાયું. આખડી પડ્યા ઉર્વશી સાથે. તો ઉર્વશીય કાંઇ ગાંજી જાય એમ નહોતી. બોલી: ‘‘હું તમારી ગોલી આરતી નથી. કામ તો તમારે જ કરવું પડશે સમજ્યાં?‘‘

સગુણાબહેન સમસમી ગયા. શરદભાઇએ તે દિવસે કહ્યું: ‘‘ખબર પડી હવે તને? કોણ કંચન ને કોણ કથીર?‘‘

‘‘હા…‘‘ શરદભાઇને ખભે માથું ટેકવી સગુણાબહેન રડી પડ્યાં :‘‘ મારાથી મોટું પાપ થઇ ગયું, હું મારી સગી દીકરી જેવી આરતીને ન ઓળખી શકી.‘‘ ‘‘તો હવે ઓળખ, કાંઇ મોડું નથી થયું.‘‘

તે દિવસે સાંજ પડ્યે આરતી પોતાના પતિની રાહ જોતી દરવાજો તાકતી હતી ત્‍યાં તો પતિ ને બદલે સાસુને આવેલ જોઇને તે સામે દોડી: ‘‘મમ્‍મી તમે?‘‘ ‘‘હા … દીકરી… તને હું ઘરે તેડી જવા આવી છું મારા નહીં પણ તારા ઘરે‘‘

આરતી સાસુને વળગી પડી. બીજા દિવસની સવારે ફરી પાછો ‘આનંદદર્શન‘ બંગલો ‘લાલા‘ના કલશોરથી જીવંત થઇ ઉઠ્યો.

*******

લેખક : યોગેશ પંડ્યા

Leave a Reply