Vicky Trivedi

આશરો

“ડોસો ગયો?” શંભુ મહારાજને પડોશની મહિલાનો અવાજ સંભળાયો.

“હરામખોર છે. ત્રણ મહિનાથી અહી પડ્યો છે. પરોણો તો એક બે દી’નો હોય. જોર મારીને પાંચ દી રે.” આરતીની સાસુનો કર્કશ અવાજ સંભળાયો.

શંભુ મહારાજને ખબર હતી કે પોતે અહી દીકરીના ઘરે અણગમતો મેહમાન હતો પણ શું કરે? પોતે છેલ્લા ત્રણ મહિનાથી અહી હતો. ચારેક દિવસ પછી જ આરતીની સાસુ અને જમાઈનું વર્તન બદલાઈ ગયું હતું. છેલ્લા એક બે મહિનાથી તો આરતીનું પણ વર્તન બદલાઈ ગયું હતું છતાં પોતે અહી પડ્યો હતો! ક્યાં જાય?

“દીકરીના ઘરે ખાતા એને શરમ પણ નહિ આવતી હોય?” ફરી એજ મહિલા બોલી.

“શરમ હોય તો આવે ખરો?” આરતીની સાસુએ દાંત ભીંસ્યા.

“આરતીને ભાઈ નથી, નહિ?” પેલી પડોશણ વધારે આગ લગાવતી હતી.

“ભાઈ તો છે, પણ ડોસાને દીકરીના ઘરનું ખાવામાં જ મજા આવે છે.” આરતીની સાસુ બોલી.

આરતી રસોડામાં બધું સાંભળતી હતી. રસોડામાંથી બહાર આવીને શંભુનાથ સુતા હતા એ રૂમમાં આવી.

“પપ્પા.” આરતીના અવાજમાં નફરત હતી.

“લો આ તમારી બેગ, મહેરબાની કરીને હવે તમે ચાલ્યા જાઓ.”

“બેટી…”

“પપ્પા, તમને તો કઈ થતું હશે કે નહિ પણ મારાથી આ મેંણા ટોણા સંભળાતા નથી.” આરતી કડક સ્વરે બોલી.

“પણ ક્યાં જાઉં હું આ ઉમરે?” શંભુનાથ અસહાય હતા.

“કેમ તમારે નખ્ખોદ ગયું છે? બીજી પણ બે દીકરીઓ છે ને, માનસી અને ભૂમિ. ભૂમિ અને માનસીને ઘરે પણ કેમ જાઓ? તમારો દીકરો જીવતો છે ને. અશ્વિનભાઈને ઘરે જાઓ. ન રાખે તો ગામના ચાર લોકોને ભેગા કરો. જખ મારીને રાખશે.” આટલું બોલીને આરતી બે હાથ જોડીને ઉભી રહી.

શંભુ મહારાજે કશું બોલ્યા વગર બેગ લીધી. આરતીની આંખોમાં પણ આંસુ હતા. એણીએ આમતેમ જોયું પછી એક પાંચસોની નોટ એના પપ્પાના હાથમાં થમાવી દીધી.

“વહુ બેટા, હું સામેવાળા કંચનબેનને ત્યાં જઈને આવું છું.” આરતીની સાસુ બહાથી જ બોલી.

“ભલે, મમ્મી.” આરતીએ એની સાસુને જવાબ આપ્યો અને ફરી શંભુનાથ તરફ ફરી.

“પપ્પા, તમેં મને ઘણું આપ્યું છે. વીસ તોલા સોનું. વાસણો, કપડા, ફર્નીચર. પણ પપ્પા હું તમને રાખી શકું એમ નથી. તમે જે આપ્યું એના ઉપર મારો કોઈ અધિકાર નથી. તમારી ભૂલ હતી પપ્પા. તમે દેવું કરીને અમને ત્રયેય બહેનોને દહેજ આપ્યું. મકાન પણ વેચી નાખ્યું. તમે ભાડે રહેવા ગયા. અને હવે તમારે આમ અપમાનિત થવું પડે છે.”“મારી ભૂલ હતી?” શંભુનાથ બબડ્યા.

“હા પપ્પા, તમે સમાજમાં વટ પાડવા તમારા ગજા બહારનું દેવું કરીને દહેજ આપ્યું એ તમારી ભૂલ હતી.”

“હશે બેટા. જેવા નસીબ. ભૂમિને ત્યાં જતો રહું. એને સાસુ સસરા છે નહી.” શંભુનાથ બોલ્યા.

“તમને અશ્વિનના ઘરે જવામાં વાંધો શું છે?”

“મારી જઈશ પણ એના ઘરે તો નહિ જ જાઉં. હું નીકળું છું બેટા.”

“પપ્પા, ભૂમિ કે માનસી ગમે ત્યાં જશો તમને ચાર મહિના ઉપર કોઈ નહિ કઢાવે. હજી કહું છું માની જાઓ. અશ્વિનના ઘરે ચાલ્યા જાઓ. તમેં કહો તો હું સાથે આવું.”

“કઈ રીતે જાઉં અશ્વિનના ઘરે? એણે તો મારી જીદગી બગાડી છે. કોલેજ કરવા મુક્યો ત્યાંથી નીચી જાતની છોકરી લઇ આવ્યો. મેં એને ઘરમાં પેસવા દીધો ન હતો. મારી માલ-મિલકત તમને ત્રયેય બહેનોને આપી દીધી. તમારા લગ્ન પાછળ ઘર પણ વેચી દીધું. એને એક પાઈ પણ મેં આપી નથી. હવે એના ઘરમાં પગ મુકું હું? મારે પણ સ્વાભિમાન છે. અને એ હલકી જાતની એની વહુના હાથે રાંધેલું હું ખાઉં?”

“સ્વાભિમાન!! પપ્પા તમારું સ્વાભિમાન રહ્યું છે ખરું? સવારમાં મારી સાસુ જે બોલતી હતી એ સાંભળ્યા પછી પણ તમને લાગે છે કે તમારું સ્વાભિમાન બચ્યું છે? અને વાત રહી નીચી જાતની તો દીકરીઓને ઘરે કુતરા જેમ કટકા ખાવા કરતા એના હાથના રોટલા ખાવા શું ખોટા? લોકો વાતો તો નહિ કરે ને કે દીકરીઓના ઘરે ખાય છે. હરામખોર નફફટ આવું તો તમારે નહિ સાંભળવું પડેને. અને અમે પણ ઈજ્જતથી જીવી શકીશું.”

“અશ્વિન મને રાખશે ખરો?”

“તમે જાઓ તો ખરા. રાખશે. અમે તમને રાખીએ તો અમારીને તમારી બધાની આબરૂ ઓછી થાય છે, પપ્પા. એ નહિ રાખે તો એની આબરુ જશે અને ન રાખે તો અહી જેમ પડ્યા તા એમ જ પડ્યા રેજો. ધોકો લઈને મારવા તો નહિ જ આવે. અશ્વિનના ઘરનું એડ્રેસ છે તમારી પાસે?”

“ના નથી. મેં એની ક્યાં પછી કોઈ ખબર લીધી હતી. બેટા, અશ્વિનને ત્યાજ જાઉં છું. તારી વાત માનવી જ પડશે. પણ એ રાખશે ખરો?”

“પપ્પા, એ રાખશે. લો હું તમને એડ્રેસ આપું. મારે ઘણીવાર ફોન પર વાત થાય છે.”

“એ અહી આવે છે?”

“ના પપ્પા, એ અહી આવે તો.. મેં એને કયારેય બોલાવ્યો જ નથી. નથી હું તેના ઘરે કયારેય ગઈ. આ સમાજ… મારા સાસુ સસરા… અને તમે….”

શંભુનાથ ભારે હૈયે આરતીના ઘરેથી નીકળ્યા. આરતીના ઘરથી બસ સ્ટેશન ઘણું દુર તો ન હતું પણ એમનાથી હવે ક્યાં પહેલા જેમ ચાલી શકાતું હતું! એ ઓટો-રિક્ષા કરીને બસ સ્ટેશન પહોચ્યા. પાલનપુરના ભરચક બસ સ્ટેશનમાં પણ શંભુનાથને લાગતું હતું કે જાણે પોતે એકલો રણમાં ઉભો હોય- નિસહાય અને બેબસ.

કોઈક મુસાફરને પૂછ્યું કે થરાદની બસ ક્યાં આવશે? પેલાએ ઉતાવળમાં જવાબ આપ્યો, “સામે જુઓ, કાકા? બસ લાગેલી જ છે.”

શંભુનાથ ધીરે ધીરે બસ લાગેલી હતી ત્યાં પહોચ્યા. શ્વાસ ચડી ગયો હતો. મહા મુસીબતે એ બસમાં ચડ્યા. બસમાં હજુ બે ચાર સીટ ખાલી હતી. એ એક સીટમાં જઈને બેઠા. શ્વાસ બેસે એ માટે એમણે આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કર્યું. એમની આંખો સામે બારેક વર્ષ પહેલાનું દ્રશ્ય તરવરવા લાગ્યું.અશ્વિન કોલેજથી ઘરે આવવાનો હતો. પોતે ખુશ હતા કે અશ્વિનની કોલેજ પૂરી થઇ. હવે એ કમાવાનું શરુ કરશે. પોતાની જવાબદારીઓ ઓછી થશે. ત્યાજ દરવાજે અશ્વિન અને એક છોકરી આવીને ઉભા રહ્યા. એમણે છોકરીને આવકાર આપ્યો. બંને ઘરમાં આવ્યા. અશ્વિન અને એ છોકરી એમના પગે પડ્યા ત્યાજ તેઓ પૂછી બેઠા, આ કોણ છે બેટા?

“પપ્પા, મેં લગ્ન કરી નાખ્યા છે!”

અશ્વિનનો જવાબ સાંભળી પોતાના કાન ઉપર વિશ્વાસ ન હોય એમ એ ચોકી ઉઠ્યા.

“શું? તે લગ્ન કરી નાખ્યા?” એમનાથી પૂછાઈ ગયું.

“હા, પપ્પા”

“પ્રેમ લગ્ન??? આ છોકરીની જાત શું છે?”

“પપ્પા, આ સીમા, મારા ભેગી જ ભણતી હતી. એના મા બાપ આ દુનિયામાં નથી. એના મામાને ઘેર રહેતી હતી.”

“એની જાત શું છે?” એ ઉકળી ઉઠ્યા.

“વણકર છે પણ પપ્પા, એના મામા નોકરી….”

“નીકળી જા મારા ઘરમાંથી. તારું મોઢું ન બતાવતો મને ક્યારેય.” એ જોરથી બરાડ્યા.

અશ્વિનની મમ્મી બિચારી ડરની મારી કશું બોલી નહિ.

અશ્વિન પણ મારા જેવો સ્વાભિમાની છે. એણે કોઈ આજીજી ન કરી. એ સીમાને લઈને તરત જ નીકળી ગયો. પોતાના પુત્ર પર ગર્વ અનુભવતા હોય એમ એ યાદ કરી જરાક મલક્યા. સમય સમયનો ખેલ છે. ત્યારે એમનું ગામમાં સારું એવું માન હતું. માનસીના તો લગ્ન લેવાઈ ગયા હતા. અશ્વિનના કારણે એમની આબરૂમાં કઈ ફરક પડ્યો ન હતો. બે નાની દીકરીઓના લગ્ન પણ ધૂમધામથી લેવાઈ ગયા. બે દીકરીઓના લગ્નમાં પણ અશ્વિનને એમણે ન જ બોલાવ્યો. બિચારી દીકરીઓ અને અશ્વિનની માએ ઘણી આજીજી કરી હતી પણ એ એકના બે ન થયા હતા.

અશ્વિન ગામથી પાંચેક કિલોમીટર દુર જ શહેરમાં રહેવા લાગ્યો હતો. એ એક ખાનગી બેંકમાં નોકરી કરતો હતો એવા સમાચાર લોકો પાસેથી મળેલા. પણ તેમણે ક્યારેય અશ્વિન વિશેની કોઈ વાત સાંભળવાની તસ્દી લીધી ન હતી.

એ થરાદ બસ સ્ટેશને ઉતર્યા. ઓટોવાળાને એડ્રેસની ચિઠ્ઠી આપી. ઓટોવાળાએ એમને અશ્વિનના ઘર સામે જ ઉતાર્યા.

એજ છોકરા અને વહુના ઘરે જવાનું હતું જેમને ઘરમાંથી હડધૂત કરીને કાઢી મુક્યા હતા. એમના પગ ઉપડતા ન હતા. એમણે ભારે હૈયે પગ ઉપાડ્યા. ઘરના દરવાજે પ્રવેશ્યા ત્યાજ ઘરમાં રમતું એક સાતેક વર્ષનું બાળક બોલ્યું, “મમ્મી, કોઈ આવ્યું છે.”

એક સ્ત્રી રસોડામાંથી બહાર આવીને બોલી, “કોણ છે બેટા?”

શંભુનાથ સામે જોઇને એ મૂંઝાઈ ગઈ.

“ક્યાંથી ઓળખે? બે મિનીટની એમની મુલાકાત હતી અને એને પણ આજે બારેક વર્ષ વીતી ગયા હતા.” શંભુનાથ વિચારતા હતા.

“આવો દાદા, બેસો.” એ બોલી.

શંભુનાથ ખુરશીમા બેઠા.

“નીરવ બેટા, પાણી લાવ.”

પેલા બાળકના હાથમાંથી શંભુનાથે ખચકાતા ખચકાતા પાણી લીધું. પાણી પીતા પીતા એમણે ઘરમાં નજર દોડાવી. એક રૂમ, હોલ અને કિચન હતા. હોલમાં સાદું કલર ટી.વી. હતું. ઘરમાં ઝાજું ફર્નીચર દેખાતું ન હતું.ભાડાનું ઘર છે બેટા કે ઘરનું લીધું છે?” શંભુનાથે પૂછ્યું.

“દાદા, ભાડે રહીએ છીએ. આ મોઘવારીમાં ઘરનું ઘર ક્યાંથી લેવાય? દાદા, તમને ઓળખ્યા નહિ.” પેલી સ્ત્રી જરાક મૂંઝવાતી હોય એમ બોલી.

“હું શંભુનાથ, અશ્વિનનો પિતા.” શંભુનાથ નીચું જોઇને બોલ્યા.

“પપ્પા, તમે?? મેં તમને ઓળખ્યતા જ નહિ.” ગળામાં રહેલો દુપટ્ટો માથે ઓઢતા એ બોલી.

“મોમ, કોણ છે આ? તારા પપ્પા તો નથી એમ તું કહેતી હતી ને!” નીરવ બોલ્યો.

“બેટા, આ તારા પપ્પાના પપ્પા છે. તારા દાદા.”

“દાદા!!” નીરવ નાચવા લાગ્યો. “દાદ આવ્યા…. દાદા આવ્યા….”

“બેટા? અશ્વિન ક્યાં છે?”

“એ હવે આવતા હશે. પાંચ વાગે એમને બેંકમાંથી છુટ્ટી પડે છે. હું ચા બનાવું.”

સીમા રસોડામાં ગઈ ત્યાજ અશ્વિન ઘરમાં પ્રવેશ્યો. પિતાને જોઇને એ હબકી ગયો. “તમે? કેમ આવ્યા છો અહી?”

“બેટા, માણસ ઘરડો થાય એટલે એને સહારાની જરૂર પડે.” શંભુનાથ માંડ માંડ બોલ્યા.

“સહારો? તમે અમને કઈ આપ્યું છે? નીકળો અહીંથી?” અશ્વિન બરાડ્યો. રસોડામાંથી સીમા દોડી આવી.

“સીમા, તે એમને ઘરમાં બેસવા જ કેમ દીધા?” અશ્વિન સીમા તરફ જોઇને ફરી બરાડ્યો.

“ના કઈ રીતે બોલું. એમનુ જ ઘર છે આ. એમનો અધિકાર છે અહી રહેવાનો. મારા પિતા હોત તો હું ના કહી દેત પણ એમને કઈ રીતે ના કહું.. એમના દીકરાનું ઘર છે, દીકરાનું ઘર….” સીમા બોલી.

શંભુનાથ અને અશ્વિન સીમાનો જવાબ સાંભળી અવાક થઇ ગયા. કોઈ કઈ બોલી શક્યું નહિ.

ફરી સીમા જ એ ખામોશી તોડતા બોલી, “ભૂતકાળને યાદ કરવાનો કોઈ ફાયદો નથી. એમણે આપણને કશું નથી આપ્યું એ વાત સાચી છે તમારી પણ… જો હવે આપણે પણ એમની સાથે એવો વ્યવહાર કરીશું તો એમનામાં અને આપણામાં ફરક શું રહેશે? એ તો જુનવાણી મગજના છે. એમણે આપણને સમજ્યા નહિ પણ આપણે તો હવે સમજવું પડશે. આપણને એમણે સહારો આપ્યો ન હતો એ વખતે આપણે બંને યુવાન હતા અને આજે પણ આપણે કોઈના આશરે નથી તો પણ આપણને કેટલું દુ:ખ થયું હતું ત્યારે. હવે જો આપણે એમને આ ઉમરે સહારો નહિ આપીએ તો એમને કેટલું દુ:ખ થશે?”

“પણ સીમા….”

અશ્વિન બોલ્યો ત્યાજ સીમા ફરી બોલી, “તમારે એમને રાખવા કે ન રાખવા એ તમારી મરજી. પણ યાદ રાખજો નીરવ મોટો થઈને એજ શીખશે જે એણે જોયું હશે. એ નહિ શીખે જે એને આપણે શીખાવાડીશું.”

સીમાના શબ્દો સાંભળી શંભુનાથની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. અશ્વિનનો ગુસ્સો પણ હવે ઓગળી ગયો હતો. અશ્વિન શંભુનાથને ભેટી પડ્યો અને રડતા રડતા બોલ્યો, “પપ્પા, આ ઘર પણ તમારું જ છે.”

શંભુનાથ અવાચક બની વિચારી રહ્યા. જે ઉંચી જાતના જમાઈઓને મેં જે આપ્યું એનો કોઈ અર્થ વળ્યો નહિ પણ આ નીચી જાતની વહુ જેને મેં ઘરથી કાઢી મૂકી હતી એણે જ મને આશરો આપ્યો….. અને શંભુનાથની આંખો ભીની થઇ ગઈ….!!!!!’

*******

લેખક : વિકી ત્રિવેદી

 

 

Leave a Reply