Raghuvir Patel

મિત્રતા (ટૂંકીવાર્તા)

લગ્નની મોસમ તો હજુ ખીલી નથી છતાં વિલાયતમાં રહેતા જમાઈને પરત જવાનું હોવાથી ઘડિયા લગ્ન લેવાઈ રહ્યા છે. ગૌરાંગભાઈના ઘરે લગ્નો મંડપ શણગારાઈ ગયો છે. જાનડીઓના મીઠા લગ્નગીત સંભળાઈ રહ્યા છે. વર પૂંખણાની તૈયારી થઈ રહીં છે. પકવાન તૈયાર થઈ ગયા છે. મહેમાનો અવનવી મોઘી ભેટ સોગાદો લઈને આવી રહ્યા છે. ગૌરાંગભાઈ અને તેનો પરિવાર સહુને પ્રેમથી આવકારી રહ્યો છે. ગૌરાંગભાઈ વારે વારે દરવાજા તરફ નજર દોડાવી રહ્યો છે. હજુ મારો જીગરી દોસ્ત મનન કેમ ન આવ્યો? ક્યારેય મોડો ન પડનાર આજે ખરા ટાઇમે કેમ ન આવ્યો. આવે એટલે એની વાત છે. શું મારી દીકરીનું લગ્ન એને નહી ગમ્યું હોય? એવું કેમ બને ? દીકરીના વેવિશાળના પહેલા સમાચાર તો મેં એને આપ્યા ત્યારે પહેલા મુબારક તો તેણે મને આપ્યા હતા. અને આજે એને શું બગડી ગયું ? નક્કી કઈક કારણ હશે. એ આવે એટલે વાત. ગૌરાંગના મનમાં કેટલાય પ્રશ્નો રમવા લાગ્યા. પૂંખણા થઈ ગયા, લગ્નવિધિ શરુ થવાની તૈયારી છે ગૌરાંગ વિયોગ ભોગવી રહ્યો મિત્રનો. તે મિત્રની મિત્રતાના નેપથ્યમાં ડોકિયું કરી ગયો.

મનન અને ગૌરાંગ શહેરમાં એક જ સોસાયટીમાં રહેવા આવ્યા ત્યારથી એવા મન મળી ગયેલા કે ન પૂછો વાત. વીસ વર્ષ એકજ સોસાયટીમાં સાથે રહ્યા. બબે વર્ષના બાળકોને લઈને આવેલા બાળકો, આજ લગ્નમંડપ શોભાવે તેવા થઈ ગયા.વીસ વર્ષમાં બંનેના જીવનમાં કેટલાય તડકા છાંયડા આવ્યા.ગૌરાંગને ધંધામાં ખોટ ગઈ. છેલ્લો ઉપાય સદાને માટે દુનિયા છોડી જવાનો, તે પતિ-પત્ની ને બાળકે પૂર્વ તૈયારી કરી દીધી પણ મનનને જાણ થતાં મદદ કરી ઉગાડી લીધો. તો મનનની પત્નીનું અવસાન થતાં ગૌરાંગના પરિવારે સ્મિતને અને મનનને સાચવી લીધા. ગૌરાંગભાઇની સુરભી ને મનનકુમારનો સ્મિત સાથે રમેલાં સાથે ભણેલાં ને યૌવન જ્યાં મૂછ મરડીને આવ્યું ત્યારે સહજ આંખ પણ રમી ગયેલી. ભણતાં ભણતાં સંસારનાં સ્વપ્નો સજાવેલાં. પરંતુ સંસ્કાર માબાપ માંથી ઉતરી આવેલા એટલે મર્યાદા અકબંધ રહી. હ્રદય હ્રદયને સ્પર્શ કરે,આંખ આંખને નીરખ્યા કરે. વર્ષોના એક જ સોસાયટીમાં સાથે જ રહેવાથી.એમના એકાંત માટે કોઈ પ્રયત્ન કરવો પડે તેમ નહોતો. સ્મિત મોટેભાગે સુરભીના ઘરે જ હોય. તો સુરભી પણ સ્મિતના ઘરે લાંબો સમય રોકાય સ્મિતનું ઘર એમનું આરાધ્ય સ્થળ.બંને પાસપાસે બેસી એકબીજાના હ્રદયને માણ્યા કરે. ભવિષ્યની ઈમારતો ચણ્યા કરે.

‘સ્મિત મને તારું સ્મિત બહુ ગમે છે.’

‘મને તારી સૌરભ ઘેનમાં નાખે છે.’

‘થોડો સમય ખમી જાવ મારા ખાવિંદ લગ્ન ફેરા પછી…’

‘હું પણ એજ રાહ જોઈ રહ્યો છું પછી તો તારી સૌરભમાં ખોવાઈ જવું છે.’

‘સ્મિત, આપણે સ્વપ્નોમાં રમીએ તો છીએ પણ…’

‘પણ શું સુરભી?’

‘આપણે એક થઈ શકીશું?’

‘અરે ગાંડી, એક જ છીએને ?’

‘સ્મિત તું મારી વાત સમજ્યો નહી. આપણી જ્ઞાતિ જુદી છે. આ સમાજ સ્વીકારશે આપણા પ્રેમને?’

‘ તારી વાત સાચી છે. ન સ્વીકારે તો…’

‘ હું તો ગાંડી થઈ જાઉં.’

‘ગાંડા થઈ જવું એટલે જ પૂરું થતું હોય તો એ પ્રેમ કાચો કહેવાય.’

‘તો શું થાય?’

‘આ હ્રદય ચાલે જ કેમ??’

પ્રેમની પરાકાષ્ઠા સાચા અર્થમાં સ્મિતે પચાવી છે. તે સુરભિને જીજાનથી ચાહે છે. આમતો કોઇપણ મહોલ્લો કે ગામ આ પ્રેમની ગંધને પામી જતું હોય છે. પણ સ્મિત સુરભીનો પ્રેમ એવો કઈ અલગારી નહોતો કે કોઈ જાણી જાય. જોકે બંનેના હ્રદયની એકતા વડીલો જાણતા પણ એકબીજામાં ભળી જવા જેટલી નિકટતા જણતા નહોતા. ગૌરાંગભાઈ સુરભીના હાથ પીળા કરવા સમાજમાં યોગ્ય મુરતિયાની શોધમાં લાગી ગયા. તેમણે યોગ્ય પૈસેટકે ખમતીધર અને વિલાયત રહેતા યુવાનનું ઘર શોધી પણ કાઢ્યું. સુરભીના સંસ્કારો બાપ આગળ કાંઈ બોલી ન શક્યા. જોકે સ્મિતને મનનભાઈના કાને વાત નાખી. સુરભી પ્રત્યેનો લગાવ જણાવ્યો. પહેલા તો મનનભાઈ સ્તબ્ધ રહી ગયા. જોકે તે સ્વભાવવશ કોઈ ઉતાવળિયું પગલું ભરે એવા નહોતા. મનનભાઈ ગૌરાંગભાઈ કરતા જરા ઉતરતી જ્ઞાતિના હતા.સુરભી સ્મિત માટે યોગ્ય હતી પણ જુદી જ્ઞાતિના કારણે દીકરાએ ખોટું પગલું ભર્યું છે એવું લાગ્યું. સ્મિતના સ્પષ્ટ શબ્દો ‘હું એના વગર નહી રહી શકું.’ હવે એક બાજુ પુત્ર પ્રેમ ને બીજી બાજુ મિત્રતા.કેવી રીતે કહેવું. બીજું મનનભાઈએ ગૌરાંગભાઈની પડતીમાં મદદ કરેલી.એટલે જો આ વાત કરે તો અહેસાનનો બદલો માંગ્યો કહેવાય. મનનભાઈ સ્મિતના સ્વભાવથી પરિચિત હતા કે એ નકાર સહન નહી કરી શકે. મનનભાઈ પુત્રપ્રેમ ખાતર ગૌરાંગભાઈને ત્યાં દીકરાનું માગું લઈને જવા નીકળ્યા ત્યાં તો…

ગૌરાંગભાઈએ ફોન કરી મનનભાઈને પોતાના ઘરે બોલાવ્યા. મનનભાઈએ વિચાર્યું આજે વાત નાખતો જ આવું. ઘરમાં ચહલપહલ થઈ રહી છે. આજે બધા ખુબ આનંદમાં છે, દીકરી સુરભી સિવાય.

‘ આવ આવ મનન આજે તો આનંદનો દિવસ છે, મોં મીઠું કર.’

‘ શાનો આનંદ છે ગૌરાંગ કહેતો ખરો !’

‘સુરભીનો વેવિશાળ નક્કી થઈ ગયો.’ગોળનો ટુકડો મનનના મોઢામાં મુકતાં.

મનનને ગોળના ટુકડા સાથે દાતમાં જીભ આવી ગઈ. હ્રદય એક ધબકારો ચુકી ગયું.

‘અભિનંદન દીકરી સદાસુહાગણ રહો.’ શબ્દોમાં આશીર્વાદ હતા પણ હ્રદય તો કાંઈક… ગૌરાગે મનનનો હાથ પકડી પોતાની ખુશી વ્યક્ત કરી.’ઘડિયા લગ્ન લેવાના છે.લગ્ન થઈ જાય તો વિઝા નીકળી શકે, જમાઈને વધારે રજા નથી, વિલાયત જવાનું છે. એટલે લગ્ન સાદાઈથી ગામડે કરવાના છે.’ મનનની પોતાની વાત મનમાં જ રહી,શિથિલ હ્રદયે પાછો ઘરે આવ્યો.

કન્યા પધરાવો સાવધાન ! નો ભૂદેવનો પોકાર સંભળાયો ને ગૌરોગ ભાનમાં આવ્યો. ત્યાં હાંફરો ફાંફરો દોડતો મનન આવ્યો. . મનન ગૌરાંગને ભેટી પડ્યો. મહામુસીબતે આંસુ રોકી રાખ્યા.

થોડી સ્વસ્થતા આવતાં મનનને હલાવી નાખતાં

‘ કેમ ભાઈ મિત્રની દીકરીનું લગ્ન ન ગમ્યું? કેમ મોડો પડ્યો. સ્મિત ક્યાં છે?’

‘સુરભીનું લગ્ન થઈ જવા દે પછી કહું છું.’

‘ ના મને અત્યારે જ કહે મારી દીકરી પણ જાણે કે કાકા લગ્નમાં સમયસર કેમ ન આવ્યા.’

‘ ગૌરાંગ જીદ ન કર.’

‘ ના , મારે સાંભળવું છેકે મિત્રની દીકરીના લગ્ન કરતાં એવું મોટું કયું કામ આવી પડ્યું કે ન આવી શક્યો.સુરભીના વેવિશાળના મુબારકબાદ આપ્યા પછી દેખાયો નથી.’

‘સ્મિત હોસ્પિટલ… છે.’

‘ હેં … શું કહ્યું? હોસ્પિટલ? શું થયું ?‘

‘આઘાતી એટેક…’

‘ક્યારે?’

‘ તને મુબારકબાદ આપીને ગયા પછી’ મનનના શબ્દોમાં દર્દ હતું.

સ્મિતના હાર્ટ એટેકની વાત સાંભળતાં સુરભી લગ્નમંડપમાં બેસતાં તેનો પગ પાછો પડ્યો. નીચે ફસડાઈ પડી.આઘાતી હુમલો આવી ગયો. આનંદનો અવસર શોકમાં પલટાઈ ગયો.એ જ શણગારેલી ગાડી સુરભિને લઈ શહેરની પ્રખ્યાત હોસ્પિટલ પહોંચી જ્યાં સ્મિત સૂતો છે. તાત્કાલિક સારવાર મળતાં તે બચી ગઈ. સ્ત્રી વાર્ડમાં જગ્યા ન હોવાથી સ્મિતના વાર્ડમાં શીપ કરી. લગ્ન વગર જાન પછી વળી.જમાઈ… વિલાયત…

સ્વજનોથી આખી હોસ્પિટલ ભરાઈ ગઈ.

‘મનન સ્મિતને એટેક કેમ આવ્યો?’

‘તારી સુરભીને એટેક કેમ આવ્યો હું પૂછી શકું…?’ આંખમાં આંસુ સાથે મનનને કહ્યું.

‘ તું આ વાત જાણતો હતો? આટલી મોટી વાત તે મારાથી છુપાવી? ’

‘ ગૌરાંગ સાચી વાત કહું ? હું તારા ઘરે આપણા સંતાનોના હ્રદયની વાત કરવા જ આવ્યો હતો પણ..’

‘પણ શું?

‘તે મારા મોઢામાં સુરભીના વેવિશાળનો ગોળ મૂકી દીધો હતો.’

‘અરે મિત્ર મને એક અણસાર આપ્યો હોત તો પણ હું આ વેવિશાળ…’

‘ના મિત્ર હું આપણી જ્ઞાતિને કારણે..’

‘તું આવ વાડામાં ક્યારથી માનતો થયો.?’

‘ ’ મનન મૌન રહ્યો.

‘હું પણ કેટલો મુર્ખ છું. મારી કાખમાં હીરો હતો ને જગતમાં શોધવા નીકળ્યો… બોલ, હવે ક્યારે આવે છે માગું લઈને.?’

પાસપાસે પથારીમાં પડેલા બે આત્માઓએ સરવળાટ કર્યો.મનનની આંખમાં હર્ષનાં અશ્રુ ટપકી રહ્યાં.

*******

લેખક : રઘુવીર પટેલ

“જિગર” (ભજપુરા)

મોબાઈલ : +919428769433

Leave a Reply