Nayna Shah

દમયંતી

આજે પણ પ્રસાદમાં કોપરાનું છીણ ને દળેલી ખાંડ હતા. ગઈ કાલે સાકરિયા હતા. રંભાએ પ્રસાદ આપનાર છોકરાને બે વાર પૂછ્યું, ‘આ આપણી સોસાયટીના ગણપતિનો પ્રસાદ છે?’ ‘હા, કેમ એવું પૂછો છો?’

રંભાને આશ્ચર્ય તો થતું જ હતું કે આ શક્ય જ નથી, પણ એ વાસ્તવિકતા હતી, પરંતુ ત્રીજા દિવસે જ્યારે પેંડાનો પ્રસાદ ચાખ્યો ત્યારે એ તરત બોલી ઊઠી, ‘અરે, આ પેંડા તો સોસાયટીના નાકાવાળા કંદોઈના છે ને?’ ‘હા, આજે સોસાયટીવાળાએ પ્રસાદ માટે પૈસા આપ્યા એટલે અમે પેંડા લઈ આવ્યા. હજી તો અમારે ઘણી જગ્યાએ જવાનું છે. હું જઉં છું.’

એ છોકરો પ્રસાદની થાળી લઈને દોડી ગયો. રંભાને ઘણું જ દુઃખ થયું. આવું બને જ કઈ રીતે ? કારણ કે વર્ષોથી અવનવા પ્રસાદ ખાવા ટેવાયેલા બધા આશ્ચર્યચકિત હતા. રંભાએ પૂછી પણ જોયું કે શું પૂનમની તબિયત સારી નથી ?

પ્રસાદ હંમેશાં મીઠો જ લાગે. એ તો માત્ર તુલસીના પાન પર મૂકીને એટલે આપે તો પણ આપણે ઈશ્વરની કૃપા સમજતા હોઈએ, પરંતુ આ વર્ષે એવું ન હતું.

પૂનમ તો દર વર્ષે જુદા જુદા પ્રસાદ ગણપતિની પૂજા માટે કરતી, પરંતુ આ વર્ષે એ કદાચ બહારગામ ગઈ હોય એવું બને કે બીમાર હશે. રંભાના મગજમાં એના વિશે અનેક વિચારો આવવા માંડ્યા હતા.

જ્યારે એ પછીના દિવસે પણ બજારનો આવેલો પ્રસાદ ખાધો ત્યારે રંભાનું મન પૂનમને ત્યાં જવા મજબૂર બની ગયું હતું.

આમ તો પૂનમ એટલે ખૂબ જ કાર્યશીલ. કોઈ પણ કામનો ક્યારેય કંટાળો ના આવે. એમાંય ગણપતિની ચુસ્ત ઉપાસક. દસેદસ દિવસ પૂનમને ત્યાંથી જ પ્રસાદ ઘરે બનાવેલો ગણેશજી આરોગે. એમાંય એટલું બધું વૈવિધ્ય હોય કે કદાચ કંદોઈ પણ વિચારી ના શકે. જાતજાતના મોદક બનાવે, લાડુ બનાવે, કાજુના મોદક, રવાના મોદક, માવાના મોદક, થાલીપીઠના મોદક, બુંદીના લાડુ, ચુરમાના લાડુ ક્યાંય કોઈ પ્રસાદ ફરીવાર બને નહીં. સોસાયટીની બહેનો અને દીકરીઓને બધા પૂનમ પાસે રસોઈ શીખવા મોકલતા.

દસેદસ દિવસ પૂનમ હોંશેહોંશે પ્રસાદ બનાવતી, પરંતુ આ વર્ષે જાણે કે ગણેશજી એનો પ્રસાદ આરોગ્યા વગર વિસર્જન પામશે એવી બીક રંભાને લાગતી હતી. એવું પણ ન હતું કે પૂનમને કોઈ પ્રવૃત્તિ ન હતી. બંને છોકરાઓને પણ જુદી જુદી વાનગીઓ આરોગવા મળતી.

બે વર્ષ પહેલાં જ બંને દીકરાઓના એક જ માંડવે લગ્ન થયેલા અને વારાફરતી થોડા થોડા મહિનાના અંતરે તેઓ યુરોપ અને અમેરિકા કાયમ માટે જતા રહ્યા હતા.

પૂનમ એકલી હતી, પરંતુ પ્રવૃત્તિશીલ હતી. એને તો પ્રવૃત્તિમાં ક્યાંય સમય જતો રહેતો હતો. પુત્રોના ગયા બાદ પણ એ જ દસેદસ દિવસ પ્રસાદ મોકલતી હતી. અરે, એટલું જ નહીં એણે તો એવું પણ સૂચન કરેલું કે, ગણપતિને છપ્પન ભોગ કરવા જોઈએ, પરંતુ દરેક જણાં ખર્ચાનો અને શ્રમનો વિચાર કરતાં, કારણ કે કોઈનેય મહેનત કરવી ગમતી નથી કે નથી ખર્ચ કરવો ગમતો, પરંતુ પૂનમ જુદી માટીની હતી. એની દુનિયા એના પતિથી શરૂ થઈ એના પુત્રોમાં જ સમાઈ જતી.

ત્યારબાદ તો પુત્રવધૂઓ આવવાથી પૂનમ ખૂબ જ ખુશ રહેતી હતી. બંને પુત્રવધૂઓ નોકરી કરતી હતી. જ્યારે એ બંને ઘરે આવે ત્યારે રસોઈ તૈયાર હોય. ક્યારેક પુત્રવધૂઓ કહેતી, ‘મમ્મી અમે રસોઈ કરીશું તમે તકલીફ ના લેતાં.’

ત્યારબાદ પૂનમને લાગતું કે, બંને વહુઓને બહુ જ હોંશ છે તેથી રસોઈમાં મસાલા બાકી રાખતી. રંભા ક્યારેક એના ઘરે જતી ત્યારે એ ખૂબ હોંશથી એને એપલ પાઈ કે જેલી, કે ઘરે જ બનાવેલી જાતજાતની વસ્તુઓ ખવડાવતી.

જોકે, પૂનમના ત્યાંથી કોઈ પણ ખાધા-પીધા વગર પાછું ના જાય. જોકે પૂનમને ક્યારેય કોઈને ઘરે જતા કોઈએ જોઈ ન હતી. તે ઉપરાંત એને ત્યાં પણ કોઈ કામ સિવાય ખાસ આવતું નહીં. એના બંને દીકરા ભણવામાં ખૂબ જ હોશિયાર. પૂનમના ચારે બાજુ વખાણ થતાં, પરંતુ પૂનમ સ્થિતપ્રજ્ઞ સ્થિતિ જેવી રહેતી, કારણ એની દુનિયા એટલે એનો પતિ અને બાળકો જ.

હવે બાળકો જતાં રહ્યાં બાદ પૂનમ ઉદાસ રહેતી હતી. જોકે એનું મન તૂટી ગયું હતું. એણે એવું તો ક્યારેય વિચાર્યું નહોતું એના દીકરાઓ કે જેને એણે પ્રેમથી ઉછેર્યા છે એ જ દીકરાઓ એને કહી દેશે કે ‘મમ્મી, તારે ઘરમાં કામ શું હોય છે ? બંને વહુઓ જ કામ કરે છે.’ પૂનમનું મન તૂટી ગયું હતું. એનો ઉત્સાહ ઓસરતો જતો હતો. બંને દીકરાઓ જ્યારે વિદેશ જતા રહ્યા ત્યારે એ દીકરાઓએ કરેલા અપમાન ભૂલવા માંડી હતી. પુત્રપ્રેમનો અપમાન સામે વિજય થયો હતો. પૂનમને નિરાશ જોઈને એના પતિએ કહેલું ‘હું છ મહિના માટે ઓફિસમાં રજા મૂકી દઉં છું. ચાલ, આપણે બંને અમેરિકા અને યુરોપ ફરી આવીએ. તું પણ દીકરાઓને મળીને ખુશ થઈ જઈશ.’

પરંતુ છ મહિનાને બદલે માત્ર બે મહિનામાં જ પૂનમ પાછી આવી. ત્યાર બાદ એ પહેલાંની જાણે કે પૂનમ રહી જ ન હતી.

બીમાર, ભાંગી પડેલી પૂનમને જોઈને કોઈ પણ કહી શકે કે એ ખુશ નથી. રંભાએ એકાદ વાર પૂનમ સામે મળી ત્યારે ‘જયશ્રી કૃષ્ણ’ કહેલું, પરંતુ રંભાની વાત જુદી હતી, કારણ એ દિવસનો મોટા ભાગનો સમય સગાંવહાલાં અને બહેનપણીઓથી ઘેરાયેલી જ હોય. રંભાના ઘર પાસેથી પસાર થનાર વ્યક્તિને કલાપીનું કાવ્ય યાદ આવી જતું કે, ‘અહો કેવું સુખી જોડું કર્તએ નિર્મ્યું દિસે.’ ઘરમાંથી હાસ્યની છોળો ઉછળતી હોય. રંભા બધાને પ્રેમથી બોલાવતી, પરિણામ સ્વરૂપ એનું ઘર જોતાં લોકોને લાગતું કે, એના ઘરમાં જવાથી જાણે કે ‘પોઝિટિવ ઊર્જા’નો સંચાર થાય છે.

પરંતુ આજે રંભાનું મન બેચેન હતું. પૂનમની એને ચિંતા હતી. એને એ પણ યાદ આવ્યું કે, પૂનમ જ્યારે વિદેશથી પાછી આવી ત્યારે એ બીમાર અને નિરાશ લાગતી હતી, પરંતુ પૂનમને ખાસ કોઈ જોડે આત્મીયતાના સંબંધો તો હતા જ નહીં, કે એની મનની વાત કોઈને કરે.

પરંતુ રંભામાં તો એવી આવડત હતી કે પળભરમાં કોઈ પણ અજાણી વ્યક્તિને પોતાની કરી લેતી. તેથી તો એનું ઘર ભર્યુંભર્યું રહેતું હતું અને રંભા એટલે મદદ શબ્દનો પર્યાય. રંભાને બધાય સોસાયટીમાં માન આપે. પૂનમ સોસાયટીમાં હોવા છતાંય ગણેશજીનો પ્રસાદ ના મોકલાવે એ શક્ય લાગતું જ નહોતું.

તેથી રંભા પૂનમને ત્યાં ગઈ. પ્રેમથી પૂનમ સાથે વાતે વળગી, પરંતુ પૂનમ ઉદાસ ચહેરે બેસી રહી હતી. તેથી જ રંભા બોલી, ‘પૂનમ તું આજે તારા ફ્રીજમાંથી કાઢી તારો બનાવેલો આઈસક્રીમ, જેલી, એપલ પાઈ કંઈ જ નહીં ખવડાવે ?’

પૂનમ આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ એણે કોઈ સાથે એટલી આત્મીયતા તો કેળવી જ નહોતી કે કોઈ એના પર હક કરે. એને એ વાતનું ઘણું જ આશ્ચર્ય થયું, પણ ખબર નહીં કેમ પણ બીજી મિનિટે સારું પણ લાગ્યું કે કોઈક એનું પોતાનું છે કે જે એની પર હક કરી શકે છે. એ વિચાર સાથે જ એની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી. બોલી, ‘મને રસોડામાં જવું જ નથી ગમતું.’

રંભા પણ પૂનમનું વાક્ય સાંભળી સ્તબ્ધ બની ગઈ. એક સમયની રસોઈ નિષ્ણાત વ્યક્તિ આવું બોલી શકે ? રડતી પૂનમના બરડે હાથ ફેરવતા આવું બોલી ‘આ શક્ય જ નથી. આ વર્ષે તારા હાથે બનાવેલા પ્રસાદ આરોગ્યા વગર ગણેશજી વિદાય લેશે. અરે, તું તો ગણેશજીની ઉપાસક છે. શું ભગવાન પણ તારી જેમ બજારમાંથી લાવીને ખાશે ? મને તો એ વાત ગમી નથી બાકી તો તારી મરજી.’ રંભા એટલું બોલીને પૂનમના ઘરેથી જતી રહી. પૂનમ કશું બોલી પણ ના શકી કે જતી રંભાને રોકી પણ ના શકી.

જોકે બીજે દિવસે પ્રસાદમાં સુખડી હતી. જે મોંમાં મૂકતાંની સાથે જ રંભા સમજી ગઈ હતી કે આ પૂનમે જ બનાવી છે. રંભાને મનથી આનંદ તો થયેલો જ કે પૂનમે કંઈક કર્યું, પરંતુ આ તો જાણે કે બળજબરીનો સોદો હતો. બળજબરીથી થયેલા સોદામાં યંત્રવત્‍ બધું થતું હોય. એમાં ક્યાંય ઉત્સાહ દેખાય નહીં. તે દિવસે પૂનમનો પ્રસાદ હોવા છતાંય પૂનમ આરતીમાં દેખાઈ ન હતી. રંભાને દુઃખ તો ઘણું થયું હતું. એથી પણ વધુ દુઃખ પૂનમની સ્થિતિ જોઈને થતું હતું.

રંભાએ નક્કી કર્યું હતું કે, પૂનમને એની નિરાશામાંથી બહાર લાવીને જ રહેશે.

રંભાને દુઃખ માત્ર એક જ વાતનું હતું કે, પૂનમ જેવી કાર્યશીલ સ્ત્રી એકાએક નિરાશામાં સરકી જાય એ કેમ ચાલે ? આમ તો પૂનમ ક્યારેય કોઈ જોડે હળતીભળતી નહીં. હા, સોસાયટીમાંથી ક્યારેક કોઈક કંઈક નવી વાનગી શીખવા જાય તો એ પ્રેમથી અચૂક શીખવાડતી. એટલું જ નહીં, ચા-નાસ્તો પણ કરાવતી. બાકી પૂનમને ત્યાં કોઈ આવતું-જતું નહોતું, કારણ એની દુનિયા એટલે એનો પતિ દિવ્યાંગ અને એના પુત્રો. જોકે રંભાને ત્યાં તો સતત અવરજવર રહેતી. એનું એક કારણ એ પણ હતું કે એ હંમેશાં હસતી રહેતી. લાગતું હતું કે જાણે રંભાને કોઈ દુઃખ સ્પર્શતું જ નહોતું. એ તો ઠીક રંભાને ત્યાં ક્યારેક કોઈ દુઃખી વ્યક્તિ આવે તો પણ હસીને એના ઘરની બહાર નીકળતી.

તેથી જ રંભાએ એક વાર રસ્તામાં દિવ્યાંગને પૂછી જ લીધું કે, ‘પૂનમ આટલી બધી નિરાશ કેમ રહે છે ?’

દિવ્યાંગે કહ્યું પણ ખરું, ‘હવે એના દુઃખનો કોઈ ઇલાજ જ નથી. એના દીકરાઓ તરફથી સતત અપમાન સહન કરવા પડ્યા. દીકરાઓ એમના સાસુ-સસરાને માન આપે અને પૂનમનું અપમાન કરે. વહુઓ તો સ્વાભાવિક છે કે એના મા-બાપની જ હોય અને જ્યારે પતિ જ એની માનું અપમાન કરતો હોય તો વહુ સ્વાભાવિક રીતે કરે જ. હું પણ પૂનમને પહેલાંની જેમ ખુશ જોવા માગું છું, પરંતુ વિદેશના કડવા અનુભવો એ ભૂલી જ નથી શકતી.’

રંભાએ હસીને કહ્યું, ‘બસ આટલી જ વાત છે. હવે હું પૂનમને પહેલાં જેવી ખુશ રહેતી કરી દઈશ.’

દિવ્યાંગને એના કાન પર ભરોસો નહોતો રહ્યો. શું પૂનમ પહેલાં જેવી થઈ જશે ? નિરાશાથી ઘેરાયેલી પૂનમ નિરાશામાંથી બહાર આવે એ શક્ય જ નહોતું. સવારના દિવ્યાંગ નોકરી પર જાય ત્યાંથી પાછા ફરતાં સુધી પૂનમ ઉદાસ બેસી રહેતી.

રંભા એ તકનો લાભ લઈને અવારનવાર પૂનમને ત્યાં જવા લાગી. તેથી રંભાના મહેમાનો પણ રંભાને શોધતા પૂનમને ત્યાં આવી જતાં. પૂનમને આશ્ચર્ય થતું કે રંભાને ત્યાં કેટલા બધા સગાંવહાલાં તથા મિત્રો આવે છે. રંભા આ જ વાત પૂનમને સમજાવવા પ્રયત્ન કરી રહી હતી કે જિંદગીમાં જેમ દુઃખ હોય છે એમ સુખ પણ હોય છે. જો વ્યક્તિ દુઃખ જ જોશે તો ક્યારેય સુખનો અનુભવ નહીં કરી શકે. રંભા એનું આશ્ચર્ય જોઈને બોલી, ‘પૂનમ, તારે પણ ત્રણ બહેનો, બે ભાઈઓ, નણંદો, દિયરો બધાં જ છે. તું કેમ બધા જોડે સંબંધ નથી રાખતી ? તું બધાને તારે ત્યાં બોલાવ. તું બધાને ત્યાં જા. કોઈ પણ નિરાશા તું વાગોળ્યા કરીશ તો ક્યાંય અંત નહીં આવે. માની લીધું કે તારા દીકરાઓના વર્તનથી તને દુઃખ થયું, પરંતુ તું તારા તથા તારા પતિના ભાઈ-બહેનોને મળતી થા. પ્રેમ એ આપવાથી વધતો જ રહે છે. તું અવારનવાર એમને ફોન કરતી રહે. એમને જમવા બોલાવ. તારા સ્કૂલના મિત્રો પણ હવે દીકરા-દીકરીને પરણાવીને જવાબદારીમુક્ત થઈ ગયા હશે. તું એમનો સંપર્ક કર. જૂના દિવસો યાદ કર. ક્યારેક ભૂતકાળના સ્મરણો અનહદ આનંદ આપતાં હોય છે. બીજું કે પૂનમ, દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ સુખી નથી હોતી એમ કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ દુઃખી નથી હોતી. તમે તમારી જાતે સુખ શોધી લો.’

રંભાના ગયા બાદ પૂનમને પણ લાગ્યું કે, રંભાની વાત ખોટી નથી. વર્ષો દરમિયાન નણંદ, દિયરો કે ભાઈ-બહેનોને દિવાળી સિવાય ફોન પણ નથી કર્યો.

ધીરે ધીરે પૂનમે ફેસબુક પરથી બહેનપણીનો સંપર્ક કરવા માંડ્યો. પૂનમને લાગતું હતું કે એની જિંદગીમાં આ બધાથી બદલાવ આવતો જાય છે. એના ભાઈ-બહેનો, નણંદ-દિયર બધાય ઘરે આવતા જતા થઈ ગયા. પૂનમ પણ ખુશ રહેવા લાગી હતી એટલે સુધી કે શરદ પૂનમ પણ બધા ભાઈ-બહેનોને બોલાવીને ઊજવવાનું નક્કી કર્યું ત્યારે દિવ્યાંગ એનો બદલાયેલો સ્વભાવ જોઈ જ રહ્યો.

પરંતુ જ્યારે દિવ્યાંગને રંભા રસ્તામાં મળી ત્યારે દિવ્યાંગે કહ્યું, ‘તારું નામ રંભા નહીં, પણ દમયંતી હોવું જોઈએ. પૂનમ જીવતી લાશની જેમ જીવતી હતી, પરંતુ એની જિંદગીમાં તે ઉલ્લાસ ભરી દીધો છે. દમંયતીને વરદાન હતું કે એ કોઈ પણ નિર્જીવ જીવને અડકે તો એ સજીવ થઈ જાય. પૂનમને ઉલ્લાસભરી જિંદગી જીવવાની પ્રેરણા આપનાર તને દમયંતી સિવાય બીજું શું કહું ?’

*******

વાર્તાકાર : નયના શાહ
Mob No.- +919426721956

Categories: Nayna Shah

Tagged as: ,

Leave a Reply