Dr. Vishnu M. Prajapati

“એ ચગ્યો છે…!”

‘એ ચગ્યો છે….!! ચગ્યો છે…!! અમારો પેલો લાલ પતંગ ચગ્યો છે…!!’ કોઇ છોકરી તેના મધૂર કંઠે માઇકમાં ગાઇ રહી હતી. જો કે તે અગાશીની આગળ એક ઉંચી દિવાલ હોવાથી તેને જોઇ શકાતી નહોતી પણ તેનો મીઠો અવાજ સંભળાઇ રહ્યો હતો.

ત્યાંથી પાંચેક મકાન દૂર રહેલા ધાબા પર પતંગ ચગાવતા કેટલાક યુવાનોને તો તે અવાજ અને તેમની લાલ પતંગમાં રસ પડ્યો.

તેમને પોતાની અગાશી પરથી આકાશે સ્થિર થયેલા એક મોટા લાલ પતંગની દોરી દેખાઇ રહી હતી પણ પતંગ કોણ ચગાવે છે તે દેખાઇ રહ્યું નહોતું. વળી, તે મકાન સોસાયટીનું સહેજ અલાયદું મકાન હતું અને તેમાં ભાડુઆત બદલાતા રહેતા. હમણાં થોડા દિવસ પહેલા જ કોઇ પચાસેક વર્ષના કાકા-કાકી ત્યાં રહેવા આવેલા.

થોડીવાર પછી તે અગાશી પરથી એકસાથે ચાર-પાંચ પીપૂડાનો મોટો ‘ભોંઓઓઓઓ….’ અવાજ સંભળાયો એટલે લાગ્યું કે ત્યાં વધારે લોકો ભેગા મળી પતંગ ચગાવી રહ્યા હશે.

‘ચગ્યો છે ચગ્યો છે અમારો પતંગ ચગ્યો છે…’આ જોડકણું કોઇ છોકરી માઇકમાં ગાઇ રહી હતી અને તેની પાછળ નાના છોકરાઓ તેને દોહરાવી રહ્યા હોય તેવું લાગ્યું.

જો કે ત્યાંથી દૂરની એક અગાશી પર રહેલા નવીન, ચેતન અને તુષાર જેવા પતંગબાજો તો ક્યારે કોઇની પતંગ કાપવાની તક મળે તેના માટે તૈયાર જ હતા. છોકરીનો અવાજ અને તેમનો હવામાં સ્થિર બનેલો લાલ પતંગ આ યુવાનો માટે તો સરળ શિકાર હતો.

તેમાંથી તુષારે તેનો પતંગ ઝડપથી તે તરફ લીધો અને તે લાલ પતંગને કાપવા એક ખેંચ લગાવી દીધી.

તે લાલ પતંગની દોરી કે તે પતંગમાં કોઇ હિલચાલ નહોતી…. કદાચ તેમને પતંગ ચગાવતા બરાબર નહી આવડતું હોય… ઘડીના છઠ્ઠા ભાગમાં તે લાલ પતંગ કપાઇ ગયો અને તુષાર અને તેમની ટીમે બૂમ પાડી, ‘એ કાપ્યો છે….!!’

તે દૂરની અગાશી પરથી આવતા ખુશીઓના અવાજો બંધ થઇ ગયા… પણ તે અગાશીના ખૂણે લાલ ફ્રોક અને સફેદ ટોપીમાં સજ્જ પરી જેવી યુવાન છોકરી દેખાઇ. તેને ટોપી પર બ્લેક ગોગલ્સ લગાવેલા હતા અને પવનના સૂસવાટાની સાથે ટોપી નીચેથી ઉડતા તેના વાળ તેની ખૂબસૂરતીમાં અનેકગણો વધારો કરતા હતા અને જાણે તે પણ એક ખૂબસૂરત પતંગ નહી પણ પતંગીયુ હોય તેમ લાગી રહ્યું હતુ…!

બસ પછી તો પુછવું જ શું…! આ યંગ બ્રિગેડિયરને તો મજા પડી ગઇ અને તેઓ નાચવા લાગ્યા.

તે છોકરી થોડીવાર આ તુષાર એન્ડ કંપનીની અગાશી પર તાકી રહી અને તેનાથી આ યંગ બ્રિગેડિયરનો જુસ્સો ઓર વધી ગયો અને તેની સામે જોઇને ઇશારાથી કહેવા લાગ્યા… કાપ્યો છે… કાપ્યો છે… તમારો લાલ પતંગ અમે કાપ્યો છે…!!

થોડીવાર તે ગુસ્સેથી તેમની સામે તાકી રહી પછી તે દિવાલ ઓથે ચાલી ગઇ… અને આ તરફ બધા યુવાનો તે જ્યાં સુધી દેખાઇ ત્યાં સુધી તાકતા રહ્યા.

‘અલ્યા શું પતંગ છે…..!!’ એકે તો કોમેન્ટ પણ કરી.

‘જો હવે આ વખતે તેની પતંગ હું કાપીશ….!!’ ચેતન તો પોતાના પતંગ પર નહી પણ તે ખૂણા પર ધ્યાન રાખીને બોલ્યો.

થોડીવાર પછી તે ધાબેથી સફેદ રંગનો અને ગુલાબી ફુમતાવાળો પતંગ ચગ્યો.
અને ફરી એજ રીતના અવાજો…. એ ચગ્યો છે… ચગ્યો છે…. અમારો મસ્ત મજાનો સફેદ પતંગ ચગ્યો છે…!!
આ વખતે ચેતને પણ તે પતંગ કાપી નાખ્યો અને બધાએ બૂમ પાડી, ‘ એ કાપ્યો છે…. કાપ્યો છે અમે તમારો સફેદ પતંગ કાપ્યો છે…!’

અને પછી તે યુવાનો ટોળે વળી તે ખૂણા પર એકીટશે જોઇ રહ્યા… અને થોડીવાર પછી તે છોકરી આવી અને આ યુવા કંપનીને જોમ ચઢ્યું છે અને ‘ એ કાપ્યો છે…. કાપ્યો છે તમારો સફેદ પતંગ કાપ્યો છે…!’ બૂમો પાડીને નાચવા લાગ્યા.

તે ફરી ત્યાંથી ખસી ગઇ અને ત્રીજો વાદળી રંગનો પતંગ ચગાવ્યો…. ફરીથી એ જ રીતે અવાજ અને આનંદ ઉલ્લાસની કીકીયારીઓ…
પણ આ યુવાનોને તો તેમનો પતંગ કાપવામાં જ રસ હતો. તેઓ તે છોકરીએ ચગાવેલો દરેક પતંગ કાપીને આનંદ લઇ રહ્યા હતા.

આવું ચારેક વાર થતા તે છોકરીએ માઇકમાં જાહેરાત કરી, ‘અમને કોઇનો પતંગ કાપતા આવડતું નથી એટલે મહેરબાની કરીને અમારો ચગેલો પતંગ કોઇએ કાપવો નહી.’

આવી શરણાગતીની જાહેરાત થતા તો તે યુવાનો વધુ આક્રમક બન્યાં… અને તેમને પણ તરત જ સામે માઇકમાં જવાબ આપ્યો, ‘પતંગ કાપતા ન આવડે તો અમને કહો અમે શીખવાડી દઇએ…. બાકી અમે તો તમારો પતંગ ચગવા નહી દઇએ.’ અને પછી તેઓ રાહ જોઇ રહ્યા હતા કે સામેથી શું જવાબ આવે છે..?

અને ત્યાં તે અગાશી પરથી તે છોકરી માઇકમાં બોલી, ‘તો આવો અમારી અગાશી પર અને અમને શીખવાડો…!!’

આ જવાબ સાંભળી તો બધા એકસાથે ઉછળી પડ્યાં… તેમને મન તો દોડવું હતું ને ઢાળ મળ્યો જેવી સ્થિતિ થઇ. તેમની વચ્ચે તે અગાશી પર હું જઇશ… હું જઇશની સ્પર્ધા થવા લાગી. પછી તો બધા સાથે જશે તેવુ સમાધાન થયું.

તે છોકરીને પતંગના દાવપેચ શીખવાડીશું અને તેની સાથે નજરોના પેચની પણ મજા લઇશું તેવા સાપોલીયા દરેકના મનમાં સળવળી રહ્યા હતા. બધા મળીને સાતેક છોકરાઓ હરખપદુડા અને આશિક મિજાજી બની ત્યાં પહોંચ્યા..

અને ત્યાં મકાનની ગેલેરીમાં જ તે છોકરી સામે મળી અને તેને પોતાનો પરીચય આપ્યો, ‘ હું શ્વેતા…!’ જો કે નામ સાંભળવા કરતા તો દરેકને તેને જોવામાં જ રસ હતો.. તે મોડેલ ગર્લને પણ શરમાવે તેટલી સુંદર હતી.

તે બધાને અગાશી પર લઇ ગઇ… અને આ યુવા ટીમ તેને ખ્યાલ ન આવે તે રીતે ચેનચાળા કરતી પાછળ ચાલી.

તે અગાશી પર પહોંચી અને આ યુવાનો પણ ત્યાં પહોંચતા જ તેમના પગ એકાએક ચોંટી ગયા.

તેમની સામે તે યુવાન છોકરી ઉભી રહી અને સાથે વ્હીલચેરમાં ચાર નવેક વર્ષના છોકરા, સામે પથારીમાં એક સહેજ ગાંડા જેવી દસેક વર્ષની છોકરી સૂતી હતી. એક ખૂણામાં બ્લેક ગોગલ્સ પહેરેલા બીજા પાંચ છોકરાઓ ટોળે વળી જુદા જુદા પતંગો પર હાથ ફેરવી તેની મજા લઇ રહ્યા હતા. તેમની રીતભાત પરથી લાગ્યું કે તેઓ અંધ હતા.

શ્વેતા આ છોકરાઓ માટે એક સારો પતંગ ચગાવી દરેકને વારાફરતી તે પતંગની દોરી હાથમાં આપી પતંગ ચગાવવાની મજા કરાવી રહી હતી.
અત્યારે તેને બે આંખોવાળો પતંગ આકાશે ચગાવ્યો હતો.

આ છોકરાઓને જોઇ તે બોલી, ‘જુઓ બાળકો, આજે ઉત્તરાયણમાં આપણને બીજાનો પતંગ કેવી રીતે કાપવો તે શીખવવા આ અંકલ આવ્યા છે.’

‘અંકલ, તમે જ અમારા પતંગો કાપતા હતા…??’ તે પથારીમાં સુતેલી છોકરી આ છોકરાઓને જોઇને બોલી. તેના મોઢેથી લાળ ટપકી રહી હતી.

શ્વેતા તે ગાંડા જેવી લાગતી છોકરી પાસે ગઇ અને તેનું મોં સાફ કર્યુ અને બોલી, ‘ બેટા, એ તો આપણને શીખવવા આવ્યા છે કે બીજાના પતંગ કાપવાની કેવી મજા આવે…!’

જો કે તે ફરી બોલી, ‘પણ દીદી, પતંગ ચગાવવાની જ મજા હોય’ને…. કોઇનો પતંગ કાપવાની તો કોઇ મજા હોતી હશે…?’ અને તેને પેલા આંખવાળા ચગતા પતંગની દોરી પોતાના હાથમાં લીધી અને આકાશ તરફ નજર કરવા તે માંડ માંડ પોતાનું શરીર સ્થિર કરી શકી.

શ્વેતા તેને સહારો આપતા બોલી, ‘ આ સીપી ચાઇલ્ડ છે, તેને આ દુનિયાદારીની કે તહેવારની ઝાઝી સમજણ પડતી નથી… જો કે અહીં આ બધા બાળકો તમારી જેમ નોર્મલ નથી. હું દર ઉત્તરાયણે આવી સંસ્થાના બાળકોને શહેરના કોઇ સેવાભાવી લોકોના ઘરનાં ધાબે લઇ આવું છું અને તેમને તહેવારની મજા કરાવું છું… મને તમારી જેમ જુદી જુદી રીતે પતંગ ચગાવતા આવડતું નથી પણ હવે તમે શીખવાડો તો સારુ…!’ શ્વેતાએ પતંગની દોર આ છોકરાઓના હાથમાં આપી.

તેઓ બધા સ્થિર હતા, ચૂપ હતા….

આ યંગબ્રિગેડિયરમાંથી તુષારે પતંગની દોર હાથમાં લીધી, ચેતને બધા બાળકોને નજીક ગોઠવી દીધા. તુષાર બધાને વારફરતી તે પતંગની દોર હાથમાં આપી અને પતંગને ગડથોલિયું કેમ ખવડાવાય, હવામાં પતંગને કેમ સુવડાવી દેવાય, તેને સ્થિર કેમ કરાય, પતંગને જુદી જુદી દિશામાં કેવી રીતે લઇ જવાય તે શીખવાડવા લાગ્યો…

પણ તેમાંથી એક છોકરો બોલ્યો, ‘ અંકલ અમને બીજાનો પતંગ કેવી રીતે કાપવો તે શીખવાડોને….!!’

ત્યાં તુષારની નજર પેલી દૂર સૂતેલી છોકરી પર સ્થિર બની અને બોલ્યો, ‘આજે મને ખબર પડી કે પતંગ ચગાવવાની જ ખરેખર મજા છે… કાપવાની તો સ્પર્ધા છે…!!’

અને ત્યાં જ નવીને માઇક હાથમાં લીધુ અને બોલ્યો, ‘અમને કોઇનો પતંગ કાપતા આવડતું નથી એટલે મહેરબાની કરીને અમારો ચગેલો પતંગ કોઇએ કાપવો નહી.’

તુષારે પણ બધાની સાથે શ્વેતાનું જોડકણુ ગાયું, ‘ચગ્યો છે….!! ચગ્યો છે…!! ઉંચે આકાશે અમારો આંખોવાળો પતંગ ચગ્યો છે…!!’

અને બધાએ તેની સાથે તે જોડકણું ઉંચા અવાજે ઉત્તરાયણની ખુશીઓની છોળો સાથે ગાયું.

*******

લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ
મોબા. +919825874810

ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત પુસ્તકો
*વ્હોટસએપની વાર્તાઓ ભાગ – ૧, ૨ તથા ૩*
*ચાર રોમાંચ જિંદગીના – નવલકથા*
*ગુલમહોર – નવલકથા*
*શક્તિનો સ્પર્શ અને સફળતાની સફર*
*હું – ખોવાયેલા ખુદની શોધ*
*ફફડાટ – હોરર સ્ટોરી બુક*
માતૃભારતી એપ પર ફ્રી વાંચો
*દાંડિયાની જોડ*
*હિન્દી નવલકથા – અચ્છાઇયાં*
પુસ્તક મંગાવવા સંપર્ક
*અમોલ પ્રકાશન : ૮૩૨૦૩૪૨૯૦૨*
*ડો. અજય રંગવાણી : ૯૫૫૮૦૦૬૬૬૧*

Leave a Reply