Nayna Shah

એકસૂત્રતા

કાશીબાનાં મૃત્યુ બાદ કૃષ્ણશંકર ખૂબ એકલા પડી ગયેલા. જિંદગીમાંથી રસકસ ઊડી ગયા હતા. જો કે આમ જોવા જઈએ તો એમને કોઈ તકલીફ ન હતી. અ…રે… તકલીફ તો એમની જિંદગીમાં શોધવી પડે એમ હતી. બંને વહુઓ સાસુ-સસરાનો પડતો બોલ ઝીલતી હતી. એમની પસંદગીનો એટલો ખ્યાલ રાખતી કે એ લોકો ક્યારેય ફરિયાદનો એક શબ્દ પણ બોલી શકે એમ ન હતું. એક દીકરી હતી એ પણ ખૂબ સુખી ઘરમાં પરણી હતી.

પરંતુ કાશીબાનાં મૃત્યુ બાદ કૃષ્ણશંકરની જીવવાની આશા જ મરી પરવારી હતી. એ લોકો હતા ત્યાં સુધી તો એક જ રસોડે બંને ભાઈઓ જમતા હતા. હા, ઉપર નીચે હોવા છતાં રસોડું તો એક જ હતું. દેરાણી-જેઠાણી પણ સગી બહેનોની જેમ રહેતી હતી, એટલું જ નહીં, બંનેનાં બાળકો પણ સાથે જ રમતાં હતાં. ખરેખર તો ઘરમાં કોઈનેય મિત્રોની ખોટ લાગતી ન હતી. બંને ભાઈઓને બબ્બે છોકરાઓ હતા. ચારેય જણા હળીમળીને રમતાં હતા.

કૃષ્ણશંકર જાણતા હતા કે મા-બાપ દીકરાઓને એક સુત્રે બાંધી રાખે પરંતુ મા-બાપના મૃત્યુ બાદ બધા જ જુદા થઇ જશે. આખરે તો રસોડું પણ જુદું થઇ જવાનું. રસોડું જુદું થાય એટલે કુદરતી રીતે પ્રેમ પણ ઓછો થઇ જાય. આપણામાં કહેવત છે કે, “જેનાં અન્ન જુદાં, એના મન જુદાં.” મા-બાપની તો ઈચ્છા હોય જ કે દીકરાઓ સંપીને રહે પણ આ જમાનામાં એ શક્ય ન હતું. ભેગા રહેવાથી બંને પક્ષે બચત થાય તો પૈસો દેખાશે. પરંતુ અત્યાર સુધી એમણે બેમાંથી એકપણ છોકરાના પૈસા લીધા ન હતા. પોતે તો ઘર ચલાવતા હતા. હકીકતમાં તો એમને દીકરાઓના પૈસાની જરૂર જ ન હતી. પરિણામ સ્વરૂપ બંને દીકરાઓની બચત પણ ઘણી હતી. પરંતુ પૈસો જ વેર કરાવે કારણ અત્યાર સુધી તો ખર્ચ કરવાનો સવાલ જ ઊભો થયો ન હતો. પણ હવે તો એમને જીવવાની ઈચ્છા જ રહી ન હતી. તેથી જ વકીલને મળીને વસિયતનામું તૈયાર કરાવી દીધું હતું.

મનુષ્યની જીવવાની ઈચ્છા સમાપ્ત થઇ જાય પછી એ લાંબું જીવી પણ ના શકે. કૃષ્ણશંકરની બાબતમાં એવું જ થયું, પત્નીના મૃત્યુના થોડા દિવસો બાદ જ એમણે દેહત્યાગ કર્યો. ખરેખર તો એવું કહેવું જોઈએ કે કૃષ્ણશંકર એ તો જાણે ઈચ્છામૃત્યુને જ વર્યા હતા. જીવનસાથી વગર જીવવાનો કંઈ અર્થ જ ન હતો. જિંદગીમાં એમણે માત્ર સુખ જ જોયું હતું.

મરણોત્તર વિધિ બાદ જયારે વસિયતનામું વાંચવામાં આવ્યું ત્યારે બંને ભાઈઓ સ્તબ્ધ બની ગયા, કારણ પિતાએ બંને ભાઈઓને જુદા રહેવાનું સુચન કર્યું હતું.

જો કે જયારે કૃષ્ણશંકર જીવતા હતા ત્યારે કહેતાં હતા કે, “સામાન્ય રીતે ઝગડાનું કારણ કામ અને પૈસો જ હોય છે. કામ માટે તો નોકરો રાખેલા જ છે. અને ઘરખર્ચ તો હું ઉપાડું છું એટલે પૈસાનો પણ ઝગડો નહીં થાય. પરંતુ મારા મૃત્યુ બાદ કામ અને પૈસા બાબતના ઝગડા થતા રહેશે. મારા બે દીકરાઓ વચ્ચે મનદુઃખ થાય એવું હું ઈચ્છતો નથી.
વાસણોના ભાગ પાડતી વખતે મનદુઃખ થાય તો મારા ખાતામાંથી પૈસા ઉપાડી નવી વસ્તુ લાવવી. પણ બને તો ક્યારેય મનદુઃખ થાય તેવાં સંજોગો ઊભા ન થવા દેવા. તમારી વચ્ચેનાં મનદુઃખ કદાચ મારા આત્માને શાંતિ નહીં આપે.”

બંને ભાઈઓ કે તેમની પત્નીઓએ તો સ્વપ્નમાં પણ જુદા રહેવાનું વિચાર્યું ન હતું. પરંતુ પિતાજીની વસિયત મુજબ વસિયત વંચાયા બાદ પંદર દિવસમાં જ જુદા થઇ જવું.

સગાઓ તો કહેતાં કે, “જિંદગીભર કોઈને કોઈની સાથે ફાવ્યું છે તે હવે ફાવશે ? કૃષ્ણશંકરે ખૂબ વિચારીને વસિયત લખી છે જેથી બંને ભાઈઓમાં સંપ રહે.”

પંદર દિવસ બાદ બંને ભાઈઓ જુદા થયા પણ એમની વચ્ચે મનદુઃખ જરૂર થયું હતું, કારણ મોટોભાઈ ઈચ્છતો હતો કે નવાં વાસણો નાનોભાઈ રાખે, જયારે નાનોભાઈ કહેતો, “મોટાભાઈ, આ બધા પર પહેલો હક તમારો છે. તેથી આ નવાં વાસણો તથા નવાં ગાદલાં વગેરે તમે જ રાખો.” આખરે બંને પત્નીઓએ વચ્ચેનો માર્ગ કાઢ્યો. નવાં વાસણો તથા નવાં ગાદલાં થોડાં થોડાં બંનેએ વહેંચી લીધાં.

પરંતુ એક વાત જરૂર બની કે માતાપિતાના મૃત્યુ સમયે બંને ભાઈઓ તેમના પત્નીઓ અને બાળકો જેટલું રડ્યા ન હતા એના કરતાં અનેક ઘણું ઉપર નીચે રહેવાનું થતા તથા રસોડું જુદુ થતા રડ્યા.

બાળકો તો એકબીજા સાથે એટલા હળીમળી ગયેલા કે જુદા રહેવાનું એટલે શું એનો એમને ખ્યાલ પણ ક્યાં હતો ! રસોડું જુદું એટલે શું એની પણ એમને ક્યાં ખબર હતી ? ઉપરથી નીચે ઊતરે તો કહેતાં, “કાકી આજે શું બનાવવાનાં છો ?”

ફ્રીઝ તો ઉપર જ હતું તો નીચેથી બાળકો દોડતાં દોડતાં ઉપર જતા અને ફ્રીઝમાંથી આઈસ્ક્રીમ કાઢીને ખાઈ લેતા.

જો કે બાળકોના આવા વર્તનથી બંને વહુઓ મનોમન ખુશ થતી કે સારું છે કે બાળકોને મન ‘મારું તારું’ નથી. પરંતુ બંને ભાઈઓ અને વહુઓ મનોમન ઘણાં જ દુઃખી હતાં.

બંને ભાઈઓએ વર્ષોથી જોડે બેસીને જ ખાધેલું. અત્યારે એકલા જમવાનું આવતાં બંનેની આંખોમાં પાણી આવી જતાં હતાં. બાળકો સ્કૂલે જાય અને પતિદેવો ઓફિસ જાય એટલે બંને વહુઓ જે રસોઈ બનાવી હોય એ ભેગી મળીને જ જમતી.

એ લોકો તો કહેતાં કે, “જુદા રહેવાનો અર્થ તો ‘કાળાપાણી’ની સજા છે.” સાથે બેસીને જમવાની મઝા આવે એ મઝા એકલા બેસીને ચૂપચાપ જમવાની ના આવે.

બંને ભાઈઓ બહુ જ દુઃખી હતા. એવામાં જ મોટાભાઈ ને ભાભી સ્કૂટર પર જતાં હતા ને અકસ્માત થયો. ભાભીને તો પગે ફ્રેક્ચર થઇ ગયું હતું અને મોટાભાઈને માથે સારું એવું વાગ્યું હતું. આ સમાચાર સાંભળતાં જ નાનો ભાઈ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મોટાભાઈને દવાખાને લઇ ગયા ત્યારથી રજા આપી ત્યાં સુધી નાનો ભાઈ સતત ભાઈની સેવામાં જ રહ્યો.

જયારે નાની વહુની તો વાત જ જુદી હતી. એણે તો કહી જ દીધું હતું, “દીદી, આપણે જુદા રહીએ એ વાત તો કુદરતને પણ મંજૂર નથી. દીદી તમારે ઉપર જવાનું નથી કે હવેથી રસોઈ બનાવવાની નથી. હું તમને પથારીમાંથી ઊઠવા પણ દેવાની નથી.”

જોકે એ દરમ્યાન મોટી વહુનાં પિયર પક્ષનાં ભાઈ બહેન, મા-બાપ બધાંય આવ્યા. દરેક જણ કહેતું, “ચલ, આપણે ઘેર.” પરંતુ એનો માત્ર એક ક જવાબ હોય, ‘હું મારું ઘર છોડીને ક્યાંય જવાની નથી. મારી નાની બહેન મારી પાસે છે. હું તો એની સાથે જ રહીશ.’

મોટાભાઈને માથે ટાંકા આવેલા, એમાં સારું થવા માંડેલું. હવે તો બંને ભાઈઓ ઓફીસ પણ જવા લાગેલા. પરંતુ મોટી વહુ પથારીમાંથી માંડ ઊઠી શકતી હતી. વોકર લઈને ચાલતી તો થયેલી, પણ નાની વહુ એને ખાસ ચાલવા દેતી નહીં, એ કહેતી, “લાવ, હું શાક સમારી આપું.” પણ નાની વહુ તો કહેતી, “દીદી, તમારી હાજરી માત્રથી મારો થાક ઊતરી જાય છે. મારા માટે તો તમારી હાજરી જ બસ છે.”

દિવસો પસાર થતા ગયા. હવે તો મોટી વહુ થોડું ઘણું ચાલી શકતી હતી. તેથી જ એણે નાની વહુને કહ્યું, “તે મારું ઘણું કર્યું છે. મારી પેટની દિકરી હોય એ રીતે કર્યું છે. મારે તને કંઈક આપવું છે, બોલ તારે શું જોઈએ છે ?”

“દીદી, બોલીને ફરી ના જતાં. હું જે માંગું એ તમારે આપવું જ પડશે. બોલો આપશો ને ?”

“હા…હા… ચોક્કસ આપીશ.”

“બસ, તો દીદી ઉપરનું રસોડું બંધ કરી કાયમ માટે એક જ રસોડું રાખો.”

“આ તો તે મારા મનની વાત છીનવી લીધી. આપણે તો બધાં એકસૂત્રે બંધાયેલા છે તો જુદા ક્યાંથી થવાનાં છીએ ?

મમ્મી-પપ્પાની ઈચ્છા તો એ જ હતી કે બંને ભાઈઓમાં સંપ રહે. પણ રસોડું જુદુ હોય તો સંપ ક્યાંથી રહે ? અન્ન જુદા એના મન જુદા. આપણે જુદા થવું જ નથી. અને મમ્મી પપ્પાની ઈચ્છા પણ પૂર્ણ થશે કે બંને ભાઈઓમાં મનદુઃખના રહે. ભેગા રહેવાથી મનદુઃખ થવાનો સવાલ જ ઊભો નથી થતો. ”

બંને વહુઓની વાતચીત સાંભળી બંને ભાઈઓ એકબીજાને ભેટી પડતાં બોલ્યાં, “આપણા જેટલા નસીબદાર કોણ હશે ?”
કહેવાય છે કે, “જર, જમીન અને જોરુ એ કજિયાના ઘર.” પરન્રું આપણા કેસમાં તો, “જર, જમીન અને જોરુ સંપનાં ઘર.” બોલતાં બંને ભાઈઓ હસી પડ્યા. આ દ્રશ્ય જોઈ સ્વર્ગમાં માતાપિતાને પણ થયું કે અમે ઉપર સ્વર્ગમાં છીએ તો મારા બંને દીકરાઓએ પણ પૃથ્વી પર સ્વર્ગ જ બનાવ્યું છે અને એમાં રહે છે.

*******

લેખક: શ્રીમતી નયના શાહ
Mob No. : +9179844 73128

2 replies »

  1. નયના જી , બે ભાઈ અને દેરાણી જેઠાણી ના સંપ ની હૃદયસ્પર્શી વાર્તા વાંચી આંખો ના ખૂણા ભીના થઇ ગયા . આપણે ખુબ શુભેચ્છા પાઠવું છું .

Leave a Reply