Nayna Shah

બી…. પ્રેક્ટિકલ , મમ્મા

ધૈર્યનો ફોન આવતાં જ મારો પહેલો સવાલ એ જ હોય, ‘પછી તેં શું વિચાર્યું ? તું બે મહિના પછી આવવાનો હોય તો મારે તારો જવાબ હા જ જોઈએ છે.’ પરંતુ આજે ધૈર્યએ સામેથી કહ્યું, ‘મમ્મા, હું બે મહિના પછી આવું છું. તું તારી પસંદગીની છોકરી શોધી લે જે. બસ, હવે તો તું ખુશ ને ?’ મને તો જાણે મારા કાન પર વિશ્વાસ જ ન હતો બેસતો કે ધૈર્યએ લગ્ન માટે હા પાડી ! મારી ખુશીનો પાર ન હતો. ધૈર્યના પપ્પા ઑફિસથી આવ્યા કે મેં તરત જ કહી દીધું, ‘હવે તમે બધાં છાપાંમાં જાહેરાત આપી દો કે ટૂંક સમયમાં વિદેશથી આવનાર મુરતિયા માટે સંસ્કારી, ખાનદાન અને ઉચ્ચજ્ઞાતિની કન્યા જોઈએ છે.’

મારા બોલવાના એકેએક શબ્દમાં મારો ઉત્સાહ પ્રગટ થતો હતો. તેથી તો ધૈર્યના પપ્પા બોલ્યા પણ ખરા : ‘છાપામાં જાહેરાત આપવાની જરૂર જ ક્યાં છે ? તમારી કીટી પાર્ટી, લેડીઝ કલબ બધે જ વાત કરી દે. છાપામાં જાહેરાત આપવા કરતાં પણ જલદીથી વાત ફેલાઈ જશે.’ હું સમજી ગઈ કે મારો ઉત્સાહ જોઈ મને ચીડવવાની એક પણ તક જતી નહીં કરે.

છાપામાં જાહેરાત આપ્યા બાદ ઘણીબધી છોકરીઓનાં મા-બાપના ફોન આવવા માંડ્યા. મેં પણ ઉત્સાહપૂર્વક જન્માક્ષર જ્યોતિષ પાસે મેળવવા માંડ્યા. એમાંથી મને માત્ર છ છોકરીઓ જ પસંદ પડી હતી. છોકરીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલી હતી. પરંતુ ક્યાંક કંઈ ખૂટતું હોય એવું લાગ્યા કરતું હતું. ડૉક્ટર છોકરીઓ બે હતી. પણ એમને પસંદ કરતાં મારું માતૃહૃદય કહેતું એને ગમે ત્યારે તાત્કાલિક દવાખાને દોડવું પડે. ડૉક્ટર માનવતાની રીતે દર્દી સાથે માનસિક સ્તરે જોડાયેલો જ હોય. મારો દીકરો પાંચ પાંચ વર્ષથી વિદેશમાં એકલો રહે છે. સાંજે થાકી હારીને ઘેર આવે ત્યારે મધુર હાસ્ય સહિત કોઈ એની રાહ જોઈ રહ્યું હોય, એના માટે ગરમાગરમ રોટલી ઉતારે એવી પત્ની ડોક્ટર પત્ની ના બની શકે. જોકે ધૈર્યના પપ્પા મને ઘણું સમજાવતા કે ડૉક્ટરનું સમાજમાં એક મોભા ભરેલું સ્થાન હોય છે. સમાજ એને માનની નજરે જુએ છે. અને ગરમ રોટલી તો રસોઈવાળી બાઈ પણ ઉતારીને જમાડે એમાં શું ? પણ મારા વિચારો અને એમના વિચારોનો મેળ પડતો નહોતો.

બીજું એક કુટુંબ ખૂબ જ સંસ્કારી અને ખાનદાન હતું. મેં વિચારેલું એવું જ. બધી જ રીતે સરસ હતું પણ મને છોકરી ના ગમી. છેવટે મેં ત્રણ છોકરીઓ ઉપર પસંદગી ઉતારી. બે છોકરીઓ દેખાવમાં સારી હતી, બોલવામાં ચબરાક હતી, નોકરી કરતી હતી. તે ઉપરાંત કોન્વેન્ટ કલ્ચરવાળી હતી. ધૈર્યને વિદેશમાં આવી જ છોકરી જોઈએ. તેથી એ બંને જણાંને કહી રાખેલું કે આવતા મહિને ધૈર્ય આવશે એટલે આપણે જોવાનું રાખીશું. પરંતુ ત્રીજી છોકરી કોમલે તો મારું દિલ જીતી લીધેલું. મારું મન કહેતું, ‘ઈશ્વરે મને માત્ર એક દીકરો જ આપ્યો છે, દીકરી નથી આપી. પણ જો મારે દીકરી હોત તો બિલકુલ કોમલ જેવી જ હોત. કોમલ આર્કિટેક થયેલી હતી. ખૂબ સારી કલાકાર પણ હતી. ઘેર બેઠાં ઘણું બધું બનાવીને ઘણું કમાઈ લેતી હતી. એવી વાત એના ઘરનાં કરતાં હતાં, જોકે મને એની કમાણીમાં ખાસ રસ હતો જ નહીં. પરંતુ એના પ્રત્યે ખેંચાણનું એક ખાસ કારણ હતું. એ જ્યારે મારે ઘેર એનાં મમ્મી-પપ્પા સાથે આવી ત્યારે મારી સાડીના છેડાથી ભગવાનના મંદિરની રંગોળીનો લિસોટો પડી ગયો. કોમલે તરત જ ઊઠીને એ રંગોળી સાફ કરી બીજી રંગોળી કરી. હું તો માત્ર તૈયાર બીબાંથી કરતી પણ એણે હાથથી અને બીબા કરતાં પણ ઝડપથી અને બીબાં કરતાં પણ સારી રંગોળી પૂરી. હું જોતી જ રહી ગઈ. શું સુંદર રંગોળી હતી. મેં મનથી કોમલને પસંદ કરી લીધી હતી. એની પાછળ મારી ગણતરી હતી કે છોકરી ઘેર બેસીને પણ આર્ટનું થોડું ઘણું કામ કરશે તો દીકરો ઘેર આવશે ત્યારે એની પત્ની એની રાહ જોતી બેઠી હોય. અને કદાચ કોમલ કંઈ પણ ના કરે તો પણ પૈસાનો તો સવાલ જ ન હતો.

આટલા બધા દિવસની દોડધામ, છોકરીઓના જન્માક્ષર મેળવવા જવાનું, છોકરીઓ જોવા જવાનું, છોકરીઓવાળા આવે તો એમની આગતાસ્વાગતા કરવાની. એમાં થાકને કારણે ચક્કર આવવાથી હું પડી ગઈ. એ દરમિયાન કોમલ મારે ત્યાં જ બેઠી હતી. એણે તો આદર્શ ગૃહિણીની જેમ ઘરનો વહીવટ સંભાળી લીધો. સાંજની રસોઈ કરીને જ ગઈ. મને તો કોમલ ગમી જ ગઈ હતી. ધૈર્યના પપ્પાને પણ ગમી ગઈ હતી. પરંતુ છોકરો પણ જે છોકરીએ જોયો નથી એના ઘરમાં આ રીતે રસોઈ કરે એ મને આશ્ચર્ય થયું. જોકે અંદરખાને મને ઘણો આનંદ પણ થયો. મારા મોંમાથી શબ્દ સરી પડ્યા, ‘હે ભગવાન, કોમલને જ આ ઘરની વહુ બનાવજો.’ ત્યારબાદ અઠવાડિયા સુધી મારી તબિયત ખરાબ રહી. કોમલ આવતી જતી હતી. મને ખૂબ જ ગમતું હતું. ધૈર્યને મેં કોમલ વિષે વાત કરેલી જ હતી. મેં તો મારી પસંદગીની મહોર કોમલ પર મારી જ દીધી હતી. પણ મને ડર હતો કે ધૈર્ય આવીને ના પાડશે તો ? એટલે હું ઘણી વાર કોમલનો હાથ પકડીને કહેતી, ‘બસ બેટા, તું તકલીફ ના લઈશ. હું તારું ઋણ ક્યારે ચૂકવીશ ?’ એક સ્ત્રી બીજી સ્ત્રીના મનની વાત સહજપણે જાણી શકે છે. એના માટે શબ્દોની જરૂર નથી પડતી. માત્ર હૃદયનો ભાવ જ પૂરતો હોય છે. કોમલ પણ જાણે કે મારા મનની વાત સમજી ગઈ હોય એમ બોલી, ‘તમારો દીકરો મને ના પાડશે તો શું એવો વિચાર મનમાંથી કાઢી નાંખો. લગ્ન તો ઈશ્વરને ત્યાંથી નક્કી થઈને આવે છે. પણ સંસ્કાર માણસના પોતાના હોય છે. કદાચ આ સંબંધ ના પણ બંધાય તો શું થઈ ગયું ? આપણી વચ્ચે એક સંબંધ હંમેશ માટે રહેશે જે કોઈ છીનવી નહીં શકે અને એ સંબંધ એ જ પ્રેમ છે.’

મારી આંખમાંથી અશ્રુ નીકળી પડ્યાં. આ સંસ્કારી, લાગણીથી છલોછલ ભરેલી કોડીલી કન્યા મારી પુત્રવધૂ નહીં બને તો દુનિયામાં મારા જેવું અભાગિયું કોણ હશે ? કોમલનાં મમ્મી પપ્પા પણ બોલ્યાં, ‘બેન, સંબંધ બંધાય કે ના બંધાય એ બહુ મોટી વાત નથી. પણ બે સંસ્કારી કુટુંબ મળે છે એ મોટી વાત છે. તમે વડીલ છો. મારી દીકરી તમારી સેવા કરે એ ઋણ ના કહેવાય.’

ધૈર્યના આવવાનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ મારું મન ફફડાટ અનુભવતું ગયું. ધૈર્યના પપ્પા પણ બોલી ઊઠ્યા, ‘ધૈર્ય આવીને કોમલને પસંદ કરે તો સારું. કોમલ આપણી સાથે એટલી હળીમળી ગઈ છે જાણે કે એની સાથે આપણે જન્મોજન્મનો સંબંધ હોય. કોમલ ઘરમાં આવશે તો દીકરી નહીં હોવાનું દુ:ખ આપણા મનમાંથી નીકળી જશે.’ પહેલી વાર મેં મારા પતિના મુખ પર દીકરી નહીં હોવાનું દુ:ખ જોયું. કહેવા છે કે દીકરી એટલે ‘વહાલનો દરિયો’. બસ આ શબ્દ કોમલને લાગુ પડતા હતા. પછી તો મારી તબિયત ધીરે ધીરે સુધરતી ગઈ. પણ હવે હું પણ કંઈ પણ વાનગી બનાવી હોય તો કોમલને ફોન કરીને બોલાવતી. ધૈર્યના પપ્પા પણ કહેતા, ‘આજે પાણીપૂરી બનાવવાની હોય તો કોમલને ફોન કરજે. આપણે જોડે જમીશું.’ મારું મન ક્યારેક કહેતું કે આ વધારે પડતું થઈ રહ્યું છે. આ તો એક કોડીલી કન્યા છે અને મેં વધુ પડતાં સ્વપ્ન બતાવ્યાં છે. જો ધૈર્ય આવીને ના કહી દેશે તો ? પણ બીજી પળે વિચાર આવતો, ધૈર્યએ તો કહેલું જ છે કે મમ્મી તું તારી પસંદગીની છોકરી લાવજે બસ……! પરંતુ બોલવું અને કરવું એમાં ઘણો ફરક હોય છે.

ધૈર્યએ આવીને કોમલ સાથે વાતચીત કરી. કોમલને ધૈર્ય પસંદ પડી ગયો હતો. ધૈર્યને પૂછ્યું તો બોલ્યો, ‘મમ્મી, તેં બીજી પણ બે છોકરીઓ જોઈ રાખી છે એ પણ જોવા દે, એકદમ નિર્ણય લેવાની શું જરૂર છે ?’ ત્યારબાદ શ્વેતા અને શ્રુતિની મુલાકાત ગોઠવી. અને ધૈર્ય બોલી ઊઠ્યો, ‘મમ્મા, મને તો શ્રુતિ જ પસંદ છે, કોમલ નહિ.’ મારી આંખોમાં આંસુ આવી ગયાં. ધૈર્યના પપ્પા વ્યક્તપણે આંસુ ના સારી શક્યા પણ એમની તરફ જોનાર કોઈપણ વ્યક્તિ કહી શકે કે માત્ર આંસુ સારવાનાં જ બાકી છે. અમે બંને જણાં થોડાં સ્વસ્થ થતાં બોલ્યાં, ‘ધૈર્ય તેં શ્રુતિમાં એવા ક્યા ગુણ જોયા કે કોમલમાં નથી ?’

‘મમ્મી, તને અને પપ્પાને કોમલ સાથે ફાવી ગયું એટલે મને પણ ફાવે એ જરૂરી નથી. મને તો શ્રુતિ જ ગમે છે અને હું શ્રુતિ સાથે જ લગ્ન કરીશ. શ્રુતિ મારી જોડે શોભે એવી છે. એકની એક છે. કરોડપતિ બાપની બેટી છે. જ્યારે શ્વેતા પૈસાદાર કહેવાય પણ એને એક ભાઈ છે……’

‘ભાઈ છે, એ તો ખૂબ સારી વાત કહેવાય. સુખેદુ:ખે તારી પડખે ઊભો રહે, તું એકનો એક છું. શ્રુતિ પણ એકની એક છે. બંનેનાં માબાપની જવાબદારી તારે જ ઉઠાવવી પડશે.’

‘મમ્મા, તમે લોકો સમજતાં નથી. ભાઈ હોય તો મિલકતમાં ભાગ પડે. રહી વાત જવાબદારીની એ તો પૈસા હોય તો માણસ રાખી લેવાનો એમાં શું ? શ્રુતિ સર્વિસ કરે છે એનો અનુભવ એના કામમાં ખૂબ લાગશે. એ અનુભવ પરથી એને ત્યાં તરત નોકરી મળી જશે. અમે બંને જણાં કમાઈશું.’

‘અરે પણ કોમલમાં ક્યાં ખરાબી છે ? દેખાવડી છે, સંસ્કારી છે, લાગણીશીલ છે….’ મને બોલતી અટકાવીને ધૈર્ય બોલ્યો : ‘બસ મમ્મા, તું અને પપ્પા કોમલના વખાણ કરવાનું છોડી દો. મધ્યમવર્ગીય યુવતી છે. બે ભાઈઓ છે એને ત્યાંથી મને શું મળવાનું ? ભલેને એ કલાકાર રહી, પણ નિયમિત આવક તો નહીં, મળે ત્યારે મળે નહીં તો ના પણ મળે. મમ્મા, તમે લોકો બસ લાગણીમાં ખેંચાવ છો. બી પ્રૅક્ટિકલ. જીવન જીવવા ખૂબ પૈસો જોઈએ. પૈસો હશે તો ચાકરી કરનાર માણસોનો ક્યાં તોટો છે ? પૈસા આપો તો માણસ હાજર થઈ જાય. આ શ્રુતિનો જ દાખલો લે. એનાં મમ્મીને હમણાં જ ખબર પડી કે એમને કેન્સર છે, તો પણ શ્રુતિ મારી સાથે આવવા તૈયાર થઈ. બિલકુલ પ્રૅક્ટિકલ છે. બે માણસ રાખી લેવાના. મને વેવલાવેડા નથી ગમતા. બસ, મારે આવી ‘પ્રૅક્ટિકલ’ છોકરી જ જોઈતી હતી.’ હું મનમાં બબડી, ‘પ્રૅક્ટિકલ એટલે શું ? સ્વાર્થી, સ્વકેન્દ્રિત, લાગણીવિહોણું ?’ કહેવાનું મન થયું : ધૈર્ય, જે છોકરી એની મરતી માને મૂકીને તારી સાથે વિદેશ આવવા તૈયાર થાય એ સાસુ સસરા માટે ક્યાંથી લાગણી ધરાવી શકવાની છે ? શું મારા આટલા વખતના સંસ્કાર એળે ગયા ? શું બીમારીમાં પગારદાર માણસ પ્રેમથી તમારા માથે હાથ ફેરવવાનો છે ? શું વિદેશની ધરતી પર માત્ર પાંચ વર્ષ રહ્યા બાદ ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિ ભુલાઈ ગઈ ?

આખરે તો અમે પતિપત્નીએ મન મનાવી લીધું કે ઠીક છે ધૈર્યને જે ગમ્યું એ ખરું. એનાં શ્રુતિ સાથે લગ્ન કરાવી દઈને અમે અમારી જવાબદારીમાંથી મુક્ત થઈ ગયાં. લગ્ન બાદ બંને જણાં ફરવા ગયાં. આવીને બીજે જ દિવસે વિદેશ ઊપડી ગયાં. એમણે ઈચ્છયું હોત તો એ થોડો સમય અમારી સાથે રહી શક્યાં હોત. મારી ઈચ્છા મેં વ્યક્ત પણ કરી હતી ત્યારે ધૈર્યએ કહ્યું કે, ‘મમ્મા, લગ્ન પછી અમે ઘરમાં બેસી રહીએ ? લગ્ન બાદ તો મધ્યમવર્ગની વ્યક્તિઓ પણ ફરવા જાય છે. મમ્મા, બી પ્રૅક્ટિકલ, અમારો આ તો ગોલ્ડન પીરિયડ છે.’

લગ્નનો ઉત્સાહ મારા મનમાં હતો જ નહીં. હું અંદર અંદર જીવ બાળ્યા જ કરતી હતી. મારી તબિયત પણ દિવસે દિવસે બગડતી જતી હતી. એક વાર શાક લેવા જતી હતી ત્યાં જ મારી નજર કોમલ પર પડી. કોમલને જોતાં જ મારું હૈયું હર્ષથી નાચી ઊઠ્યું. કોમલની નજર પણ મારા પર પડી. મને તો હતું હવે કોમલ મારી સાથે વાત નહીં કરે. પણ કોમલે સ્કૂટર ઊભું રાખ્યું. મને ‘જયશ્રીકૃષ્ણ’ કહ્યાં. અત્યાર સુધી મનમાં ભરાઈ રહેલો ડૂમો કોમલને જોતાં જ બહાર નીકળી ગયો. કોમલને બાઝીને હું છુટ્ટા મોંએ રડી પડી. કોમલ મને આશ્વાસન આપતી રહી. મને સ્કૂટર પર ઘેર મૂકી ગઈ. ત્યારે ધૈર્યના પપ્પા ઘેર જ હતા. કોમલને જોતાં જ બોલી ઊઠ્યા, ‘અમારે દીકરી જોઈતી હતી. એ ઈશ્વરે અમને આપી. વહુ બની હોત તો તું અમારાથી હજારો માઈલ દૂર જતી રહેત.’ કહેતાં એમની આંખમાં પણ આંસુ આવી ગયાં. ત્યારબાદ કોમલ હસતી રમતી અમારે ઘેર આવતી જતી રહેતી હતી. એના આવવાથી મારી તબિયતમાં પણ સુધારો થવા માંડેલો. ધૈર્યના પપ્પાના મિત્રનો દીકરો ખૂબ સંસ્કારી હતો. અમારા ઘરથી ત્રીજું જ ઘર હતું. અમે કોમલ વિષે વાત કરી. એમને કોમલ ખૂબ ગમી ગઈ. કોમલ અમારી નજર સામે અમારી દીકરી બનીને રહી એનો અમને ખૂબ જ આનંદ હતો.

ધૈર્ય અને શ્રુતિના ફોન ધીરે ધીરે ઓછા આવતા હતા. એક દિવસ ધૈર્યના પપ્પાએ વકીલને બોલાવીને વિલ કરાવ્યું જેમાં સ્પષ્ટ લખ્યું કે, ‘મારી મિલકતમાંથી ધૈર્યને કશું જ ના મળે. મિલકત મારી પોતાની છે. બાપદાદાની નથી.’ થોડો ભાગ કોમલ માટે રાખી બધું જ દાન કરવાનું લખી નાંખ્યું, જેમાં મારી પૂરેપૂરી સંમતિ હતી પણ મેં કહ્યું : ‘એમાં એક વાક્ય લખવાનું રહી જાય છે,
‘બી પ્રૅક્ટિકલ, દીકરા.’

*******

વાર્તાકાર : નયના શાહ
Mob No . 94267 21956

Categories: Nayna Shah

Tagged as: ,

2 replies »

  1. બહુ હૃદયસ્પર્શી વાર્તા . ” હું મનમાં બબડી, ‘પ્રૅક્ટિકલ એટલે શું ? સ્વાર્થી, સ્વકેન્દ્રિત, લાગણીવિહોણું ? ” યથાર્થ લખ્યું છે આપે . અપને શુભેચ્છાઓ પાઠવું છું .

Leave a Reply