Dr. Arti Rupani

અડશો માં

“એ અડેલી છે.. આપણાથી એને ના અડાય, અભડાઈ જઈએ..”

“અમુક દિવસોમાં આપણાંથી સેવા ના થાય. જન્મનું પિંદરૂ ને મરણનું ય સૂતક લાગે, ત્યારે પૂજા ના કરાય.”
“એ અમુક જ્ઞાતિનાં છે. એને પાણી દૂરથી અપાય. સ્પર્શ ના કરાય.”

“માસિક ધર્મ દરમ્યાન એણે ઘરમાં અડી લીધું.. ઓહો..! અપરાધ થઈ ગયો..! આખું ઘર ધોવું પડશે..! બધા કપડાં ધોવા પડશે..! આટલું ય એને સમજાતું નથી.. કેવી પાપી છોકરી છે..!”

“આ થાળી ગાયની કહેવાય. એમાં આપણી રોટલી ના અડવી જોઈએ. પાપ લાગે..”

“સ્નાન કર્યા પછી ટોઇલેટ ના જવાય. જવું પડે તો ફરીથી સ્નાન કરવાનું..બાથરૂમ પણ જવું હોય તો ટોઇલેટનાં વાસણમાં ના કરાય. નહીં તો ફરીથી નહાવું પડે..”
“ટોઇલેટ વાળા કપડાં ફરી ના પહેરાય..”

“ફલાણા તો બહુ ધાર્મિક..! કેટલાં બધા નિયમો પાળે..! કેટલી તો મરજાદ પાળે…! અપરશમાં નહાય, નહાઈને ક્યાંય અડે નહીં.. એનાં ઘરમાં આપણે જવું હોય તો પણ એ જ રીતે જવાનું.. આહા… કેટલાં પવિત્ર માણસો..!”

“અમે ડુંગળી લસણ નથી ખાતાં તો પણ અમારાં માટે એમણે બીજી રસોઈ ના બનાવી આપી.. અમે ભૂલમાં જો ડુંગળી લસણ ખાઈ લઈએ તો તો પાપ લાગી જાય, વ્રત કરવું પડે..”

“બુધવારે ને પૂનમે માથું ન ધોવાય, શનિવારે દાઢી ના કરાય કે ચપ્પલ ના લેવાય. મંગળ ને રવિવારે રીંગણાં ના શેકાય..”

“ઉપ્સ.. કેટલું બધું..! કદાચ આખો લેખ આવા જ વાક્યોથી ભરાઈ જાય એટલાં વાક્યો સાંભળ્યા છે આખી જીંદગીમાં. ને મને આજ સુધીમાં આ એકેય વાક્યો પાછળનું તથ્ય સમજાયું નથી. આપણો ધર્મ રસોડાની હાંડલીમાં જ કેમ સમાઈ ગયો છે..! 21મી સદીમાં પણ આપણે બહાર કેમ નથી નીકળી શકતા.. રિવાજો, નીતિ નિયમો પાછળનું કોઈ પણ તથ્ય જાણ્યા વિના એનું આંધળું અનુકરણ કરવાનું ક્યારે બંધ કરીશું..!”

ઈશ્વર કે જે આપણી અત્યંત નજીકનો, આપણો જન્મદાતા, પાલન કર્તા.. એ આપણાથી કોઈ પણ પ્રકારે અભડાઈ કઈ રીતે શકે..! ને વાત વાતમાં જે અભડાઈ જતો હોય, આપણને પાપ ને દોષ લગાડતો હોય એને ઈશ્વર કહેવો જ કઇ રીતે..! શ્રીમદ ભાગવતમાં ઈશ્વર સાથે કોઈ સંબંધ બાંધીને તેને ભજવાનું કહ્યું છે. શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય કે મધુર ભાવે ઈશ્વરને ભજવો જોઈએ. કારણકે જ્યારે કોઈ સંબંધ બાંધીએ છીએ ત્યારે એ આપણો અત્યંત નિકટનો બની જાય છે.. હવે જેને નિકટનો બનાવીએ એને જ આભડછેટ અને નિયમોમાં બાંધીને ફરી દૂર કરવાનો? મા સ્વરૂપે ઈશ્વરને ભજતાં લોકો ને મારે એટલું જ પૂછવાનું કે તમારું સગું બાળક તકલીફમાં હોય ત્યારે એને વ્હાલ કરશો કે આભડછેટ રાખીને એને દૂર બેસાડશો..? ઈશ્વર જો આપણી માં હોય.. જેણે આપણને જન્મ આપ્યો હોય એ આપણાંથી અભડાય કઈ રીતે..? આપણી મુશ્કેલ ભરી પરિસ્થિતિમાં આપણી સાથે રહે કે આપણાથી અભડાઈને દૂર બેસી રહે..! ને જો દૂર બેસી રહેતો હોય તો એવા ઈશ્વરનું મારે તો કામ નથી..”

પવિત્રતા અને અપવિત્રતાની આપણી વ્યાખ્યા કેટલી સંકુચિત થઈ ગઈ છે..! આ બધી જ જાતની મરજાદ રાખતાં ઘણાં લોકોને પાન, તમાકુ, ગુટખા સામે કોઈ જ વાંધો હોતો નથી. અરે.. નિંદા, હિંસા, ઝઘડાઓ સામે પણ કોઈ જ વાંધો હોતો નથી. “એમણે મને માન પણ ના આપ્યું.  લગ્નમાં આમંત્રણ પણ ના આપ્યું.  આટલો જ વહેવાર કર્યો” વગેરે જેવી તમામ ક્ષુલ્લક વાતો પાછળ આવા જ કહેવાતાં શુદ્ધ લોકોને રિસાઈ જતાં ને ઝઘડા કરતાં પણ જોયા છે..એમાં ના તો તેમનાં ધર્મની હાનિ થાય છે કે ના તો પવિત્રતા અભડાય છે.. અને હદ તો ત્યારે થાય છે કે આવા બાહ્ય આચરણ ના પાળતા લોકોને ફક્ત અડવાથી પણ એ લોકોની પવિત્રતા અભડાઈ જાય છે.. એક ક્ષણ માટે ચાલો માની પણ લઈએ કે આ બધી બાહ્ય શુદ્ધિઓ સેવા માટે આવશ્યક છે.. પણ કોઈ અન્ય વ્યક્તિ બાહ્ય રીતે શુદ્ધ ના હોય ત્યારે એ ત્રીજી વ્યક્તિને અડી જવા માત્રથી આપણે અશુદ્ધ કઈ રીતે થઈ જઈએ એ મને ક્યારેય સમજાયું નથી..

શાંતિથી જોઈશું તો સમજાશે કે આપણાં જેટલાં પણ નિયમો કે રીતિરિવાજો આપણાં વડવાઓએ બનાવ્યા છે એમની પાછળનું ઠોસ કારણ હતું. ઉદાહરણ તરીકે એકાદ રિવાજની વાત કરીએ તો લગ્ન સમયે હાથમાં મીંઢળ બાંધવામાં આવે છે.. આનો શું અર્થ હોઈ શકે..? મીંઢળનો ઉપયોગ આયુર્વેદ માં ઉલ્ટી કરાવવા માટે થાય છે. પહેલાનાં જમાનામાં કોઈનું સારું થતું હોય તો લોકો ઇર્ષ્યા ને લીધે એ વ્યક્તિને ઝેર ખવડાવી દેવા સુધી ના અચકાતાં.. ઝેર નો ઈલાજ છે કે ઝેર જેવું પેટમાં જાય એ સાથે જ એને ઓકીને બહાર કાઢવું. હાથમાં મીંઢળ બાંધેલ હોય તો ક્યાંય શોધવા ના જવું પડે અને જો ઝેરી અસર થાય તો તાત્કાલિક મીંઢળ ચૂસીને ઉલ્ટી કરી શકાય એ માટે મીંઢળ બાંધવામાં આવતું.. ધીમે ધીમે સમય સાથે એની પાછળનું કારણ ભૂંસાતું ગયું અને રિવાજ એમને એમ રહ્યો. કોઈએ એ જાણવા સુદ્ધાંનો પ્રયત્ન ના કર્યો કે આવું શું કામ..

રિવાજ છે એટલે સાચું અને એમ ના કરવામાં આવે તો અપશુકન.. આવા તો અનેક રિવાજો પાછળ રસપ્રદ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલાં કારણ મળી આવશે જેનું અહીં વર્ણન કરવા બેસીએ તો વિષયાંતર થઈ જશે. પરંતુ એટલું ખરું કે આપણાં વડવાઓ ખૂબ બુદ્ધિશાળી હતાં. એ આપણી એટલે કે ભારતીય પ્રજાની નસ સારી રીતે ઓળખતાં હતાં.  આપણી ભારતની પ્રજા છે જ એટલી ભોળી.. સ્વામી વિવેકાનંદ કહી ગયા છે કે દરેક વ્યક્તિની માફક દરેક દેશની પણ એક કરોડરજ્જુ હોય જેનાં આધારે દેશ ટટ્ટાર ઉભો રહી શકે અને જેનાં પર આઘાત કરતાં દેશ બરબાદ પણ થઈ શકે. અને ભારત દેશની કરોડરજ્જુ તરીકે એમણે ‘ધર્મ’નો ઉલ્લેખ કર્યો છે. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે ભારત ધર્મનાં બળે જ આજ સુધી ટટ્ટાર ઉભું છે.. અને ભારત ને ખતમ કરવું હશે તો પણ ધર્મ જ કરશે. રાજકારણીઓ અને બીજા દેશનાં લોકો પણ આ વાત સારી રીતે જાણે છે એટલે જ વારંવાર ધર્મનાં નામ પર જ અંદરોઅંદર મરાવી નાખે છે.

આપણાં વડવાઓ પણ આ વાત સારી રીતે જાણતાં હતાં કે આપણાં દેશની પ્રજા ખૂબ ભોળી અને ધાર્મિક છે.  ધર્મનાં નામ પર લડી મરવા તૈયાર થશે. પરંતુ પોતાની જાત માટે કે શરીર માટે કશું કહેવામાં આવશે તો એનું પાલન નહીં કરે.. આપણી આ જ નસને આપણાં વડવાઓએ પારખી લીધી હતી. આથી જ તમે રિવાજો કે નીતિ નિયમો સામે નજર કરશો તો સમજાશે કે જેટલું કંઈ સ્વાસ્થ્ય માટે સારું હતું એને ધર્મ સાથે જોડી દેવામાં આવ્યું જેથી કરીને લોકો એનું હોંશે હોંશે પાલન પણ કરવા લાગ્યા. પરંતુ થયું એવું કે એ નિયમો સમયાંતરે બદલવા જોઈએ એ ના બદલાતાં આપણે એને જડતાથી એની પાછળનો અર્થ સમજ્યા વિના જ પકડી રાખ્યા. આવા જ નિયમોનાં ભાગ રૂપે આ આભડછેટનાં નિયમને લઇ શકાય.

શૂદ્રને અસ્પૃશ્ય માન્યા કારણકે એ જમાનામાં શુદ્રો એટલે કે લોકોનું મેલું ઉપાડે તે.. અને એ લોકો મેલું કે મળ ઉપાડ્યા બાદ જલ્દીથી હાથ વગેરે ના ધોવે તો એટલા સમય સુધી એમને કશું આપવું હોય તો દૂરથી આપવું જેથી કરીને ચેપ આપણાં શરીરમાં ના પ્રસરે. એમાંથી અસ્પૃશ્યતા ઘર કરી ગઈ. એ પછી ના તો એવા શુદ્રો રહ્યા કે ના તો એવું મેલું રહ્યું. સફાઈ કર્મચારીઓ પણ હવે તો પોતાનાં શરીરને પ્રથમ સાચવતાં થયાં છતાં અસ્પૃશ્યતાનાં રિવાજને કાઢતાં યુગોનાં યુગો લાગ્યા.. આજે પણ ઘણાં લોકો હજુ આ અસ્પૃશ્યતાને માને છે. જે જડતા સિવાય કશું નથી. કોઈ જ્ઞાતિ ક્યારેય અસ્પૃશ્ય હોઈ જ ના શકે.. અસ્પૃશ્ય તો ખરેખર આવા જડ વિચારો છે.

બીજી વાત ટોઇલેટ બનાવવાથી લઈને સ્નાન બાદ ટોઇલેટનાં વાસણને અડવાની.. તો ખરેખર આ હાસ્યાસ્પદ ઘટના ફક્ત ભારતમાં જ બને છે કે લોકો શૌચાલયને કે ટોઇલેટનાં વાસણને અસ્પૃશ્ય માને છે અને એને સ્પર્શ કર્યા બાદ સ્નાન કરે છે. ચોક્કસપણે આની સાથે સ્વાસ્થ્ય જોડાયેલું છે જ કે ટોઇલેટનાં વાસણ પર સૌથી વધુ જીવાણુઓ હોવાની શક્યતા છે એટલે એને અડયા બાદ સ્નાન કરી લીધું હોય તો ચેપ ના લાગે. પરંતુ આજ કાલ ટોઇલેટ સાફ કરવા માટે એટલી પ્રકારની સામગ્રી આવે છે કે જો તમે એ વાપરીને ટોઇલેટને વ્યવસ્થિત સાફ રાખતાં હોય તો ચેપનો પ્રશ્ન ઉપસ્થિત જ નથી થતો.. પરંતુ આ બધા કારણો જાણ્યા વિના ટોઇલેટ માત્રને અસ્પૃશ્ય માનનાર લોકો તો શૌચાલયનો જ ત્યાગ કરવા લાગ્યા અને ખુલ્લામાં મળ મૂત્રનો ત્યાગ કરવા લાગ્યા. અરે પહેલાનાં જમાનામાં ટોઇલેટ જેવી કોઈ સુવિધા ન્હોતી એટલે શાસ્ત્રોમાં એમ લખેલું હોય કે ટોઇલેટ બાદ માટી નાખવી વગેરે તો એનાંથી એ નિયમ ને જ જડપણે વળગી રહીને ઘણાં લોકો એ શૌચાલયનો ત્યાગ કર્યો અને ખુલ્લામાં મળમૂત્ર ત્યાગ કરીને વધુ ચેપ લાગે એવું વાતાવરણ પેદા કર્યું. અને વધુ હાસ્યાસ્પદ તો ત્યારે બની ગયું કે શૌચ ક્રિયાને પણ ધર્મ સાથે જોડી દેવામાં આવી. શૌચ ગયા બાદ સ્નાન કર્યા વિના મંદિરમાં કે દેવતાને સ્પર્શ ના કરાય.. અરે.. હદ થઈ ગઈ..! જ્યાં સુધી એ મળ મૂત્ર આપણાં શરીરની અંદર હતાં ત્યાં સુધી તો અસ્પૃશ્ય ન્હોતાં. અને એનો ત્યાગ કર્યો ત્યાં તો આપણે પણ અસ્પૃશ્ય બની ગયા..! સૌથી વધુ દયા તો એ લોકો પર આવે છે કે જેઓ ફરીથી સ્નાન ના કરવું પડે એ માટે આવા કુદરતી વેગોને ધારણ કરી રાખે છે. અથવા તો કબજિયાતની દવા લેતાં પણ ડરે છે અને અનેક બીમારીઓનો ભોગ પણ બને છે..

ઈશ્વર તો એમ સુદ્ધાં કહે છે કે દરેક મનુષ્ય મારું બાળક છે ને બાળક જો મળમૂત્ર થી ખરડાયેલું હોઈ તો એને સાફ કરીને ખોળામાં લેવું મારી ફરજ છે. બાહ્ય કે આંતરિક અશૌચ સુદ્ધાં ઈશ્વરનાં સ્પર્શ માત્રથી કે નામ માત્રથી પવિત્ર બને છે. પણ કદાચ આ કહેવાતાં ધાર્મિક લોકોને એવી શ્રદ્ધા જ નથી કે ઈશ્વરનું નામ માત્ર ગમે એટલાં અપવિત્ર લોકોને પવિત્ર કરવાની ક્ષમતા ધરાવે છે. અથવા તો એમ પણ કહી શકાય કે તેઓ દ્રઢપણે માને છે કે ઈશ્વર ખાલી મૂર્તિ માં કે મંદિરમાં જ છે… આખરે કેટલો મળ સાફ કરશો આ શરીરનો.. અને શરીરનો તો કદાચ કરી પણ લેશો પણ મનનાં મેલનું શું..! એનાં કરતાં જેવા છીએ એવા એ દયાનિધિને, કૃપાનિધિને શરણે જઈએ.. અરે.. હું તો ત્યાં સુધી કહું છું કે ઈશ્વરનાં અસ્તિત્વની જરૂર પવિત્ર કરતાં અપવિત્ર લોકો ને જ વધુ છે.. પવિત્ર થવાની આપણી શી તાકાત..! એને જ કહીએ કે અમને તન મનથી શુદ્ધ બનાવે..

હવે વાત કરીએ ડુંગળી લસણની તો હા ચોક્કસ પણે ખોરાકની શ્રેણીમાં ડુંગળી લસણ ને તામસી ખોરાક માનવામાં આવ્યા છે. પણ સાથે સાથે પર્યુષિત એટલે કે વાસી વસ્તુ પણ એટલી જ તામસી છે. એ સાથે વધુ પડતી ચટાકેદાર રસોઈ રાજસિક છે. સાત્વિક ખોરાકમાં તો ફક્ત દૂધ, અને ગળ્યું કે ઘી વાળું જ અથવા તો હવિષ્યાન્ન જ આવશે. પરંતુ ખોરાકનું મહત્વ આપણાં અધ્યાત્મ પર કેટલું.. ગીતામાં યુક્તાહાર વિહારની વાત કરી છે. એટલે કે માત્રા યુક્ત આહાર લેવો.. ન વધુ કે ન ઓછો.. એટલો વધુ આહાર ન લઈ લેવો કે ધ્યાન કરવા બેસો ને ઊંઘ આવે અને એટલો ઓછો આહાર ન લેવો કે શરીર ક્ષીણ થવા માંડે.. આનાથી વધુ ખોરાકને અધ્યાત્મ સાથે વધુ લેવા દેવા નથી.

આહાર નો અર્થ થાય છે જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે એ.. આ ગ્રહણનો અર્થ ફક્ત જીહવા ઇન્દ્રિય નથી પરંતુ પાંચે પાંચ ઇન્દ્રિયો ત્યાં સમજવી જોઈએ. આપણે ખોરાકની બાબતમાં જ એટલાં જડ થઈ જઈએ છીએ કે બીજી ઇન્દ્રિયો ને ભૂલી જઈએ છીએ.. એટલું જ નહીં.. ડુંગળી લસણ ન ખાનારા વ્યક્તિઓમાં ક્યારેક તમાકુ, બીડી, સિગારેટ, શરાબનું વ્યસન જોવા મળે છે. જાણે એ બધી વસ્તુઓ સાત્વિક હોય..! અને ખરેખર જ જો તામસિકતા નો ત્યાગ કરવો હોય તો એ ફક્ત ખોરાક પૂરતું સીમિત ના રહેતાં વ્યવહારમાં અને દરેક ઇન્દ્રિય સુધી આવવું જોઈએ.. ખરાબ દ્રશ્યો જેમાં પોર્ન ફિલ્મથી લઈને ખરાબ સાહિત્ય આવી જાય એનો ત્યાગ કરીએ.. ખરાબ વાક્યો કે જેમાં ગાળથી લઈને અન્ય વ્યક્તિને દુઃખ પહોંચાડે એવા તમામ શબ્દો, નિંદા કુથલી આવી જાય એવા શબ્દો બોલવા કે સાંભળવાનો ત્યાગ કરીએ. પરંતુ આપણે તો આહારથી ફક્ત ખોરાક અને એમાં પણ ડુંગળી લસણને જ વળગી રહ્યા છીએ. હકીકતમાં ડુંગળી લસણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.. ને આવું જ વિચારીએ તો નોનવેજ ખાતાં કોઈ જ લોકોને આપણે આધ્યાત્મિક કહી જ ન શકીએ.. પણ વિશ્વનો ઇતિહાસ તપાસો.. તપાસતાં ખ્યાલ આવશે કે ખોરાકને અધ્યાત્મ સાથે ઘણો જ ઓછો સંબંધ છે. ને કદાચ ડુંગળી લસણનો ત્યાગ કરીએ તો પણ ક્યારેય નિયમો એવા જડ ના હોવા જોઈએ કે જે અન્ય વ્યક્તિઓ માટે અગવડ ઉભી કરે.. અન્ય વ્યક્તિને ત્યાં મહેમાન બનીને જઈએ પણ અમે તો પ્રસાદ સિવાય કશું લેતાં નથી કે ડુંગળી લસણ ખાતાં નથી કે સૌથી વધુ હાસ્યાસ્પદ તો અન્ય ધર્મનો પ્રસાદ લેતાં નથી આ બધાં નિયમો અન્ય વ્યક્તિઓ માટે અસુવિધા ઉભી કરે છે. આવા નિયમોનો ત્યાગ કરવો અથવા તો એને જડ પણે ના વળગી રહેવું જ યોગ્ય છે.

અને હવે સૌથી વધુ માથાનાં દુખાવા સમાન રિવાજ.. માસિક ધર્મ સમયની અપવિત્રતા.. આની પાછળ બહુ જ સ્પષ્ટ કારણ છે જે બધા જાણે છે કે આ દિવસો દરમ્યાન સ્ત્રી માનસિક અને શારીરિક બન્ને રીતે અત્યંત નબળી પડે છે. એટલે એમને આરામની ખાસ જરૂર હોય છે એટલે એને રસોડા અને ઘરનાં કામથી એટલાં દિવસ દૂર રાખવામાં આવતી. પરંતુ આપણે તો એને પણ અપવિત્રતા સાથે જોડી દીધી. હા.. સ્વાસ્થ્યનું કારણ પણ છે જ.. મેં ક્યાંક વાંચ્યુ છે કે પહેલાનાં જમાનામાં રાજા વગેરે ને મારવા માટે સ્ત્રીઓનો ઉપયોગ કરાતો જેમાં રાજાની રસોઈમાં સ્ત્રીનાં માસિકને ભેળવી દેવામાં આવતું.. માસિકમાં એટલાં ઝેરી તત્વો હોય છે કે મૃત્યુ પણ આણી શકે અને એટલે પણ કદાચ આ દિવસો દરમ્યાન સ્ત્રીને રસોઈથી દૂર રાખવામાં આવતી. પરંતુ આજનાં જમાનામાં જ્યારે પર્સનલ હાઈજિનને લગતી આટલી જાગૃતતા ને વ્યવસ્થા છે ત્યારે આ રિવાજ પણ અર્થહીન બનતો જાય છે. હા.. આરામની આવશ્યકતા ચોક્કસ છે. એટલે એટલાં દિવસ કામ ન કરે એટલું પૂરતું છે. પરંતુ એનાં માટે એને ખૂણો પાળવા મજબૂર કરવી તો નર્યો અત્યાચાર છે. એ દિવસોમાં તો એને સહાનુભૂતિ ને સ્પર્શની ખાસ જરૂર હોય છે અને આપણે એ જ દિવસોમાં એને દૂર બેસી જવા મજબૂર કરી દીધી.

ઘણાં લોકોને તો આ દિવસોમાં સ્ત્રી ઘરમાં ભૂલથી અડી જાય તો આખું ઘર સાફ કરતાં જોયા છે અને એ દિવસોમાં કે જ્યારે સ્ત્રી તણાવ યુક્ત પરિસ્થિતિમાંથી પસાર થતી હોય ત્યારે ‘તેં મારો ધર્મ અભડાવી નાખ્યો’ વગેરે શબ્દો દ્વારા એને દુઃખ પહોંચાડાય છે.

સૌથી વધુ આઘાતજનક તો માસિકનાં દિવસોમાં સ્ત્રીને મંદિર અને ઈશ્વરથી પણ દૂર કરી દીધી… નાનપણથી ઘણી વાર આનું કારણ ઘણાંને પૂછવાની કોશિશ કરી પણ મોટાભાગે તો એ રિવાજ છે ને પાળવો પડે. એમાં દલીલ ના કરાય.. પાપ લાગે.. આવા જ જવાબો મળ્યા.. ઈશ્વરને અડવાથી પાપ પણ લાગી શકે એ મને ક્યારેય ન સમજાયું.. ઈશ્વર જો એમ વાતની વાત માં આપણાં પર પાપ ચડાવતો રહે અને એ પણ એને સ્પર્શ કર્યાનું તો એ ઈશ્વર હોઈ જ ન શકે.. મોટાં ભાગે તો આ બધું આપણે સ્વીકારી લીધું છે.. દલીલ કરવી કે કારણ જાણવાની કોશિશ કરવામાં પણ પાપ લાગી જવાનું હોય તેમ.. કોઈ પણ સ્ત્રી કે વ્યક્તિ પોતાની જાતને અસ્પૃશ્ય માની લે તો એનાંથી વધુ શરમ જનક ઘટના મારાં માટે હોઈ જ ના શકે. જ્યારે આપણે જ આપણી જાતને અસ્પૃશ્ય માની લેશું અને આપણને અડવા માત્રથી બીજા લોકોને પાપ લાગી જશે એવું માનતા થઈ જઈશું તો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કે સ્વયં ઈશ્વર પણ આપણો ઉદ્ધાર કરવા ન આવી શકે.. ઉલ્ટું આપણે તો એવું શ્રદ્ધાવાન થવું જોઈએ કે આવું માનતાં લોકોને કહેવું જોઈએ કે જો આ દિવસોમાં મને સ્પર્શ કરવાથી તમને પાપ લાગે કે મારાં મંદિરે જવાથી ઈશ્વર અભડાય તો એ તમામ દોષો ને પાપનો ઢગલો હું મારાં માથે ચડાવવા તૈયાર છું. તમે નિશ્ચિંત થઈ જાઓ. સ્વામી વિવેકાનંદ કહી ગયા છે કે પોતાની જાતને પાપી માનવાથી મોટું કોઈ પાપ છે જ નહીં.. જાતને શરીર માનવાનું બંધ કરીને શુદ્ધ આત્મા માનતાં થઈએ.. આત્મા ક્યારેય અશુદ્ધ હોતો જ નથી તો આ બધી અશુદ્ધિઓ ને પાપ તો બહુ દૂરની વાત છે.

અરે.. એટલું તો વિચારો કે આપણે ‘માસિક ધર્મ’ શબ્દ વાપરીએ છીએ. એટલે કે સૃષ્ટિનું સર્જન કરનારી એ પ્રક્રિયાને આપણે ધર્મ શબ્દથી નવાજીએ છીએ અને ત્યારે જ ફરી સ્ત્રીને ધર્મથી ને ઈશ્વરથી દૂર રાખીએ છીએ! અરે.. હું તો કહું છું આ દિવસો જ ખાસ છે જ્યારે ધ્યાન ભજન પૂજા કરવા જોઈએ. કારણકે એ દિવસોમાં સ્ત્રી શારીરિક અને માનસિક બન્ને રીતે તણાવભરી પરિસ્થિતિમાંથી પસાર થાય છે. અને ઈશ્વર પોતાનાં કોઈ પણ બાળકને એની આવી સ્થિતિમાં એકલો તો ના જ છોડે. કદાચ સ્વચ્છતાની દ્રષ્ટિએ કોઈને એમ લાગતું હોય કે આ દિવસોમાં ગંદકી ભર્યું શરીર છે તો મૂર્તિને સ્પર્શ ના કરો એમાં બધું આવી ગયું.. જો કે એ પણ અર્થ હીન જ છે પણ છતાં મનનાં સમાધાન ખાતર આટલું કરવું ઘણું થઈ રહેશે.. બાકી મંદિરથી જ સ્ત્રીને દૂર રાખી દેવી એનાં જેવું મહાપાપ કોઈ નથી.

અંતે એટલું જ કે પ્રશ્ન કરવો એ પાપ નથી. આજ પછી કોઈ તમને જ્યારે ‘અડશો માં’ વાળી વાત કરે તો એનું કારણ પૂછવા ને જાણવા કોશિશ જરૂર કરજો. અને મનનું સમાધાન મળે તો જ એનો સ્વીકાર કરજો. પૂછવાથી પાપ નહીં લાગે એની ખાતરી રાખજો.. અને ‘અડશો માં’ ધર્મમાં માનતાં લોકોને ફક્ત એટલું જ કે અંધાનુકરણ બંધ કરીએ.. પછી એ કોઈ ધર્મ ગુરુનું જ કેમ ના હોય..! જો ખરેખર આપણે ઈશ્વર પ્રાપ્તિ કરવી હોય તો એ ઈશ્વર આવા ‘અડશો માં’ ધર્મથી તો કોસો દૂર છે  એક સમયે જે રિવાજો ને માન્યતાઓ હતાં એની પાછળનું એ સમયનું વૈજ્ઞાનિક કારણ હતું. સમયાંતરે એમાં બદલાવ જરૂરી છે. આજે જૂના રિવાજો જે આજનાં સમય સાથે સુમેળ સાધી શકતાં નથી એનો ત્યાગ કરીને નવા રિવાજો બનાવીએ. જેમ કે.. ગર્ભાવસ્થા દરમ્યાન મોબાઈલ જેવી ચીજોનો ત્યાગ કરવો વગેરે.. કે જે બાળકનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે. અને મને ખાતરી છે કે આવા કોઈ રિવાજોને ધર્મ સાથે જોડીને બનાવવામાં આવે તો લોકો ચોક્કસપણે એનું પણ પાલન કરતાં થાય કારણકે ભારત દેશની પ્રજા ખૂબ ભોળી છે. એને ધર્મનાં નામે તમે ઊંચા પણ લાવી શકો અને છેતરી પણ શકો.. અને સાથે સાથે એ પણ કહેવાનું કે આવા નવા નિયમો કે જે પણ રિવાજો અસ્તિત્વ માં આવે એનાં માટેની સમય મર્યાદા ચોક્કસ નક્કી કરવી કારણકે અમુક સમય પછી અને નવી શોધ ખોળો પછી એ અર્થ હીન બની જતાં હોય છે.

મને ખ્યાલ છે કે મારાં આ લેખથી ઘણાં જ લોકો નારાજ થશે.. ઘણાં લોકોને દુઃખ પણ થશે અને મારી વિરુદ્ધ ઘણું બોલશે પણ ખરાં. એ તમામ લોકોની હું ખરાં અંતઃકરણ પૂર્વક માફી માંગુ છું. કોઈની પણ ધાર્મિક લાગણીને દુભવવાનો મારો ઈરાદો છે જ નહીં.. છતાં એટલી ચેતવણી પણ ખરી કે આપણે જે કોઈ ધર્મને માનતાં હોઈએ એને આપણાં સુધી સીમિત રાખીએ.. આવા જડ નિયમો બીજાં લોકો પણ પાળે એવી આશા ન જ રાખીએ નહીં તો હવેની પેઢી પ્રશ્નો પણ કરશે અને અંધાનુકરણ તો નહીં જ કરે.. એ વૈજ્ઞાનિક આધાર સિવાય આ વાતોને નહીં માને અને સમયાનુસાર આપણે જો આપણાં જડ ધાર્મિક રિવાજોને દૂર ના કરી શક્યા તો નવી પેઢી આવા ધર્મથી કે ઈશ્વરથી વિમુખ થતી જાય તો એનો દોષ કોને લાગશે એ પણ વિચારી રાખવું.. અંતે ફરીથી જેમની લાગણી દુભાઈ હોય તેમની ખરાં અંતઃકરણથી માફી માંગુ છું.

-ડૉ. આરતી રૂપાણી લાખાણી

*******

આ લેખ માટે હું ડૉ. આરતી રૂપાણી લાખાણી નો ખુબ ખુબ આભાર માનુ છું, એમનો આ લેખ મેં પ્રતિલિપિ પર વાંચ્યો હતો, અને મને લાગ્યું કે આ લેખ બને એટલા વધુ લોકો સુધી પહોંચાડવો જોઈએ એટલે આરતીજીને વિનંતી કરીને અને એમની પરવાનગી થી આ લેખ હું આપ સહું માટે અહીં લાવી શક્યો છું.

સાથે મારા થોડા વિચાર પણ આ બાબતે શેર કરીશ. આરતીજીએ સાચું કહ્યું… જ્યારે પણ રિવાજના નામે થોપવામાં આવતા કામ પાર સવાલ કરીએ ત્યારે આપણને એમ કહી ને વડીલો ચૂપ કરાવી દે છે કે “દલીલ ના કરાઈ પાપ લાગે.” આજની પેઢી ને નવો રસ્તો બતાડનારો, જૂની પેઢીને સુધારવા માટે અને આંખ ઉઘાડવા માટે મજબૂત અને સચોટ દલીલ રજૂ કરતો અને આવનારી પેઢી આવી બધી માન્યતાઓ થી દૂર રહી શકે એવો માર્ગદર્શિય લેખ છે. 

પણ લેખિકાએ આ લેખ માં બે વાર માફી માંગી એ મને થોડું અજીબ લાગ્યું અને મેં એમને કહ્યું પણ ખરાં કે તમારે માફી માંગવાની જરૂર હોય લેખ વિષે એવું મને વાંચતી વખતે યા વાંચીને જરાઈ લાગ્યું નહીં… અને તમે એ કામ બે વાર કર્યું … જ્યારે સમાજ માં થતાં ખોટા કર્યો… ખોટી માન્યતાઓ દૂર કરવાની વાત કરતા હોઈએ એ પણ યોગ્ય અને સચોટ દલીલ/કારણો સાથે… ત્યારે લેખ લખ્યા જેટલી જ હિમ્મત એને પ્રકાશિત કરવામાં પણ રાખવી જરૂરી છે.

તો એમણે મને કહ્યું કે “માફી માગવી જરૂરી એટલે છે કે આપણી જ આસપાસનાં અનેક લોકો એને ધર્મનું ઉલ્લંઘન સમજે છે. મારે એમને એટલું જ કહેવું છે કે તમારાં ધર્મ સામે મારો કોઈ વિરોધ કે ધાર્મિક લાગણી દુભાવવનો મારો ઈરાદો નથી. પણ હા.. એ ધર્મ ને તમારાં સુધી જ રાખો ત્યાં સુધી.. એને જો અમારાં સુધી લાવવા માંગતા હોય તો પ્રશ્નો પણ થશે અને વિરોધ પણ.”

ત્યારે મેં કહ્યું : “એમાં લાગણી દુભાવાની વાત જ નથી, ધર્મનું ઉલ્લંઘન એવા લોકો જ સમજે છે જેને ધર્મ વિષે પુરી ખબર જ નથી હોતી, અને તમે સચોટ દલીલ સાથે સભ્ય ભાષામાં લખ્યું છે, અને આપણું સંવિધાન આપણને આપણો મત કે વિચાર દર્શાવાની આઝાદી આપે છે, તો એમાં હું તમારે લેખને અંતે માફી માંગવી જરૂરી નથી સમજતો.”

જો તમે પણ લેખિકા અને મારા વિચારો સાથે સહમત હોવ અને આ લેખ યોગ્ય લાગ્યો હોય, ગમ્યો હોય તો બને એટલા વધું લોકો સુધી આ લેખ પહોંચાડવા વિનંતી.

આભાર સહ,

-ચેતન ઠકરાર

મોબાઈલ : +919558767835

*******

નોંધ : ડૉ. આરતી રૂપાણી લાખાણી ના બીજા લેખ, વાર્તાઓ અને કવિતાઓ વાંચવા માટે આપ એમના પ્રતિલિપિ પ્રોફાઈલ પર અહીં  ક્લીક કરીને વાંચી શકશો.

Categories: Dr. Arti Rupani

2 replies »

  1. ખુબ સરસ અને સચોટ લખ્યુ છે..

    સમાજ રહેણી કરણી મા આગળ વધ્યો.. પણ જુના વિચારો નુ શુધ્ધીકરણ કરવા માટે આવા એક નહી અનેક લખાણ ની જરુર છે..

Leave a Reply