KIDS ZONE / बच्चो के लिए

બિલાડીના ગળે ઘંટડી કોણ બાંધે?

બિલાડીના ગળે ઘંટડી કોણ બાંધે? એ કહેવતના સંદર્ભમાં જે જૂની વાર્તા છે એ સૌએ સાંભળી હશે. હવે એ વાર્તાનું નવું સ્વરુપ વાંચો.

બધા ઉંદર બિલાડીથી ખૂબ જ ડરેલા હતા. બિલાડીથી બચવા શું કરવું જોઈએ એની ચર્ચા કરવા એક વખત બધા ઉંદર એકઠા થયા. ખૂબ ચર્ચાને અંતે એક જ ઉકેલ બધાને સારો લાગ્યો કે બિલાડીના ગળે ઘંટડી બાંધી દેવામાં આવે તો એ દૂરથી આવતી હોય ત્યાં જ ઘંટડીના અવાજથી ચેતવણી મળી જાય અને એ રીતે જીવ બચાવવા સલામત જગ્યાએ દોડીને ચાલ્યા જવાય. જોકે ફરીને એ જ પ્રશ્ન ઉપસ્થિત થયો : “બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ?” ઘંટડી બાંધવા જતાં બિલાડી ઉંદરનો કોળિયો કરી જાય ને ઘંટડી તો બાંધવાની બાકી જ રહી જાય.

એકવીસમી સદીના ઉંદર પાસે બિલાડીના ગળે ઘંટડી બાંધવાની વાત આવી ત્યારે બે યુવાન ઉંદરોએ બિલાડીના ગળે ઘંટડી બાંધવાનો પડકાર ઝીલી લીધો. જો કે વૃદ્ધ અને અનુભવી ઉંદરોએ એમને વાર્યા, ચેતવણી આપી ને જીદ ન કરવાની સલાહ પણ આપી, પરંતુ પેલા બે ઉંદર માન્યા નહિ. બીજા દિવસે બંને ઉંદરે યુક્તિ કરીને દવાવાળાની દુકાનમાંથી ઊંઘની ગોળીઓ મેળવી લીધી. એ પછી મોકો જોઈને બિલાડીના દૂધમાં એ ગોળીઓ મિક્સ કરી દીધી. બિલાડીએ એ દૂધ પીધું, થોડીવારમાં જ ઘેન ચડતાં એ ઘસઘસાટ ઊંઘી ગઈ અને પેલા બંને યુવાન ઉંદર એના ગળે ઘંટડી બાંધી આવ્યા !

આજના વાસ્તવિક જગત સાથે આ કથાને સાંકળી લઈએ તો એનો સાર એ કે જૂની નિષ્ફળતાને વાગોળ્યા કરવાથી જે-તે સમસ્યાનો અંત આવી જતો નથી. કહેવાતી અનુભવવાણી ઘણીવાર પ્રગતિમાં રુકાવટ બની જતી હોય છે એટલે એવામાં બદલાતા સમય અનુસાર નવું નવું વિચારવાની સાહસવૃત્તિ કેળવવાથી જ ગમે એવી જટિલ સમસ્યાનો ઉકેલ જરૂર મળી જાય.

-ચેતન ઠકરાર

+919558767835

Leave a Reply