Payal Unadkat

અંજળ

(ગાલગાગા ગાલગાગા ગાલગા)

માનવીથી માનવી હરખાય તો,
વેદનાઓ આંખથી વંચાય તો?

ઓશબિંદુ હો ભલે આ જિંદગી,
લાગણીથી તરબતર છલકાય તો?

સાંભળો ના કોઈ શબ્દો સ્નેહના,
ઘાવ અંતરના જરા પડઘાય તો?

કાર્ય સારા ના કરો તો ચાલશે,
આચરી અવળું આ મન શરમાય તો?

ભૂલ થી ભૂલી જવાયું જેમને,
સાવ ઓચિંતું એ જણ અથડાય તો?

એકદમ ગમતી પળો જે ના રહી,
યાદ સૌ અકબંધ એ સચવાય તો?

ના કરે સૌ વાહ કોઈ ગમ નથી,
એક મુખડું ભાવથી મલકાય તો?

હાજરીમાં કોઇની આદર્શ જે ચર્ચાય છે,
એકલા પડતા ગરીમા એમની જળવાય તો!

સ્વપ્ન સેવ્યું હોય જ્યાંનું માત્ર એ જોવા મળે,
ત્યાં જ *અંજળ* આપણા લઇ જાય તો!

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply