SELF / स्वयं

આસ્થા

“હેલ્લો અભય, હું આસ્થા “

“હા બોલને, કેમ અચાનક આમ ફોન કર્યો? તું ઠીક તો છો ને?”

“સવાલ પછી કરો, પેલા સાંભળો, તમે અહીં આવી શકશો ?”

“હાં, પણ થયું શું એ કહીશ?”

“આજે આતીશ એ મારા પર ફરી હાથ ઉપાડ્યો સાહેબ.” આટલું બોલીને એ રડવા લાગી.

“ઓયે શું વાત કરે છે તું!!!? તે તારા ઘરમાં વાત કરી?”

“ના, પહેલાં તમને જ ફોન કર્યો, તમે કહ્યું હતું ને કે જરૂર પડે ત્યારે યાદ કરજે, તો આજે પેલા તમારી કમી મહસૂસ થઇ એટલે પેલા તમને ફોન કર્યો.”

“પણ આવું બધું થયું ક્યાં કારણોસર?”

“એ જ બધું, જે સગાઈ અને લગન ની વચ્ચે મગજમારી થઇ હતી એ વાત એ અત્યારે લઈને બેઠા છે, તમને પણ ખબર છે કે એમાં મારો કોઈ વાંક નહોતો અને તો પણ મારાં પપ્પાએ એમની આબરૂ ખાતર આતીશ ના અને એમના મમ્મી-પાપા ની સામે હાથ પગ જોડવા પડ્યા તા.”

(આસ્થા અને આતીશના લગ્ન પહેલા આસ્થાના કોઈ એક તરફા પ્રેમીએ ફોટોશોપ ની મદદથી આસ્થા અને એના ફોટો આતિશના ઘરે મોકલાવી દીધા હતાં, જેની જાણ આસ્થાએ અભયને બહું સમય પછી જણાવી હતી )

“હાં , એ તે મને બહુ સમય પછી કહ્યું હતું અને હું તારા પર ગુસ્સો પણ થયો હતો, પણ એ વાત નું અત્યારે શું ?”

“એમનો મગજ ખરાબ થાય યા છટકે ત્યારે એ બધું યાદ કરીને મને હેરાન કરે, સંભળાવે અને બહું ગુસ્સામાં હોઈ ત્યારે હાથ પણ ઉપાડી લેઇ છે, એ પણ ના જોવે કે મારા પેટમાં એમનું સંતાન છે, હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે પણ મને એક વાર ઘરની બહાર કાઢી મૂકી હતી.”

“તો ત્યારે તે મને કેમ વાત ના કરી?”

“ક્યાં મોઢે વાત કરું? અને કરું તો પણ ક્યાં કરું? તમે તો ત્યારે આ બધું બન્યું એટલે ઘરથી દૂર ચાલ્યા ગ્યાં હતા, અને તમારો મોબાઇલ નંબર પણ બદલાઈ ગયો હતો.”

“જો સંભાળ, જૂની વાત ભૂલી જા, અત્યારે તું તારા ઘરે વાત કર, અને બધું કહે જે થયું હોઈ એ બધું જ. “

“એ કોઈ નહિ આવે સાહેબ, મને પેલા પણ અનુભવ થયો છે, એ બધાજ આતીશ નો જ પક્ષ લેશે, અને મને સમજાવશે કે એડજસ્ટ કર. પણ હું કેટલું એડજસ્ટ કરું? મારો ક્યાંય વાંક ના હોઈ તો હું કેમ સાંભળી શકું? મારા ઘરના આવીને મને જ સમજાવશે, એ લોકોની નઝરમાં આતીશ બહુંજ સારો માણસ છે, સાથે રહે તો ખબર પડે. તમને પહેલા પણ કહ્યું છે કે એ અને અડે એ પણ નથી ગમતું, તો પણ હું મારા ઘર ની અને મારા મમ્મી પપ્પાની આબરૂ સાચવવા એને સહન કરું છું, અને એને પણ મારી કોઈ કિંમત નથી યાર, સહનશક્તિ ની હદ આવી ગઈ મારી એટલે મેં બહું મહેનત પછી તમારો નંબર મેળવીને તમને ફોન કર્યો, પ્લીઝ આ વખતે મને નિરાશ ના કરતાં.” આસ્થા આટલું બોલીને રડવા લાગી.

“મને ખબર છે કે મેં તારો ભરોસો તોડ્યો તારી વાત ના માની ને, અને ત્યારે જે બન્યું સગાઇ અને લગનની વચ્ચે, એટલે જ એ વાત તે મને ત્યારે ના કહી, પણ આ વખતે હું તને નિરાશ નહિ કરું, તું મને તારા ઘરનું સરનામું મેસેજ કર, હું આવું છું.”

અભય, આસ્થા ના લગન પછી મુંબઈ શિફ્ટ થઇ ગયો હતો, આસ્થા એ મેસેજ કર્યો એ પહેલા જ અભય ત્યાં જવા માટે નીકળી ગયો હતો, ફ્લાઈટ ની ટિકિટ ના મળી એટલે એ કાર માં ત્યાં જવા રવાના થઇ ગયો, અને આસ્થા ને મેસેજ કરીને જાણ કરી દીધી કે : “હું નીકળી ગયો છું.”

*******

અભય 550 કિલોમીટર નું અંતર ફક્ત 5 કલાકમાં કાપીને આસ્થા એ આપેલ એના ઘરના સરનામે પહોંચી જાય છે અને રસ્તામાં કાર કરતાં એના મનમાં ભૂતકાળની ઘટનાઓ ડબલ સ્પીડથી ફરી વળે છે, અને ચાર ગણી સ્પીડથી આગળ શું કરવું એ વિષે બધું પ્લાન કરી લે છે, જેથી કરીને આસ્થાને હવે કોઈ જાતની તકલીફ ના પડે. આસ્થાના ઘરે પહોંચીને ડોરબેલ વગાડે છે, અને આતીશ દરવાજો ખોલે છે.

“કોનું કામ છે?” દરવાજો ખોલતા આતીશ અભયને પૂછે છે.

“તમારું જ કામ છે” એટલું બોલીને અભય ઘરમાં આવી જાય છે અને આસ્થા ને બૂમ પાડે છે.

આસ્થા આંખો નીચે કાળા કુંડાળા, રડીને લાલ થઈ ગયેલી આંખોમાં આશ્ચર્ય અને અવાજમાં ભીનાશ સાથે અભયને આવકારે છે, અને આતિશને ઓળખાણ આપે છે. અભય ને નામથી આતીશ ઓળખતો હોય છે કારણકે આસ્થા એવી વાતમાં માનતી હતી કે લગ્નજીવન માં પતિ પત્ની એ કોઈ વાત છુપાવી ના જોઈએ, અને એની આવી માન્યતાએ જ એને બહુ દુઃખ અને તકલીફ આપી હતી, આતીશ વારેઘડી એને લીધે આસ્થાને શાબ્દિક અને શારીરિક તકલીફ આપતો હતો.

“શું થયું? ખુલીને વાત કર હવે.” એટલું કહીને અભયે આસ્થાનો ભય દૂર કરવાની કોશિશ કરી.

“તમને કોને હક આપ્યો અમારી લાઈફમાં દખલ કરવાનો?” ગુસ્સાથી લાલચોળ થઈને આતીશ બરાડ્યો.

“આસ્થાએ. અને રાડો પાડીને માણસ ભેગું કરવું હોઈ તો મને એમાં વાંધો નથી, પણ આબરૂ તમારી જશે, બહેતર છે કે બંધ બારણે શાંતિથી વાત કરીએ અને રસ્તો કાઢીએ.” સ્વભાવ અને પ્રકૃતિ થી ગરમ એવા અભયે એનાથી વિપરીત બહુંજ ઠંડા કલેજે કહ્યું પણ આંખોમાં ગુસ્સો હતો એ આતીશ જાણી ગયો અને શાંત થઈ ગયો.

આસ્થા: “બધુજ તમને ફોનમાં કહ્યું હતું, આમની મરજી વગર હું ઘરની બહાર કે પિયર પણ નથી જતી, એ કહે દિવસ તો દિવસ અને રાત તો રાત કહું છું. એમને હું કોઈ જોડે બોલું તો પણ નથી ગમતું તો હું એ પણ નથી કરતી. ગરબાનો શોખ, રેડીઓ અને ગીત સાંભળવાનો શોખ, પેઇન્ટિંગ નો શોખ, ફરવાનો શોખ, મને કેટલો હતો એ તમને ખબર છે, પણ મેં એ બધુજ એમને ગમતું નહોતું તો મૂકી દીધું, બીજીવાર એ બાબત ની વાત પણ નથી કરી.

એમની ઓફિસનો ગુસ્સો એ ઘરે લઈને આવે અને એ બધું મારા ઉપર કાઢે રોજ તો એ ક્યાં સુધી સહન કરું? ‘પરી’ પેટમાં હતી ત્યારે પણ મારી પર શક કર્યો હતો, અને મને મારી પણ હતી અને ઘરમાંથી કાઢી મૂકી હતી, આખી રાત મેં દાદરે બેસીને કાઢી હતી, સવારે બાજુવાળા આંટી જાગ્યા અને એમને બધી વાત કરી, ત્યારે મમ્મી પાપા અને સાસુ સસરાની દરમ્યાનગીરી થી વાત શાંત થઇ ગઈ હતી.

એ મને અડે છે તો પણ મને નથી ગમતું, પણ હું મારા સંસ્કાર નથી ભૂલી અને પત્નીધર્મ નિભાવું છું અને એક દીકરીને જન્મ આપ્યો. પણ અભય, હવે સહન નથી થતું, એમને ગમતું બધુજ કરું છું, ના ગમતું કઈ નથી કરતી, તો પણ એ જૂની વાત ઉખેડીને અને શક કરીને મને બહુંજ હેરાન કરે છે. હું બધું સહન કરી શકું પણ મારા મમ્મી પપ્પા વિષે કાંઈ બોલે એટલે પછી મારાથી સહન ના થાય અને મારા કીધે બોલાઈ જાય છે, ત્યારે એમનો હાથ એમની જીભની જગ્યા લઇ લે છે અને મને મારે છે. હવે તમે જ કહો હું શું કરું?” આટલું બોલતાં સુધીમાં તો આસ્થા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.

અભય એના હાથ અને પીઠ પસવારતો એને થોડીવાર રડવા દે છે, પછી ઉભો થઈને પાણી લાવીને આપે છે. આતીશ તરફ જોઈને પૂછે છે : “તારે કઈ કહેવું છે?”

આતીશ સ્તબ્ધ હતો આ બધું જોઈને. એને કલ્પના પણ ના હતી કે જે ચુપચાપ રહેનારી આસ્થા, જે એના મમ્મી પપ્પા પાસે પણ ખુલીને આટલી ફરિયાદ નહોતી કરતી, એ આ અભયને જોઈને અને એની સામે આટલું ખુલીને ફરિયાદ કરતી હતી. એને કાપો તો લોહી ના નીકળે એવી હાલત હતી એની. આજે પહેલીવાર એને એવો ડર લાગ્યો કે એ આસ્થાને ખોઈ બેસસે.

અભય એના ચહેરાનો ભાવ સમજી ગયો અને એને પાણી આપતાં કહ્યું: “આતીશ, લગ્નજીવન નો પાયો જ પ્રેમ અને વિશ્વાસ પર ટકેલો હોય છે. જો તને પ્રેમ કે વિશ્વાસ ના હોઈ તો આગળ વાત કરવાનો કોઈ મતલબ નથી. તું એમ ના માનતો કે આસ્થાના ઘરનાં સિવાય આસ્થાનું કોઈ નથી. એવું પણ ના વિચારતો કે ‘પરી’ સાથે આસ્થાને કોઈ સ્વીકારશે નહીં, મેં હજુ સુધી એટલે જ લગન નથી કર્યા, હું આજીવન આસ્થાની રાહ જોવા તૈયાર છું. તું આવું કરીને મારી રાહ ટૂંકાવી રહ્યો છો.

આસ્થા સમાજ અને તમારા બંનેના ઘરની આબરૂ સાચવીને બેઠી છે, તો એની કિંમત કર, કદર કર. ભગવાને આટલી સરસ ઢીંગલી ‘પરી’ ના રૂપે આપી છે, અને તને ખબર જ છે કે તેના જન્મ વખતે આસ્થાને કેટલી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. તો પણ જો તને એની કદર ના હોય અને જરૂર ના હોઈ એની તો હું એને સાથે લઈ જવા માટે તૈયાર છું. સમાજ બે દિવસ વાત કરશે અને ભૂલી જાશે પણ તું ભૂલી શકીશ?”

આતીશ અંદરથી હલબલી ગયો હતો, એને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી, એ આસ્થા ની માફી માંગવા એના તરફ હાથ જોડીને રડતાં રડતાં બસ એટલું જ બોલી શક્યો : “આસ્થા, પ્લીઝ મને માફ કરી દે, હવે કોઈ ફરિયાદ નો મૌકો નહિ આપું તને.” અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. એ પસ્તાવાના આંસુ હતા એ અભય અને આસ્થા સમજી શક્યા. આસ્થાએ અભય સામે જોયું, અને અભયે ઈશારા થી આતીશ પાસે જવા કહ્યું.

એટલી વારમાં અંદર ના રૂમ માંથી પરી ભાખોડીયા ભરતી આવી અને એના મમ્મી પપ્પા પાસે ગઈ, બંનેએ એને તેડીને વહાલ વરસાવ્યું. અભયને સંતોષ થયો એ દ્રશ્ય જોઈને. પરીને એના મમ્મી પપ્પાના હાથમાંથી લઈને ચુંબનોથી નવડાવી નાખી. આસ્થાના ચહેરા પર સંતોષ અને શાંતિ હતી, ફરીયાદ ના વાદળો દૂર થઇ ગયા હતા એના ચહેરા પરથી. એ જોઈને અભયે એ બંનેની રજા માંગી નીકળવા લાગ્યો.

જતા જતા આસ્થાને કહ્યું : “આશા રાખું છું કે આ વખતે તારી મારા પ્રત્યેની આસ્થામાં હું ખરો ઉતર્યો હોઈશ.” અને આતીશ ને કહ્યું : ” કોઈના પ્રેમ – સન્માન ને ક્યારેય આપણી લાયકાત ના સમજી લેવી.”

-સમાપ્ત

*******

(આસ્થા અને અભય કેમ એક ના થઇ શક્યા અને કેમ આસ્થા એ આતીશ સાથે લગન કર્યા એ જાણવા માટે અહીં  ક્લીક કરો.)

-ચેતન ઠકરાર

મોબાઈલ : +919558767835

10 replies »

Leave a Reply