Sense stories / बोध कथाए

મમ્મી પપ્પા ના પ્રેમની પરીક્ષા

રોહન સ્ટોરરૂમમાં પડેલા ફ્રિજ અને અનાજની પેટીની વચ્ચે જગ્યા કરી એમા છુપાઇ ગયો હતો. બારીકાઇથી બધુ નિરીક્ષણ કરતો હતો. લગભગ સવારના અગિયાર વાગ્યા હતા. સ્ટોરરુમમાંથી રસોડાની તમામ હરકત સ્પષ્ટ દેખાતી હતી. હજુ તો બધુ નોર્મલ ચાલતુ હતુ. મમ્મી રસોડામાં સાફ સફાઇ કરીને બપોરની રસોઇની તૈયારી કરવા લાગી હતી. રોહન બધુ નિહાળી રહ્યો હતો. મમ્મી ફ્રિજમાંથી શાકભાજીની બાસ્કેટ કાઢિ અને તેમાથી કારેલા લીધા પણ રોહનને નહિ ભાવે એમ કહિ ને મુકિ દિધા. પાછુ બીજુ શાક લીધુ અને પાછી બોલી આ શાક રોહનને સૌથી વધુ ભાવે છે. ચાલ એ જ બનાવુ.

રોહન આ બધુ નિહાળતો હતો.

હવે સ્ટોર રૂમમાં પુરાઇ રહેવા પાછળનુ કારણ પણ જણાવી દઉ. રિઝલ્ટ આવ્યુ. જેમા માત્ર રોહનના નાપાસ થયો હતો. ધોરણ ૧૦ નુ રિઝલ્ટ આવ્યુ હતુ. પણ હવે ઘરે કેમ જવુ એ મુંજવણમાં એટલો બધો ડિપ્રેશ્ડ થઇ ગયો કે હવે ઘરે જ નથી જવુ, ભાગી જવુ કે આત્મહત્યા સુધીનો વિચાર કરવા લાગ્યો હતો. ફેસબુક આમ તો વધુ પડતુ નેગેટીવ છે પણ આજે એના માટે પોઝીટીવ હતુ. મારી પ્રેરક પોસ્ટ કાયમ વાંચતો હતો. એમના પપ્પા મારા ક્લાસમેટ હતા. ઘણીવાર મારો સંપર્ક થતો હતો. આજે સામેથી જ મને સંપર્ક કર્યો. મને કહે મારે તમને મળવુ છે. એક અરજ્ન્ટ કામ છે. તમે ક્યારે મળી શકો.

મે તરત જ ઓફિસનુ એડ્રેસ આપ્યુ અને ઓફિસે બોલાવ્યો. એની બેગમાંથી રિઝલ્ટ કાઢી મને દેખાડ્યુ. મે હસતા હસતા કહ્યુ પાસ થાય એ બધાને નોકરી મળે પણ નાપાસ થાય એ તો બોસ બને અથવા મોટા રાજનેતા પણ બની શકે.

મને કહે શુ અંકલ મજાક કરો છો. તમને ખબર છે મારી ઘરે સર્વિસ થઈ જશે.

એ મને કહેવા લાગ્યો કે આજે તો મમ્મીને તો આ રિઝલ્ટ તો દેખાડી દઇશ પણ પપ્પા સામે આંખથી આંખ નહિ મેળવી શકુ. કેમકે એ જ્યારે મને વાંચવાનુ કહેતા હતા ત્યારે હુ એમ કહેતો હતો કે, તમે અત્યારે નહિ કહો મને મારા કામની ખબર પડે છે. જ્યારે રિઝલ્ટ આવે ત્યારે જોઇ લેજો અને રિઝલ્ટ આ આવ્યુ. હુ હવે ઘરે જવા નથી ઇરછતો.
મે કહ્યુ તો શુ વિચાર કરે છે?

મને કહે ઘણુ વિચારુ છુ આત્મહત્યા કરવા કે ઘર છોડવા કે ક્યાક ભાગી જવા વિચારુ છુ. મે હસતા હસતા કહ્યુ છે હિમ્મત તારામાં મરવાની? એમ કહિ મારા ડ્રોવરમાંથી બ્લેડ આપી અને કહ્યુ માર તારા હાથ પર ચાલ? હુ પણ જોઇ લઉ તારામાં કેટલી હિમ્મત છે? તેણે બ્લેડ લીધી પણ હાથ પર મારવા માટે હાથ આગળ જ ન વધ્યો. હાથ ધ્રુજવા લાગ્યા. મે કહ્યુ મારા તારે આમ પણ મરવુ જ છે. તો આ શરીરની શુ ચિંતા કરે છે? આત્મહત્યા કરવા જેટલી હિમ્મતના દસ ટકા હિમ્મતથી સંઘર્ષ કરીએ તો જે ધારીએ એ કરી શકીએ.

એ તો બરાબરનો મુંજાઇ ગયો. એને એવુ લાગતુ હશે કે અહિ ન આવ્યો હોત તો સારુ હતુ. પણ મારે એને એવુ લાગવા દેવાનુ ન હતુ એટલે મે જ્યુસ મંગાવ્યુ હતુ. એ જ્યુસ આવતા એને જ્યુસ પિવરાવ્યુ. પછી થોડો ફેશ લાગતો હતો. મે કહ્યુ તને એવુ લાગે છે કે તારા રિઝલ્ટથી તારા મમ્મી પપ્પાને તારી પ્રત્યે ના પ્રેમમાં ઓછપ આવે એમ? એક જરાક પણ નહિ આવે.

રોહન કહે પણ સર મને એવુ લાગે કે, હુ મારા મમ્મી પપ્પાને હવે શુ મોં દેખાડુ? અત્યાર સુધી મે એક પણ વાત માની જ નથી. દરેક વાતનો મે સામે જવાબ આપ્યો. એ લોકો મારા રિઝલ્ટની રાહમાં જ છે. મને ઘણુ બધુ સંભળાવશે. એટલે મારી તેમની સામે જવાની હિમત જ નથી.

મે કહ્યુ તો થોડુ સહન કરવાનુ અને થોડુ સાંભળી લેવાનુ પણ એમની વાતમાંથી થોડી વાત જીંદગીમાં ઉતારવી પણ જરુરી છે.

હુ જે ફિલોસોફી એને કહેતો હતો એમાં એ હા હા કરતો હતો પણ એના મગજમાં આ વાત ઉતરતી ન હતી એવુ લાગતુ હતુ એટલે જો હુ તેને જવા દઉ અને એ કઇક કરી બેસે તો ખોટુ થાય એટલે એ ઉપાય વિચાર્યો. મે કહ્યુ તુ એક કામ કર તુ ઘરે જા. તને એમ લાગે છે કે તારા મમ્મી પપ્પા માત્ર તારા રિઝલ્ટ ને ચાહે છે. તો તુ તારા ઘરમાં સંતાઇ જા અને મારુ ખરાબ રિઝલ્ટ આવ્યુ એટલે હુ ઘર છોડીને જાઉ છુ. એવો એક પત્ર તારા રૂમમાં મુકિ દે.પછી માત્ર તારી ગેરહાજરીમાં તારા મમ્મીના હાવભાવ જોજે. તારી પ્રત્યે કેવી લાગણી છે એ ખ્યાલ આવી જશે. સાંજ સુધી તારે આ બધુ જોવાનુ. તારા મમ્મી પપ્પાનુ તારી પ્રત્યેની લાગણી જોઇ લેવાની. જો સાંજના ૭ વાગ્યા પહેલા તુ બહાર નીકળી જા તો તારે હુ કહુ એમ કરવાનુ નહિ તો તુ તારી રીતે સ્વતંત્ર છો. એણે મારી હા માં હા પાડી. એ ત્યાથી ચાલતો થયો.

મે મનમાં કિધુ બેટા તારામાં સાંજ સુધી રહેવાની તેવડ નથી. માં બાપના પ્રેમની પરીક્ષા કરનાર આજ સુધી પેદા નથી થયો. ખુદ જગતનો નાથ આવ્યો તો એનેય પુંડરીકે એક પથ્થરના ટુકડા ઉપર ઉભો રાખી દિધો. આજ પણ પંઢરપુરમાં એ જ પથ્થર પર ઉભો છે.

રોહન તો ત્યા સંતાઇને બધુ જોતો હતો.

મમ્મી મને શુ ભાવે ન ભાવે એનો ખ્યાલ રાખે છે પણ એ તો રાખવો જ પડે એમ વિચારે છે. પછી રસોઇ બનાવવાનુ શરુ છે. ઉનાળાની ધોમધખતી ગરમીમાં મમ્મી ગેસના બધા સ્ટવ ચાલુ કરી એક પર શાક, એક પર ડાળ, એક પર રોટલી ચાલુ કરે છે. ત્રણ ત્રણ સ્ટવ પરથી અગ્ની જ્વાળ ઓકતો હોય અને બહાર સુર્યનારાયણ પણ સ્ટવ સામે ગૃહીણીને પરેશાન કરવાની હરીફાઇ લગાવી હોય એવી ગરમીમાં પંખા વગર રસોઇ કરતી જાય અને ગરમી સહન કરતી જાય. જ્યારે ગરમી સહન ન થાય ત્યારે થોડી થોડી વાર બહાર ખુલ્લામાં આવે. પાછી આવી રસોઇ બનાવે.
રોહનને થયુ મમ્મી કેટલી ગરમીમાં રસોઇ બનાવે છે. હા બનાવી જ પડે ને કેમ કે પપ્પાનુ ટીફિન કરવાનુ અને દાદા દાદીને સમય થયે જમાડવાના. મારા માટે રસોઇ બનાવવાની.

રસોઇ બનાવીને દાદા દાદીને જમવા બેસાડે છે અને પોતે કહે છે હુ રોહન આવે પછી સાથે જ જમી લઇશ. થોડી વાર રોહનની રાહ જોઇ પણ રોહન તો આજ માં બાપના પ્રેમના પારખા કરવા નીકળ્યો છે.

એકાદ કલાક પછી ચિંતા સાથે પુછે છે, બાપુજી હજુ કેમ રોહન આવ્યો નહિ હોય?

દાદા કહે હમણા તો વેકેશન છે એટલે એના કોઇ ભાઇબંધની સાથે બહાર ગયો હશે. તમે જમી લો. મમ્મી જમવા માટે પોતાની પ્લેટ તૈયાર કરે છે. રોટલી પ્લેટમાં મુકે છે અને જોવે છે કે રોહન તો આજ બહારથી આવ્યો હશે. થાકિ ગયો હશે તો એને વધુ ભુખ લાગી હશે એમ કહિને પોતાની પ્લેટમાંથી બે રોટલી પાછી રોહન માટે મુકિ દે. થોડી થોડી બળી ગયેલ હોય એવી બે રોટલી લઈ તે જમવા બેસી જાય છે. રોહન વિચારે છે કે, અરે મમ્મી આટલી બધી મહેનત કરી અને એના ફળની પણ આશા નથી રાખતી. હુ ભુખ્યો ન રહુ એટલે એ ભુખી રહે છે. રોહન થોડો ભાવુક થતો જતો હતો. બપોરના ત્રણ વાગ્યા રોહનના મમ્મી હવે તો હાંફળા ફાંફળા થઇ ગયા હતા. પપ્પાને પણ ફોન કરી દિધો હતો કે રોહન હજુ ઘરે આવ્યો નથી. બધે જ શોધખોળ શરુ થઇ. રોહનના મમ્મી ચોધાર આંસુએ રડતા હતા.

અચાનક રોહનના દાદીને રોહનનો કાગળ મળે છે એમા લખ્યુ હતુ ઘર છોડીને જાય છે. મમ્મી પર તો આભ તુટી પડ્યુ હતુ. મમ્મીનુ હૈયાફાટ રૂદનથી રોહન પણ હલબલી ગયો હતો. એ પણ ત્યા રડતો હતો. થોડી વારમાં પપ્પા ઘરે આવે છે. એ પણ હાંફળા ફાંફળા થઈ ગયા હતા. એ પણ આવીને મમ્મીને શાંત્વના આપતા જાય. મહામહેનતે પોતાના આંસુ સંતાડતા હતા. લગભગ બધાના ઘરે ફોન કરી વળ્યા હતા. ચાર વાગી ગયા બધા હજુ શોધખોળ શરુ હતુ. મમ્મી રડતા હતા. પપ્પા નિરાશ થઇને બેઠા હતા. રોહનનો હાલ પણ કઇક એવો જ હતો. રડી રડીને આંખો સોજી ગઇ હતી. મનમાંથી મારી ચેલેન્સ સામે હાર સ્વીકારવા તૈયાર થઇ ગયો.

તેમણે કઠોર પપ્પા જ હમેશા જોયા હતા. તેની પાછળ રહેલા ઉનાળામાં વટવૃક્ષની છાયાસમો સ્નેહ આપનાર પપ્પા આજ જોયા હતા. એને દરેક વાર અપાતા ઠપકો અને એનુ મહત્વ આજ તેને સમજાઇ રહ્યુ હતુ. પપ્પાની આંખમાં આજ પહેલી વાર આંસુ પણ જોયા હતા. હવે તો રોહનને બીજો કોઇ વિકલ્પ ન હતો. રીતસર હાથપગ પણ ધ્રુજતા હતા.

રોહન સ્ટોર રૂમમાંથી બહાર નીકળી સીધો જ પપ્પાના પગમાં પડી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. બધાને અચરજ લાગ્યુ કે અચાનક જ આ ક્યાથી આવ્યો? કોઇને કઇ ખ્યાલ જ ન હતો. મમ્મી પણ નાના બાળકને પંપાળે એમ આખા શરીરે હાથ ફેરવી ચુમવા લાગી. સ્નેહથી ભેટી લીધો.ક્યા હતો મારા દિકરા? તારી વગર અમારૂ શુ થશે એ તો વિચાર કર?

આ બધુ અનુભવીને રોહન વધુને વધુ રડતો હતો.

બરાબર એ જ સમયે મે એમના ઘરમાં પ્રવેશ કર્યો અને કિધુ કે કેમ બેટા માતા પિતાના પ્રેમની પરિક્ષા લીધી એમ ને?

મને જોઇને રોહનના ઘરના સભ્યોને અચરજ લાગ્યુ. મને આવકારવાનો સમય કે સંજોગ ન હતા એ પણ સ્વભાવિક હતુ. રોહનનુ શરમથી માથુ જુકિ ગયુ હતુ. મે તેના માથા પર હાથ ફેરવીને એટલુ જ કિધુ કે હજી તારા માટે મોડુ નથી થયુ. તુ સમયસર જ છે. નાપાસ થાય તો આપઘાતનુ ક્યારેય ન વિચારતો. ઉપર વાળાએ આ જીંદગી આપી છે એ જીવવા માટે આપી છે નહિ કે મરવા માટે.ઓછા ટકા આવ્યા એનુ મતલબ એ નથી કે આપઘાત કરવો. તુ માત્ર ભણવામાં નબળો છે એટલે જીંદગીમાં નબળો નથી. તારી મંજીલ સુધી પહોચવા તારો આ રસ્તો બરાબર નથી એમ સમજીને બીજો રસ્તો પકડી જ શકાય છે.શુ આ પાંચ રૂપિયાનો એક કાગળ નક્કિ કરશે કે તુ જીંદગી જીવવા લાયક છે કે કેમ? ના રોહન ના પરિક્ષામાં પરિણામ માટે આપણે જિંદગી નથી જીવવાની આપણે તો જીંદગી દ્રઢ મનોબળથી નિર્ણય લઇને અનેક સિધ્ધિઓ સુધી પહોચવાનુ છે. કમ સે કમ જે વ્યક્તિએ મોતની સામે બાથ ભીડી ગર્ભમાં નવમહિના ઉછેર કર્યો એની વિશે તો વિચારવુ પડે જે તારા માટે અશક્ય જેવુ હતુ એની લાગણી તુ આમ જ સમજી ન શક્તે એટલે જ મે તને આમ કરવા કહ્યુ.

મે રોહનના પપ્પા પાસે માફિ માંગીને સાચી વાત જણાવી. રોહનના પપ્પાએ મને કહ્યુ દોસ્ત તે મારા દિકરાને જીંદગીમાં એ પાઠ શીખવ્યો છે જે ઓક્સફોર્ડ યુનીવર્સિટી પણ શીખવી શક્તે.

મે ત્યાથી વિદાય લીધી. રોહનની આંસુ સુકાયેલ આંખોમાં પસ્તાવો અને કઇક નવુ કરવાની ધગશ સાથે માતા પિતા પ્રત્યે લાગણી હતી જે સ્પષ્ટ દેખાતી હતી.

લેખક : વિજય ખુંટ..શોર્ય..

Leave a Reply