Dr. Vishnu M. Prajapati

કમિશન

‘મલય, આમને કુર્તા બતાવી દેજે. તેમની એક સાડી કાઉન્ટર પર બિલ માટે મુકી છે. મારે બીજા કસ્ટમર છે.’ કપડાના શોરૂમમાં સેલ્સમેન પોતાના કસ્ટમરની આપલે કરતા હોય તેવી જ રીતે જૈમિને તેના એક કસ્ટમરને મલય તરફ મોકલ્યા.

પોતાના ગ્રાહકમાં વ્યસ્ત મલયે ગામડાના સાવ અભણ અને ગમાર લાગતા તે પતિ-પત્નિ તરફ જોયું તો એક ક્ષણ માટે તેને પણ અરુચિ આવી ગઇ. મલયે તેમને સામે રહેલા સોફા પર બેસવાનો ઇશારો કર્યો અને તે ચુપચાપ બેસી ગયા.

‘ગામડિયા લાગે છે સાવ…! કંઇ લેશે નહી’ને માથુ ખાશે… સિઝનમાં ટાઇમ બગાડશે.’ બાજુમાં જ ઉભેલી રાધિકા પણ છુપા કેમેરામાં તેના મોંની લકીરો પકડાઇ ન જાય એ રીતે અવળા ફરીને મલયને કહીને ચાલી ગઇ. તે હજુ દૂર હતા એટલે મલયે તેના અત્યારના ગ્રાહક તરફ જ ધ્યાન આપ્યું.

‘હા, સર તો આપ આ કુર્તો પેક કરાવી જ લો…! મેડમની કલર ચોઇસ અફલાતૂન છે અને હાલની લેટેસ્ટ ફેશનની તેમને ખૂબ સારી જાણકારી છે. તેમને લીધેલી સાડી સાથે પણ મેચ થાય છે.’ મલયની સેલ્સ સ્ટાઇલ એટલી પાવરફૂલ હતી કે કોઇપણ ગ્રાહક ત્યાંના શો રૂમના કપડા પરની પ્રાઇઝ ટેગને પણ ભૂલી જાય.

‘હા, પેક કરી જ દો…!’ સામે ઉભેલા મેડમે પોતાના વખાણ સાંભળતા ખુશ થઇને તરત જ કહી દીધું. જો કે તે ભાઇ કંઇક વિચારીને પછી બોલ્યા, ‘મને આવો એક બીજો કુર્તો મારા પપ્પા માટે પણ બતાવો.’

‘એમને ક્યાં જરૂર છે?’ બાજુમાં ઉભેલા મેડમે તરત જ તે ભાઇનો હાથ દબાવતા હળવેથી કહ્યું અને તે વાત મલયની નજરે ચઢી ગઇ.

‘કેમ મેડમ, ઘરમાં પ્રસંગ તો વડીલોથી જ શોભે’ને…! અત્યારે અમારી પાસે તદ્દન નવી વેરાઇટી આવી જ છે…!’ મલયે પેલા ભાઇ તરફ ઝોક આપીને કહ્યું.

‘હા… જરૂર બતાવ..!’ તેને તેની પત્નીનો હાથ સહેજ દૂર કરતા કહ્યું.

‘બહુ મોંઘો ન લેતા… તેમની ઉંમર હવે આવી હાઇ ફાઇ બ્રાન્ડના કપડા પહેરવાની નથી.’ તે સ્ત્રીના અવાજથી મલયે વ્યક્તિ અને વસ્તુ બન્નેની કિંમતનો ક્યાસ કાઢી લીધો હતો. આખરે એક એવરેજ કિંમતના કુર્તા પર તેમની નજર ઢળી. તેમનુ કુલ બિલ તો મોટું થયું હતુ એટલે મલયે પોતાના કમિશનની પણ મનમાં ગણતરી કરી લીધી હતી.

પેલા બન્ને હજુ સામે જ બેઠા હતા… દેખાવે સાવ લઘરવઘર, એસીવાળાં શો રૂમમાં પહેલીવાર આવ્યા હોય તેમ તે ચારેબાજુ બધુ જોઇ રહ્યા હતા. ગરીબી તથા લાચારી બન્નેના ચહેરા પર સાફ સાફ દેખાઇ રહી હતી. આખરે મલયે તેમને નજીક આવવા ઇશારો કર્યો. તે બન્ને તેમના ચંપલ શો રૂમની બહાર કાઢીને આવ્યા હતા. ગંધાતા પગ અને પરસેવાને કારણે તે બન્નેના પગની કાળી છાપ ત્યાં સફેદ ફર્શ પર પડી ગઇ હતી.

‘બે ઝબ્બા લેવાના શી, ઇક ઇમના હાટુ ને ઇક બાપુ હાટુ…!’ પેલી સ્ત્રીએ વાતની શરૂઆત કરી.

મલયે સાઇઝ પૂછી અને ઝડપથી તેમને શોભે એવા કુર્તા બતાવ્યા… જો કે તે સ્ત્રી સહેજ ભણેલી હોય એવુ લાગ્યું… તે કુર્તો જુએ એટલે તરત તેના પર લખેલી કિંમત જુએ અને તે કુર્તાના રંગરૂપ જોયા વિના બાજુમાં મુકી દે. મલયને સમજાઇ ગયું કે શહેરનો સૌથી મોંઘો અને હાઇ બ્રાન્ડનો આ શો રૂમ તેમને પરવડે એમ નથી અને પોતાને વધારે કમિશન મળે તેમ પણ નથી.

‘ઇમ કરો તમે આ લઇ લો… પૈણવા આઇવા તા તંઇ તમારા ભાઇબંધનો આ જ રંગનો ઝબ્બો પેરીને આઇવા તા… બહુ સરસ લાગતા તા…!’ તેને તેની ગામડાંની ખૂબ નિર્દોષ ભાષામાં કહ્યું અને મલયને તેની ચોઇસ કરવાની છટા જોઇને મજા આવી.

પેલાએ તો ફક્ત તેનો જમણો હાથ ઉપર કરી પહેલી આંગળી અને અંગુઠો ફરકાવી ઇશારાથી કિંમત જ પુછી. તે સ્ત્રીએ તેની નજીક જઇને તેની કિંમત કહેતા તેના ચહેરાની રેખાઓ તંગ થઇ ગઇ હતી.

‘હવે બીજો ઝબ્બો, ઇમના બાપુ હાટુ બતાવજો…ઇમની જ સાઇઝ શે…!’ તે ભલે અભણ હતી પણ તેની બોલી ગમે તેવી હતી.

‘બાપુજી મોટી ઉંમરના છે એટલે આનાથી થોડો સસ્તો બતાઉં…?’ મલયે તેના અનુભવે બોલી નાખ્યું તો ખરુ પણ ત્યાં પેલી સ્ત્રીએ તરત જ કહ્યું, ‘ના, લગીરેય સસ્તો નહી… ભાણીજડાના લગન શે… અમારા બાપુનો વટ પડવો જોઇએ. બાપના લુગડાં કરતા દિકરાના લુગડા મોંઘા થોડા હોય…?’ તેને જે રીતે કહ્યું તે સાંભળીને મલય છક થઇ ગયો.

મલય ખરેખર પહેલીવાર એક અનોખો જ અનુભવ કરી રહ્યો હતો. પેલી સ્ત્રીએ એક બીજો કુર્તો પસંદ કર્યો. પેલાએ તો ફક્ત તેમાં હા જ કહેવાની હતી. તેને ફરી હાથ ઉપર કરી પૈસા પુછ્યા. તેની આંખોમાં બન્નેની કિંમતના થતા સરવાળા સાફસાફ દેખાઇ રહ્યા હતા.

તે થોડે દૂર ગયો અને તેની પત્નીને નજીક બોલાવી કહ્યું, ‘તઇણના એટલા બધા થાય…! મારો ઝબ્બો મેલ, મારે નહી લેવો. તારી હાડી અને બાપુનો ઝબ્બો બરોબર શે.’ મલયની નજર ભલે તેમની તરફ નહોતી પણ કાન તો તેમની તરફ જ હતા.

‘ઇમ થોડું હાલે…! હું પેલી ભગલીએ આપેલી હાડી પેરી લઇશ… હઉ ભેગા થશે તો તમારી હામુ જોશે… બાપુ હામે જોશે… ને તમેય કેટલા વરહથી નવા લુગડા નથી લીધા અને બાપુને પણ આપણ જીવતે જીવત ફાટેલા લુગડા થોડા પેરવા દઇએ ઇમા તો આપણી લાજ જાય…!’ તેમની વાત પરથી મલયને સમજાઇ ગયું કે તે સાવ ભોટ કે ગમાર નહોતા. તેમની સમજણ તેના અનેક સ્માર્ટ ગ્રાહકો કરતા અનેકગણી સમજણી હતી.

‘કેટલા વરહથી તે એકેય નવી હાડી નહી લીધી… તુ લઇલે મારે હાલશે.’ બન્ને વચ્ચે થોડી રકઝક થઇ.

મલયથી હવે વધુ રાહ જોવાય એમ નહોતુ એટલે તે બોલ્યો, ‘તો બન્ને ઝભ્ભા પેક કરાવી દઉં છું.’

તે કોઇ નિર્ણય લે તે પહેલા તે બહેને ઉતાવળથી કહ્યું, ‘તમે કમિશન તો આલશો’ને…?’

‘કમિશન…?’ મલયને આ શબ્દ સાંભળતા અંદર ગણતરી કરેલા કમિશનના આંકડાઓ ખૂંચવા લાગ્યા. આજ દિવસ સુધી મલયને આ કમિશન શબ્દ સુંવાળો લાગતો હતો પણ અત્યારે કેમ જાણે તે કાંટાની જેમ ખૂંચ્યો.

‘તમે ભાવ ઓશો કરો ઇ… તહેવારે તો સંધાય શો રૂમવાળા કમિશન આલે શે…!’ પેલી સ્ત્રીએ ફોડ પાડ્યો તો મલયને ટાઢક વળી.

‘તેને ડિસ્કાઉન્ટ કહેવાય… કમિશન નહી અને આ શો રૂમમાં ફિક્સ રેટ જ છે.’ મલયે તેમને સમજાવતા કહ્યું.

‘હા તો ઇ ફિસ્ક રેટ આલો…! પણ ઓશુ કરો…!’ પેલીએ સહજભાવે કહ્યું.

‘ફિક્સ રેટમાં ઓછું ન થાય….!’ મલયે તેનું હાસ્ય દબાવી બિલ કાઉન્ટર તરફ ચાલતો થયો.

તે બન્ને મલયની પાછળ પાછળ ફક્ત બે કુર્તા જ લેવા છે તે આખરી નિર્ણય કરીને આવી ગયા. મલય તેમની મજબૂરી સારી રીતે સમજી ચુક્યો હતો એટલે તે બન્ને કુર્તા પેક કરી આપ્યાં અને સાડી બાજુમાં મુકી દીધી. મલયની આંખો થોડીવાર સુધી તે સાડી પર ચોંટી ગઇ. તે ન ખરીદાયેલી સાડી તે સ્ત્રીની સમજણનું સમર્પણ હતું. તેની પ્રાઇઝ ટેગ પર નજર પડી તો તેની કિંમત તેને આજના મળેલા કમિશન જેટલી જ હતી અને તેને એકાએક વિચાર આવ્યો.

મલયે તે સાડી પેક કરી બિલ બનાવડાવી તેમની પાછળ દોડ્યો. દરવાજેથી થોડે જ દૂર ગયેલા તેમને ઉભા રાખી સાડી આપતા કહ્યું, ‘એક મિનિટ, ઉભા રહો…! અમારા શો રૂમમાં કમિશન હતું, પણ હું તમને સાચી માહિતી આપવાની ભૂલી ગયો હતો. તમારા બે કુર્તા સાથે આ સાડી ફ્રી છે.’

તે સાડી હાથમાં લેતાં જ તેમના ચહેરા પર ઉઠેલી બે ઘડીની ખુશીનો ચળકાટ મલયને અનોખી જ ખુશી આપતો ગયો.

પેલી સ્ત્રીએ મલયને કહ્યું, ‘મને હતુ જ કે આવી મોટી દુકાનોમાં કમિશન હોય શે જ…! પણ અમને ભોળાં હમજી નહી જ કે’તા હોય…! આ તો હારુ થ્યું કે તમારો આતમ જાગ્યો, નકર તો અમને લુંટી જ લ્યો’ને…!’ તેની ભાષા અને હૃદય અત્યારે પણ સાવ નિર્દોષ જ હતુ એટલે મલય ફક્ત હસીને પાછો વળી ગયો.

*******

લેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

1 reply »

Leave a Reply