(લગાગા×4)
લખ્યું ના લલાટે તમે ત્યાગશો ક્યાં?
નસીબે મળ્યું ના હવે માગશો ક્યાં?
બધી આ છે માયા હવે જિંદગીની,
કરી દૂર જંજાળ ને ભાગશો કયાં?
સુરીલા મળે ક્યાં હવે રાગ એકે!
બની ઢોલ આંગણ તમે વાગશો કયાં?
સમયની થપાટો હસીને કહે છે,
ટકોરા તપાસી તમે તાગશો ક્યાં!
હ્રદયને દુખાવ્યું દિવસભર સતાવી,
નસીબે ના નિંદર તમે જાગશો ક્યાં!
નકામી બની છે આ કાયા હવે તો,
કુસુમથી મહેકી સરસ લાગશો ક્યાં!
ના સૂરજ, હવા કે નથી સંગ ધરતી,
બની ફૂલ ફાગણ તમે ફાગશો ક્યાં!
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat