SHORT STORIES / लघु-कथाए

સંબંધો લોહીનાં – લાગણીનાં

પ્રસ્તુત કર્તા : ઉર્વી હરિયાણી

સારાંશ :

દરેક સંબંધ હળવાશ માંગે છે. ભારરૂપ કે બેડીરૂપ લાગતો કોઈ સંબંધ લાબું ટકે નહીં. ભલે પછી તે સંબંધ લોહીનો કેમ ન હોય !!!

*******

સજળ આંખોએ જયેશ શ્વેત ચાદરમાં લપેટાયેલી ધરાને કંઈક સ્નેહસભર તો કંઈક અનુકંપિત નજરે નિહાળી ૨હ્યો. શું આ ધરા છે? મુરઝાયેલા ફૂલ જેવો ચહેરો, સુકાઈ ગયેલું શરીર – નરી ફીક્કાશ ભરી ત્વચા ! તે જરાય ઓળખાતી ન હતી.

પણ હતી તો એ એની ધરા જ ! કોઈક નજીક આવી ઊભું છે, એવો અહેસાસ થતાં ધરાની આંખો ખુલી. પ્રથમ ડૉક્ટરને અને ત્યાર બાદ તેની બાજુમાં ઊભેલ જયેશને જોઈ ધરા લગીર ખળભળી ગઈ. ક્ષણભરની ચમક પછી તેની આંખોમાં અશ્રુઓનાં પૂર ઉમટયા .

એ જોઈ સહજપણે જયેશનાં કદમ આગળ વધી ગયા હતાં. ધરાની હથેળીને હાથમાં લઈ તેણે ઉષ્માપૂર્વક દબાવી હતી. તેની આંખો પણ ભીની બની ગઈ.

એ પળે બંનેયને એક સાથે તીવ્રપણે સહિયારો ભૂતકાળ યાદ આવી ગયો. બંનેયે ક્યારેક મીઠી પ્રણયગોષ્ઠિ કરતાં સહજીવનનાં સપનાં જોયા હતા. થોડા વરસ પહેલાં તેમનાં વડીલો દ્વારા ગોઠવાયેલી ઔપચારિક મુલાકાતમાં તેઓ પહેલીવાર એકમેકને મળ્યાં હતાં અને પસંદ કર્યા હતાં.

બંનેનાં વડીલોએ રાજીખુશીથી દબદબાભર્યો સગાઈ સમારંભ યોજેલો. જયેશ અમદાવાદ વસતો હતો. જયારે ધરા સુરેન્દ્રનગરની હતી. છ મહિના બાદ લગ્ન નક્કી કરવામાં આવ્યાં હતાં. દેવદિવાળી પછીનાં આવતા કારતક મહિનામાં બંનેયનાં લગ્ન લેવાયાં હતાં.

આમ તો જયેશનાં દાદીની તબિયત નરમ – ગરમ રહેતી હોઈ તેમની ઈચ્છા ‘ ચટ મંગની પટ બ્યાહ ‘ ની હતી. જયેશના ઘરમાં દાદીનું ખાસ સ્થાન હતું અને એટલું જ માન હતું.

નાની ઉંમરે આવેલ કઠોર વૈધવ્ય વેઠી એમણે જયેશનાં પિતા કંચનરાયને પેટે પાટા બાંધી ભણાવેલા . સિવિલ એન્જિનિયર બનેલા કંચનરાયની મહેનત અને લગનથી કંચન કન્સ્ટ્રકશન કંપની બરાબર ધમધમતી હતી. જયેશ પણ સિવિલ એન્જિનિયર બની તેમનાં ધંધામાં જોડાઈ ગયેલો.

પચીસેક વર્ષના જયેશને પરણવાની એટલી બધી કંઈ ઉતાવળ ન હતી. પણ દાદીની ઇચ્છાને માન આપવા, તેમને ખુશ જોવા તેણે લગ્ન વહેલાં કરી લેવાની તૈયારી બતાવી હતી .

અલબત્ત, હવે સગાઈ બાદ તેને ધરા ખૂબ ગમી ગઈ હતી. એ સાંગોપાંગ તેના અસ્તિત્વમાં ભળી ગઈ હતી જાણે. હવે જયેશ પણ તેનાં દાદી શાન્તાબા જેટલો જ ધરાને તેનાં ઘરમાં હરતી – ફરતી જોવા ઉત્સુક બની ગયેલો.

બંનેય પક્ષને મેળવનાર મધ્યસ્થ વ્યક્તિ જયેશના ફુઆ હતા. ધરાના પિતા મોહનલાલ તેમનાં નજદીકી મિત્ર હતા. સગાઈ વિધિ દરમિયાન ફોઈ – ફુઆએ દાદીની ઉંમર – પરિસ્થિતિ અને તેમની વહેલાં લગ્નની ઇચ્છા જણાવેલ.

જવાબમાં ધરાના પિતાએ જણાવેલ કે ધરાનાં ત્રણ મામા વિદેશ વસે છે. ધરા તેમની એક માત્ર ભાણેજ દીકરી હોઈ બધાને તેનાં લગ્નની હોંશ છે. એ બધા દિવાળી પછી આવશે. આથી લગ્ન તો કારતક પહેલાં અનુકૂળ નહી આવે.

આ વાતથી બધાનાં મન સહેજ ઊંચાં થયેલ તો થોડાક કચવાયા પણ ખરા. પરંતુ શાંતાબાએ ખુદ વાત વાળી લીધી હતી, ‘ ભલે , કાંઈ વાંધો નહીં.વેવાઈને એક માત્ર દીકરી છે. એનેય એની રીતે દીકરી પરણાવવાની હોંશ હોય ને ! આપણે તેમને પૂરતો સમય આપવો જોઈએ. વૈશાખ તો ઉતરવા આવ્યો. આટલી રાહ જોઈ છે તો ભેગા ભેગા – બીજા છ મહિના વધારે. ‘

બે હાર્ટ એટેક ખમી ખાધેલા, ઊંચા બ્લડ પ્રેશરથી પીડાતા પંચોત્તેર વર્ષીય શાન્તાબાનાં હકારાત્મક અભિગમથી બેય પક્ષનાં મોભીઓ વચ્ચે વિવાદ ઊભા થતા પહેલાં જ શમી ગયેલો.

*******

બેય પક્ષે વધુ વિવાદ વિના દિવાળી પછીથી લગ્ન લેવા એકમત થઈ શક્યા એટલે અનસૂયાબેનનો શ્વાસ હેઠે બેઠો. અનસૂયાબેન એટલે કે ધરાનાં મમ્મી !

એ તેમનાં પતિ મોહનલાલનાં અટંકી સ્વભાવથી ગભરાતા. પોતાને થોડી ઘણી કે સહેજ પણ સ્પર્શતી હોય તેવી બાબતમાં તેઓ હંમેશાં પોતાને અનુકુળ હોય એ રીતે ધાર્યુ કરવાનો આગ્રહ રાખતા અને કરાવતા. બીજાને અનુકૂળ થવાનું તેમના સ્વભાવમાં સહેજ પણ ન હતું. એમાંય ખાસ તો વ્યવહારિક બાબતોમાં તેમને આડા ફાટવાની આદત હતી કે શોખ હતો એ તો રામ જાણે !

અનસૂયાબેનને એમનો એવો વરવો અનુભવ કંઈ કેટલીય વાર સારી પેઠે થઈ ચૂકેલો. છોકરાઓ નાના હતા અને ભણતા હતા ત્યારે તેમનાં સૌથી નાના ભાઈનું પોષ મહિનામાં લગ્ન લેવાયેલું.

તેમનાં પિયરનો આ છેલ્લો પ્રસંગ હતો. સાળાનાં પોષ મહિનામાં લેવાયેલા લગ્ન સામે મોહનભાઈએ બાળકોની સ્કૂલ બગડે એમ જણાવતા લગ્ન વેકેશનમાં એટલે કે ચૈત્ર – વૈશાખમાં લેવાં એમ આગ્રહ રાખેલ. પણ કોઈ કારણસર એ તેમ બને તેમ ન હતું.

અટંકી મોહનલાલ વંકાયા હતા. લગ્ન પૂરતી એક દિવસ માટે પણ તેમણે હાજરી આપી ન હતી. પોતે તો ઠીક, બાળકો પણ ઠીક – પરંતુ તેમણે અનસૂયાબેન સુદ્ધાંને ભાઈના લગ્નમાં જવા ન દીધેલાં. ગરીબ પિતાનાં પુત્રી અનસૂયાબેન ફક્ત આંસુ સારીને રહી ગયેલાં.

બીજું એ કરે પણ શું ? ભાઈનું બંધાતુ ઘર જોવા જવાનો લ્હાવો લેવા જતા એમનું ઘર નંદવાતુ હતું. એ તેમને પરવડે તેમ ન હતું.

બીજી વાર તેમના ખુદના મોટા પુત્રના લગ્નમાં નજીવી બાબતમાં વાંકુ પડતાં ચાલુ ફેરાએ મોહનલાલે લગ્નમંડપ છોડી ચાલવા માંડેલું. વાતાવરણમાં સોંપો પડી ગયેલો. પરંતુ, પિતાને સારી રીતે ઓળખતા પુત્ર ધૈવતે ખુદ દરમિયાનગીરી કરી એમ કહી પ્રસંગ સાચવી લીધેલો કે પપ્પાને તો પછી પણ મનાવી લેવાશે. અત્યારે મુહૂર્ત સાચવી ફેરા પૂરા કરાવી દો .

એ વાતની સજારૂપે મોહનલાલે લગ્ન પછી વરધોડિયાને ન તો આંગણે પોંખવા દીધેલાં કે ન ઘરમાં પ્રવેશવા દીધેલાં. પડોશમાં તેમને લઈ જઈ અનસૂયાબેને પોંખવા પડેલા.

ધૈવત અને તેની પત્નીને આ રીતે લગ્નના પહેલા દિવસથી અલગ ધરે જઈ સંસાર માંડવો પડેલ. ધૈવત પુત્ર હતો જ્યારે ધરા પુત્રી હતી. ધૈવતે બાપની સામે ટક્કર ઝીલી બતાવી હતી. તે છેલ્લાં પાંચ વર્ષથી ઘરથી અલગ રહેવા છતાં સારી રીતે પ્રગતિ કરી રહેલો.

ધરા સંસ્કારી અને સુંદર હતી. અનસૂયાબેનનાં ત્રણ સંતાનોમાં ધૈવત – ધરા અનુયાબેન પર ગયા હતાં જ્યારે સૌથી નાનો રોહન મોહનલાલ પર ઊતર્યો હતો.

જયેશના ફુઆ અને મોહનલાલ મિત્રો હત. એથી એ ધરાને સ્વભાવે – જોયે સારી રીતે ઓળખતાં. જયેશના ફુઆને ધરા, જયેશ અને તેના કુટુંબ માટે યોગ્ય લાગી હતી.

અનસૂયાબેનનો માયાળુ સ્વભાવ, ધરાની સંસ્કારિતા અને મોહનલાલ સાથેની મિત્રતાને ધ્યાનમાં રાખતાં તેમણે મોહનલાલના આવા વિચિત્ર સ્વભાવને નજરઅંદાજ કરી દીધેલ.

દુર્દૈવ એટલે શું ? એ તો ધરાને પૂછો તો ખબર પડે. નિર્દોષ ધરા પર વીજળીની જેમ મોટી આફત ત્રાટકેલી. રોગિયલ ભાદરવા મહિનાના ચાર – પાંચ દિવસના અજાણ્યા તાવે અનસૂયાબેનને ભરડામાં લીધેલ. એ ત્રાટકેલ તાવ અનસૂયાબેનનો જીવ લઈને ગયો. ટૂંકી બીમારીમાં લાંબી વાટે ચાલી નીકળેલ માતાના આવા અચાનક મૃત્યુથી ધરા દિગ્મૂઢ બની ગઈ. ધરાની જીવનનૌકાને કિનારે લાંગર્યા વગર તેને ભર સંસારસાગરમાં એકલી મૂકી અનસૂયાબેન બિચારા તેનાં લગ્ન જોવાની અધૂરી આરત સાથે કાયમ માટે પોઢી ગયા હતા. એમની સાથે જાણે ધરાનું નસીબેય પોઢી ગયેલું.

મોહનલાલની ગૃહસ્થી જળવાઈ રહે તે માટે સગાં – સ્નેહીઓએ એમને મોટા પુત્ર – પુત્રવધૂને તેડાવી લેવા સલાહ આપેલ. મોહનલાલે તે માટે ઘસીને ના પાડી દીધેલ. તેમના મતે તેમની ઈચ્છા પ્રમાણે છેડો ન ફાડનાર ધૈવત સાસરીઘેલો હતો.

ધરાનું સગપણ નક્કી થઈ ચૂકેલું હતું. તેને પરણાવીને વિદાય કરવાની હતી તે નિશ્ચિત હતું. બબ્બે સ્ત્રીઓની સહિયારી મહેનતથી સુપેરે ચાલતી તેમની ગૃહસ્થી હવે ધરાની વિદાયથી તદ્દન ખોટકાઈ પડે તેમ હતી.

મોહનલાલની બીજી એક નબળી બાજુ એ હતી કે તેઓ સ્વાદના ખૂબ રસિયા અને ચોક્કસ હતા. એટલી હદ સુધી કે રસોઈની થોડીક માત્ર કચાશને લીધે અનસૂયાબેને લગ્નજીવનની શરૂઆતમાં પતિના પ્રેમને બદલે ગરમ રસોઈ ભરેલી થાળી અને ઉકળતી દાળના વાટકાના ઘા ખમ્યા હતા. કાળક્રમે તે મોહનલાલની પસંદગીની રસોઈ શીખી ગયેલાં અને ગૃહસ્થીમાં કંઇક ઠર્યા હતા.

આવા અનસૂયાબેનનાં હાથ નીચે ધરા પૂરી તાલીમ પામી હતી. મોહનલાલ સ્વચ્છતાના પણ એટલા આગ્રહી ! જરાક અમસ્તી ક્યાંય ધૂળ દેખાય તો તે ઘરનાંની ધૂળ કાઢી નાંખે. તેથી હવે આવા સમયે ધરા સાસરવાસી થાય તો મોહનલાલ બરાબર હેરાન થાય એ ચોક્કસ હતું .

ઘણું વિચારતા, આ સમસ્યાના ઉકેલ માટે ત્રીજા નંબરના ત્રેવીસ વર્ષીય પુત્ર રોહન પર તેમની નજર ઠરી હતી. તેઓ વિચારી રહ્યા હાલ પૂરતા ધરાનાં લગ્ન મુલત્વી રાખી રોહનનાં લગ્ન કરી નાંખવા. રોહનની વહુને ધરા ઘરની બધી રીતભાત, રિવાજ , ગતિવિધિ – ૨સોઈ , સફાઈની છ આઠ મહિના ટ્રેનિંગ આપી તૈયાર કરી દે તો તેમની સમસ્યા ઉકલી જાય. મોહનલાલના દિમાગમાં આ વિચાર અને યોજના જડબેસલાક બેસી ગયેલાં.

*******

બીજી તરફ જયેશ અને તેનાં કુટુંબીઓ કારતક માસની આતુરતાથી રાહ જોઈ રહેલ. મોહનલાલનાં સગાઈ સમયે કહ્યાં પ્રમાણે તેમને આપેલ વાયદા પ્રમાણે છ મહિંનાનો સમય તેમણે જેમ – તેમ કરી કાઢી નાખ્યો હતો. હવે ત્યાં બધાને લગ્નની ઉતાવળ હતી. ખાસ તો શાન્તાબા અસ્વસ્થ હતા.

કસમયનાં અનસૂયાબેન જેવી વેવાણના અચાનક મૃત્યે શાન્તાબાને વધુ અસ્વસ્થ કરી દીધેલાં. ન ઇચ્છવા છતાં તેમને વિચાર આવી જતો કે કડે – ધડે હરતી ફરતી વ્યક્તિ પણ જો અચાનક સાધારણ માંદગીમાં પચાસ વર્ષે દુનિયા છોડી દેતી હોય તો હું તો પંચોત્તર વર્ષ વટી ગયેલ એક ખર્યુ પાન ગણાઉં. મારો શો ભરોસો ?

સગાઈ પછી ધરા બે વાર અમદાવાદ આવી ગઈ હતી. બા . . બા . . કહેતાં , તેમની આસપાસ હરતાં – ફરતાં તેણે શાન્તાબાનું મન જીતી લીધું હતું.

જયેશ તેની સાથે ઉઠતાં – બેસતાં, હસતાં – બોલતાં – છેડતાં, ચીડવતો રહેતો કે મારા જેવો કૃષ્ણકનૈયા જેવો છેલછબીલો તને શાન્તાબાને લીધે મળ્યો છે. બાની ઈચ્છા ન હોત તો હું હજી બીજા ત્રણ ચાર વર્ષ – પરણવાનો નહોતો. એવું થાત તો તું પરણીને બીજા કોઈનાં છોકરાંની મા બની જાત. બાની ઉતાવળને લીધે તારો નંબર લાગ્યો છે. તેથી તું ગમે તેટલું બા…. બા….. કહે કે પછી ગમે એટલી તેમની સેવા કરે – બધુ ઓછું જ પડશે .

જવાબમાં ધરા કંઈ બોલતી નહીં. ચીડાતી નહી. બસ, મીઠું મલકી જતી.

અલબત્ત, જયેશની વાત સાચી હતી. પચીસ પૂરાં કરી છવીસમા વર્ષમાં પ્રવેશેલા જયેશ માટે પસંદગીનું પરિઘ ઘણું મોટું હતું. તેને તો તેનાથી ત્રણ – પાંચ વર્ષ નાની યુવતીઓનો પણ બાધ ન હતો. પરંતુ તેની જ ઉંમરની ધરા માટે પસંદગીનું પરિઘ ઘણું સીમિત બની ગયેલું .

ધરાને છવ્વીસમું બેઠું એની સાથે અનસુયાબેનનો ફફડાટ વધી ગયેલો. છવ્વીસથી અઠ્ઠાવીસ વર્ષીય છોકરાઓના સીમિત દાયરામાંથી ધરા માટે યોગ્ય પાત્ર શોધવું તેમના માટે કઠીન બની ગયેલું. એમાંય નાતમાં અટંકી તરીકે વગોવાઈ ગયેલ મોહનલાલને આંગણે કોઈ સામે ચડીને ધરાનો હાથ માંગે જ ક્યાંથી ?

પણ ધરાનું નસીબ જોર કરતું હશે કે જયેશના ફુઆ સામેથી વાત લઈને આવ્યા અને તે જયેશને અને તેનાં કુટુંબીઓ બધાને ગમી ગઈ.

*******

જયેશના ફુઆ ધૂંઘવાઈ ઊઠેલા. મોહનલાલ તેમની વાત સમજવા કે સાંભળવા તૈયાર ન હતા. તેમણે એક જ પૂંછડું પકડી રાખ્યું હતું કે, ‘ બસ, ધરાનાં લગ્ન હું હમણાં ન કરી શકું. એનાં વગર મને અને રોહનને તકલીફ પડે. વરસ – બે વર્ષમાં રોહનને યોગ્ય પાત્ર મળી જાય અને તેનાં લગ્ન થઈ જાય પછી વાત! તમારા સાળાને કહો કે અમારી પરિસ્થિતિ સમજે અને ખોટી ઉતાવળ ન કરે. ‘

‘ કદાચ , ધરાનાં લગ્ન પછી અનસૂયાબેન ગયા હોત તો ? ‘ ફુઆની એવી રજૂઆતને પણ તેઓએ દાદ ન આપી હતી.

ઊલટું એ તો બગડ્યાં હતાં ‘ જુઓ ભાઈ, મને ‘ જો ’ અને ‘ તો ‘ ની વાતમાં જરાય રસ નથી. હું તો વાસ્તવિકતામાં માનનારો અને જીવનારો છું. રહી વાત તમારા સાસુની બીમારીની ! તો એમાં શું ? એ લગ્ન જોઈને જાય તોય શું અને ન જોઈ શકે તોય શું ! જ્યારે ધરાની ખુદની જ મા આ લગ્ન જોવા હયાત નથી રહી ત્યાં એમનું શું વિચારવાનું ! મોતનુંય વળી શું ઠેકાણું ? ઘણા કેસ મેં એવા જોયા છે કે પથારીમાં વર્ષો કાઢી નાંખ્યા છે. માજીએ પંચોત્તેર કાઢયાં છે તો બીજાં બે -ત્રણ નહીં કાઢે ? ધરા વગર એમને કોઈ તકલીફ પડે છે ? ધરા વગર ખરી તકલીફ અમને પડે. વહેલાં લગ્નની તેમની મમત ખોટી છે . ઘરડું માણસ બીજું બાળક કહેવાય. એમ કાંઈ એમની જીદ થોડી સંતોષાવાય ? ‘

ફુઆજી સમસમી ગયા. પોતાનાં સૌમ્ય – સંસ્કારી સાસુ શાન્તાબા માટે બોલાયેલા શબ્દો તે સહી શક્યા નહીં. તે ઊગ્ર બન્યાં ‘ જુઓ , મોહનલાલ ! આમ ખાંડ ખાશો તો રહી જશો. જયેશ માટે એક એકથી ચઢિયાતાં ઠેકાણાં હતાં અને હજીય છે. આ તો અનસૂયાબેનનો સોના જેવો સ્વભાવ , આપણી મિત્રતા અને મને દીકરી ધરા ગમતી હતી. તેથી મારી અંગત ભલામણ અને લેવાયેલા રસથી આ સંબંધ થયો છે. તમારા અટંકીવેડાથી આ સંબંધ તૂટે તો મને દોષ ન દેતા. ‘

આવો ડારો અટંકી મોહનલાલ શી રીતે સાંખી શકે ?

‘ ધરા મારી દીકરી છે અને મારે જ્યારે એનાં લગ્ન કરવા હશે ત્યારે કરીશ . સગપણ તૂટવાનો ડર કેમ દેખાડો છો ? એમ તો મારી દીકરી કાંઈ રેઢી નથી પડી રસ્તામાં ! વર્ષ નહીં , જાવ બે – વર્ષ પછી એનાં લગ્ન કરીશ .અને એય તે તમારા કરતાંય સવાયું ઠેકાણું શોધીને ! કંકોત્રીય મોકલાવીશ. જોઈ જજો આવીને . . .’

જયેશના ફુઆ સ્તબ્ધ બની ગયા . વર્ષોના સંબંધની કિંમત મોહનલાલે આજે કોડીની કરી નાંખી હતી . સંબંધની સાથે દીકરીની જિંદગીની કિંમત પણ તેઓ કોડીની કરી રહ્યા હતા. એ મોહનલાલ તેમની સ્વાર્થાધંતા અને અટંકીપણામાં જોઇ રહ્યા હોવા છતાં જોવા નહોતા ઇચ્છતા. એક કાયમી સુંદર સંબંધ બંધાતા પહેલાં જ તૂટી ગયો હતો.

*******

ચોટ ખાધેલા ફુઆએ જયેશ માટે બીજું ઠેકાણું તાબડતોબ શોધી નાંખ્યું . અલબત્ત , જયેશ એ રીતે તૈયાર ન હતો. પરંતુ ધરાને મળવાના તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયેલા. બીજું એ સમજ્યો હતો કે ધરા તેના પિતાની મરજી ઉપરવટ નહીં જઈ શકે.

મોહનલાલે થોડા સમય પૂરતું ઘરમાંથી ફોન કનેક્શન કઢાવી નાંખેલ. ધરાનો મોબાઈલ પણ લઈ લીધેલ. જેથી ધરાને તેના સાસરેથી કે કોઈ અન્ય સગાં સ્નેહીઓનો ફોન ન આવે. કોઈની ચઢવણી – સલાહ શિખામણનો અવકાશ ન રહે.

જયેશ અને સંધ્યાનાં લગ્નની ખબર પડતાં ધરા ખૂબ ૨ડી હતી. જયેશ માટે તેના મનમાં કોઈ કડવાશ ન હતી. તે સારી રીતે સમજતી હતી કે પરિસ્થિતિ બંનેયના માટે કાબૂ બહાર જતી રહી હતી.

ન પિતાને – ન જયેશને કે ને ન તેનાં સગાં – સ્નેહીઓ કોઈ કહેતાં કોઈને દોષ ન આપતાં માયૂસ ધરાએ પોતાના કિસ્મત પર પોતાની ખૂબ વ્હાલી એવી સદ્દગત મમ્મી અનસૂયાબેનને સંભારી રડી લીધું હતું.

વરસ એકમાં મોહનલાલે ધાર્યા પ્રમાણે રોહનનાં લગ્ન ઉકેલી નાંખેલ. રોહનની પત્ની તોષાને ધરાએ ગૃહસ્થી શીખવવાની શરૂઆત કરેલી. જેમ જેમ તોષા પોતાની ગૃહસ્થી પર પકડ મેળવતી ગઈ તેમ તેમ તેને ધરાની હાજરી ખૂંચવા લાગી.

મોહનલાલ હવે ધરા માટે ઠેકાણું શોધવા પ્રવૃત્ત થયા. ધરા અઠ્ઠાવીસ વર્ષની થઈ ચૂકી હતી. મોહનલાલને હવે સમજાઈ રહ્યું હતું કે વયસ્ક કન્યા માટે એક સારો અને યોગ્ય મૂરતિયો શોધવો એ કેટલું અઘરું કાર્ય છે !

આનંદ – ઉત્સાહ – ઉલ્લાસ ગુમાવી ચૂકેલી ધરા નિસ્તેજ લાગતી. એમાંય એક વાર સગપણ તૂટ્યાની વાત પ્રકાશમાં આવતાં પાછળથી સામા પક્ષેથી નકારમાં જવાબ આવતો.

હવે તો સામેવાળાની ‘ ના ’ આવશે એવા ડરથી ધરા ખુદ લગ્ન કરવાની ના પાડવા લાગી હતી. એ તેનાં લગ્નની વાતને રોળીટોળી નાંખવા લાગી. એની ભાભી તોષા માટે એ બિલકુલ ગમતી વાત ન હતી. ધરા તરફ તેની ઉપેક્ષા તીવ્ર બની રહી.

રોહન ઘણા ખરા અંશે મોહનલાલની બીજી પ્રતિકૃતિ હતો. ચોખ્ખાઈ- સ્વાદ – સમયનો આગ્રહી હતો. પરિણામે વારંવાર બાપ – દીકરો તોષાની સરખામણી ધરા સાથે કરી તેને એ પ્રમાણે વર્તવાની સલાહ દીધે રાખતા.

તેથી તોષા ઑર ધુંધવાતી. બાપ – દીકરાના ગયા બાદ તોષાનો ધૂંધવાટ ધરા તરફ ફંટાતો. ધરા માટે જિંદગી વખ જેવી બની રહેલી. ભાઈની જોહુકમભરી આડોડાઈ, પિતાની અકડાઈ અને ભાભીની અકોણાઇથી. ધરા ત્રાસી ઊઠી.

*******

સંધ્યા સાથે જયેશનું લગ્નજીવન સુખદ નહોતુ નીવડ્યું. અલબત્ત, શાન્તાબાની મરતા પહેલાં જયેશનાં લગ્ન જોવાની ઇચ્છા જરૂર પૂરી થયેલી.

સંધ્યાની વારેવારે રિસાઈ જવાની આદતને લીધે જયેશ ત્રાહિમામ્ થઈ ગયેલો. હાલતા – ચાલતાં, બધાંને છેડતા રહેતા જયેશનો સ્વભાવ મશ્કરો હતો. જ્યારે અસહિષ્ણુ સંધ્યાને સહજ અમસ્તી મજાકથી પણ ખોટું લાગી જતું. એને જોઈતી વસ્તુ ન મળે કે એણે ઇચ્છયુ હોય એમ ન થાય તો પણ એ રિસાઈ જતી.

જયેશનાં લગ્નના ત્રીજા મહિને શાન્તાબા ત્રીજા હાર્ટએટેકમાં મૃત્યુ પામ્યાં હતાં. વરસ જેટલા ટૂંકા ગાળામાં સંધ્યા લગભગ ચારથી પાંચ વાર રિસાઈને પિયર જતી રહી હતી. છેલ્લી વાર એ જતી હતી ત્યારે જયેશે તેને ચોખ્ખું કહ્યું હતું કે એ તેને તેડવા નહીં આવે, છતાંય તે ઉપરવટ થઈ મોઢું ફુંગરાવી ચાલી ગયેલી.

જયેશ જ્યારે ઘણા સમય સુધી એને પાછો તેડવા ન ગયો ત્યારે તેનાં સાસુ – સસરાએ જયેશને છૂટાછેડાની ધમકી આપી નમાવવા ઇચ્છયો.

પુત્રના સખળડખળ ચાલી રહેલા લગ્નજીવનથી કંચનરાય અને ગૌરીબેન ક્ષુબ્ધ હતાં. તેઓ વિચારી રહ્યાં કે દીકરાની કુંડળીમાં એવો તો કયો ગ્રહ વંકાઈને પડ્યો છે કે તેને ઠરવા નથી દેતો. પહેલાં સંબંધ થયેલ ત્યાં સગાઈ તૂટી અને બીજા સંબંધ પછી લગ્ન થયાં, તે અત્યારે ભંગાણને આરે આવીને ઊભા છે.

*******

જયેશનાં પિતા કંચનરાય અને માતા ગૌરીબેન ઘણા વ્યવહારુ હતાં. સહેજ અમસ્તી વાત કે મમતમાં દીકરાનું લગ્નજીવન પડી ભાંગે તેમ ઈચ્છતા ન હતાં. તેથી તેમની પ્રેમભરી સમજાવટથી જયેશ ફરી એક વાર સંધ્યાને તેડવા ગયો હતો.

મીટિંગ વખતે મોં ચઢાવીને બેઠેલી સંધ્યા એક શબ્દ બોલી ન હતી. સંધ્યાનાં મા – બાપે ધડ-માથા વગરની ફરિયાદો કરી ઊભરો ઠાલવ્યો હતો. અંતે જયેશ પાસે જુદા રહેવાનું સૂચન મૂક્યું હતું. તેઓનો મત એવો હતો કે સંધ્યાને સ્વતંત્રતા મળે તો ઘણા પ્રશ્નો હલ થઈ જાય તેમ હતા.

પણ જયેશ એ સારી પેઠે સમજી ચૂકેલો કે સ્વતંત્રતાને નામે અલગ થઈ સંધ્યા સ્વચ્છંદતા આચરશે; જે એ નહીં સહી શકે. પરિણામે અત્યારે નહીં તો આગળ જતાં આ સંબંધ તૂટવાનો જ છે. મા – બાપનાં અત્યંત લાડકોડમાં ઉછરેલી સંધ્યાનો સ્વભાવ ઠરીને ગૃહસ્થીમાં પરોવાય એવો હતો નહીં. એમ વિચારતા એણે નમતું જોખેલું નહીં.

જયેશે ઘરે જઈને પરાણે તેનાં મમ્મી – પપ્પાને સંબંધ વિચ્છેદ માટે રાજી કરેલાં. મા – બાપને તો દીકરાના સુખી લગ્નજીવનની કામના હતી . તેઓએ જુદા રહેવા માટે સંમંતિ દર્શાવેલ. પણ આવા કેસમાં દીકરો જ્યારે ખુદ ઊઠીને એમ કહેતો હોય કે આવી પત્ની સાથે હું રહું એના કરતાં ન રહું એ વધુ સારું છે. તો પછી એવી વહુનાં વર્તન – વ્યવહાર નજરે જોઈને અનુભવી ચૂકેલાં મા – બાપને સંમત થયા વગર છુટકો જ ન રહે .

*******

જયેશને ધરાના બિછાના નજીક તેની સુશ્રુષા કરતાં જોયો તો તોષાની ભ્રકુટિ વંકાઈ ગઈ.

એ નાતના સગપણે જયેશને સારી રીતે ઓળખતી હતી. ઘરે જઈને એણે બાપ – દીકરા પાસે જયેશના આગમનની વાત મીઠું – મરચું ભભરાવીને કરી હતી. સ્વભાવ પ્રમાણે મોહનલાલ ધગી ગયા હતા. અત્યારે તે એ બાબત આવેશમાં આવી ભૂલી ગયા હતા કે તેમના ઘરની ઈજજતની હંમેશ ફીકર કરનાર ધરા આજે તોષાનાં કારણે હૉસ્પિટલમાં હતી.

ઘર – વ્યવહાર તો ઠીક , પરંતુ સદગત અનસૂયાબેનની બધી ચીજવસ્તુઓ – ત્યાં સુધી કે તેમની ભારે સુંદર સાડીઓ અને દાગીનાઓ પર તોષાએ સંપૂર્ણ કબજો મેળવી લીધેલ.

ધરા તેના સ્વભાવ પ્રમાણે શાંત રહેલી . પરંતુ ,એ દિવસે મોહનલાલના સૂચનથી તેને અચાનક એક સામાજિક પ્રસંગે હાજરી આપવાની થઈ હતી. તોષા ત્યારે ઘર પર ન હતી. થોડી અવઢવ પછી ધરાએ જાતે તોષાના કબાટમાંથી તેની મમ્મીની સાડી કાઢી પહેરી લીધેલ.

બસ, તોષા એ સહન નહોતી કરી શકી. એ માટે તેણે ન બોલવાના શબ્દો બોલી ધરાનું ભયંકર અપમાન કરેલ. ઝઘડો કરી તોષા તો તેના પિયર ચાલી ગયેલી. પરંતુ તે દિવસે ધરાની સહનશીલતાએ હદ વટાવી દીધેલ. દુઃખ અને અપમાનની તીવ્ર લાગણીથી પ્રેરાઈ તેણે અગ્નિસ્નાન કરેલું.

નણંદ – ભાભીના ઝઘડાથી સતર્ક એવા પાડોશીઓની દરમ્યાનગીરીથી ધરા પૂર્ણપણે ભડથું થતાં બચી ગયેલી. પાંત્રીસ – ચાલીસ ટકાની બર્ન – ઈન્જરી સાથે તે હૉસ્પિટલમાં દાખલ થયેલી.

સદભાગ્યે ડૉક્ટર જયેશનો મિત્ર હતો. તેણે આ બાબતના ખબર જયેશને આપ્યા હતા. અને જયેશથી ન રહેવાતાં તે અમદાવાદથી ધરાને મળવા દોડી આવેલો.

*******

ધગ ધગ થતા મોહનલાલ હૉસ્પિટલે પહોંચ્યા ત્યારે રૂમ ખાલી હતો. બિછાનું પણ ખાલી હતું. આવું તો તેમણે બિલકુલ ધાર્યુ ન હતું. ચકરાવે ચડી ગયેલા, ડૉક્ટરની કૅબિનમાં ધસી ગયેલાં મોહનલાલને ડૉક્ટરે એક ચિઠ્ઠી આપી હતી.

વડીલશ્રી ,

તમારી ખુશીથી અમે સગાઈગ્રંથિએ જોડાયા , પરંતુ એ જ રીતે નાખુશીથી લગ્નગ્રંથિથી ન જોડાઈ શક્યા એવાં અમે બે અભાગિયા – જે એકમેક માટે બરાબર યોગ્ય અને પૂરક હોવા છતાં એક ન થઈ શક્યાં, એમણે આજે સહજીવનનો સહિયારો નિર્ણય રાજીખુશીથી લીધો છે.

કાશ ! આ જ નિર્ણય અમે બે વર્ષ પહેલાં લઈ શક્યાં હોત તો હું દુઃખી ન હોત અને આજે ધરા હૉસ્પિટલમાં ન હોત .

ખેર ! ધરા તેની રાજીખુશીથી વધુ સારી ટ્રીટમેન્ટ માટે મારી સાથે અમદાવાદ આવી રહી છે . એ સાજી થઈ જાય ત્યારે વ્યક્તિ તરીકેનો અહમ્ અને સ્વાર્થ ભૂલીને એક પ્રેમાળ બાપ તરીકે દીકરીને પરણાવવા આવી શકો તો જરૂરથી આવજો .

બાકી ભૂલચૂક માફ કરશો .

આપના આશિર્વાદ ઝંખતા જયેશ – ધરાનાં પ્રણામ સ્વીકારશો .

મોહનલાલને તમ્મર્ ચડી ગયા હતા . એમને લાગી રહ્યું હતું કે ભર્યા સમાજ વચ્ચે તેમની દીકરી તેમને સણસણતો તમાચો ચોડી ચાલી ગઈ હતી જાણે !

રહી રહીને એમને એમની ભૂલ સમજાતી પણ હતી . એ વિચારી રહ્યાં કે ધરા કરે પણ શું ?

એમણે તો લોહીના સંબંધના હક દાવે દીકરીની લાગણીઓને સમજ્યા વગર તેમને ભારરૂપ લાગતો એનો જયેશ સાથેનો સંબંધ વધુ વિચાર્યા વગર નંદવી નાંખેલો . ભલે , એ બાપ તરીકેની ફરજમાં ઊણા ઉતર્યા હતા . પરંતુ ધરાએ તો ચૂપ રહી તેની લાગણીઓનું બલિદાન આપી સંતાનધર્મ અદા કર્યો હતો .

પણ આજે હવે પિતાના સ્વભાવથી – ઘરનાં વાતાવરણથી ત્રસ્ત બની ગયેલ ધરાને ભારરૂપ બનેલાં લોહીનાં સંબંધને કોરાણે મૂકી લાગણીનાં સંબંધને સ્વીકારવાની ફરજ પડી હતી – ખુદના અસ્તિત્વ માટે ,ખુશ રહેવા માટે અને આત્મસન્માનપૂર્વક જીવવા માટે .

ઘરે ભાંગેલા પગે જઇ રહેલાં મોહનલાલને સમજાઈ ચૂકેલું કે દરેક સંબંધ હળવાશ માંગે છે . ભારરૂપ કે બેડીરૂપ લાગતો કોઈ સંબંધ લાબું ટકે નહીં .ભલે પછી તે સંબંધ લોહીનો કેમ ન હોય !!!

***સંપૂર્ણ.***

7 replies »

  1. Very nice story. I read your blog and like it very. I also try to write shayri and poem,if u don’t mind then read my blog kutchhalfaaz.blogspot.com

Leave a Reply