Dr. Akhtar Khatri

ધીરે ધીરે

સાંજને, તારા વિના વીતવાની ફાવટ થઈ રહી છે ધીરે ધીરે,
તને છોડીને તારી યાદોથી મને ચાહત થઈ રહી છે ધીરે ધીરે.

કોઈ કહે કે તું પણ યાદ કરે છે દિલથી, હજુય ક્યારેક ક્યારેક,
આ સાંભળીને હૈયાને મારા હવે ટાઢક થઈ રહી છે ધીરે ધીરે.

એક વાદળી વરસી રહી છે અને ભીંજવી રહી, ધરતીને આજ,
ઋતુ પણ ભીની, મારી આંખની માફક થઈ રહી છે ધીરે ધીરે.

પગરવ સંભળાય હવે દરેક નાનામાં નાના અવાજ પર મને,
ભ્રમ છે કદાચ, કે મહેનત મારી સાર્થક થઈ રહી છે ધીરે ધીરે.

ભૂલી ભૂલીને યાદ કરું, યાદ કરીને ફરી ભૂલું છું તને ‘#અખ્તર’,
જીંદગી આખીય આ મારી જાણે નાહક થઈ રહી છે ધીરે ધીરે.

Leave a Reply