THINKING TIME / सोच का समंदर

એ ત્રણ વિના…

દેવ, દરિયો ને દરબાર
એ ત્રણ વિના પૈસો નહીં.
આધિ, વ્યાધિ ને ઉપાધિ
એ ત્રણ વિના દુઃખ નહીં.
જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય
એ ત્રણ વિના શાંતિ નહીં.
ઉત્પત્તિ, સ્થિતિ ને લય
એ ત્રણ વિના જગતનાં ખેલ નહીં.

સેગ, સરિયો ને પોપટો
એ ત્રણ વિના ધાન્ય નહીં.
વા, ઘા ને ઘસરકો
એ ત્રણ વિના વાજું નહીં.
અણી, ધાર ને ધબાકો
એ ત્રણ વિના હથિયાર નહીં.
ચાવવું, ચૂસવું ને સબડકો
એ ત્રણ વિના ખાવાનું નહીં.

તાવ, તામસ ને તલાટી
એ ત્રણ ગયાં વિના સારાં નહીં.
વા’ણ, વિવાહ ને વરસાદ
એ ત્રણ આવ્યાં વિના સારાં નહીં.
ખંત, મહેનત ને બુદ્ધિ
એ ત્રણ વિના વિદ્યા નહીં.
જૂઠ, કરજ ને કપટ
એ ત્રણ વિના દુઃખ નહીં.

બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ
એ ત્રણ વિના દેવ નહીં.
વાત, પિત્ત ને કફ
એ ત્રણ વિના રોગ નહીં.
આદિ, મધ્ય ને અંત
એ ત્રણ વિના નાડી નહીં.
જય, સમાધાની ને નાશ
એ ત્રણ વિના અવધિ નહીં.

ગીધ, ગધેડો ને ઘૂવડ
એ ત્રણ વિના અપશુકન નહીં.
સ્વપ્ન, ચિત્ર ને સાક્ષાત્‌
એ ત્રણ વિના દર્શન નહીં.
રજો, તમો અને સતો
એ ત્રણ વિના ગુણ નહીં.
રાગ, નાચ ને પૈસો
એ ત્રણ વિના ગરજ નહીં.

ભૂત, ભવિષ્ય ને વર્તમાન
એ ત્રણ વિના કાળ નહીં.
કુંવારી, સધવા ને વિધવા
એ ત્રણ વિના સ્ત્રી નહીં.
સંચિત, ક્રિયમાણ ને પ્રારબ્ધ
એ ત્રણ વિના ક્રિયા નહીં.
શ્વાસ, જ્ઞાન ને કામ
એ ત્રણ જીવનાં આધાર વિના નહીં.

સુખ, જિંદગી ને માન
એ ત્રણ વિના સંતોષ નહીં.
જર, જોરુ ને જમીન
એ ત્રણ વિના વઢવાડ નહીં.
અક્કલ, અમલ ને દોર દમામ
એ ત્રણ વિના કારભારુ નહીં.
વાંચવું, લખવું ને શીખવું
એ ત્રણ વિના બુદ્ધિનાં હથિયાર નહીં.

આળસ, રોગ ને સ્ત્રીની સેવા
એ ત્રણ વિના મોટાઇ જાય નહીં.
કરજ, અગ્નિ ને રોગ
એ ત્રણ વિના ખરાબી નહીં.
પૂછવું, જોવું ને દવા દેવી
એ ત્રણ વિના વૈદું નહીં.
ક્રૂરતા, કૃપણતા ને કૃતઘ્નતા
એ ત્રણ વિના મોટું કષ્ટ નહીં.

માલ, ખજાનો ને જિંદગી
એ ત્રણે રહેવાનાં નહીં.
અક્કલ, યકીન ને પ્રભુતા
એ ત્રણ પૂરતાં હોય નહીં.
વિદ્યા, કળા ને ધન
એ ત્રણ સ્વેદ વિના મળવાનાં નહીં.
દુઃખ, દરિદ્રતા ને પરઘેર રહેવું
એ ત્રણ વિના મોટું દુઃખ નહીં.

પાન, પટેલ ને પ્રધાન
ત્રણ કાચાં સારાં નહીં.
નાર, ચાર ને ચાકર
એ ત્રણ પાકાં સારાં નહીં.
ડોશી, જોષી ને વટેમાર્ગુ
એ ત્રણ વિના ફોગટિયા નહીં.
વૈદ, વેશ્યા ને વકીલ
એ ત્રણ વિના રોકડિયા નહીં.

ઘંટી, ઘાણી ને ઉઘરાણી
એ ત્રણ ફેરા ખાધાં વિના પાકે નહીં.
દુર્ગુણ, સદગુણ ને વખત
એ ત્રણ સ્થિર રહેવાનાં નહીં.
વિદ્યા, હોશિયારી ને અક્કલ
એ ત્રણ આળસું પાસે જાય નહીં.
દેવનું વચન, વિધા ને ધરમ
એ ત્રણ દરિદ્રી પાસે રહે નહીં.

1 reply »

  1. ચેતનભાઈ ” ત્રણ વિના ” બહુ જ સરસ વાત આપે લખી છે , આમાંની ઘણી મને ખબર ન હતી . આભાર .

Leave a Reply