SELF / स्वयं

કાયર

“હેલ્લો…”

“હા કોણ ? આ ફોન તો નિર્માણ નો છે, તમારી પાસે કઈ રીતે આવ્યો? નિર્માણ ક્યાં છે?”

“ધીરે મેડમ, તમારાં  સવાલોના જવાબ આપવા ફોન કર્યો છે તમને, આ ફોન જેમનો છે એનો અકસ્માત થયો છે અને લાસ્ટ ડાયલ માં તમારો નંબર હતો એટલે તમને ફોન કર્યો, તમે જલ્દી સરકારી હોસ્પિટલ એ આવો.”

“હેં !!! કેમ કરતાં ? પણ હું તો… ” નિયતિ ના શબ્દો ડૂમો બનીને ગળામાં જ અટકી ગયા.

નિર્માણ અને નિયતિ બંને મેટ્રિમોનિયલ સાઈટ પર મળ્યા હતા, બંને યુવાન, સરખી ઉંમરના અને એકજ ફિલ્ડમાં નોકરી કરતા હતા. પણ બંને ની જ્ઞાતિ અને શહેર અલગ અલગ હતા. પ્રારંભિક માહિતીની આપ-લે પછી નિર્માણ ને લાગ્યું કે એના મમ્મી જ્ઞાતિ બહાર લગન ની મંજૂરી નહિ આપે, એટલે એણે પણ નિયતિને વિના સંકોચે એ વાત કરી અને કહ્યું કે…

“મારા પપ્પા મને અને મમ્મીને મારા બચપણમાં જ મૂકીને અકસ્માતમાં મૃત્યુ પામ્યાં , મને અને મમ્મીને મામાએ સહારો આપ્યો અને મને આજે આ મુકામ પર લાવવામાં મારા મમ્મી અને મામાનો બહું મોટો ફાળો છે એટલે હું..”

“ઇટ્સ ઓકે નિર્માણ, મને તમારી આ નિખાલસતા ગમી, પણ આપણે એક સારા મિત્ર તો બની શકીયે ને ? કે પછી એમાં પણ તમારા મમ્મી અને મામાને વાંધો હશે!!!!”

“બસ હો, ટોન્ટ ના મારો “

“ટોન્ટ નથી મારતી નિર્માણ, પણ ચોખવટ કરું છું, એવું ના બને કે આપણા મિત્રતા ના સબંધ થી તમારા મમ્મીને કોઈ ઠેસ પહોંચે. કારણકે આજકાલ એક છોકરી અને છોકરાના સંબંધને બધા લફરું ગણી લે છે, કોઈ મિત્રતા તરીકે ઝટ સ્વીકારતું નથી.”

“સાચું છે, પણ મારા મમ્મી અને મામા સાવ એટલા જુનવાણી પણ નથી.”

આમ નિયતિ અને નિર્માણ ના જીવનમાં નવા સબંધ નું નિર્માણ થયું અને બંને વચ્ચે વાતચીત નો પ્રવાહ વહેતો રહ્યો, પરંતુ વિધાતાની નિયતિ કંઈક અલગ જ હતી, મિત્રતાએ ક્યારે પ્રેમી પંખીડા નું રૂપ ધારણ કરી લીધું એ બંનેમાંથી કોઈને ખબર ન પડી, બંનેનો પ્રેમ અત્યંત ગાઢ બની ગયો અને બંનેએ નક્કી કર્યુંકે નિર્માણના મમ્મીને માનવી લેશે. નિર્માણે એની જોબ નિયતિના શહેરમાં ટ્રાન્સફર કરાવી, એ વિચારીને કે નિયતિને મમ્મી મળશે અને મળતી રહેશે તો મમ્મીને પણ નિયતિ ગમવા લાગશે અને જ્ઞાતિ ભૂલી જશે, અને લગ્નની મંજૂરી આપી દેશે. આવા વિચારોમાં પોતાના સ્વપ્નોનું નિર્માણ કરતો કરતો નિર્માણ બાઈક પર જતો હતો અને એક્સીડેન્ટ થયું અને નિયતિને ફોન આવ્યો.

*****

નિર્માણને હોસ્પિટલ સમયસર પહોંચાડવામાં આવ્યો તેમાં તેનો જીવ તો બચી ગયો પણ તે કોમામાં ચાલ્યો ગયો, આ બાજુ નિયતિ પાસે પ્રાર્થના કરવા સિવાય કોઈ રસ્તો નહોતો, અને નિયતિની અવિરત પ્રાર્થના ના જોરે નિર્માણ ત્રણ મહિનાના અંતે કોમામાંથી બહાર આવ્યો અને એણે તરતજ નિયતિને ફોન કર્યો, કારણકે એને ખબર હતી કે નિયતિની હાલત શું હશે અને એની પ્રાર્થનાથીજ એ કોમામાંથી બહાર આવ્યો, નિયતિ ફોન પર ખુશીથી રડી પડી અને ભગવાનનો ખુબ આભાર માન્યો, આ બાજુ નિર્માણે પણ એના અને નિયતિના સબંધ વિષે ઘરમાં વાત કરવાંનું નક્કી કર્યું.

નસીબજોગે નિર્માણને વિદેશમાં જોબની ઓફર મળી, અને એણે નિયતિને સમજાવી કે તે ત્યાં સેટ થઇ પછી મમ્મીને ત્યાં તેડાવી લેશે અને પછી મનાવી લેશે, પણ વિધાતાએ આ વખતે પણ કંઈક અલગજ ઘડ્યું હતું તેની જાણ નિર્માણને એરપોર્ટ પર ઉતારતાં જ ખબર પડી, કોઈ મિત્રનું પાર્સલ સાથે લઇ આવવું તેને ભારી પડી ગયું અને તે પ્રતિબંધિત પાર્સલ સાથે લાવવાના આરોપસર જેલ હવાલે થઇ ગયો. મામા ની ઓળખાણ અને મહેનત, નિયતિની ફરીવાર અવિરત પ્રાર્થનાના જોરે નિર્માણ 11 મહિનાના જેલવાસ માંથી મુક્ત થઇ પાછો આવ્યો.

નિર્માણ ભાંગી પડ્યો હતો, નિયતિએ તેનામાં ફરીથી હિમ્મત અને જોશ નું સિંચન કરીને તેને નવેસર થી જીવન જીવવા પ્રેરણા આપી, સાથ આપ્યો અને બંને એ ફરીથી નક્કી કર્યુંકે હવે બંને એક થઈને જ રહેશે, સાથે જ રહેશે. પણ કહે છે ને કે, “જો તમારે ભગવાનને હસાવવા હોઈ તો તમારે તેમને તમારા ભવિષ્યનું આયોજન કહેવાનું..” 

આ વખતે પણ વિધાતાએ પોતાની કરામત બતાવી અને નિર્માણના મમ્મીનું અવસાન થઇ ગયું, નિર્માણ ફરી ભાંગી ગયો, અને આ વખતે પણ નિયતિએ તેને સાથ અને પ્રેમથી ફરીથી સંભાળ્યો અને તેને તેની મમ્મીના અસ્થિ વિસર્જન ની ક્રિયા પતાવીને ફરીથી નવી જિંદગી જીવવા પ્રોત્સાહન આપ્યું, પણ વિધાતાને નિયતિ અને નિર્માણ સાથે ક્રૂરતા કરવામાં મજા આવતી હોઈ એમ અસ્થિ વિસર્જન કરવા જતા નિર્માણની કારનો રસ્તામાં અકસ્માત થયો, અને તેમાંના 3 લોકોને ભગવાને નિર્માણ પાસેથી છીનવી લીધા પરંતુ નિયતિના પ્રેમ અને અસ્થાને લીધે નિર્માણ બચી તો ગયો પણ ફરી એકવાર તે કોમા માં ચાલ્યો ગયો.

*****

“યાર, તારી સ્ટોરીમાં તો એકતા કપૂરની સિરિયલ કરતા પણ વધુ ટવીસ્ટ અને ટર્ન છે, આ સાચું છે કે પછી…..!!”

નિયતિએ વર્ષો પછી તેની સાથે વિધાતાએ કરેલી ક્રૂર મજાકની વાત આજે તેની ફ્રેન્ડ મુક્તિ સાથે શેર કરીને થોડી મુક્ત થવા માંગતી હતી, પણ મુક્તિને માનવામાં આવ્યું નહિ એટલે તેને ફરીથી પૂછ્યું… “આ સાચું છે કે પછી કોઈ સિરિયલની વાર્તા ?”

“કાશ, આ વાર્તા મેં જોઈ અથવા વાંચી હોત, આવી વાર્તા જોવાની અને વાંચવાની મજા આવે પણ જયારે જીવવાની આવે ત્યારે જિંદગી બહુ લાંબી લાગે.”

“હમ્મ… પછી આગળ શું થયું નિયતિ?”

“મેં નિર્માણને કોઈપણ જાતની આશા વગર અને સાચી નિયતથી પ્રેમ કર્યો હતો, હું ફરી ભગવાન સામે યુદ્ધે ચડી, અને મારા નિર્માણને…. સોરી નિર્માણને ફરીથી કોમામાંથી બહાર કાઢવા ભગવાનને મજબૂર કર્યા પણ આ વખતે નિર્માણના મામા, શકુની મામા બન્યાં અને અમને બંનેને અલગ કરવાનો કારસો રચવા લાગ્યાં.”

“નિર્માણે પણ એમનો સાથ આપ્યો !!!??”

“ખબર નહીં પણ શકુની મામાએ શું કર્યું, અમે લાસ્ટ ટાઈમ મળ્યા ત્યારે બસ એક કવર આપી કઈ બોલ્યા વગર જતો રહ્યો, કવર ખોલી જોયું તો લેટરમાં ફક્ત એકજ વાક્ય હતું, મને ભૂલી જજે.

“અને તે તેને રોક્યો પણ નહિ!!!?”

“હું હજુ કઈ વિચારું, તેને પૂછું, તેનો ચહેરો વાંચવા જાવ તે પહેલાં તો તે કવર આપીને જતો રહ્યો, લેટર વાંચીને મારા મનમાંથી અને મોઢામાંથી એકજ વાક્ય નીકળ્યું ‘કાયર‘ “

*****

નિર્માણ ના મામાએ શું અને કેવો ખેલ રચ્યો તે હજુ સુધી નિયતિને ખબર નથી પડી, નિર્માણ અત્યારે કેનેડામાં એની ફેમિલી સાથે સેટ છે. અને નિયતિ હજુ સેટ નથી થઇ શકી, કારણકે તેને હવે પ્રેમ શબ્દથી નફરત થઇ ગઈ છે, અને એકલવાયું જીવન જીવે છે.

(સત્ય ઘટના- પાત્રોના નામ ફેર સાથે )

-ચેતન ઠકરાર

9558767835

Leave a Reply