SELF / स्वयं

માતૃભાષા

માતૃભાષા એ મારું સ્વાભિમાન

આદરણીય….. ( પ્રિન્સિપાલ / ટ્રસ્ટી / સાથી મિત્રો અને વિદ્યાર્થીઓ )

મને આજે બોલવાં માટે 4 વિષય આપવામાં આવ્યા હતાં , એમાંથી મેં “માતૃભાષા એ મારુ સ્વાભિમાન ” વિષય પસંદ કર્યો છે, કારણકે એ સાચે જ મારું સ્વાભિમાન, અભિમાન અને વ્યવસાય પણ છે.

માતૃભાષા જીવનનું અમૃત છે, જીવનનો ધબકાર છે, માતૃભાષા એ ગ્રહણશક્તિનું પ્રવેશદ્વાર છે, સમજણનું સાધના કેન્દ્ર છે, સંવેદનાઓનું ભાવવિશ્વ છે, સંસ્કૃતિ ની ઉર્જા છે, સ્વાભિમાન અને આત્મગૌરવની પૂર્વ શરત છે અને અભિવ્યક્તિ નું બળ છે.

ઘણાં મહાન વ્યક્તિઓએ માતૃભાષાના સંવર્ધન માટે ઘણાબધા પ્રયત્નો કર્યા છે અને તેમાં આપણાં રાષ્ટ્રપિતા ગાંધી બાપુ પણ બાકાત નથી. તેમણે કહ્યું છે “કોઈપણ પ્રજાના યુવક વર્ગમાં પ્રજત્વ કાયમ રાખવું હોય તો તેમને ઊતરતી કે ચડતી બધીજ કેળવણી તેમની માતૃભાષા દ્વારા જ મળવી જોઈએ. બાળક જયારે શીખવાનો પ્રારંભ કરે છે ત્યારે કોઈ એક ભાષાના જ્ઞાનરૂપી મજબૂત પાયા પર જ અન્ય વિષયોની સમજણ રૂપી ઇમારત ઘડે છે. અને આ મૂળભૂત ભાષા એ બાળકની માતૃભાષા. આપણી માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પનાશક્તિ, તર્કશક્તિ વધું ખીલે છે. રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા કરતાં કહેલું કે માતૃભાષા તો માતાનું ધાવણ છે ને બાળકને માં નું દૂધ જ વધારે વિકસાવે છે – મજબૂત બનાવે છે. માં તે માં બીજા વગડાના વા.

શિક્ષણ જો સાર્વત્રિક અને સાર્વજનિક બનાવવું હોય તો તે માતૃભાષામાં આપવું જોઈએ, નહિતો સમાજમાં ભેદાભેદની દિવાલ ઉભી થશે. આપણે ત્યાં વર્તમાન સમયમાં લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે, અંગ્રેજીની જરૂર છે એમાં કોઈ શંકા નથી, પણ માતૃભાષા બરાબર ના આવડે, તો બાવાના બેય બગડે. હું અન્ય ભાષાનો ઉપહાસ કરવા નથી માંગતી પરંતુ જો બાળકને તેની માતૃભાષા ગુજરાતી હોય અને અંગ્રેજી માધ્યમમાં તેને શિક્ષણ આપવામાં આવે તો તે તેના માટે એક જીર્ણ રોગ સમાન છે. કેટલાંય બાળ દેવતાઓ આ વિદેશી ભાષામાં શિક્ષણ આપવાની ઘેલછાં માં ને ઘેલછાં માં માતૃભાષા ના અમૂલ્ય વારસાથી અળગાં થઇ રહ્યા છે. માતૃભાષા એ બાળકની મૂળભૂત શક્તિઓને વિકસાવવા માટેનું મહત્તમ માધ્યમ છે.

આજેતો ગુજરાતી ભાષામાં જ્ઞાન નો ભંડાર એવો વિશ્વકોશ છે, એ પણ 26 ભાગમાં. દુનિયાભરનું જ્ઞાન એમાં છે, ગુજરાતી આવડે તો બધાંજ વિષયોનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે. માતૃભાષા વિષે એવું કહેવાય છે કે આપણને વિચારો માતૃભાષા માં જ આવે છે, સ્વપ્ન પણ માતૃભાષા માં જ આવે છે. માતૃભાષા વિષે કોઈકે સરસ કહ્યું છે કે “હાથ કરતાં પણ વધુ હાથવગી માતૃભાષા છે.” આપણે પ્રેમ કરીએ, કજિયો કરીએ, રિસાઈએ-રડીએ , કિટ્ટા કરીએ કે વ્હાલ ! બધુજ માતૃભાષા માં વટબંધ થાય છે.

માટે મારા સ્નેહીજનો, માતૃભાષાને લુપ્ત થતી જતી બચાવવાનો સમય હવે પાકી ગયો છે. માતૃભાષા એ તો આપણી પોતીકી અણમોલ જણસ છે. એને આમ ખોવાતી, લૂંટાતી, ચૂંથાતી આપણાંથી ન જોવાય. માતૃભાષા આપણને સાદ કરી રહી છે, આપણું સ્વાભિમાન આપણને સાદ કરી રહ્યું છે, સાંભરી રહ્યું છે. આ કામને વહેલી તકે માથે ઉપાડી લેવું એ તો આપણાં સૌની નમ્ર ફરજ અને જવાબદારી છે. અને આપણે આટલું કરીશું તો પણ આપણાં થકી સમાજની બહુ મોટી સેવા કરી લેખાશે.

જય જય ગરવી ગુજરાત

(શિક્ષકમિત્ર ને સ્પર્ધા માટે લખી આપેલ.)

2-2-2017

-ચેતન ઠકરાર

9558767835

Categories: SELF / स्वयं

Tagged as:

Leave a Reply