આજે નવા વર્ષ ની શરૂઆત કરીએ
જૂની વાતો ને ભૂલીને સંબંધો ખીલવીએ
નાના ને પ્રેમ અને વડીલોના આશીર્વાદ લઇ
ફૂલો ની સુગંધ જીવનમાં ભરીએ
કાલની કોને ખબર દોસ્ત કે કેવી હશે
બધાને સાથે લઈને આજમાં રમીએ.
હેપી ન્યુ યર, કોઈને જયશ્રી કૃષ્ણ
કોઈને અભિનંદન
તો કોઈને સાલમુબારક કહીએ.
ચાલોને મળીને નવું વર્ષ ખીલવીએ.
-હાર્દ
*******
ભૂલ થી દિલ હો દુભાવ્યું માફ કરજો આજ તો ,
આંગણે આવું તમારાં વાટ જોજો આજ તો.
શત્રુ પણ જો આવશે આજે હસી આંગણે,
હેતથી સામે તમે પણ હાથ ધરજો આજ તો.
દૂર બેઠી રાહ જોવે છે ઉદાસી આવવાં
સ્મિતનું હાથે ધરીને શસ્ત્ર લડજો આજ તો.
દેવ છે માતા પિતા એ યાદ રાખો કાયમી,
સૌ પ્રથમ ચરણે તમે એનાં જ પડજો આજ તો.
પર્વ જીવનમાં ખુશીઓ લાવવાં માટે હશે,
સાવ સાચું લાગશે આ સહેજ સમજો આજ તો.
‘નિરાશ ‘
અલગોતર રતન
*******
આટલાં વર્ષો ગયાં છે આકરા સંઘર્ષમાં,
જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં.
રૂપિયા ખૂટી જશે-ની સ્હેજ પણ પરવા નથી,
ખૂટવી ના જોઈએ હિમ્મત હૃદયના પર્સમાં.
એક પણ સંકલ્પ નૈં એવોય ક્યાં સંકલ્પ લઉં!
હું મને શું કામ બાંધું કોઈ પણ આદર્શમાં?
માત્ર સુખને શું કરું બચકાં ભરું? પપ્પી કરું?
જોઈએ પીડાય મારે આખરી નિષ્કર્ષમાં.
પાતળી પળની હથેળીઓ વચાળે જીવવું,
દિ-મહિના-વર્ષ લઈને કાળના સંસ્પર્શમાં.
– અનિલ ચાવડા
Categories: Uncategorized