સરનામે નામે “માણસ”, માણસ મને મળ્યો નહિ
અંતે લીધું મેં ફાનસ, માણસ મને મળ્યો નહિ
ખુલ્લા દિલે રમતની, બાજી બતાવે એવો
એકાદ પણ નિખાલસ, માણસ મને મળ્યો નહિ
ચશ્માની પાર શોધ્યો, ઝાંખો મળે તો ઝાંખો
ગાંધીનો સાચો વારસ, માણસ મને મળ્યો નહિ
જીવે એ મૌન ઉપર, જે મોતથીયે બદતર
શબ્દોનો ભુખડીબારસ, માણસ મને મળ્યો નહિ
એવું વિચારી, ચાલો, અહિયાં તો કો’ક મળશે
ઉથલાવ્યા સઘળા આરસ, માણસ મને મળ્યો નહિ
Categories: Poems / कविताए, Very Nice