SHORT STORIES / लघु-कथाए

‘તારી તો….. !’

( આ વાર્તા કામિની સંઘવી ની લખેલી છે અને તે મમતા મેગેઝીન ના માર્ચ-2013 ના અંક માં પ્રસારિત થઇ હતી … મને બહુ જ ગમી હતી એટલે કામિની મેડમ ની મંજુરી સાથે અહી આપ સમક્ષ રજુ કરું છું . )

કમ્પ્યુટર પર ગૂગલ સર્ચ એન્જિનમાં મેં શબ્દ લખ્યો, કલ્પવૃક્ષ. અગણિત સાઈટ ખૂલી.  મારું કલ્પવૃક્ષ કયું? મેં ઘડિયાળ જોઈ. એકને ચાલીશ. મારે ત્રણ વાગે પેરેન્ટ્સ મિટિંગમાં જવાનું છે. વળી પાછું બોસ જોડે અડધી રજાની લમણાઝીક, એ જ બહાનાં અને એ જ કચકચ. મેં ફરી કમ્પુટર ના સ્ક્રીન પર લખ્યું.  કલ્પવૃક્ષ …

સવારે ઊઠીને હું ઘરનો મુખ્ય દરવાજો ખોલી પેપર-દૂધ લેવા બહાર આવી તો આશ્ચર્ય! પેપર ઈસ્ત્રીટાઈટ રીતે ઘડી કરીને પડ્યાં હતાં. આમ તો પેપરવાળો લીફટમાંથી ઊભા ઊભા પેપરનો ઘા કરે, તેથી ઘણીવાર તો મારે પેપરના એક-બે પાનાં લેવા નીચેના માળે જવું પડે. દૂધની થેલી એક પણ તૂટ્યા વિનાની હેન્ગિંગ બાસ્કેટમાં લટકતી હતી.

મેં ઇલેક્ટ્રિક કોફી-ટી કીટલીમાં ચા બનાવી, નિરાંતે પેપર વાચવા બેઠી. ત્યાં અચાનક ફાળ પડી. જલદી નાહી લઉં, નહિતર લાઈટ – પાણીનો ભરોસો નહીં, ક્યારે જતા રહે. લાઈટ જતી રહી તો ગિઝર ચાલશે નહીં અને ઠંડા પાણીથી નહાવું પડશે. વોશિંગ મશીનના બદલે હાથથી કપડા ધોવા પડશે . પણ હવે તે વાત તો જૂની થઇ ને! હવે તો લાઇટપાણી ચોવીસ કલાક હાજર છે!

મેં રોટીમેકર, સ્વયસંચાલિત ઇલેક્ટ્રિક કૂકર-ઓવનમાં દાળ-શાક, રોટલી-ભાતની કાચી સામગ્રી જરૂરી તેલ, મસાલા, લોટ, પાણી નાખી ટાઈમર મૂકી દીધું, જેથી અમે ઓફિસથી પાછા આવીએ ત્યારે રસોઈ તૈયાર હોય .

ઓફિસે જવા માટે હવે અડધા કલાકને બદલે દસ જ મિનિટ થાય છે ને, કારણ ટ્રાફિક જ ક્યાં નડે છે! નજીકના અંતર માટે સરકારી ઇલેક્ટ્રિક પ્રદુષણરહિત ટ્રામ અને દૂર ના અંતર માટે સૂર્યપ્રકાશથી સંચાલિત બસ ચાલે છે. પ્રાઇવેટ કાર, જીપ, રિક્ષા પર ભારતમાં પ્રતિબંધ છે. લોકો ઇલેક્ટ્રિક કે સૂર્ય ઉર્જાથી ચાલતા સ્કુટર અથવા સાઈકલ તળ શહેરમાં ફરવા માટે વાપરે છે, જેથી શહેરનું પ્રદુષણ શૂન્ય છે .

આજે મારે શહેરના તળ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે કરવેરા ભરવા જવાનું છે . હું નગરપાલિકાની ઓફિસે પહોંચી તો પહેલા થતી લાંબી લાઈન ના બદલે એકલદોકલ વ્યક્તિ જ હતી .

મારી પાછળ જ શહેરના મેયર પણ પોતાનો કરવેરો ભરવા લાઈનમાં ઊભા હતા . સરકાર નાગરિક પર ભરોસો કરે છે એટલે હવે નાગરિકે જાતે જ પોતાનો કરવેરો કેટલો છે તે ગણી ભરવાનો રહે છે . ડિપોઝીટ મશીનમાં મેં મારા બીલ મુજબના પૈસા ભરી દીધા . મારી નજર સજેશન બોક્ષ પર પડી . એક સમયે સૂચનોની કાપલીઓથી છલકાતું સજેશન બોક્ષ આજે ખાલીખમ હતું .

વૃદ્ધ માતા-પિતાને સંતાન સાચવે તે માટે સરકાર તરફથી મોટી નિશ્ચિત રકમ ચુકવવામાં આવે છે . તેથી હવે ભારતમાં વૃદ્ધાશ્રમ જ નથી . દરેક વૃદ્ધને સરકારી બસ-ટ્રામ માં મફત હરવા ફરવા મળે છે . સરકાર સિનિયર સિટીઝનને મેડીકલ સેવા મફત આપે છે .

ચૂંટણી માં ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવાર ની ઓછામાં ઓછી લાયકાત પોસ્ટ ગ્રજ્યુએશન રાખવામાં આવી છે . અને ઉમેદવાર પરિણીત હોય તો તેને બે બાળકોથી વધારે બાળકો ના હોવા જોઈએ તેવો નિયમ છે . વળી ઉમેદવાર બે વાર જ પાર્ટી બદલી શકે છે . તેથી વધારે વાર પાર્ટી બદલે તે ઉમેદવાર ચૂંટણી માં ઊભા રહેવા માટે ગેરલાયક ઠરે છે .

શહેરના રસ્તા પણ હવે ચપ્પલ વગર પણ ચાલી શકાય તેટલા સ્વચ્છ અને લીસા છે . જોકે લોકો ફૂટપાથ પર જ ચાલે છે, કારણ ફૂટપાથ પહોળી છે . જેનો ઉપયોગ હવે ફક્ત રાહદારીઓ જ કરે છે . ફૂટપાથ પર બેસીને વસ્તુ વેચવી કે પાર્કિંગ કરવું તે ગુનો બને છે .

આજે સ્કૂલમાં પેરેન્ટ્સ મિટિંગ છે તેથી મને તથા મારા પતિને ઓફિસમાંથી હાફ-ડે  મળે છે . સ્કૂલમાં વાલીઓ તથા શિક્ષકો વચ્ચે બાળકના વિકાસ, કૌશલ્ય તથા આવડત વિશે ચર્ચા થાય છે અને બાળકની મરજી મુજબનું આગળનું ભણતર નક્કી કરવામાં આવે છે . ભારતમાં હવે માત્ર સરકારી સ્કૂલ જ છે અને તેમાં પ્રાથમિક શિક્ષણ એટલે એકથી આઠ ધોરણ સુધીનું, શિક્ષણ માતૃભાષામાં આપવાનું ફરજીયાત છે .

પેરેન્ટ્સ મિટીંગમાં જવા માટે હું ઓફિસમાંથી બહાર નીકળી અને મારી પાસેથી કાળા ધુમાડા કાઢતી રિક્ષા ઝડપભેર પસાર થઇ . બાજુના ખાબોચિયામાંથી ઊડીને કાદવ-કીચડ મારા કપડા પર પડ્યા અને મારા મો માંથી નીકળી ગયું,  ‘તારી તો….. !’

1 reply »

Leave a Reply