માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો
માર્ગ સૌ અટકી ગયા ત્યાં કેવો રસ્તો નીકળ્યો
પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા,
બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો.
માટીથી મુક્તિ મળ્યે અવકાશમાં ફરશું હવે
ઘર ગયું, સારું થયું, પગમાંથી કાંટો નીકળ્યો.
રાતભર વાતાવરણમાં આયના ચમક્યા કર્યા
કે સ્મૃતિનાં જંગલોમાંથી કોઈ ચહેરો નીકળ્યો.
એવો લપટાઈ રહ્યો’તો જીવ માયાજાળમાં
પાણીમાં જીવન ગયું ને અંતે તરસ્યો નીકળ્યો.
જેને આદિલ જિંદગીભર સાચવી રાખ્યો હતો
આખરે જોયું તો તે સિક્કોય ખોટો નીકળ્યો.
– આદિલ મન્સૂરી
Categories: Poems / कविताए, Very Nice