SHORT STORIES / लघु-कथाए

ચાહત – ગિરીશ ગણાત્રા

[‘જન્મભૂમિ-પ્રવાસી’ અખબારમાંથી સાભાર.]

સરકારી નોકરીના અનેક લાભ અને ગેરલાભની વચ્ચે એક લાભ તો આપણને સૌને પ્રાપ્ત થયો જ છે. વિશાળ ભારતના જુદા જુદા પ્રાંતોમાં રહેતા લોકો હવે એક માળાના મણકાની જેમ બંધાઈ ગયા છે. નહીંતર આપણો પાડોશી કે મિત્ર કે પછી સહકાર્યકર કોઈ પંજાબી, કાશ્મીરી, દક્ષિણ ભારતીય કે બંગાળી ન હોત ! આ કથાનાં બે પાત્રો આમ તો અલગ અલગ પ્રાંતનાં છે પણ એમને આપણે ભરત અને ભારતીનાં નામે ઓળખીએ તો એ યોગ્ય ગણાશે. ભારત સરકારના એક મોટા સંકુલમાં ભરતની પસંદગીએ એને આ શહેરમાં લાવી મૂક્યો તો એની સાથે પસંદ થયેલી અને આ શહેરમાં પોસ્ટિંગ પામેલી બીજી બે વ્યક્તિઓ પણ હતી. આ બીજી બે વ્યક્તિઓ યુવતીઓ હતી અને એમાંની એક તે ભારતી.

જ્યારે આ ત્રણેય પોતાની ફરજ પર હાજર થયાં ત્યારે ત્રણેયને જુદા જુદા વિભાગમાં મૂકવામાં આવ્યાં. આ ત્રણેયના ડિપાર્ટમેન્ટ એક જ ફલોર પર હતા. સરકારી તંત્ર હવે જગાની તંગી અનુભવતું નથી. એમાંય કોર્પોરેશનના અધિકારીઓ હવે અદ્યતન સજાવટના આગ્રહી થઈ ગયા છે. મોટીજગા, આધુનિક રાચરચીલું અને કોઈ લિમિટેડ કંપનીની સજાવટને ટક્કર મારે એવું સુશોભન. નવા પસંદગી પામેલાં આ ત્રણેયને આ માહોલ ગમ્યો. એકાદ મહિનો ઑફિસમાં કામ કર્યા પછી એમને છ અઠવાડિયાંની ટ્રેઈનિંગ માટે દિલ્હી જવાનું થયું. ત્રણેયે એક જ ટ્રેનની ટિકિટ સાથે બુક કરાવેલી. દિલ્હીમાં એને રહેવાં માટે હોસ્ટેલ તો હતી જ એટલે છ અઠવાડિયાં માટેની જરૂરિયાતોની બૅગ ભરી ત્રણેય સાથે રવાનાં થયાં. ભરત જેવા પુરુષ સહકર્મચારીઓના નેજા નીચે બન્ને યુવતીઓની મુસાફરી સુરક્ષિત હતી.

ભારતી સરસ છોકરી હતી. ઑફિસમાં કામ કરતી તમામ યુવતીઓમાં એ વિશેષ રૂપાળી હતી. જે ડિપાર્ટમેન્ટમાં ભારતીને મૂકવામાં આવેલી એ ડિપાર્ટમેન્ટના પરિણીત-અપરિણીત યુવકો-પુરુષોને ભારતીનો સહવાસ ગમી ગયેલો. ભરત ભલે જુદા ડિપાર્ટમેન્ટમાં હોય પણ એને ભારતી ગમતી. હવે દોઢ મહિના સુધી સાથે જ કામ કરવાનું, બાજુ બાજુની ખુરશીઓમાં બેસી લેકચરો ભરવાનાં, બપોરે બાજુમાં જ બેસી લંચ લેવાનું અને સાથે જ દિલ્હીમાં ફરવાનું, શૉપિંગ કરવાનું કે પિકચરો જોવાનાં. મુસાફરી દરમિયાન સાથે બેસવાનો લહાવો પણ લઈ શકાય. અપરિણીત યુવકની કલ્પનાની પાંખો ખૂબ જ ઝડપથી વીંઝાવા લાગે. ભરતની પાંખો પણ ફડફડાટ કરવા લાગી.

એક અઠવાડિયામાં ભરતે એનું લક્ષ્ય પાર પાડ્યું. અલબત્ત, બીજી યુવતીને ભરતમાં કે ભારતીમાં રસ નહોતો. દિલ્હીમાં એના એક સંબંધી રહેતા હોવાથી એણે પોતાની રહેવાની વ્યવસ્થા એમને ત્યાં જ કરી લીધી. દરરોજ સાંજે શિક્ષણનો સમય પૂરો થતાં જ એના સંબંધી એને કારમાં લેવા આવી જતાં. એ એમની સાથે જ રહેતી હોવાથી એ ભરત અને ભારતીને કંપની આપી શકતી નહોતી. ઋજુ સ્વભાવની, સરળ અને નિખાલસ પ્રકૃતિ ધરાવતી ભારતી પર ભરત છવાઈ ગયો. ઉંમરના વિજાતીય આકર્ષણે ભારતી ભરતની નજીક આવવા લાગી. ભરત હોંશિયાર હતો, ચપળ અને હાજરજવાબી હતો અને સ્વભાવે ઉદાર હોવાથી એ ભારતીને પર્સ ઉઘાડવાની જરા પણ તક ન આપતો. દિલ્હીની છ અઠવાડિયાની ટ્રેઈનિંગ ભરતને ફળી, ખૂબખૂબ ફળી કારણ કે એ પોતાની મનપસંદ યુવતીને પોતાની તરફ ખેંચી શક્યો હતો. પોતાની ઑફિસમાં બેસીને ભરત જે તકો ઊભી કરી શકતો નહોતો એ આ ટ્રેઈનિંગ દરમિયાન અનાયાસે એને મળી ગઈ.

આ બન્ને એકબીજાથી અજાણ જેવાં રહીને દિલ્હી ગયાં હતાં. પાછાં ફર્યા ત્યારે જાણે યુગાંતરોથી એકબીજાનાં પરિચય હોય એ રીતે પાછા ફર્યાં. હવે રિસેસ દરમિયાન ભારતી એનું લંચ બૉક્સ એના સહકર્મચારીઓના ટેબલ પર ખોલતી નહીં. બરાબર દોઢ વાગે એ પોતાનું લંચ-બૉક્સ લઈ ભરતના ટેબલ પર પહોંચી જતી. ઑફિસમાં હવે કોઈને શંકા નહોતી કે ભરત-ભારતી અલગ છે. આ પ્રેમી-પંખીડાં હવે ઑફિસમાં સૌની નજરે અંકાઈ ગયાં, મીઠી મજાકને પાત્ર બન્યાં અને ઑફિસનાં કોઈ કાર્યક્રમમાં એ બન્નેને એક જ સમિતિમાં રાખવાનાં સૂચનો થતાં રહેતાં. આ શહેરમાં એના પિતાના એક પરિચિત કુટુંબની સાથે રહેતી ભારતી માથે કોઈ પાબંદીઓ નહોતી. એ શનિ-રવિની રજાઓમાં ભરત સાથે કાર્યક્રમો ગોઠવતી રહેતી. એક વર્ષના નોકરીના ગાળામાં બન્નેએ પોતાને ગમતાં પાત્ર સાથે સંબંધ બાંધી લીધો હતો.

એક દિવસ ભારતીની તબિયત સારી નહોતી એટલે એ ઑફિસે ન આવી. બીજે, ત્રીજે અને ચોથે દિવસે પણ એ ઑફિસમાં ગેરહાજર રહી ત્યારે ભરત એના ઘરનું સરનામું શોધીને એની તબિયતના સમાચાર પૂછવા ગયો, એની માંદગી વિશે-સારવાર વિશે અને થનારા મેડિકલ ચેકઅપ વિશે પણ ઝીણવટભરી માહિતી પૂછી લીધી. ભારતી જેને ત્યાં રહેતી હતી એ સંબંધીની હાજરીમાં ભરત કંઈ વિશેષ પૂછી ન શક્યો પણ ત્રીજે દિવસે એને ઑફિસમાં જાણ થઈ કે એક મહિનાની માંદગીની રજાનો રિપોર્ટ મૂકી ભારતી એના વતન જવા રવાના થઈ ગઈ હતી. ભરતને ખૂબ જ દુઃખ થયું. ભારતીએ એને જણાવ્યું પણ નહીં ? એને પૂછ્યા વિના જ ઉપડી ગઈ ? મેડિકલ રિપોર્ટમાં એવું તે શું આવ્યું કે એને આવડી લાંબી રજા લેવી પડી ? પણ એક વાત એ પણ હતી કે એ ભરતને જણાવે પણ કઈ રીતે ? જેને ત્યાં એ રહેતી ત્યાં ફોન પણ નહોતો. બીજેથી ફોન કરવા જવા દેવા પેલા સંબંધી એને કષ્ટ લેવા પણ કદાચ ન દે. પૂરું દોઢ અઠવાડિયું વીતી ગયું. ભરતને ભારતી વિશે કશું જાણવા ન મળ્યું. છેવટે એણે એના પત્રની રાહ જોઈ પણ એય ન આવ્યો. આ બાજુ ઑફિસમાં એના સહકર્મચારીઓ ભરતને ભારતીના સમાચારોની પૃચ્છા કરતા રહેતા પણ ભરત પાસે એની માહિતી હોય તો એ આપે ને ? છતાંય, ઉપર ઉપરથી ઠાવકું મોં રાખી એ એના કલ્પિત જવાબો આપતો રહેતો. ભારતી પ્રત્યે તીવ્ર લાગણીઓથી સંકળાયેલા ભરતથી હવે ન રહેવાયું. પર્સોનલ વિભાગના એક કર્મચારીને કહીને એણે ભારતીના વતનનું ઘરનું સરનામું મેળવ્યું. કૅલેન્ડરનાં પાનાં જોઈ એણે આવનારી રજા અને શનિ-રવિનો સુમેળ સાધી ઑફિસમાંથી રજા લઈ એ ભારતીના ઘેર જવા ઉપડ્યો.

આઠ-દસ કલાકનો ટ્રેન-પ્રવાસ કરી જ્યારે અજાણ એવાં શહેરમાં આવ્યો ત્યારે ભારતીના ઘરનું સરનામું શોધતાં એને ઘણી ઘણી મુશ્કેલી પડી ગઈ. એણે ભારતીને જ્યારે જોઈ ત્યારે એ માની ન શક્યો કે આવી સુંદર યુવતીના દેહમાંથી ઊઠતા ચેતન અને સૌંદર્યના ફુવારાઓ ક્યાં અલોપ થઈ ગયા ? એના મોં પર રમતી તાજગીની સુરેખાઓ ક્યાં ગોપાઈ ગઈ ? એનો તરવરાટ ક્યાં વિલાઈ ગયો ? એક અજાણ્યા યુવકની હાજરીમાં પુત્રીને ક્યાંય કષ્ટ ન પડે એ ખાતર ભારતીનાં માતા-પિતા ડ્રોઈંગ રૂમના એક સોફામાં ખડકાયાં હતાં. ભરત જૂઠું બોલ્યો : ‘એક પાર્ટીના પ્રોજેક્ટ પર ઑફિસ કામે આ બાજુ આવવાનું થયું એટલે થયું કે તબિયતના સમાચાર પૂછતો આવું. શું થયું છે તને…. તમને ?’
ભારતી ફિક્કું હસી. એ જવાબ આપે તે પહેલાં એની માતાએ જ ભારતીની માંદગી વિશે ટૂંકમાં કહ્યું :
‘ભારતીને વારંવાર ચક્કર આવે છે, થાકી જાય છે. શરીરમાં નબળાઈ આવી ગઈ છે. ડૉક્ટરો કહે છે કે હિમોગ્લોબીન ઘણું ઓછું થઈ ગયું છે. સારવાર ચાલે છે, જોઈએ હવે.’ ભારતીના માતા-પિતા સન્મુખ હોવાથી એ બીજી પૂછપરછ કરી ન શક્યો. ચાનો એક કપ પી એણે માનેલા પોતાના શ્વસુર-ગૃહેથી વિદાય લીધી, ‘સાંજે કે કાલે સવારે ફરી પૂછપરછ કરવા આવી જઈશ.’
‘એવી તકલીફ શાને લો છો ? તમે અહીંનું તમારું કામ પતાવો.’ ભારતીએ બારણાં સુધી આવી એને વિદાય આપતાં કહ્યું.
‘તારી તબિયતના સમાચાર પૂછવા આવું એ તને ન ગમે ?’ ખૂબ જ ધીમેથી ભરત બોલ્યો જેથી ભારતીનાં માતા-પિતાને એ ન સંભળાય, ‘તારે ખાતર ઑફિસમાં રજા મૂકીને આવ્યો છું. અહીં કોઈ આપણો પ્રોજેક્ટ નથી. એક જ પ્રોજેક્ટ છે અને તે છે ખબરે-ભારતી….’ ભારતી ફિક્કું હસી. એણે કંઈ જવાબ ન આપ્યો. સાંજે આવવાનું કહી ભરતે વિદાય લીધી.

સાંજે એ ફરી આવ્યો. આવતાવેંત જ એણે ભારતીના હાથમાં એક નાનકડું બાસ્કેટ મૂકી દીધું :
‘આ શું છે ?’
‘તારે માટે ફળ લાવ્યો છું. આ કુદરતી દવાઓ છે. જેમ કે હિમોગ્લોબીન વધારવા સફરજન, વિટામિન-સીની ઉણપ પૂરવા સંતરા, લોહીને શુદ્ધ રાખવાં મોસંબી.’
‘તું….. તમે આયુર્વેદના નિષ્ણાતની અદાથી વાતો કરો છો…. બેસો….’ ભારતી અંદર ગઈ, એની મા ડ્રોઈંગરૂમમાં આવી. થોડી વારે ભારતીના પિતા પણ ઑફિસેથી આવી ગયા. સવારે આ બન્ને મુરબ્બીઓ ભારતીની હાજરીમાં ભરતને જે પ્રશ્નસૂચક નજરથી જોતાં હતાં એ નજર અત્યારે બદલાઈ ગઈ. બન્નેએ ભરત સાથે ખૂબ જ મીઠાશથી વાતો કરી, ચા સાથે નાસ્તો અપાયો અને જમીને જ જવાનો આગ્રહ સેવ્યો. કોણ જાણે કેમ ભરતને એની પ્રિયતમા તરફથી યોગ્ય પ્રતિસાદ મળતો હોય એવું ન લાગ્યું. ભારતી એની સાથે ઓછું બોલતી હતી અને તબિયતના સમાચાર પૂછતી વખતે એ ભરતના ઘણાઘણા સવાલોને ચાતરી જતી હતી. આ ઘર છોડ્યું ત્યાં સુધી ભરત એ જાણી ન શક્યો કે ભારતીને ખરેખર શેની તકલીફ છે. હા, એના પિતા એટલું બોલી ગયા કે ભારતીને ચેક-અપ કરાવવા મુંબઈ લઈ જવી પડે.
શાનું ચેક-અપ ? કયું દર્દ એને છે ? કયા નિષ્ણાત ડૉક્ટર પાસે એને જવાનું ? ભરતે જમીને વિદાય લીધી ત્યાં સુધી એને ખબર ન પડી. એ બૂટ પહેરતો હતો ત્યારે ભરતનાં માતા-પિતાએ કહ્યું પણ ખરું કે કાલે રોકાવાના હો તો સવારે ફરી આવજો, જમવાનું અહીં જ રાખજો પણ ભારતીનો પ્રતિભાવ હતો – ‘શા માટે એને અહીં આવવાની તકલીફ આપો છો ? એને ઑફિસ-કામ પતાવીને પાછું જવાનું રહ્યું ને !’ જેને માટે એ દોડતોદોડતો આવેલો એ પ્રિય પાત્રને જ એનું અહીં આવવાનું ગમ્યું હોય એવું લાગ્યું નહીં !

ભરત ખરેખર મૂંઝાઈ ગયો.
બીજે દિવસે એ એને ઘેર ફરી ગયો, જમ્યો, માતા-પિતા સાથે વાતો કરી પરંતુ એ દરમિયાન ખુદ ભારતીએ જ વધુ વખત એના બેડરૂમમાં રહેવું પસંદ કર્યું. એ દિવસે સૌની રજા લઈ ભરતે બપોરની ટ્રેન પકડી લીધી. ટ્રેનમાં બેઠાબેઠા ભરત વિચાર કરતો રહ્યો કે ભારતી બદલાઈ કેમ ગઈ ? છેલ્લાં એક વર્ષથી એ એની સાથે જે વ્યવહાર કરી રહી હતી તે તો પત્ની સ્વરૂપેનો જ હતો. વગર પ્રસ્તાવે બન્નેએ એકબીજાને દિલ દઈ દીધાં હતાં. લાગણીના તાર જ્યારે રણઝણતાં હોય ત્યારે શબ્દોની શી વિસાત ?

ભારતીની માંદગી – રજા પૂરી થયા પછી ફરી એણે એક મહિનો રજા લંબાવી અને એ પણ પૂરી થઈ ગઈ. ભરત ભારતીના પાછા આવવાની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં… ત્યાં ભારતીનું રાજીનામું આવી પડ્યું. ભરત માટે આ સમાચાર આઘાતજનક હતા. એના વતનેથી પાછા ફર્યાં પછી એણે આશા રાખી હતી કે ભારતી એને જરૂર પત્ર લખશે પણ આ અઢી-ત્રણ મહિનામાં ન તો એનો પત્ર આવ્યો કે ન કોઈના મારફત સમાચાર. જે સમાચાર એને ઑફિસમાંથી જાણવા મળ્યા તે આ જ – રાજીનામાના. હવે ઑફિસના એના સાથીઓ ભરત પાસેથી જાણવા માગતા હતા કે મિસ ભારતી શ્રીવાસ્તવે રાજીનામું કેમ આપ્યું ? પણ એનું કારણ ખુદ ભરત જ ક્યાં જાણતો હતો ? ઑફિસ તરફથી તો એનું રાજીનામું મંજૂર થઈ ગયું પણ ભરત તરફથી ? ભરતે એના જીવનમાંથી એને ખસી જવાની ક્યાં મંજૂરી આપી હતી ? બે દિલ વચ્ચેના એક એકરારમાં એક દિલ પીછેહઠ કરે ત્યારે એનું કારણ તો જાણવું પડે ને ? પોતાના ઑફિસ મૅનેજરને મનાવી ભરત પંદર દિવસની રજા મંજૂર કરાવીને ફરી ઊપડ્યો ભારતીને ઘેર. ટ્રેનમાં બેઠાંબેઠાં એ જ વિચાર કરતો રહ્યો કે ભારતીએ ઑફિસમાં મોકલાવેલા રાજીનામાપત્રની સાથે એને એક અંગત પત્ર લખી દીધો હોત તો ? હવે જ્યારે એને ભારતી તરફથી કશી વિગતો જાણવા મળી નથી ત્યારે એ તર્ક-વિતર્ક, અનુમાનો કરવા લાગ્યો.

ભારતી સુખી ઘરની હતી. એના પિતા સરકારમાં ઉચ્ચ અમલદાર હતા. એના ભાઈઓ વિદેશમાં નોકરી કરતા હતા. ભારતીને આ સરકારી નોકરી મળી ત્યારે એને આ શહેરમાં એકલી આવવા દીધી એની પાછળ પિતાની ગણતરી એ હતી કે થોડા અનુભવ પછી પુત્રીને એમના જ વતનમાં નોકરી મેળવી આપવી. પોતે સરકારના ઊંચા હોદ્દા પર હતા એટલે એની વગ અને ભારતીનો અનુભવ સારી નોકરી મેળવવા કામે લગાડી શકાય. ખુદ ભારતીના પિતા સુરેશકુમાર શ્રીવાસ્તવે જ ભરતને આ વાત કરેલી. ભરતે વિચાર્યું- ભારતીને બીજી નોકરી મળી ગઈ હશે ? જો એ એના વતનમાં જ રહેવાની હોય તો એની સાથે સંબંધને કેમ આગળ વધાર્યો ? વાતવાતમાં એણે નહોતું કહ્યું કે આપણે બન્ને અલગ અલગ પ્રાંતના હોવા છતાં આ જ શહેરને આ નોકરીને કારણે હવે વતન બનાવીને રહેવું પડશે. કેવી સુખદ પળો હતી એ. બન્નેની કલ્પનાનું એક સુંદર ઘર, એમાં બે દિલો મિલન પામી વસવાટ કરે, ઘરને સજાવે, સાથે નોકરીએ જવા ઊપડે, સાથે સ્કૂટર પર પાછાં ફરે, કેવી કલ્પના કરી હતી બન્નેએ ! ભરતના મનમાં એક બીજો વિચાર આવી ગયો કે એના પિતાએ પુત્રી માટે નોકરી અને પોતાની જ જ્ઞાતિનો કોઈ છોકરો ભારતી માટે પસંદ કરી રાખ્યો તો નહીં હોય ને ? શું ભારતી એને બેવફા નીવડશે ? જોકે નિખાલસ અને સરળ હૃદયની આ યુવતી એની સાથે આવો વ્યવહાર કરે એ માની શકાય એમ નહોતું.

આઠ-દસ કલાકનો આ ટ્રેન-પ્રવાસ એને એક યુગ જેવડો લાંબો લાગ્યો. જ્યારે એ એના ઘરે ગયો ત્યારે પ્રથમ તો એ ભારતીના પિતા સુરેશકુમાર અને માતા જયાને પોતે જ્યાં ઊતરેલો તે હોટલમાં બોલાવી નિખાલસપણે એકરાર કર્યો કે એ ભારતીને ચાહે છે.
‘એ તો અમે સમજી જ ગયેલાં જ્યારે તમે એની માંદગીના સમાચાર જાણી અહીં દોડી આવેલા.’ માતા બોલી.
‘જુઓ ભાઈ ભરત,’ પિતા બોલ્યા, ‘અમારું કુટુંબ બહુ જ સરળ છે. કુટુંબનું કોઈ સભ્ય એકબીજાથી વાત છુપાવતું નથી. તમારા સંબંધોની વાત ભારતીએ એના પત્રમાં જણાવેલી જ હતી. સાથે તમારો ફોટો અને તમારા ખાનદાનની વાત પણ જણાવેલી. ભારતી સમજુ છે, પુખ્ત વયની છે છતાં માતા-પિતા તરીકેની લાગણીથી પ્રેરાઈને અમે તમારા વિશે વિશેષ માહિતી ભારતી પાસેથી મંગાવેલી. એના સંતોષપૂર્વકના ખુલાસા પછી અમે એને અનુમતિ આપીએ તે પહેલાં આવું બની ગયું !….
‘આવું એટલે કેવું ?’ ભરત અધિરાઈથી પૂછી બેઠો.
‘ભારતીને ગર્ભાશયમાં કૅન્સર છે એ તમે જાણો છો ?’
‘ના.’ આશ્ચર્યથી ભરતે કહ્યું, ‘ભારતીએ આ વાત મને ક્યારેય નથી કરી.’
‘આવી વાત અપરિણીત યુવતી કોઈ પુરુષને ન કહી શકે.’ માતા બોલી, ‘ખુદ એના પિતાને પણ આ વાતની ક્યાં ખબર હતી ? એ અહીં આવી ત્યારે એને થતી તકલીફોની વાત મને કરી ત્યારે અમે ડૉક્ટર પાસે ચેક-અપ કરાવ્યું, મેડિકલ ટેસ્ટ કરાવ્યાં, એક્સ-રે લીધા ત્યારે જાણવા મળ્યું. એ પછી અમે એને મુંબઈ બતાવવા લઈ ગયા. ડોક્ટરે સલાહ આપી છે કે ગર્ભાશયની કોથળી કાઢી નાખવી. નહીંતર કૅન્સર વધુ ફેલાશે. આવતા મહિને એનું ઑપરેશન કરવાનું છે. એક અપરિણીત યુવતીની ઓવરીને દૂર કરવાનો મતલબ તમે સમજો છો ને ?’
‘હા, એ યુવતી ક્યારેય માતા ન બની શકે.’
‘તમારી સાથે પરણીને તમને પિતૃત્વથી કાયમને માટે વંચિત રાખવા ભારતી ઈચ્છતી નહોતી એટલે જ્યારે તમે પહેલી વખત અમારે ઘેર મળવા આવ્યા ત્યારે ભારતી તમારાથી વિમુખ થવા લાગેલી. બીજે દિવસે સવારે અમે તમને જમવાનું આમંત્રણ આપેલું ત્યારે રાત્રે ભારતી અમારી સાથે લડી હતી. તમને કોઈ ખોટી આશામાં અમારે રાખવાં નહોતાં. હવે આ ચર્ચા નીકળી છે ત્યારે અમે પણ એવું ઈચ્છીએ છીએ કે તમે કોઈ બીજી યુવતી પસંદ કરો. ભારતી તમારા ગૃહસ્થીજીવનમાં કોઈ સુખ નહીં આપી શકે.’

ઘડીભર હોટેલના એ નાનકડા કમરામાં મૌન પથરાઈ ગયું. થોડી વાર પછી ભરત એ મૌન વિખેરતાં બોલ્યો : ‘તમે બન્ને ભારતીનાં માતા-પિતા છો. ભારતી સાથેના મારા આટલા લાંબા અંગત પરિચય પછી હું પણ તમને મારાં માતા-પિતા સમાન લેખું છું. મારે તમને એટલું કહેવાનું છે કે હું ભારતીને ચાહું છું – ખૂબખૂબ ચાહું છું. મારી આ ચાહના કેવી અને કેટલી છે એ હનુમાનની જેમ દિલ ચીરીને બતાવવાની રહેતી નથી. મારે તમને એક જ પ્રશ્ન પૂછવાનો છે. આ વાતની, ભારતીના કૅન્સરની વાત અમને લગ્ન પછી જાણ થઈ હોત તો ? તો શું ભારતીને છોડી દેત ? ના, લગ્ન પછી કે લગ્ન પહેલાં પણ હું ભારતીને છોડવાનો વિચાર સુદ્ધાં પણ કરી શકતો નથી.’
‘પણ હવે જ્યારે તમને જાણ થઈ છે ત્યારે…..’
‘ત્યારે તો ખાસ નહીં. ભારતીને અત્યારે મારી હૂંફની જરૂર છે. એના જીવનને વેરાન બનતું અટકાવવા મારે હવે એને પરણી જવું જોઈએ. રહી વાત પિતૃત્વની. જ્યારે અમને લાગશે કે અમને બાળકની જરૂર છે ત્યારે અમે કોઈ બાળકને દત્તક ક્યાં નથી લઈ શકતાં ?…..’
‘જુઓ ભાઈ ભરત, આવેશ અને લાગણીના ઊભરામાં લીધેલો નિર્ણય જીવનને ખારોપાટ બનાવી દેશે.’
‘ના, હું એ રીતે જરાય લાગણીથી ખેંચાયો નથી. બહુ જ સ્વસ્થાપૂર્વક આ જ ક્ષણે લીધેલો આ મારો નિર્ણય છે..’
‘તમારા માતા-પિતા કે કુટુંબીજનોને તમે પૂછ્યું છે ?’
‘એની જરૂર નથી. સોળ વરસ પછી પુત્રે લીધેલા અંગત નિર્ણયની માતા-પિતાની મંજૂરીની મહોરની જરૂર નથી. હું ભારતીને સમજાવી શકીશ. તમારાં બન્નેનાં અમને આશીર્વાદ મળી રહે એવું હું ઈચ્છું છું.’

એ પછી ભરતે ભારતીને સમજાવી. ખૂબખૂબ દલીલો બાદ જ્યારે એ એને મનાવી શક્યો ત્યારે ભરતે પ્રસ્તાવ મૂક્યો : ‘ભારતીના ઑપરેશન પહેલાં અમારાં લગ્ન થઈ જાય તો મને આનંદ થશે. એનું ઑપરેશન કરતાં પહેલાં ડોક્ટર જે ફોર્મમાં નજીકના સંબંધીની સહી લે છે એમાં મારી સહી થાય એવું હું ઈચ્છું છું જેથી…..’

1 reply »

Leave a Reply