THINKING TIME / सोच का समंदर

સાંતાક્લોઝની હત્યા

ક્રિસમસની મોસમ આવી રહી છે. ભૂખરા શહેરના લેન્ડસ્કેપ પર ગ્રીન ક્રિસમસ ટ્રી ઉપર ઝિલમિલાતાં સોનેરા કાગળો, ચમકતી લાઇટો ઝબૂક ઝબૂક થઈને નવા વરસને આવકાર આપી રહી છે. એવી જ કોઇ એક ક્રિસમિસની સાંજે એક ગરીબ ઘરમાં બાળકો ખુબ ખૂશ હતા. આજે રાત્રે સાન્તાક્લોઝ આવશે! ગિફટ આપીને જતો રહેશે! એક ચમત્કાર, એક સરપ્રાઇઝ માટે એક ગરીબ બાપનાં બાળકો બે-ત્રણ દિવસથી ઉત્સાહમાં છે, પણ બાપ બેકાર છે, મા પરેશાન છે.

એ લોકો જાણે છે કે આકાશમાંથી કોઇ મીઠ્ઠો ગોળમટોળ સાંતાક્લોઝ અવતરીને બાળકોને ગિફ્ટ આપવા નહીં આવે! રમકડાંઓ તો બાપે જ બજારમાંથી લઇ આવવાનાં છે, બાળકોને સાંતાક્લોઝ તરફથી આપવા માટે. ક્રિસમસની રાત નજીક આવી. બાપનું ટેન્શન વધ્યું. ઘરમાં ખાવા માટે બ્રેડ નથી ત્યાં સાંતાક્લોઝની ગિફ્ટ્સ ક્યાંથી લાવશે? ક્રિસમસની સાંજે, ઘરનો સન્નાટો બાળકોનાં સાંતાક્લોઝ માટેનાં ગીતોથી તૂટી રહ્યો હતો. બજાર બંધ થવાને હવે બે જ કલાક બચ્યાં હતા.

એવામાં જુએ છે કે કંટાળેલ બાપે, કબાટમાંથી એક બંદૂક કાઢી અને ઘરની બહાર દોડી ગયો. બહારથી બંદૂકના ધડાકાનો અવાજ આવે છે. નક્કી એણે આત્મહત્યા કરી હશે એમ ધારીને મા ચીસ પાડીને બહાર દોડે છે. બાળકો પણ હેબતાઇ બહાર આવે છે. પણ બાપ તો ઘરની બહાર જડ મૂર્તિની જેમ ઊભો છે. અને એના હાથમાં બંદૂક નથી! અને પછી એ ગરીબ પુરુષ, બાળકોને અને પત્નીને કહે છે, ‘હમણાં જ આપણા ઘરની પાછળની ઝાડીમાં સાંતાક્લોઝે આત્મહત્યા કરી નાખી છે! હવે એ ગિફ્ટ આપવા ક્યારેય નહીં આવે! સોરી… બાળકો!’ બાળકો ચૂપચાપ ઘરમાં પાછાં આવી જાય છે અને સૂઇ જાય છે. પેલા ગરીબ બાપે, બાળકોને શાંત કરવા સાંતાક્લોઝને મારી નાખ્યો! કદાચ એણે પોતાની જ અંદર રહેલા ‘બાપ’ નામના નિષ્ફળ ‘સાંતાક્લોઝ’ની હત્યા કરી નાખી!

આપણે સૌ નાના હોઇએ છીએ ત્યારે સાંતાક્લોઝનાં સપનાં જોઇએ છીએ. જેમ જેમ મોટા થઇએ છીએ એમ એમ આપણી અંદરનો સાંતાક્લોઝ ધીમે ધીમે મરતો જાય છે. આપણને સમજાવા માંડે છે કે બધી કલ્પનાઓ છે. ‘જીવનમાં હવે કોઇ સાંતાક્લોઝ આવીને ચમત્કાર નહીં કરે.’ એ વાત જે ઘડીએ સમજાવા માંડે છે એ ક્ષણે જ આપણે થોડું થોડું મરવા માંડીએ છીએ.

સાંતાક્લોઝ પણ બિચારો શું કરે? કેટલાં બાળકોનાં ખ્વાબ પૂરાં કરે? કદાચ સાંતાક્લોઝ એટલે જ પરણ્યો નથી અને એને સંતાનો નથી કારણ કે એને ખબર છે કે વરસમાં એક વાર બચ્ચાંઓના સપનાં પૂરાં કરવાં આસાન છે પણ જો એને બાળકો હોત તો એ પણ રોજેરોજ ક્યાંથી સપનાં પૂરાં કરત?

ચલો, સિરિયસ વાતો બહુ થઇ, હવે ઔકાત પર આવું? સાંતા વિશે એક વાર્તા સાંભળેલી: એક બાળક એક દિવસ કોઇ ગંદી ગાળ બોલે છે તો મા એના પર ભડકીને પૂછે છે કે આ બધું તને કોણ શીખવે છે? ત્યારે બાળકે કહ્યું, ‘સાંતાક્લોઝે મને શીખવ્યું.’ માને નવાઇ લાગી, ‘સાંતાક્લોઝે તને ગાળો શીખવી? એ કઇ રીતે?’ તો છોકરાએ કહ્યું, ‘ક્રિસમસની રાત્રે હું અડધી ઊંઘમાં હતો. રાત્રે સાંતાક્લોઝ ચૂપચાપ મારી રૂમમાં ત્યાં ક્રિસમસ ટ્રી પાસે ગિફ્ટ મૂકવા આવ્યો. ખુરશીથી અથડાયો અને આવી ગાળો બોલ્યો! અને મને એ યાદ રહી ગઇ!’ માને સમજાઇ ગયું કે ત્યાં અથડાઇને ગાળો બોલનાર બીજું કોઇ નહીં પણ છોકરાનો બાપ હતો! આપણે આજે એ નક્કી કરવાનું છે કે આપણે જીવનથી તંગ આવીને ગાળો આપનાર પેલા ગુસ્સૈલ બાપ જેવા બનવું છે કે હસતો-રમતો સાંતાક્લોઝ થવું છે? આપણે આપણી લાઇફને આ સવાલ પૂછવો જોઇએ અને જો જવાબ ના મળે તો પેલા સાંતાક્લોઝને કહેવું જોઇએ કે કમસે કમ દરેક હાલમાં હું સ્માઇલ કરી શકું એટલી ‘બેલ્સ’ તો બસ મારા મનમાં વગાડતો જા…

source : sanjay chhel

Leave a Reply