SHORT STORIES / लघु-कथाए

વિશ્વાસઘાત

હજુતો સંદીપની બાઈક ઘરની બહાર જ નીકળી હતી ને ભૈરવીના મોબાઈલની રીંગ વાગી…. ભૈરવીએ નંબર જોયો’તો એજ નંબર જે છેલ્લા ત્રણ દિવસથી તેને હેરાન પરેશાન કરતો હતો… એ જ…. દિવ્યાંગ…?! શું પ્રેમ કરવો એ ગુનો હશે ? જેનું પરિણામ લગ્ન પછી પણ ભોગવવું પડે…?! હા… ભૈરવીએ દિવ્યાંગ સાથે પ્રેમ જ કર્યો હતોને…? સાચા દિલથી, જીજાનથી પ્રેમ કર્યો હતો… અરે ! સાથે જીવવા-મરવાના કોલ દીધા હતા અને તે તો દિવ્યાંગને છોડવા ક્યાં તૈયાર હતી…? તેણે જ તેને દગો દીધો હતોને ? તે જ બાયલાની માફક ફસકી ગયો હતોને…? પોતાનાં માબાપ પાસે તેનું કશુંયે ચાલ્યું નહોતું કે પછી તે જ તેને છોડવા માગતો હોય એવું પણ બને ને…? આ સમાજમાં સ્ત્રીઓને રમકડું અને ઢીંગલી માનનારા પુરુષોનો તોટો નથી અને દિવ્યાંગ તેમાંનો એક હોય તેમાં કશી નવાઈ હવે ભૈરવીને લાગતી નહોતી…!

દિવ્યાંગનું હાલનું વર્તન તો એજ વાતની સાક્ષી પૂરતું હતું કે તે તેની સાથે માત્ર રમત જ રમતો હતો અને એ રમતમાં તેણે કઠપૂતળી બનાવી તેની પાસેથી પ્રેમપત્રો લખાવ્યા. તેના અશ્લીલ કહી શકાય તેવા ફોટા તેની સાથે પડાવ્યા અને એ બંધુ હસ્તગત કરી લીધા પછી તેને ચૂંથીને એક કળીની માફક તરછોડી દીધી- માબાપ માનતા નથી- એ તો માત્ર એક બહાનું જ હતું, વાસ્તવમાં તો તે તેની સાથે રમત જ રમતો હતો અને ભવિષ્યમાં તેને બ્લેકમેલ કરી શકાય તેવી સામગ્રી જ ભેગી કરતો હતો…! ભૈરવીને તેની આ દાનતની તે વખતે ગંધ આવી નહોતી, તે વખતે તો તે દિવ્યાંગના પ્રેમમાં એટલી બધી ગળાડૂબ હતી કે ના પૂછો વાત…?! તે વખતે તો તેને સારાનરસાનું ભાન ક્યાં હતું, જો એવું ભાન હોત તો આ રીતે કાંડા કાપીને આપતાં પહેલાં તેણે સો વખત વિચાર કર્યો હોત અને આ રીતે પોતાનો સંસાર મુશ્કેલીમાં મૂકાઈ જાય તેવા કોઈ ડોક્યુમેન્ટ તેણે તેની પાસે રહેવા દીધા ના હોત…?! જોકે આમ છતાં પણ છૂટાં પડતી વખતે તેણે તેના પ્રેમપત્રો અને ફોટાઓની માંગણી તો કરી જ હતીને…? પણ તેણે કેવી સિફતથી તેને મનાવી લીધી હતી…! ”આ ફોટા અને તારા પ્રેમપત્રો તો મારા બાકીના જીવનનો આધાર છે… જેના સહારે તો હું બાકીનું જીવન તારી યાદમાં વિતાવવા માંગું છું.. અને તું મારી પાસેથી મારો એ આધાર પણ છીનવી લેવા માંગે છે…?!” ભૈરવી તેની એ મોહજાળમાં ફસાઈ ગઈ હતી, તેને તેની વાત સાચી લાગી હતી અને તેની દયા આવી હતી…! પણ તેને ક્યાં ખબર હતી કે તે ભવિષ્યમાં એ જ વસ્તુઓનો ઉપયોગ કરી તેને બ્લેકમેલ કરવાનો છે…?

જોકે એક વાત નક્કી હતી કે કદાચ છૂટા પડતી વખતે દિવ્યાંગના મગજમાં આવી કોઈ વાત ના પણ હોય…! પણ સંજોગોએ તેને મજબૂર બનાવી દીધો હોય આ રીતે ભૈરવીને બ્લેકમેલ કરવા માટે…! પણ એમાં ભૈરવીનો શું વાંક…? તેની હાલત તો ખરાબ જ થઈ ગઈને…? તેણે આ સંદિપ સાથે અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા હતા… ફેરા ફર્યા હતા… અને એક બીજાને વફાદાર રહેવાના કોલ કર્યા હતા… તે એમાંથી થોડી છટકી શકે…? તે સ્વપ્નમાં પણ સંદિપ સાથે વિશ્વાસઘાત કરી શકે નહીં…! અને આ તો રીતસર તેની પાછળ જ પડયો છે…! છેલ્લા છ દિવસથી જેવો સંદીપ બાઈક લઈને ઓફિસે જવા નીકળે કે તરત જ તેના મોબાઈલની રીંગ વાગે છે- ”હું હોટલ સુનમૂનમાં રૃમ નંબર પાંચમાં ઉતર્યો છું અને જાનેમન તારી રાહ જોઉં છું… મારી પાસે તારા ફોટા અને પ્રેમપત્રો છે એટલે તું વહેલી તકે આવી જા નહીંતર મારે ના છુટકે આ બધી જ સામગ્રી સંદીપને સોંપી દેવી પડશે અને સંદીપ તારો પતિ છે એટલે તને તો તેના સ્વભાવની ખબર હશે જ… કે તે કેટલો શંકાશીલ સ્વભાવ ધરાવે છે…?! અને આમેય કોઈપણ પુરુષ પોતાની પત્નીની બેવફાઈ સહન કરી શકતો નથી જ…! એટલે જો તારે તારો સંસાર બચાવવો હોય તો મારા તાબે થવું જ પડશે…! માટે લાંબો વિચાર કર્યા વિના મારી પાસે દોડી આવ…! તારે કોઈ મોટો ભોગ આપવાનો નથી, માત્ર મામૂલી રકમ અને તારું રેશ્મી બદન જે મારું ના થઈ શક્યું તે… તે પણ ચંદ ક્ષણો માટે જ… મને ખબર છે કે સંદીપ ઓફિસે ગયો છે અને હવે સાંજના સાત વાગ્યા સુધી પાછો આવવાનો નથી તો ચાલ આપણે એ કીમતી સમયનો સદ્ઉપયોગ કરી લઈએ અને આપણી મુલાકાતને રંગીન બનાવી દઈએ… એ તો પહેલા દિવસે જ હું ભૂલો પડી ગયો અને રાતના સમયે તારા પતિની હાજરીમાં તને ફોન કરી દીધો…! હવે તારા વિના રહેવાતું નથી પ્રિયે ! માટે મને વધારે ના તડપાવ. નહીં તો મને બધું જ આવડે છે માટે હાથે કરીને તું તારા સંસારને જોખમમાં ના મૂકીશ… તું એટલી તો સમજદાર છે એમ હું માનું છું… તારી રાહ જોઉં છું… પ્લીઝ…”

ભૈરવી ખરેખર મુશ્કેલીમાં જ મૂકાઈ ગઈ હતી.. તે સંદીપ સાથે દગો કરવા માગતી નહોતી પણ… સંદીપ તો પહેલેથી જ શંકાશીલ માણસ છે અને જો દિવ્યાંગ પાસેથી તેના પ્રેમપત્રો અને ફોટા મળે તો ચોક્કસ જ તેને ઘરમાંથી તગેડી મૂકે…! અને જો ભૈરવી દિવ્યાંગના તાબે થાય તો તે પતિ સાથે વિશ્વાસઘાત જ ગણાયને…! ભૈરવીનું મન એવો વિશ્વાસઘાત કરવા પણ તૈયાર નહોતું…! આવા સંજોગોમાં શું કરવું તેની ભૈરવીને ખબર પડતી નહોતી…! તે કોઈપણ સંજોગોમાં દિવ્યાંગના તાબે તો થવા માંગતી જ નહોતી, અને પતિ સાથે કોઈપણ રીતે વિસ્વાસઘાત કરવા માંગતી નહોતી અને એટલે જ તે મુશ્કેલીમાં મૂકાઈ હતી અને હવે શું કરવું તેની તેને સમજ પડતી નહોતી… તે યંત્રવત્ રસોઈ બનાવવાના કામમાં જોતરાઈ… કારણ કે હમણાં દસ વાગ્યે ટિફિનવાળો સંદીપનું ટિફિન લેવા આવશે તે પહેલાં રસોઈ તૈયાર થઈ જવી જોઈએ…! તેના હાથ તો રસોઈ બનાવવાનું કામ કરતા હતા પણ મગજ તો ભમતું હતું અને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી નીકળવાનો માર્ગ શોધતું હતું… તે વિચારતી જ હતી..

ફટાફટ રસોઈ તો તૈયાર થઈ ગઈ… તે સાથે જ તેના મને પણ એક કડવો ગણો તો કડવો નિર્ણય કરી જ લીધો હતો…! ગમે તે થાય પણ સંદીપ સાથે વિશ્વાસઘાત તો નથી જ કરવો… સંદીપને બધી જ વાત કરી દેવી છે યૌવનના આવેશમાં તેણે ભુલ કરી છે અને હજુ પણ તે ભૂલ તેનો પીછો છોડતી નથી… સામાન્ય રીતે યુવાવસ્થામાં દરેક સ્ત્રી અને પુરુષો આવી ભૂલ કરતાં જ હોય છે અને તે માનવસહજ છે… તે પોતે ગંગા અને સતિ જેટલી જ પવિત્ર છે પણ… યૌવનના નશામાં તે ભાન ભૂલી હતી અને દિવ્યાંગને દિલ દઈ બેઠી હતી જેનો તે અત્યારે દુરુપયોગ કરી રહ્યો છે, અત્યારે તેને દિવ્યાંગ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી પણ તે તેને તાબે થવા કહે છે અને તાબે ના થાય તો તેના ફોટા અને પ્રેમપત્રો તને આપી દેવા કહે છે…! તને મારા ઉપર, મારી પવિત્રતા ઉપર વિશ્વાસ હોય તો મારી આટલી ભૂલ માફ કરી દે અને જે શિક્ષા કરવી હોય તે કર અને જો તારા મનમાં મારા ચારિત્ર્ય ઉપર શંકા હોય અને તું મારો ત્યાગ કરે તો પણ મને તે મંજૂર છે, પણ હું કોઈપણ હિસાબે એક ભાવમાં બે ભાવ કરવા માંગતી નથી અને મારું ખોળિયું અભડાવવા માગતી નથી એનો તો તું જ માલિક છે અને મારો ત્યાગ કરીશ તો પણ તું માલિક રહીશ. હું કોઈપણ સંજોગોમાં તારો વિશ્વાસઘાત નહીં કરું…! ભૈરવીએ મનોમન સંદીપને આ બધી જ હકીકતથી વાકેફ કરવાનો નિર્ણય કરી લીધો, પણ સંદીપને આ વાત જણાવવી કેવી રીતે…? એટલો બધો ગુસ્સાવાળો માણસ છે કે ભૈરવી તેને મોઢામોંઢ આ વાત જણાવવા બેસે તો તેને ધીબી જ નાખે…?! તેને કાચીને કાચી ખાઈ જાય…! તો પછી શું કરવું…? ભૈરવીને તેનો પણ રસ્તો મળી ગયો… તેણે ટિફિનના ડબ્બામાં આ મતલબનો કાગળ લખીને મૂકી દીધો… સંદીપ જમવા ટિફિન ખોલશે એટલે ચિઠ્ઠી તેના હાથમાં આવશે, પછી તે જે નિર્ણય કરે તે…! ભૈરવીને તે મંજૂર હતો- જાત અભડાવવાના બદલે…!

ટિફિનવાળો ટિફિન લઈને ગયો પછી ભૈરવી ઊંચા જીવે સંદીપના ફોનની રાહ જોવા માંડી… હમણાં સંદીપનો ફોન આવશે કે… મારે તારા જેવી બેવફા પત્નીની જરૃર નથી તું મારા ઘરમાંથી ચાલતી થઈ જા ”જો જવાનું થાય તો પણ સાથે કશું જ લઈ જવું નથી અને માબાપને ત્યાં પણ જવું નથી, ભણેલી છે એટલે કોઈક કાચીપાકી નોકરી શોધી કાઢીશ… એવા વિચારો તે કરતી હતી ત્યાં જ બાઈક ઊભી રહેવાનો અવાજ આવ્યો અને સંદીપ દોડતો ઘરમાં આવ્યો… તેને એમ કે હમણાં તેને ઝૂડી નાખશે… પણ તે તો આવીને તેને બાઝી જ પડયો,” મારી રાણી, તારા ઉપર પહેલો ફોન આવ્યો ત્યારની મેં બધી જ તપાસ કરાવી હતી અને મને વિશ્વાસ હતો કે મારી ભૈરુ મને વિશ્વાસઘાત નહીં જ કરે… તું ચિંતા ના કરીશ મેં એ દિવ્યાંગના બચ્ચાને કહેવડાવ્યું છે કે મારી પત્નીની બેવફાઈના જેટલા પુરાવા તારી પાસે હોય તે લઈ આવ.. એટલે હવે તે તને હેરાન કરવાનો કોઈ પ્રયત્ન નહીં કરે… તું બેફિકર થઈ જા… હા… મને અંધારામાં રાખી તેં મારો વિશ્વાસઘાત કર્યો હોત તો તેનું પરિણામ સારું ન જ આવતા… મેં તને કાઢી મૂકી છૂટાછેડા આપી દેવાનો જ નિર્ણય કર્યો હતો પણ તે પોતાની ભૂલ કબૂલ કરી મારું દિલ જીતી લીધું છે, યૌવનના આવેશમાં દરેક આવી ભૂલ કરે છે પણ પતિને વફાદાર રહેનાર તો તારા જેવી કોક જ હોય છે… ભૈરવી તેની છાતીમાં મોં છુપાવી ધૂ્રસકે ધૂ્રસકે રડી પડી અને સંદીપ તેની પીઠ પસવારતો રહ્યો…
– અર્જુનસિંહ કે. રાઉલજી

source : ગુજરાત સમાચાર

1 reply »

Leave a Reply