અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી;
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી…
ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી…
મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી !…
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી…
– અમૃત ‘ઘાયલ’
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.
– અમૃત ‘ઘાયલ’
આમ તો એક બિંદુ છું, કિંતુ
સપ્ત સિંધુથી સંકળાયો છું !
– અમૃત ધાયલ
હજી આંખમાં જાણે ફરકે છે કોઇ
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ
વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’
હજી પણ રગેરગમાં સરકે છે કોઇ
અમૃતથી હોઠ સહુના, એંઠા કરી શકું છું.
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું.
આ મારી શાયરી ય સંજીવની છે, ‘ઘાયલ’.
શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું.
Categories: Poems / कविताए