Poems / कविताए

ચાલ, વરસાદમાં ભીંજાવા જઈએ….

વરસાદ પડે ત્યારે એક પ્રેમી ને કેવી કેવી રીતે એની પ્રેમિકા યાદ આવે અને એ પણ પહેલા વરસાદ માં એ ઉપર થોડી કવિતા રજુ કરું છું, આશા રાખું છું કે તમને પણ વરસાદ માં તમારી પ્રેમિકા જરૂર યાદ આવતી જ હશે અને તમને પણ આ ગમશે જ.

વરસતા વરસાદમાં તું સાથે હોય તો કેવું?
વરસાદને પણ લાગે કંઈક વરસ્યા જેવું

બધા નીકળે છે અહીં ઓઢી છત્રી ને રેઈનકોટ
કોઈ તો મળે એવું, જે લાગે ભીંજાયા જેવું

વરસાદના પ્રથમ ટીપાં સાથે તારી યાદ શરૂ થાય છે
ને પછી એક આખો દરિયો આંખો સામે રચાય છે,

કાશ તું હોત સાથે તો ચાલત ભીના રસ્તા પર
બસ દિલમાં સતત આ જ વિચાર સર્જાય છે

                    વરસાદના આગમન સાથે જેમને આ વિચારો ન આવતા હોય તેમનો જિંદગીમાં કંઈક અંશે રસ ઓછો થઈ ગયો હશે અથવા તેઓ પોતાના કામમાં એટલા ડૂબી ગયા હશે કે ચોમાસું તેમને કોઈ રીતે ભીંજવી શકતું નથી અથવા પછી તેમના જીવનમાં તો ઠીક, કલ્પના કે સપનામાંય કોઈ નથી, જેની સાથે તેમને ભીંજાવાનું દિલ થાય, જેમની વરસાદમાં યાદ આવે. અરે, કંઈ નહીં તો છેલ્લે એક સામાન્ય માનવી તરીકે પણ વરસાદ જેમને પલાળી શકતો નથી કે જે કુદરતની આ મહેરને માણી શકતો નથી એ માનવીની દયા ખાવી પડે. આ બધા માણસો વરસાદમાં છત્રી કે રેઈનકોટ વિના નીકળે તોય તેઓ સૂકા કે કોરા જ રહી જાય….

જે પ્રેમ કરે છે તેમને વરસાદ ગમે છે, પછી પ્રેમ કોઈ વ્યક્તિ માટે હોય કે કુદરત માટે હોય કે પછી પરમાત્મા માટે હોય, વરસાદ આવા દરેક પ્રેમીને ભીંજવી શકે છે. વરસાદમાં જેઓ કોઈ કારણસર મળી શકતા નથી કે સાથે ભીંજાઈ શકતા નથી તેઓ કદાચ આવું કહે તો નવાઈ નહીં.

વરસાદ શાને આટલું બધું વરસતો હશે?
શું આપણે નથી મળી શકતા
તેથી ઈશ્વર પણ અનરાધાર
આંસુએ રડતો હશે?

કે પછી આવું પણ કહી શકાય કે
ધરતીનો વિરહ વિકટ બને છે ત્યારે
વરસાદ પડે છે,
અને ઈશ્વર સતત એકધારું રડે છે
ત્યારે વરસાદ પડે છે

         પોતાના પ્રેમના વિરહ માટે ખુદ જગતનો નાથ રડી પડે અને તેનાં આંસુ રૂપે વરસાદ પડે એવી કલ્પના પ્રેમમાં ભરપૂર ભીંજાયેલા જ કરી શકે, જેમણે વરસાદમાં વિરહ સહન કરવો પડે એ જ જાણે. કદાચ વરસાદને પણ ધરતી સાથે ભરપૂર મહોબ્બત હોય છે અને એટલે જ તેનો વિરહ ન સહેવાય એવો વિકટ બને ત્યારે વરસાદ વરસી પડે છે. ઈશ્વર આમ તો રડતો નથી, કિંતુ તેનાં આંસુ હર્ષનાં પણ હોઈ શકે, ધરતી સાથેના મિલનના રોમાંચનાં પણ હોઈ શકે.

વરસાદને હું મારી આંખોમાં સમાવી બેઠો છું
જેમ તારી યાદને હૃદયમાં ઉતારી બેઠો છું,
વરસાદ તો જોકે હોય માંડ ચાર મહિના
ને મારી આંખોમાં તને બારેમાસ જમાવી બેઠો છું…

            આ પ્રિયતમાને મળવાની આતુરતા વરસાદમાં સહજ વધી જાય એ સ્વાભાવિક છે અને એ મળી જશે ક્યાંક કોઈ રસ્તા પર તો? એટલે તેની તૈયારી સાથે જ નીકળવું બહેતર છે. આવા સમયે એમ કહેવાનું મન થાય કે

વહાલાનાં વાદળો લઈ ફરું છું ખિસ્સામાં,
તું મળે તો વરસાવું વરસાદ તારા હિસ્સામાં

આપણા રસ્તા છે અલગ અલગ તો શું થયું
છે અનોખા મોડ આપણા કિસ્સામાં

પકડવાનો છે હાથ એકબીજાનો એવા સમયે
ચાલવાનું આવે જો ક્યારેક લિસ્સામાં…

Categories: Poems / कविताए, Very Nice

Tagged as:

2 replies »

Leave a Reply