SHORT STORIES / लघु-कथाए

પેપરમાં પત્ર….

ધોરણ નવનાં વાર્ષિક પરીક્ષાનાં ગુજરાતી વિષયના પેપર્સ હું તપાસી રહ્યો હતો. પચીસેક પેપર્સ જોવાઈ રહ્યાં. મારા મનમાં રાજીપો છવાઈ ગયો. નિબંધ, અહેવાલ, અર્થ-વિસ્તાર, પ્રશ્નોત્તરી એમ બધાં વિભાગોમાં વિદ્યાર્થીઓ ખીલ્યા હતા. એકથી એક ચડિયાતાં પેપર જોઈને મને મારું ભણાવ્યું એળે ગયું નથી- એ વાતની ખાતરી અને આત્મસંતોષ થયાં.

એવામાં અચાનક એક પેપર પાસે મારે અટકવું પડ્યું. એ પેપરમાં પુછાયેલ એક પણ પ્રશ્નનો જવાબ લખેલ નહોતો. પણ એનાં બદલે દોઢેક પાનાં પર સુંદર અક્ષરોમાં એક પત્ર લખાયેલો હતો ! મને નવાઈ લાગી. આટલા સુંદર અક્ષરો થતાં હોવા છતાં આ વિદ્યાર્થીએ પ્રશ્નોના જવાબ લખવાને બદલે પત્ર શા માટે લખ્યો હશે ? વધારે કંઈ જ વિચાર્યા વિના જિજ્ઞાસાવશ હું એ પત્ર વાંચવા લાગ્યો…..

‘સર, તમને તો ખબર જ છે ને કે હું કેવા પ્રકારનો વિદ્યાર્થી છું ! હું ક્યારેય ફરિયાદનો મોકો આપતો નથી. ક્યારેય તોફાન પણ કરતો નથી. રખડવાનો તો મને સમય જ ક્યાં મળે છે ? હવે તો મિત્રોની સાથે રમવાનું પણ બંધ થઈ ગયું છે. સર, તમને યાદ છે ? તમારા કહેવાથી ત્રણ મહિનામાં મેં મારા અક્ષરોમાં કેટલો સુધારો કરી બતાડેલો !’ હું સહેજ અટક્યો, તરત જ મારા મનમાં ઝબકારો થયો- આ તો જીતેનનું પેપર ! પણ એણે આવું શા માટે કર્યું ? એ તો રેગ્યુલર સ્કૂલે આવનાર અને સારા માર્કસથી પાસ થનાર વિદ્યાર્થી છે ! મારા કહેવાથી આઠમા ધોરણમાં હતો ત્યારે તેણે ત્રણ જ મહિનામાં પોતાના ગરબડિયા અક્ષરો સુધારી બતાવેલ ! પછીથી તો એ મારો પ્રિય વિદ્યાર્થી બની ગયેલ !

ફરીથી મેં જીતેનનો પત્ર આગળ વાંચવાનું શરૂ કર્યું :
‘સર, વાત જાણે એમ છે કે છેલ્લા બે મહિનાથી હું ભણવામાં બરાબર ધ્યાન જ આપી શક્યો નથી. એનું કારણ એ છે કે હવે મારા પપ્પાને કામમાં મદદ કરાવી રહ્યો છું. તમને તો કદાચ ખ્યાલ જ હશે કે અમારે લોન્ડ્રીનો ધંધો છે. પપ્પા એકલા કામમાં પહોંચી વળતા નહોતા. કારીગર રાખવાનું પોસાય તેમ નહોતું. સતત પપ્પાને એકલા હાથે કામ કરતા અને તાણ ભોગવતા જોઈને મેં વિચાર્યું કે હું જ શા માટે પપ્પાને મદદ ન કરું ! શરૂઆતમાં તો હું માત્ર સાંજે બે કલાક કપડાં લેવા-આપવા જવાનું કામ જ કરતો હતો. પરંતુ ધીમે-ધીમે મને બધાં કામ આવડી ગયા અને હું એમાં ગૂંથાઈ ગયો. પછી તો સ્કૂલે પણ નામમાત્રનું આવવાનું રહ્યું. મારું મન તો હંમેશા કામની ચિંતામાં જ ડૂબેલું રહેતું. સ્કૂલેથી છૂટ્યા પછી તરત જ હું લોન્ડ્રીએ જાઉં. પપ્પાની સાથે ટિફિનમાં જમી લઉં અને પછી કામે વળગી જાઉં. રાત્રે રોજ લગભગ નવ-દશ વાગ્યે ઘેર પહોંચું. જમીને હાથમાં ચોપડી લઉં ત્યાં તો ઊંઘ આવી જાય….. કામના લોભે પપ્પા મને લેસન કરવાનું કે વાંચવાનું ન કહે અને એમને મદદ કરાવવાની ધૂનમાં હું હવે લગભગ વિદ્યાર્થી રહ્યો જ નથી !

આમાં પરીક્ષાની તૈયારી શી રીતે થઈ શકે ? હું જાણું છું કે વાંક તો મારો જ છે ! પણ હું પરિસ્થિતિની સામે હારતો ગયો છું અને આજે જ્યારે પેપર લખવા માટે પેન ઉપાડું છું ત્યારે કશું જ યાદ આવતું નથી ! હા, યાદ આવે છે મારું કામ અને પપ્પાનો સંતુષ્ટ ચહેરો ! મારે આગળ ભણવું છે પણ કઈ રીતે ભણું ? અત્યારે તો કરોળિયાની જેમ જાળમાં ફસાઈ ગયો છું ! એમાંથી છૂટવાનો કોઈ માર્ગ મને સૂઝતો નથી. આમેય આ વર્ષે તો હું નાપાસ જ થવાનો ને ? ચિઠ્ઠીઓ રાખીને કે બાજુમાંથી જોઈને પેપર લખવું એ તો યોગ્ય નથી ને, સર ? તમે હંમેશા મને પ્રોત્સાહન અને સારા સંસ્કાર આપ્યા છે અને આજે હું ચોરી કરું ? ના, એ તો ક્યાંથી બને ? પણ હા, અત્યારે મને તમારી કહેલી એક વાત યાદ આવે છે : તમે કલાસમાં અવાર-નવાર કહો છો કે માણસથી ગમે તેવી ભૂલ થાય કે ગુન્હો થાય તો તેણે નિખાલસપણે કબૂલાત કરી લેવી જોઈએ !

સર, મને ખબર નથી કે મેં ભૂલ કરી છે કે ગુન્હો ! પણ મનમાં કંઈક ખોટું થયાની લાગણી જન્મી છે એટલે આ રીતે પેપરમાં પત્ર લખીને તમારી સમક્ષ કબૂલાત કરી રહ્યો છું. મને એકપણ પ્રશ્નનો જવાબ આવડતો નથી એટલે ‘પાસ’ કરી દેવાની વિનંતી તો ક્યાંથી કરી શકું ?! હા, થઈ શકે તો મને માફ કરી દેજો, સર !
તમારો વહાલો વિદ્યાર્થી,
જીતેન.’

પેપરમાં લખાયેલ આ પત્ર વાંચીને મારી આંખો ભીંજાઈ ગઈ. મારું મન મૂંઝવણમાં મુકાઈ ગયું- જીતેનને હું પાસ કરું કે નાપાસ ?!

Leave a Reply